ભારત સાથે જોડાયેલી સીમા પર તારબંધી કેમ નથી કરતું પાકિસ્તાન?
- જુગલ આર. પુરોહિત
- બી.બી.સી. સંવાદદાતા, નવી દિલ્હી

ઇમેજ સ્રોત, EPA/RAMINDER PAL SINGH
ભારતીય સીમા
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અનિર્ધારિત વાસ્તવિક સીમારેખા (એલ.ઓ.સી.) પર ઘણી જગ્યાએ થયેલા ઘર્ષણના સમાચાર ભારતીય મીડિયામાં આવ્યા હતા, પરંતુ એક એવી સીમા છે જેના પર થઈ રહેલી ગતિવિધિ પર કોઈએ ખાસ ધ્યાન નથી આપ્યું.
આઠમી મેના રોજ ઈરાન સાથે જોડાયેલા પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની સીમા પાસે છ પાકિસ્તાની સુરક્ષાબળ માર્યા ગયા હતા.
તેમની ગાડીને રિમોટકંટ્રોલથી આઈ.ઈ.ડી. (ઇમ્પ્રૂવાઇઝ્ડ ઍક્સ્પલૉઝિવ ડિવાઇસ) બ્લાસ્ટ કરીને ઉડાવી દીધી હતી. મૃતકોમાં પાકિસ્તાની સૈનિકોમાં એક મેજર રૅન્કના અધિકારી પણ હતા.
પાકિસ્તાની સેનાના પબ્લિક રિલેસન્સ વિભાગના ડાયરેક્ટર (ડીજી, આઈએસપીઆર) અનુસાર, આ ટીમ પાકિસ્તાન-ઈરાન સીમાથી 14 કિમીના વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગમાં હતી.
આ ટીમ બહુ મુશ્કેલ અને પહાડી વિસ્તારમાં ચરમપંથીઓના સંભવિત રસ્તાઓ ચેક કરી રહી હતી.
ચાર દિવસ બાદ 12 મેના રોજ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ ઈરાની સેનાના ચીફ મેજર જનરલ બાઘેરીને એક કૉલ કર્યો.
આ કૉલમાં બાજવાએ "પાકિસ્તાની સુરક્ષાબળો પર થયેલા હુમલાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં પાક-ઈરાન સીમા પાસે અંદાજે છ સુરક્ષાબળોનાં મૃત્યુ થયાં હતાં."
તેઓએ ઈરાની સેનાધ્યક્ષને કહ્યું, "પાકિસ્તાને સીમા પર તારબંધીનું કામ શરૂ કરી દીધું છે, પરંતુ તેના માટે બંને પક્ષે સહયોગની જરૂર રહેશે."
અગાઉના દિવસે બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં જનરલ બાજવા સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.
આઈએસપીઆર અનુસાર, "તેઓને સુરક્ષાની સ્થિતિ, ઑપરેશનલ તૈયારીઓ અને પાક-અફઘાન અને પાક-ઈરાન સીમાઓ પર તારબંધી સહિત સીમા પ્રબંધન અંગે જણાવાયું હતું."
પરંતુ પાકિસ્તાનના પડોશીઓ સાથેના સંબંધોને લઈને ભારત શા માટે ચિંતા કરે?
આનો જવાબ જાણવા માટે પાકિસ્તાનની ભૌગોલિક સ્થિતિને સમજવી જરૂરી છે.
કેટલા દેશોથી ઘેરાયેલું છે પાકિસ્તાન?
પાકિસ્તાન સાથે ચાર દેશની સીમા લાગે છે. પાકિસ્તાનની સીમાનો સૌથી નાનો ભાગ ચીન સાથે જોડાયેલો છે અને આ સીમા અંદાજે 599 કિમી લાંબી છે.
ત્યારબાદ નંબર આવે છે ઈરાનનો અને પાકિસ્તાનના પશ્ચિમમાં ઈરાન સાથેની સીમા 909 કિમી લાંબી છે. આ આખો બલૂચિસ્તાન પ્રાંતનો વિસ્તાર છે.
પાકિસ્તાનની 2,611 કિમી લાંબી સીમા અફઘાનિસ્તાન સાથે પણ જોડાયેલી છે. બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતોની સીમાઓ અફઘાન સીમા સાથે લાગેલી છે.
પાકિસ્તાનની સીમાનો સૌથી મોટો ભાગ ભારત સાથે જોડાયેલો છે.
ભારત સાથે લાગેલી સીમાને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા, વર્કિંગ બાઉન્ડરી અને લાઇન ઑફ કંટ્રોલ (એલ.ઓ.સી.)ના રૂપમાં વિભાજિત કરે છે. ભારત સાથેની આ સીમા 3,163 કિલોમીટર લાંબી છે.
તો પાકિસ્તાન સીમાના કેટલાક ભાગમાં તારબંધી કેમ કરે છે? અને તે પોતાના ચાર પડોશીમાંથી માત્ર બે સાથે જોડાયેલી સરહદ પર કેમ તારબંધી કરી રહ્યું છે?
તારબંધીથી કોને ફાયદો?
ઇમેજ સ્રોત, AFP PHOTO/ SAJJAD HUSSAIN
સલમાન ઝૈદી ઇસ્લામાબાદની ઝીણા ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે કામ કરે છે. ઝૈદી કહે છે કે તેની પાકિસ્તાને ક્યારેય યોજના બનાવી નહોતી.
તેઓ કહે છે, "ઈરાન સાથે બંને તરફથી ઓછા વિકસિત વિસ્તારો છે. આ સ્થળો પર સરકારી નિયંત્રણ ઢીલું છે.""તેના કારણે આ વિસ્તાર પ્રતિબંધિત સમૂહો, તસ્કરો અને અવૈધ ગતિવિધિઓનો અડ્ડો બની ગયો છે."
"પાકિસ્તાન અને ઈરાન વચ્ચે તારબંધીને લઈને ઘણાં વર્ષોથી ચર્ચા ચાલી રહી છે."
"તેનું કારણ સીમામાં બંને તરફથી સરકારવિરોધી તત્ત્વોના સરકાર થનારા હુમલા છે."
"પણ હાલમાં જ પાકિસ્તાને વધુ કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે અને એકતરફી તારબંધીનું એલાન કરી દીધું છે."
"હાલમાં 10 દિવસ પહેલાં અહીંના સૅનેટે 950 કિમી સીમા પર તારબંધી માટે ત્રણ અબજ રૂપિયાના પ્રસ્તાવનું એલાન કર્યું હતું.""તારબંધીને લઈને પહેલાં ઈરાન અને પાકિસ્તાન બંને સહમત હતા અને તેનાથી બંને પક્ષોને ગેરકાયદે અવરજવર અને ગતિવિધિઓને રોકવામાં મદદ મળશે."
ઝૈદી જણાવે છે, "જ્યાં સુધી અફઘાનિસ્તાનની વાત છે તો અમેરિકા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે એક દસકથી વધુ ચાલેલી ચર્ચા પાકિસ્તાન-અફઘાનિસ્તાન સીમા પર કોઈ મજબૂત સુરક્ષા તૈયાર કરવામાં નિષ્ફળ રહી છે. આ વિસ્તારમાં ચરમપંથી સરળતાથી અવરજવર કરે છે."
"અફઘાન સરકાર સીમા પર તારબંધી માટે રાજી નહોતી, કેમ કે ઐતિહાસિક રીતે ડૂરંડ રેખાને માનતા નથી. આથી પાકિસ્તાનને એકતરફી તારબંધી કરવાનો
નિર્ણય લેવો પડ્યો, કેમ કે અફઘાનિસ્તાનની સરકાર ચરમપંથીઓના સીમા પાર કરવામાં અને પાકિસ્તાનમાં હુમલા કરવાથી રોકવામાં નિષ્ફળ રહી છે. આ તારબંધી આ વર્ષે પૂરી થઈ જશે."
ઇમેજ સ્રોત, AFP PHOTO/ARIF ALI
ચીન સાથે જોડાયેલી સીમા પર પાકિસ્તાન કેમ તારબંધી કરતું નથી?
સલમાન ઝૈદી કહે છે, "ચીન સાથેની પાકિસ્તાનની સીમા દુશ્મનાવટભરી નથી. તેમ છતાં અહીં મોટી સંખ્યામાં સુરક્ષાદળ તહેનાત છે.""અહીં સંયુક્ત પેટ્રોલિંગ થાય છે, પરંતુ તારબંધી કરવાનો કોઈ સવાલ નથી. પાક-ચીન સીમામાં ઘૂસણખોરી કરવી સરળ પણ નથી.""સાથે જ અહીં દહાડી મજૂરો સહિત અન્ય સમસ્યાઓ પણ નથી."
પાકિસ્તાન ભારત સાથેની પોતાની સીમા પર તારબંધી કેમ નથી કરતું?
તેને લઈને પાકિસ્તાને ભારત સાથે યુદ્ધ કર્યાં છે, બંને દેશ વચ્ચે ઘણી બાબતે વિવાદ છે અને સાથે જ તે ભારત પર આંતરિક અસ્થિરતા પેદા કરવા માટે ઘૂસણખોરી કરાવવાનો આરોપ પણ લગાવે છે.
પાકિસ્તાનના આઈએસપીઆરે તે અંગેના સવાલોના કોઈ જવાબ ન આપ્યા.
ઇમેજ સ્રોત, ISPR
13 મેના રોજ ક્વેટામાં સેનાની તૈયારીનું નિરીક્ષણ કરતી વેળાએ પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા
ઝૈદી આ મામલે પાકિસ્તાનનું વલણ દર્શાવે છે. તેઓ કહે છે, "તારબંધી કરવાનું કારણ સુરક્ષા સંબંધી મુશ્કેલીઓ હોય છે." ભારતે તારબંધી કરી છે, જેથી તે જેને ઘૂસણખોરી કહે છે એ રોકી શકાય."
"જ્યારે ભારતે તારબંધીનો નિર્ણય લીધો ત્યારે પાકિસ્તાને કોઈ વિરોધ કર્યો નહોતો. પરંતુ વિસ્તાર અને વસતીની સુરક્ષાની જવાબદારી હવે ભારત પર છે." "તે સીમા પર થતી ઘૂસણખોરી પર સવાલ ન ઉઠાવી શકે, કેમ કે તારબંધી ખુદ ભારતે કરી છે."
બીજી તરફ ભારતમાં જાણકારોનું કહેવું છે કે પાકિસ્તાનના પગલામાં એક સંદેશ છુપાયો છે.
પૂર્વ સેના પ્રમુખ જનરલ વિક્રમ સિંહ જણાવે છે, "એ સ્પષ્ટ છે કે પાકિસ્તાન ઈરાન અને અફઘાનિસ્તાન સાથે પોતાની સીમા પર જોખમ ઓછું કરવાનો પ્રયાસ કરે છે. આ સીમાઓના માધ્યમથી થતી સરળ ઘૂસણખોરીને કારણે ચરમપંથી હુમલા થતા રહે છે."
જનરલ સિંહ કહે છે, "ભારત સાથે પાકિસ્તાનને તારબંધીની કોઈ જરૂર નથી, કેમ કે ભારત એક જવાબદાર લોકતાંત્રિક દેશ છે અને તે પાકિસ્તાનને નુકસાન પહોંચાડવા માટે ચરમપંથીઓને પ્રોત્સાહન નથી આપતું."
ભારતના સીમા સુરક્ષા બળ (બીએસએફ)ના પૂર્વ એડિશનલ ડીજી સંજીવ કૃષ્ણન સુદ કહે છે:
"તારબંધી ન કરીને પાકિસ્તાન એક રીતે એ સ્વીકાર કરે છે કે ભારત તરફથી કોઈ ઘૂસણખોરી કે અન્ય ખોટી હરકતો થતી નથી. જો પાકિસ્તાન તારબંધી કરે તો જે ઘૂસણખોરોને જે સીમા પર મોકલે છે એમને પકડવા ભારત માટે સરળ થઈ થશે."
ડિસેમ્બર 2018માં ભારતના ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે સરકારે માત્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની સીમા પર તારબંધી કરવાની યોજના બનાવી છે.
ભારતની સરહદ મ્યાનમાર, ચીન, નેપાળ અને ભૂતાન સાથે જોડાયેલી છે.
ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર, પાકિસ્તાન સાથે જોડાયેલી 2,289 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સીમામાંથી 2004 કિમી સીમા પર તારબંધીનું કામ પૂરું થઈ ગયું છે.
પૂર્વ ઍડિશનલ ડીજી સંજીવ કૃષ્ણન સુદ અનુસાર, "ભારતે તારબંધી કરી અને તેનાથી પાકિસ્તાન આપણી પેટ્રોલિંગ અવરજવરને જોવામાં સક્ષમ થઈ ગયું છે, કેમ તે ગેટ ખોલીને તારબંધી પાસે રાતના સમયે એ વિસ્તારમાં રહે છે. ઘૂસણખોરી રોકવા માટે આપણે આ કિંમત ચૂકવવી પડી છે."
ભારતીય સેનાએ પાકિસ્તાન સાથે જોડાયેલી 740 કિમી લાંબી લાઇન ઑફ કંટ્રોલ પાસે ઍન્ટિ ઇનફિલ્ટ્રેશન ઑબ્સ્ટેકલ સિસ્ટમ (એઆઈઓએસ) લગાવી છે.
ઇમેજ સ્રોત, Getty Images
સુદ જણાવે છે કે ભારતમાં સીમા પર તારબંધી કરવાનો વિચાર પહેલી વાર 80ના દશકમાં આવ્યો હતો.
તેઓએ કહ્યું, "ત્યારે એવું વિચારવામાં આવ્યું હતું કે ચરમપંથીઓની ઘૂસણખોરી રોકવા માટે આ ઉપાય જરૂરી છે અને પોતાની સીમિત ક્ષમતાઓને કારણે બીએસએફ ઘૂસણખોરી રોકી નહીં શકે."
તો શું પાકિસ્તાન ક્યારેય ભારત સાથેની સીમા પર તારબંધી કરશે? અમને એ સવાલનો જવાબ ખબર નથી.
જોકે પાકિસ્તાનની સેના આ સવાલનો જવાબ નથી આપતી, પરંતુ ઝૈદી અનુસાર, તેઓએ હજુ સુધી આવા કોઈ પ્રસ્તાવ વિશે સાંભળ્યું પણ નથી.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો