અંફન ચક્રવાત : આવતીકાલે પશ્ચિમ બંગાળને ટકરાય તેવી શક્યતા, લાખોનું સ્થળાંતર

અંફન વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

પહેલાથી જ કોરોના મહામારીનો સામનો કરી રહેલા ભારત માટે અંફન વાવાઝોડું બીજી મુસીબત લઈને આવી રહ્યું છે.

બંગાળની ખાડીમાં પેદા થયેલું વાવાઝોડું અંફન સોમવારે બપોરે સુપર સાયક્લોનમાં પરિવર્તિત થઈ ગયું છે.

ઑક્ટોબર 1999 બાદ પ્રથમ વખત એવું બન્યું છે કે બંગાળની ખાડીમાં કોઈ સુપર સાઇક્લોન બન્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડાની પવન ગતિ 220-240 કિલોમિટર પ્રતિ કલાકની હોય શકે છે.

220 કિલોમિટર પ્રતિકલાકની ઝડપ હોય તેવા વાવાઝોડાને સુપર સાયક્લોનનો દરજ્જો આપવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Twitter/IMD

આ વાવાઝોડું ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને અસર કરે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશામાં 19 મે સાંજેથી જ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે પવનની ગતિ વધી જશે. ૨૦ મેના રોજ પવનની ગતિ વધારે ઝડપી બની જશે.

ઓડિશાના 12 જિલ્લાને ઍલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને વાવાઝોડાના સંભવિત નુકસાનને જોતાં કુલ 11થી 12 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવે તેવી શક્યતા છે.

નક્શામાં

વિશ્વમાં કુલ કન્ફર્મ કેસ

Group 4

વધુ સારી રીતે નિહાળવા કૃપા કરીને આપનું બ્રાઉઝર અપગ્રેડ કરો

સ્રોત : જૉન હૉપકિન્સ યુનિવર્સિટી, રાષ્ટ્રીય આરોગ્ય સેવાઓ

ડેટા અપડેટ થયાનો સમય 1 જૂન, 2022 2:54 PM IST

વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે ભારે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તૈયારીઓ મામલે બેઠક કરી હતી. એનડીઆરએફની 12 ટીમો તથા ઓડીઆરએફની 20 ટીમોને ખડેપગે રાખવામાં આવી છે.

તોફાનને કારણે ઓડિશામાં શ્રમિકોને લઈને આવતી ટ્રેનો પણ રદ કરી દેવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં પણ ઍલર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઓડિશાની જેમ પશ્ચિમ બંગાળમાં પણ અંફનને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

હવામાન વિભાગે ચેતવણી જાહેર કરતા માછીમારોને 20 તારીખ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપી છે.

ઉપરાંત 19 અને ૨૦ મેના રોજ દરિયાકિનારાના વિસ્તારોમાં 120થી 150 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.

અંફન એક તાકાતવર વાવાઝોડાના રૂપમાં 20 મેના બપોર અને સાંજની વચ્ચે જમીન પર ત્રાટકવાની સંભાવના છે.

હવામાન વિભાગના કહેવા મુજબ ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારે રહેતા લોકોએ ભારેથી અતિભારે વરસાદનો સામનો કરવો પડશે.

ઇમેજ સ્રોત, IMD

ઝડપથી ફૂંકાતા પવનને કારણે મકાનો, વૃક્ષો, ખેતીમાં ઊભા પાક, વીજળીના થાંભલા તથા અન્ય વસ્તુઓને નુકસાન પહોંચાડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રેલવે નેટવર્કને પણ આ વાવાઝોડાને કારણે અસર પહોંચાડી શકે છે. જોકે, હાલ લૉકડાઉનમાં માત્ર ખાસ ટ્રેનોને જ ચલાવવાની મંજૂરી છે.

બંગાળ અને ઓડિશાનું કહેવાનું છે કે તેઓ વાવાઝોડા સામેની તૈયારીઓ કરી રહ્યાં છે. બંને રાજ્યો આવનારી સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

આ બંને રાજ્યોમાં વાવાઝોડાની આપત્તિ ત્યારે આવી રહી છે જ્યારે દેશ કોરોના વાઇરસ જેવી મહામારીનો સામનો કરી રહ્યો છે. ગયા વર્ષે ઓડિશામાં આવેલા વાવાઝોડા ફેનીમાં રાજ્યની કામગીરીને વખાણવામાં આવી હતી. જે બાદ આ વર્ષે તેના પર અંફનનો ખતરો તોળાઈ રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો