કોરોના મહામારી : લૉકડાઉનને કારણે જીએસટીમાં થયેલો નોંધપાત્ર ઘટાડો સરકારની મુશ્કેલી વધારશે
- ડૉ. જય નારાયણ વ્યાસ
- બીબીસી ગુજરાતી માટે

ઇમેજ સ્રોત, Getty Images
લૉકડાઉનને પરિણામે જ્યારે સમગ્ર ભારતમાં વ્યાપાર-ધંધા બંધ છે, ત્યારે સ્વાભાવિક છે કે લૉકડાઉનની અસર આર્થિક પ્રવૃત્તિઓ ઉપર પડી છે અને તેને પરિણામે સરકારી તિજોરી પર પણ તેની અસર વર્તાઈ રહી છે.
લૉકડાઉન પૂર્વે અર્થતંત્રમાં મંદીનો માહોલ હોવા છતાં ફેબ્રુઆરી 2020માં જી.એસ.ટી. કલેક્શન એક લાખ કરોડ રૂપિયાના લક્ષ્યાંકને પાર કરી ફેબ્રુઆરી મહિનામાં જી.એસ.ટી. હેઠળ એક લાખ પાંચ હજાર કરોડ રૂપિયાની વસૂલી કરી હતી, જે ગત વરસે આ જ મહિનાની વસૂલીની સરખામણીએ આઠ ટકા વધુ હતી.
જોકે ચાલુ વરસે ફેબ્રુઆરીમાં વસ્તુ અને સેવા કર (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ, જી.એસ.ટી.) કલેક્શન ગયા મહિના એટલે કે જાન્યુઆરી 2020 મહિનાના એક લાખ 10 હજાર કરોડ કરતાં ઓછું હતું.
નાણા મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2020માં કુલ જીએસટી કલેક્શન 1,05,366 કરોડ રૂપિયા હતું, જેમાં સી.જી.એસ.ટી. (સેન્ટ્રલ ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ) 20,569 કરોડ રૂપિયા, એસ.જી.એસ.ટી. (સ્ટેટ ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ) 27,348 કરોડ રૂપિયા, આઈ.જી.એસ.ટી. (ઇન્ટિગ્રેટેડ ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ) 48,503 અને સેસ (ઉપકર) 8947 કરોડ રૂપિયા હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિના માટે ફાઇલ કરેલા જીએસટીઆર 3-બી રિટર્નની સંખ્યા 29 ફેબ્યુઆરી સુધી 83 લાખ રહી હતી.
'ટૅક્સ પૅમેન્ટને મોટી અસર પહોંચી'
ઇમેજ સ્રોત, Getty Images
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ગૂડ્સ અને સર્વિસ ટૅક્સમાં એપ્રિલ 2020માં 30થી 40 ટકાનો ઘટાડો આવશે. વરસ 2019 દરમિયાન દર મહિને એપ્રિલ મહિનામાં બિઝનેસ ટ્રાન્જેક્શન તેમજ ટૅક્સ પૅમેન્ટને લૉકડાઉનને કારણે વ્યાપક અસર થવા પામી હતી.
અત્યારે કુલ જીએસટી કલેક્શન તેના નિર્ધારિત કલેક્શન કરતાં પાંચમા ભાગનું થાય છે.
ઍક્સપર્ટનું માનવું છે કે એફ.એમ.સી.જી. (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, વપરાશી ચીજવસ્તુઓ) કંપનીઓએ લૉકડાઉન શરૂ થતાં પહેલાં વેચાણ ઉપર ભાર આપી ઘણુંખરું વેચાણ માર્ચના બીજા સપ્તાહ સુધીમાં કર્યું હતું, જેને લીધે માર્ચમાં જી.એસ.ટી.ની આવકમાં માત્ર 11 ટકા ઘટાડો થવા પામ્યો હતો.
વ્યાપાર-ધંધા બંધ હોવાથી કોઈક જગ્યાએ ઑર્ડર પૅન્ડિંગ છે તો કોઈક જગ્યાએ બનેલા તૈયાર માલનું ટ્રાન્સપૉર્ટેશન શક્ય ન બનતાં માર્ચમાં ઈ-વે બિલિંગમાં 30 ટકા, જ્યારે એપ્રિલ મહિનામાં 80 ટકા ઈવે બિલમાં ઘટાડો થશે તેવો અંદાજ છે.
ઈ-વે બિલમાં થતો ઘટાડો સીધી રીતે જોઈએ તો જી.એસ.ટી. કલેક્શનમાં થયેલો ઘટાડો ગણાય. પ્રાપ્ત માહિતી મુજબ, 1થી 17 એપ્રિલ સુધીમાં 67 લાખ જેટલા ઈ-વે બીલ જનરેટ થયાં હતાં, જ્યારે તેની સામે માર્ચ મહિનામાં ચાર કરોડ જેટલાં બિલ જમા થયાં હતાં.
ઈ-વે બિલ ત્યારે જ જનરેટ થાય જ્યારે 50000 કરતાં વધારે રૂપિયાના ગૂડ્સનું રાજ્યની અંદર અથવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ ટ્રાન્સપૉર્ટ થતો હોય. ઈ-વે બિલમાં એપ્રિલમાં 83 ટકાનો ઘટાડો એ સૂચવે છે કે એપ્રિલ મહિનાના જી.એસ.ટી. કલેક્શનમાં નોંધપાત્ર ઘટાડો થશે જેની અસર મે મહિનામાં થશે.
'સરકાર પાસે આવકનાં સાધનો સીમિત'
દરેક ધંધા-રોજગારો દર મહિનાની 20મી તારીખ સુધીમાં ટૅક્સ ચૂકવી દેતા હોય છે ત્યારે અગાઉના મહિનાના વ્યવહારો માટે કર ચૂકવવા માટે મહિનાની 20મી તારીખ સુધીનો સમય હોય છે.
જીએસટીની મે મહિનાની આવક આર્થિક પ્રવૃત્તિઓમાં ઘટાડાની સંપૂર્ણ અસરને પ્રતિબિંબિત કરશે.
આમ, સરકાર પાસે આવકનાં સાધનો સીમિત છે અને કોરોનાને કારણે કેન્દ્ર સરકાર વિવિધ એક લાખ 70 હજાર કરોડની રાહતો જાહેર કરી છે અને હજુ પણ કરશે, પરંતુ ગત વરસની મંદી કરતાં કોરોનાને કારણે જ્યારે ખેતી સિવાયની સંપૂર્ણ આર્થિક પ્રવૃત્તિઓ બંધ હોવાથી તેની અસર દેશની આવક ઉપર પડશે.
સરકારે રિઝર્વ બૅન્ક પાસેથી રેપોરેટ ઘટાડી અને બીજા પૅકેજો થકી માર્ચ મહિનામાં કરેલી જાહેરાતને પગલે 3,74,000 કરોડની તરલતા એટલે કે લિક્વિડિટી અથવા નાણાં-પુરવઠાનો રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પૉલિસીરાહત-2 અંતર્ગત રેપોરેટને યથાવત્ રાખી રિવર્સ રેપોરેટમાં 25 બૅસિસ પૉઇન્ટ જેટલો ઘટાડો કરી 3.75 ટકા કરવાની જાહેરાત કરી હતી.
એક બીજો બુસ્ટર ડોઝ અર્થવ્યવસ્થાને આપવામાં આવ્યો હતો. વળી, મ્યુચ્યુઅલ ફંડને બચાવવા પણ હમણાં 50,000 કરોડનું પૅકેજ રજૂ કર્યું.
'ન વપરાયેલા પૈસાનું યોગ્ય આયોજન થવું જોઈએ'
આમ, રિઝર્વ બૅન્કે પોતાની મર્યાદામાં રહી રાહતો આપી છે, પરંતુ કેન્દ્ર સરકારે પણ રિઝર્વ બૅન્ક ઉપર બોજ નાખ્યા કરતાં સરકાર પાસે જે તે વિભાગોને ફાળવેલા રૂપિયા વપરાયા ન હોય તે આ કપરા સમયે આયોજનપૂર્વક વાપરવા જોઈએ.
સરકાર પાસે આવકનું મોટું સાધન લૉકડાઉનને કારણે નિર્ધારિત લક્ષ્યાંક સિદ્ધ કરી શકશે નહીં તે જોતાં સરકારે આ અંગે વિચારવું પડશે.
આ બધું કરવા છતાં જ્યાં સુધી ઉત્પાદનકારોને જરૂરી મૂડી મળી ન રહે અને સામે બજારમાં પણ ગતિવિધિ શરૂ ન થાય ત્યાં સુધી ગમે તેટલા બુસ્ટર ડોઝ જાહેર કરવામાં આવે તેની અસર થશે નહીં.
ઉપભોગકર્તાઓના હાથમાં પૈસા અને એ પૈસા વાપરવા માટે બજાર જરૂરી છે, પણ કોરોનાને કારણે બજારો બંધ છે ત્યારે તેનો ફાયદો અર્થવ્યવસ્થાને મળશે નહીં.
ઉત્પાદક, વ્યાપારી અને ઉપભોગકર્તાની આખી ચેઇન પૂરી ના થાય ત્યાં સુધી અર્થતંત્રને ગતિવાન કરી શકાય નહીં. અને જ્યાં સુધી આ ચેઇન પૂરી ન થાય ત્યાં સુધી સરકારી તિજોરીમાં આવક પણ ન થાય.
વિશ્વમાં પણ બધા જ દેશો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. જે દેશોનાં બજાર ખૂલ્યાં છે, પરંતુ બીજા દેશોમાં જ્યાં લૉકડાઉનની સ્થિતિ હજુ પણ છે તો તે દેશોમાં માગ ક્યાથી નીકળશે?
આમ, દુનિયાભરમાં અગાઉ મેં કહ્યું તેમ ઉત્પાદક, વ્યાપારી અને ઉપભોગકર્તાની આખી ચેઇન પૂરી થાય તો અર્થતંત્ર ગતિ પકડે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો