ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુપ્રીમ કોર્ટમાં અપીલ, મંત્રીપદ ટકી રહેવાની શક્યતા કેટલી છે?

  • ભાર્ગવ પરીખ
  • બીબીસી ગુજરાતી માટે
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ઇમેજ સ્રોત, Bhupendrasinh Chudasma

કોરોના મહામારી વચ્ચે કૅબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણી રદ થતાં ગુજરાતના રાજકારણમાં નવો ભૂકંપ સર્જાયો છે. ગુજરાત હાઈકોર્ટે ધોળકા બેઠકની ચૂંટણી રદ કરતા ભૂપેન્દ્ર ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુપ્રીમ કોર્ટમાં ગયા છે અને તેની સામે અમારા અસીલ અશ્વિન રાઠોડે તરફથી કેવિયટ પિટિશન દાખલ કરવામાં આવી એવું અશ્વિનના વકીલ શર્વિલ મજમૂદારે કહ્યું છે.

ગઈ કાલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાઈકોર્ટના ચુકાદાને પડકારવાની વાત કરી હતી.

ગુજરાત હાઈકોર્ટે એ વખતના ચૂંટણી અધિકારી ધવલ જાનીએ નિષ્કાળજી દાખવી હોવાનું સ્ટ્રિક્ચર પસાર કરતાં હવે કાનૂની લડાઈ અઘરી થઈ ગઈ છે.

ગુજરાત હાઈકોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે હારી ગયેલા અશ્વિન રાઠોડે એવી અરજી કરી હતી કે માત્ર 327 મતથી જીતેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વોટની ગણતરીમાં 429 બૅલેટ-પેપરના મતને ધ્યાને લેવામાં ન આવ્યા.

ગુજરાત હાઈકોર્ટે 73 વખત સુનાવણી કર્યા બાદ તે વખતના ચૂંટણી અધિકારી ધવલ જાનીનું ક્રૉસ ઍક્ઝામિનેશન કર્યું અને એ પછી ચૂંટણીને રદ ઠેરવતો ચુકાદો આપ્યો છે.

ખુરશી પર બેસવાનો અધિકાર નથી

ઇમેજ સ્રોત, BHUPENDRASINH CHUDASAMA SOCIAL

સવાસોથી વધુ પાનાંના ચુકાદાનું અર્થઘટન કરતાં જાણીતા વકીલ અને બંધારણીય બાબતોના નિષ્ણાત મહેશ ભટ્ટે કહ્યું કે ગુજરાત હાઈકોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે એ ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરે છે અને ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે.

તેઓ આગળ કહે છે, "આથી એમને પ્રધાન તરીકેની ખુરશી પર બેસવાનો કોઈ અધિકાર નથી. એટલું જ નહીં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તરફથી આ ઑર્ડર પર સ્ટે મૂકવાની માગણી પણ કરવામાં આવી હતી, પરંતુ એને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે."

"અલબત્ત સુપ્રીમ કોર્ટમાં જવાનો એક રસ્તો એમના માટે બચેલો છે, પરંતુ નૈતિકતાના ધોરણે એમણે તાત્કાલિક મંત્રીપદ છોડી દેવું જોઈએ. બંધારણીય રીતે જ્યારે એ ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરે તો એમણે તાત્કાલિક અસરથી ધારાસભ્યપદેથી અને મંત્રીપદેથી ઊતરી જવું જોઈએ."

કૉંગ્રેસનો ઉમેદવાર જીત્યો નથી, ચૂંટણી રદ થઈ છે

વકીલ અને બંધારણના નિષ્ણાત સુબ્રમણ્યમ ઐયરે કહે છે કે ચુકાદાનો મેં અભ્યાસ કર્યો છે, ઇલેકશન પિટિશન કરનાર કૉંગ્રેસના ઉમેદવારને હાઈકોર્ટે વિજેતા જાહેર નથી કર્યા. પરંતુ આ ચૂંટણી રદ કરી છે.

ઐયર કહે છે કે અદાલતે ચુકાદામાં ટાંક્યું પણ છે કે ચૂંટણીમાં બૅલેટ-વોટની ગણતરીમાં ગેરરીતિ થઈ છે માટે ચૂંટણી રદ કરવામાં આવે છે. આમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરે છે.

તેઓ ઉમેરે છે કે કાયદાકીય રીતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 2017થી અત્યારે 2020 સુધી ધારાસભ્ય તરીકે અને પ્રધાન તરીકે મેળવેલા તમામ હકો તાત્કાલિક અસરથી સરકારને પરત આપી દેવા જોઈએ.

તેઓ કહે છે, "એમણે અત્યાર સુધી લીધેલો ધારાસભ્ય તરીકેનો પગાર, મંત્રી તરીકેનાં ભથ્થાં, ટેલિફોન અને પ્રવાસ ભથ્થાંથી માંડીને તમામ ખર્ચના પૈસા સરકારમાં જમા કરાવવા જોઈએ કારણ કે તેઓ ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠર્યાં છે."

મહેશ ભટ્ટ માને છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુપ્રીમ કોર્ટમાં અરજન્ટ હિયરિંગની અરજી કરી શકે અને જો સુપ્રીમ કોર્ટ સ્ટે આપે તો અલગ બાબત છે.

તેઓ કહે છે કે, ભાજપના તત્કાલીન ગૃહમંત્રી એલ. કે. અડવાણી સામે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી જીતુભાઈ શાહે જીતને પડકારતી અરજી કરી હતી, પણ એમનો કાર્યકાળ પૂરો થયો ત્યાં સુધી કોઈ ચુકાદો આવ્યો ન હતો.

ભટ્ટ એવું પણ કહે છે કે આ એવો પહેલો કેસ છે, જેમાં એમનો કાર્યકાળ પૂરો થયો એ પહેલાં ચુકાદો આવ્યો છે.

તેઓ ભૂતકાળના ઉદાહરણોને ટાંકતાં કહે છે, "કોઈ પણ ધારાસભ્ય કે પ્રધાન સામે કોઈ આક્ષેપ પૂરવાર થાય તો એમને રાજીનામું આપવું પડે."

"ભૂતકાળમાં કેન્દ્રીય પ્રધાન હરિન પાઠક અને ગુજરાતના પ્રધાન અશોક ભટ્ટને ગુજરાતમાં થયેલી હિંસાના બનાવોમાં કોર્ટે દોષી ઠેરવ્યા, ત્યારે એમણે પ્રધાનપદેથી રાજીનામાં આપ્યાં હતાં."

"હાઈકોર્ટે એ ચુકાદા પર સ્ટે આપ્યો પછી તેઓ ફરી મંત્રી બન્યા હતા અને ત્યારબાદ એ આ કેસમાંથી નિર્દોષ છૂટ્યા હતાં. જો કે એમનું ધારાસભ્ય પદ રદ થયું ન હતું. આમ છતાં નૈતિકતાના ધોરણે એમણે રાજીનામુ આપ્યું હતું."

"અહીં તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધારાસભ્ય તરીકે જ ગેરલાયક ઠર્યા છે તેથી ત્યારે એમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ ત્યાર બાદ જ સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ."

જોકે, ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

સુપ્રીમ કોર્ટમાં થશે નિર્ણય

ઇમેજ સ્રોત, Getty Images

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તરફે ત્રણ વકીલોની ટીમ કામ કરી રહી છે. ત્રણ વકીલોની આ ટીમ સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાને પડકારવા માટે અભ્યાસ કરી રહી છે.

જનસંઘના સમયથી ભાજપ સાથે જોડાયેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વ્યવસાયે વકીલ હતા. મૂળ ધોળકાના ભૂપેન્દ્રસિંહે અમદાવાદની લૉઅર કોર્ટમાં વર્ષો સુધી વકીલાત કરી હતી.

ભાજપના ચુસ્ત કાર્યકર તરીકે 1980 અને 85ની બે ચૂંટણી લડ્યા હતા, પરંતુ દલિત, મુસ્લિમ અને ક્ષત્રિયોનો પ્રભાવ ધરાવતી આ બેઠક પરથી હાર્યા હતા.

ત્યાર બાદ 1990ની ચૂંટણીમાં જીત્યા ત્યારે ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલની સંયુક્ત સરકારમાં પહેલી વાર મંત્રી બન્યા હતા.

1995માં ફરી જીત્યા હતા અને કેશુભાઈની સરકારમાં મંત્રી હતા, પરંતુ આ સમયે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો અને હજૂરિયા-ખજૂરિયા પ્રકરણ થયું.

શંકરસિંહ વાઘેલા રાજકીય ગુરૂ હોવા છતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપ છોડીને નહોતા ગયા. 1998ની ચૂંટણીમાં એમણે પરાજયનો સામનો કર્યો.

જોકે, 2002માં ફરી ચૂંટાયા અને મોદી સરકારમાં ફરીથી મંત્રી બન્યા હતા. 2007માં ચૂંટણી હારી ગયા અને અને 2012ની ચૂંટણીમાં ફરીથી જીત્યા.

2017ની ચૂંટણીમાં એમના મતવિસ્તારમાં થયેલા દલિત આંદોલનોને કારણે માત્ર 327 મતથી જીત્યા હતા, જે જીત હવે ગેરકાયદે ઠરી છે.

આ સંજોગોમાં ભાજપના દરેક નેતાઓની નજર હવે સુપ્રીમ કોર્ટમાં આવનારા ચુકાદા પર રહેશે અને એ ચુકાદો જ નક્કી કરશે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રધાનપદે ચાલુ રહી શકશે કે કેમ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો