કોરોના ઇકૉનૉમી : ચીનનું ગ્લોબલ ફેકટરીનું સ્થાન ભારત આંચકી શકશે?

  • નિખીલ ઇનામદાર
  • બીબીસી ન્યૂઝ, મુંબઈ
નિર્મલા સીતારમણ

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં ચેપ ફેલાવી રહ્યો છે, ત્યારે ચીન સામે આંતરરાષ્ટ્રીયકક્ષાએ રોષ પણ વધી રહ્યો છે. તેના કારણે વિશ્વની મનપસંદ ફૅક્ટરી તરીકેનું સ્થાન તે ગુમાવે તેવું પણ બને.

કોરોના સામેની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની તપાસ અને મહમારીના મૂળ સુધી જવાની વાતો પણ ચીનને ભીંસમાં મૂકે છે.

ભારતને અહીં તક દેખાઈ રહી છે અને ચીને વહેલા મોડા વૈશ્વિક ઉત્પાદનમાં પોતાનું સ્થાન ગુમાવવું પડશે, ત્યારે તે સ્થાન મેળવી લેવાની ઇચ્છા પણ સળવળી રહી છે.

વિશ્વમાં ચીનની આબરૂ ખરડાઈ છે ત્યારે ભારત માટે તે "છુપા આશીર્વાદ" જેવું સાબિત થઈ શકે છે, કેમ કે વધુ મૂડીરોકાણ આકર્ષી શકાશે એમ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પરિવહનમંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું.

ગુજરાત સહિતના રાજ્યો શ્રમકાયદાઓને હળવા કરવા સહિત જમીનની ઉપલબ્ધતા જેવી જાહેરાતો મીડિયામાં કરી ચૂક્યા છે.

આખા બ્રાઝિલ જેટલી વસતી ધરાવતા ઉત્તર પ્રદેશે ચીનનો ત્યાગ કરવા તૈયાર કંપનીઓને આકર્ષવા માટેનું આર્થિક ટાસ્ક ફોર્સ રચવાની તૈયારીઓ આરંભી દીધી છે.

લક્ઝમબર્ગના ક્ષેત્રફળ કરતાં બેગણી વધારે જમીન ચીન છોડવા માગતી કંપનીઓને ઑફર કરવા માટે ભારતે એવાં સ્થળોને ઓળખી લેવાનું પણ શરૂ કર્યું છે. 1,000 જેટલી અમેરિકન મલ્ટિનેશનલ કંપનીઓનો સંપર્ક પણ ભારતે કર્યો હોવાનો અહેવાલ બ્લૂમબર્ગે આપ્યો છે.

"આ રીતે સંપર્ક કરવાની પ્રક્રિયા સતત ચાલતી કાર્યવાહી છે," એમ ભારતની મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટે કામ કરતી એજન્સી ઇન્વેસ્ટ ઇન્ડિયાના સીઈઓ દીપક બાગલા કહે છે.

તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે "કોવિડને કારણે ચીન અંગેનું જોખમ નિવારવા માટેની પ્રક્રિયા આમાંની ઘણી કંપનીઓ માટે ઝડપી બનશે."

બંને દેશો વચ્ચે મૂડીરોકાણ વધારવા માટે કામ કરતી પ્રભાવશાળી યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC) પણ જણાવે છે કે ભારતે પોતાના પ્રયાસોને તેજ કરી દીધા છે.

"અમે જોઈએ છીએ કે ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો બંનેએ સપ્લાય ચેઇનને અગ્રતા આપવાનું શરૂ કરી દીધું છે," એમ કાઉન્સિલના પ્રમુખ નિશા બિશ્વાલ કહે છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

વિશ્વભરમાં આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે

તેઓ અમેરિકાના વિદેશ મંત્રાલયમાં એશિયન બાબતોના મદદનીશ મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.

બિશ્વાલે બીબીસીને જણાવ્યું કે "ભારતમાં થોડું ઉત્પાદન કરી રહેલી કંપનીઓ કદાચ સૌપ્રથમ ચીનમાં ઉત્પાદન ઘટાડવાનું અને ભારતમાં વધારવાનું શરૂ કરશે એમ લાગે છે."

જોકે હજી વિચારણાના તબક્કે જ આ બધું છે અને ઉતાવળે કોઈ નિર્ણયો નહીં લેવાય એમ તેઓ ઉમેરે છે.

વિશ્વભરમાં આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે ત્યારે આખી સપ્લાય ચેઇનને એક દેશમાંથી બીજા દેશમાં ફેરવવી સહેલી પણ નથી.

અર્થશાસ્ત્રી રૂપા સુબ્રમણ્યા પણ કહે છે, "આમાંની ઘણી કંપનીઓ સામે રોકડ અને મૂડીની તંગી ઊભી થઈ રહી છે. તેથી ઝડપથી કોઈ પગલાં લેવામાં સાવધાની રાખશે."

ચીનના લાંબા સમયના અભ્યાસુ અને હૉંગકૉંગમાં ફાઇન્સિયલ ટાઇમ્સના બ્યૂરોમાં કામ કરી ચૂકેલા રાહુલ જેકોબના જણાવ્યા અનુસાર, ભારત સરકારે લૅન્ડ બૅન્ક તૈયાર કરી રહી છે તે યોગ્ય દિશામાં લેવાયેલું કદમ છે. પરંતુ માત્ર જમીન ઉપલબ્ધ હોવાથી કંપનીઓ અહીં કામકાજ કરવા આવી જશે તેવું જરૂરી નથી.

"ઉત્પાદન અને સપ્લાય ચેઇન મોટા ભાગના લોકોની ધારણા કરતાં વધારે સંકુલ વ્યવસ્થા છે. તેને રાતોરાત બદલી નાખવી બહુ મુશ્કેલ હોય છે," એમ તેઓ કહે છે.

"વિશાળ બંદરો અને હાઈવે, કુશળ કામદારો અને મજબૂત માળખું ચીન પૂરું પાડે છે, જે આંતરરાષ્ટ્રીયસ્તરે કામ કરતી કંપનીઓ માટે સમયસર ચુસ્ત ડેડલાઇન પાળવા માટે જરૂરી હોય છે."

ભારત વૈશ્વિક બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે બહુ આકર્ષક સ્થાન એટલા માટે પણ ના બને, કેમ કે વૈશ્વિક મુખ્ય ગ્લોબલ ચેઇન્સ સાથે ભારત સારી રીતે જોડાયેલું નથી.

ગયા વર્ષે જ એશિયાના 12 દેશો વચ્ચે થયેલી બહુરાષ્ટ્રીય વેપારી સમજૂતી રિજનલ કૉમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ (આરસેપ)માંથી ભારત છેલ્લી ઘડીએ ખસી ગયું હતું. સાત વર્ષની વાટાઘાટો પછીય ભારત જોડાયું નહીં. આવા નિર્ણયોને કારણે ભારતના નિકાસકર્તા માટે ટેરિફ-ફ્રી વેપારનો લાભ લેવાનું મુશ્કેલ બને છે. 'ધ ફ્યૂચર ઇઝ એશિયન' પુસ્તકના લેખક પરાગ ખન્નાએ બીબીસીને જણાવ્યું હતું, "મારે સિંગાપોરમાં જે વેચવાનું હોય તેનું ઉત્પાદન હું શા માટે ભારતમાં કરું? વેપારી કરારોમાં સામેલ થવું તે સ્પર્ધાત્મક કિંમતો જેટલું જ જરૂરી છે."

પ્રાદેશિક જોડાણો પણ ખાસ જરૂરી છે એમ તેઓ માને છે, કેમ કે વૈશ્વિક વેપાર 'વેચાણ ત્યાં ઉત્પાદન'ના મૉડલ પર ચાલે છે. આઉટ-સોર્સ કરતાં જેને "નિયર-સોર્સ" કહેવાય છે તેને કંપનીઓ વધારે પસંદ કરે છે.

સીધા વિદેશી મૂડીરોકાણ (FDI)ની બાબતમાં ભારતમાં રહેલી મુશ્કેલીઓ અને નિયમોમાં ફેરફારોની પણ કંપનીઓને ચિંતા રહેતી હોય છે.

ઈ-કૉમર્સ કંપનીઓ આવશ્યક વસ્તુઓનું વેચાણ ના કરી શકે તેવા પ્રતિબંધોથી માંડીને પડોશી દેશોમાંથી મૂડીરોકાણ કરવું મુશ્કેલ બને તેવી રીતે FDIના નિયમોમાં ફેરફાર કરાયા છે.

આ બધું જોઈને ઘણાને લાગે છે કે ભારત કોરોનાના બહાને વેપારી સુરક્ષાકવચ તૈયાર કરી રહ્યું છે.

હાલમાં જ રાષ્ટ્રને સંબોધન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે "લોકલ માટે વોકલ બનો."

નવી રાહતો જાહેર કરાઈ છે તેના કારણે પણ ભારતીય કૉન્ટ્રેક્ટ મેળવવાનું વિદેશી કંપનીઓ માટે મુશ્કેલ બન્યું છે.

"ભારત નિયંત્રક બાબતોમાં જેટલી સ્થિરતા લાવે તેટલી વધુ શક્યતા ઊભી થાય કે ભારત વૈશ્વિક કંપનીઓને ભારતમાં પોતાનું હબ બનાવવા આકર્ષી શકે," એમ બિશ્વાલ કહે છે.

જો ભારત નહીં તો કયો દેશ?

ઇમેજ સ્રોત, Getty Images

હાલની પરિસ્થિતિ પ્રમાણે વિયેતનામ, બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા અને તાઇવાન ચીનની સમસ્યાનો સૌથી વધારે ફાયદો લઈ શકે તેમ છે. છેલ્લા બે દેશો "હાઇ-ટેક બાબતોમાં" જ્યારે વિયેતનામ અને બાંગ્લાદેશ અન્ય ઉત્પાદનોમાં ફાયદો લઈ શકે તેમ છે એમ જેકોબ માને છે.

હકીકતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓએ એક દાયકા અગાઉથી જ વધી રહેલા શ્રમ અને પર્યાવરણીય ખર્ચાને કારણે ચીનમાંથી પોતાનું ઉત્પાદન આ દેશોમાં ખસેડવાનું શરૂ કરી દીધું હતું.

ધીમે-ધીમે ચીનમાંથી કંપનીઓ નીકળી રહી હતી તેમાં હાલનાં વર્ષોમાં ઝડપ આવી, કેમ કે ચીન-અમેરિકા વચ્ચે વેપારયુદ્ધ વધી ગયું હતું.

વેપારયુદ્ધ શરૂ થયું તેના એક મહિના પહેલાંથી એટલે કે જૂન 2018થી વિયેતનામમાંથી અમેરિકામાં થતી આયાત લગભગ 50% વધી ગઈ છે અને તાઇવાનમાંથી 30% ટકા વધી ગઈ છે. સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ અખબારે આવો અંદાજ મૂક્યો હતો.

ભારત તે તક ચૂકી ગયું હતું, કેમ કે બહુરાષ્ટ્રીય કંપનીઓ સ્થાનિક બજારોમાં વેચાણ કરવા ઉપરાંત ભારતના એકમનો ઉપયોગ વિશ્વભરમાં નિકાસ માટે પણ કરે તે માટેની સ્થિતિ ઊભી કરી શકાઈ નહોતી.

ઇમેજ સ્રોત, Getty Images

હાલનાં અઠવાડિયાંઓમાં વેપારમાં સરળતાની બાબતમાં કેટલાંક પગલાં લેવાનું રાજ્ય સરકારોએ શરૂ કર્યું છે.

તેમાં એક વિવાદાસ્પદ મુદ્દો છે ત્રણ વર્ષ સુધી શ્રમ-કાયદાઓને કોરાણે મૂકી દેવાનો. એ કાયદો કે જે કામદારોનું શોષણ રોકવા માટે હતો.

ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશે કામદાર સુરક્ષાના અનેક મહત્ત્વના નિયમો પડતા મૂક્યા છે અને કંપનીઓને સ્વચ્છતા, હવાઉજાસ અને ટૉઇલેટ જેવી સુવિધા રાખવામાંથી પણ મુક્તિ આપી દીધી છે.

તેની પાછળનો ઇરાદો મૂડીરોકાણ માટે માહોલ પેદા કરવાનો અને આંતરરાષ્ટ્રીય મૂડીને આકર્ષવાનો છે.

પરંતુ આવાં પગલાંને કારણે તેમાં ફાયદો થવાના બદલે ઊલટાનું નુકસાન થઈ શકે છે એમ જેકોબ કહે છે: "આંતરરાષ્ટ્રીય કંપનીઓ આવી બાબતોમાં વધુ સાવધ હોય છે. તેઓ કામદાર, પર્યાવરણ અને સપ્લાયર્સનાં સુરક્ષા ધોરણોની બાબતમાં બહુ ચુસ્ત હોય છે."

વૉલમાર્ટને તૈયાર વસ્ત્રો પૂરાં પાડતી બાંગ્લાદેશની રાના પ્લાઝા ગાર્મેન્ટ ફૅક્ટરી 2013માં તૂટી પડી તે બનાવ મહત્ત્વનો વળાંક સાબિત થયો હતો. તે પછી બાંગ્લાદેશને ફરજ પડી હતી કે ફૅક્ટરીઓમાં સુવિધાઓ અને સુરક્ષા વધારવામાં આવે કે જેથી મૂડીરોકાણ આકર્ષી શકાય.

"ભારતે વધુ ઊંચાં ધોરણોનું પાલન કરવું પડશે. આ બધા વિચારો વૈશ્વિક વેપારની વાસ્તવિકતાથી અજાણ એવા અમલદારોએ પાવરપૉઇન્ટમાં પ્રેઝન્ટેશન તૈયાર કરીને કરેલા છે."

જોકે અમેરિકા ચીન સામે દંડાત્મક કાર્યવાહી કરવા માગે છે અને જાપાન પણ પોતાની કંપનીઓને ત્યાંથી બહાર કાઢવા માટે સહાય કરી રહી છે ત્યારે યુકેમાં પણ સરકાર પર દબાણ આવવાનું છે કે ચીની કંપની હ્યુવેઈ વિશે વિચારે. હ્યુવેઈને યુકેમાં 5G ડેટા નેટવર્ક તૈયાર કરવાનું કામ મળ્યું છે, પણ હવે ચીન સામે વૈશ્વિક વાતાવરણ બગડી રહ્યું છે.

જાણકારો કહે છે કે ભારત પાસે બહુ મોકાનો સમય છે કે મોટા પાયે માળખાકીય સુધારાઓ કરે અને એવા નીતિવિષયક સુધારાઓ લાવે કે વૈશ્વિક વેપાર માટે સાનુકૂળ બની શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો