કોરોના સંકટ : લૉકડાઉન દરમિયાન 'શું ખરેખર મુસ્લિમ સમજીને' વકીલને માર મરાયો?

  • શુરૈહ નિયાઝી
  • ભોપાલથી બીબીસી ગુજરાતી માટે
દીપક બુંદેલે

ઇમેજ સ્રોત, DEEPAK BUNDELE

મધ્ય પ્રદેશના બેતૂલ જિલ્લામાં પોલીસ પર આરોપ લગાવાયો છે કે તેમણે એક વકીલને મુસ્લિમ ધર્મની વ્યક્તિ માનીને માર માર્યો છે.

આ બનાવ બાદ પોલીસતંત્ર દ્વારા એક મદદનીશ ઉપ-નિરીક્ષક દરજ્જાના અધિકારીને ફરજમોકૂફ કરી દેવાયા છે.

આ બનાવ 23 માર્ચના રોજ બન્યો હતો, જ્યારે દીપક બુંદેલે નામના વકીલ પોતાના ઘરેથી હૉસ્પિટલ તરફ જવા માટે નીકળ્યા હતા.

દીપકને ડાયાબિટીસ છે અને એ કારણે જ તેમણે લૉકડાઉન દરમિયાન ઘરની બહાર નીકળવાની ફરજ પડી હતી.

તેમણે આ ઘટના યાદ કરતાં જણાવ્યું કે, '23 માર્ચના રોજ જ્યારે હું ઘરેથી નીકળીને હૉસ્પિટલ તરફ જઈ રહ્યો હતો. ત્યારે પોલીસે મને રોક્યો અને પૂછ્યું કે હું ક્યાં જઈ રહ્યો છું?'

'જવાબમાં મેં કહ્યું કે હું હૉસ્પિટલ જઈ રહ્યો છું. તેમ છતાં તેમણે મને રોકી રાખ્યો.'

'જ્યારે મેં કહ્યું કે હું બીમાર છું, ત્યારે એક પોલીસકર્મીએ કહ્યું કે પહેલવાન જેવો લાગી રહ્યો છે, ઘરે જા, એમ કહીને તમાચો મારી દીધો.'

આ ઘટના અંગે આગળ વાત કરતાં તેઓ જણાવે છે કે, 'જ્યારે આ ઘટના બની તે સમયે બેતૂલમાં કલમ 144 લાગુ હતી.'

'હું ઘણા સમયથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાઈ રહ્યો હતો. તેથી મારા માટે ઘરમાંથી બહાર જવું એ જરૂરી બની ગયું હતું, પણ મને સારવાર મેળવવા માટે પોલીસે ન જવા દીધો અને ઉપરથી મને માર માર્યો.'

તેમણે પોલીસકર્મીઓને કલમ 188 હેઠળ ફરિયાદ દાખલ કરવાનું પણ કહ્યું, ત્યારબાદ તો પોલીસકર્મીઓ વધુ નારાજ થઈ ગયા અને તેમણે દીપકને લાકડીથી માર માર્યો.

દીપક ઘણી જગ્યાએ પોતાની સાથે બનેલા આ બનાવની ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો, જેથી જવાબદાર પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરી શકાય.

તેમણે બેતૂલના પોલીસ અધીક્ષકને 24 તારીખે એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે ઘટનાની તમામ જાણકારી આપી હતી.

સાથે જ તેમણે તમામ માહિતી મધ્ય પ્રદેશના ડીજીપીને પણ મોકલી આપી.

પરંતુ તેમના અનુસાર આ તમામ પ્રયત્નો કોઈ કામ ન લાગ્યા.

આ સિવાય તેમણે મુખ્ય મંત્રી, રાજ્ય માનવાધિકાર પંચ, હાઈકોર્ટ અને અન્ય અધિકારીઓને પણ તેમની સાથે બનેલા બનાવ અંગે ફરિયાદ કરી.

ઇમેજ સ્રોત, DEEPAK BUNDELE

તેમના આ તમામ પ્રયત્નોને કારણે આખરે પોલીસ લગભગ બે માસ બાદ તેમનું નિવેદન લેવા માટે તેમના ઘરે આવી.

તેમના અનુસાર તેમનું નિવેદન લેવા આવનાર પોલીસટીમમાં બે લોકો સામેલ હતા જે પૈકી એક હતા મદદનીશ ઉપ-નિરીક્ષક ભવાનીસિંહ પટેલ.

તેમના દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે તેમનું નિવેદન લેવા માટે આવનાર અધિકારીઓ સતત દીપક સાથે મારઝૂડ કરનાર પોલીસકર્મીઓનો પક્ષ લેતા રહ્યા. તેમણે કહ્યું કે તેમના સહકર્મીને ગેરસમજ થઈ હતી.

તેમણે કહ્યું, 'મારી સાથે ભૂલથી મારઝૂડ થઈ ગઈ. કારણ કે એ સમયે એ પોલીસકર્મીને લાગ્યું હતું કે હું મુસ્લિમ છું. કારણ કે મારી દાઢી વધારે હતી.'

દીપક પાસે પોલીસકર્મી સાથેની વાતચીતની ઑડિયો રેકર્ડિંગ છે, જેમાં તેઓ વારંવાર એ કેસને પતાવવાનો આગ્રહ કરી રહ્યા છે.

આ રેકર્ડિંગમાં તેઓ વારંવાર કહેતા સંભળાય છે કે દીપકને 'અન્ય સમાજ'ની વ્યક્તિ સમજીને તેમની સાથે મારઝૂડ થઈ ગઈ.

તેમજ બુંદેલેએ તેમની સાથે બનેલા બનાવનું સીસીટીવી ફૂટેજ મેળવવા માટે આરટીઆઈ અંતર્ગત અરજી પણ કરી હતી, પરંતુ તેમને એ પણ ન મળ્યું.

જોકે, સમગ્ર મામલો પ્રકાશમાં આવતાં પોલીસતંત્ર દ્વારા ભવાનીસિંહ પટેલને ફરજમોકૂફ કરી દીધા છે.

આ મામલે હવે બેતૂલ બાર ઍસોસિયેશન પણ મેદાનમાં ઊતરી ગયો છે.

બેતૂલ બાર ઍસોસિયેશનના અધ્યક્ષ સંજય મિશ્રાએ જણાવ્યું કે આ મામલામાં નિવેદન લઈ લેવાયા બાદ હવે એફ. આઈ. આર. નોંધાય એ જરૂરી બની ગયું છે.

ઇમેજ સ્રોત, DEEPAK BUNDELE

તેમજ દીપકનું કહેવું છે કે તેમની સાથે થયેલી મારઝૂડ મામલે હજુ સુધી કોઈ પણ પોલીસકર્મી પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરાઈ.

તેમણે કહ્યું કે, 'મારા સાથે થયેલી મારઝૂડ અને મારી પર થયેલા હુમલાની ફરિયાદ પર અત્યાર સુધી કોઈ પણ જવાબદાર વ્યક્તિ પર કાર્યવાહી કરાઈ હોય તેવી કોઈ સૂચના મારી પાસે નથી આવી.'

એ બનાવા અંગે વાત કરતાં દીપકે કહ્યું કે, 'આપણા સમાજમાં અમુક ચોક્કસ વર્ગ વિરુદ્ધ નફરતનું ઝેર ઘોળવાનું કામ થઈ રહ્યું છે. પરંતુ આ આગ માત્ર મુસ્લિમો સુધી જ સીમિત નહીં રહે. તે સમાજમાં હાંસિયામાં ધકેલાયેલા તમામ લોકો માટે ખતરનાક છે.'

તેમજ તેમને એ વાતની પણ બીક છે કે પોલીસ તેમની સામે હવે ખોટો ગુનો પણ દાખલ કરી શકે છે.

તેમણે કહ્યું કે, 'પોલીસકર્મી મને નિવેદન નોંધતી વખતે કહી પણ રહ્યા હતા કે વકીલસાહેબ પોલીસ સાથે મિત્રતા રાખશો તો બંને ભાઈઓની વકીલાત સારી ચાલશે. નહીંતર પોલીસ ગમે ત્યારે કોઈ પણ ખોટા કેસમાં ફસાવી શકે છે.'

તેમણે આગળ જણાવ્યું કે, 'ભારતના મીડિયા દ્વારા મુસ્લિમોની અલગ છબિ બનાવવામાં આવી છે, જે કારણે પરિસ્થિતિ વણસતી જઈ રહી છે. પરંતુ હજુ પણ સમગ્ર સમાજ ખરાબ નથી થયો, હજુ પણ ઘણા બધા લોકો બિનસાંપ્રદાયિક છે. જ્યાં સુધી સમાજના આ લોકોનો વર્ગ છે ત્યાં સુધી આશા જીવંત છે.'

બેતૂલનાં અધિક પોલીસ અધીક્ષક શ્રદ્ધા જોશીએ જણાવ્યું કે આ મામલામાં દીપક બુંદેલે તેમની સાથે મારઝૂડ કરનાર પોલીસકર્મીઓને નહોતા ઓળખી શક્યા.

તેમણે કહ્યું કે, 'જ્યારે પોલીસ તપાસ કરી ત્યારે તેમણે જણાવેલું કે મારઝૂડ કરનાર પોલીસકર્મીઓએ માસ્ક પહેરેલા હતા, તેથી તેઓ તેમને ઓળખી નહોતા શક્યા.'

તેમણે આગળ વાત કરતાં જણાવ્યું કે, 'તેમજ ઘરે જઈને દીપક બુંદેલેનું નિવેદન લેવાના મામલામાં સામે આવ્યું કે મદદનીશ ઉપ-નિરીક્ષકે અનુચિત ટિપ્પણી કરી છે, આ કારણે તેમને તાત્કાલિક ફરજમોકૂફ કરી દીધા છે.'

આ મામલામાં આગળ તપાસ થઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો