લૉકડાઉન : રાજકોટમાં ધંધા-ઉદ્યોગ ફરી શરૂ થશે - Top News

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે મંગળવારે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે કે 14મી મેથી રાજકોટમાં ધંધા-ઉદ્યોગ શરૂ કરવાની પરવાનગી આપશે.

મુખ્ય મંત્રીના સેક્રેટરી અશ્વિની કુમારે આ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન રાજકોટમાં એક પણ નવો કેસ ન આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમનું કહેવું છે કે કન્ટેઇનમૅન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધંધા-ઉદ્યોગો ખોલી શકાશે.

અહેવાલમાં ટાંક્યું છે કે રાજકોટ જિલ્લામાં કુલ સાત કન્ટેઇનમૅન્ટ ઝોન્સ આવેલા છે.

ભારતમાં કાર્બન ડાયૉક્સાઇડનું ઉત્સર્જન ચાર દાયકામાં સૌથી ઓછું

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લા ચાર દાયકાઓ બાદ પહેલી વખત એવું બન્યું છે કે ભારતમાં કાર્બન ડાયૉક્સાઇડના ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' તેમના અહેવાલમાં લખે છે કે સેન્ટર ફોર રિસર્ચ ઍન્ડ ઍનર્જી માટે કરવામાં આવેલા સંશોધનમાં આ વાત સામે આવી છે.

સંશોધન પ્રમાણે માર્ચ મહિનામાં કાર્બન ડાયૉક્સાઇડના ઉત્સર્જનમાં 15 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો અને એપ્રિલમાં 30 ટકા જેટલો ઘટાડો થયો હોવાનું નોંધ્યું છે.

આ માટેનું મુખ્ય કારણ લૉકડાઉનને ગણવામાં આવી રહ્યું છે.

પશ્ચિમ બંગાળમાં કોરોનાના વાદવિવાદમાંથી હિંસા

ઇમેજ સ્રોત, Sanjay Das/BBC

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તેલિનીપાડામાં કોરોના વાઇરસ સંક્રમણ મામલે ચાલેલા વિવાદના પગલે બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું, જેમાં આગચંપીની ઘટનાઓ પણ ઘટી.

આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરાઈ છે. આ ઘટનામાં અનેક ઈજાગ્રસ્ત થયા છે, પોલીસ દ્વારા આ મામલામાં 37ની ધરપકડ કરવામાં આવી છે.

હિંસાની શરૂઆત કેવી રીતે થઈ એની પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે પણ એક વાત નિશ્ચિત છે કે કોરોના વાઇરસના સંક્રમણના મામલે ચાલી રહેલા વિવાદ અંગે બે જૂથ બાખડ્યાં હતાં.

આ હિંસા મામલે મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ભાજપ પર આક્ષેપો કર્યા હતા, જ્યારે ભાજપ મુખ્ય મંત્રી અને રાજ્ય સરકાર પર વળતા આક્ષેપ કર્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.