કોરોના વાઇરસ સામે વિકાસનું ‘ગુજરાત મૉડલ’ નબળું કેમ પૂરવાર થયું?

  • તેજસ વૈદ્ય અને હરિતા કાંડપાલ
  • બીબીસી ગુજરાતી
વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, Getty Images

લક્ષ્મીબહેન પરમાર અમદાવાદના બહેરામપુરામાં રહે છે. તેમની ઉંમર 67 વર્ષ છે. તેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયાં હતાં. તેમના ત્રણ પરિવારજનોનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો.

લક્ષ્મીબહેન દસ દિવસ સુધી અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતાં.

બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે "18 એપ્રિલથી 28 એપ્રિલ સુધી દસ દિવસ મેં હૉસ્પિટલમાં સારવાર લીધી હતી અને હું સાજી-સારી થઈને ઘરે આવી ગઈ હતી."

"જે દિવસે મને દાખલ કરવામાં આવી એ દિવસે ખૂબ તકલીફ પડી હતી. મોટી સંખ્યામાં દર્દીઓની લાઇન હતી. અમે બપોરના ઊભાં હતાં. મને હૉસ્પિટલમાં ખાટલો મળતાં રાત પડી ગઈ હતી. દાખલ થયા પછીના શરૂઆતના બે દિવસ તકલીફ પડી હતી."

"અમે એક રાજકીય નેતાને જણાવ્યું કે અમને નાસ્તો નથી મળતો તેમજ કેટલીક જરૂરી સગવડ સચવાતી નથી. કૉર્પોરેશનમાં પણ અમારા સંબંધીઓએ રજૂઆત કરી હતી. એ પછી નાસ્તો, ભોજન વગેરે વ્યવસ્થિત રીતે મળવા માંડ્યું હતું. ડૉક્ટર આવીને અમને કહી પણ ગયા હતા કે તમને કોઈ તકલીફ હોય તો અમને જણાવજો, નેતાને ન કહેશો."

લક્ષ્મીબહેન આગળ જણાવે છે કે "હૉસ્પિટલમાં બાથરૂમ સારાં હતાં, સફાઈ રખાતી હતી. પરંતુ બાથરૂમ-સંડાસની સંખ્યા ઓછી હતી. ચાળીસ કે પચાસ લોકોની વચ્ચે ત્રણ સંડાસ હતાં. જેમાં એક તો બંધ હતું. તેથી તકલીફ પડતી હતી. ન્હાવાનાં ત્રણ બાથરૂમ હતાં એમાંથી પણ એક બાથરૂમમાં નળ કામ નહોતો કરતો."

લક્ષ્મીબહેનની 17 વર્ષની પૌત્રી હેલી પણ કોરોના પૉઝિટિવ હતી અને એ જ ગાળામાં તેને પણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

હેલીના પપ્પા વિપુલભાઈએ બીબીસીને જણાવ્યું હતું કે "હેલીએ શરૂઆતનું એક અઠવાડિયું સિવિલ હૉસ્પિટલમાં સારવાર લીધી હતી. એ પછી હેલીને અમદાવાદની સમરસ હૉસ્ટેલમાં શરૂ કરવામાં આવેલા કોવિડ કૅર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી."

"સમરસ હૉસ્ટેલમાં હેલીને બપોરે ત્રણ વાગ્યે લઈ ગયા પછી એને છેક રાત્રે દસ વાગ્યે રૂમ ફાળવાયો હતો. કારણકે ત્યાં જે ઍડમિનિસ્ટ્રેશન પ્રક્રિયા કરવાની હતી એના માટે ફક્ત એક જ વ્યક્તિ હતી, અને દરેક દર્દીની ઍડમિનિસ્ટ્રેશન પ્રક્રિયામાં વીસ-પચીસ મિનિટ લાગતી હતી."

વિપુલભાઈ કહે છે કે "દીકરી દાખલ થઈ એના બીજા દિવસે બપોરનું ભોજન છેક સાંજે છ વાગ્યે મળ્યું હતું. ભોજનવિતરણ શરૂ થયું એ પછી છેવાડાના વૉર્ડ સુધી પહોંચતાં વાર લાગતી હતી."

"અમે રજૂઆત કરી કે આવું તો કેમ ચાલે? એ પછી બધી વ્યવસ્થા થાળે પડી હતી. એ પછી બધું વ્યવસ્થિત થઈ ગયું હતું. "

વિપુલભાઈ કહે છે કે "સરકારી હૉસ્પિટલમાં જ્યાં સુધી કોઈ નેતા કે વગ ધરાવતી વ્યક્તિનો હસ્તક્ષેપ ન થાય ત્યાં સુધી કામ થતું નથી."

બેદરકારીનો વધુ એક કિસ્સો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

10મી મેના રોજ સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયેલા કોરોના વાઇરસના દર્દી ગણપત મકવાણાની લાશ 14 તારીખે દાણીલીમડા વિસ્તારમાં બીઆરટીએસ (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) બસસ્ટોપ પર રઝળતી મળી હતી.

આ ઘટના પછી તંત્ર સફાળું જાગ્યું હતું. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.

આ ઘટના અંગે રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે 19 મે એ જણાવ્યું હતું કે દર્દીને તેમની ઇચ્છાથી બસસ્ટોપ પર ઉતારવામાં આવ્યા હતા.

નીતિન પટેલે કહ્યું હતું કે દર્દી ગણપત મકવાણાની ઇચ્છા અનુસાર ડ્રાઇવરે તેમને થોડે દૂર દાણીલીમડા બસસ્ટેન્ડે ઉતાર્યા હતા. તેમનું ઘર એ બસસ્ટોપથી 400 મીટર દૂર આવેલું છે.

પટેલ કહે છે કે કોવિડ હૉસ્પિટલમાંથી રજા અપાયેલા દર્દીઓને ઘરે મૂકવા માટે બસની વ્યવસ્થા કરી છે. જે પ્રમાણે મને માહિતી મળી તે મુજબ આ દર્દીએ ઘરે રહેવાની માગ કરી હતી અને અમુક શરતોને આધિન પરવાનગી આપવામાં આવી હતી.

નીતિન પટેલ વધુમાં જણાવે છે, "તેમના સહિત કુલ ત્રણ દર્દીઓ બસમાં બેઠા હતા. તેમની ઇચ્છા અનુસાર તેમને દાણીલીમડાથી થોડે આગળ ઉતારવામાં આવ્યા હતા. પોલીસે આપેલી માહિતી અનુસાર, ગણપત મકવાણાએ બસસ્ટેન્ડ પર બિસ્કિટ ખાધાં હતાં."

"બની શકે કે ઑક્સિજન-લેવલ ઘટી જવાથી અથવા કોઈ અન્ય કારણથી તેમનું મૃત્યુ થયું હોય. તેઓ બસસ્ટેન્ડે 11 વાગ્યા સુધી બેસી રહ્યા અને પછી મૃત્યુ પામ્યા હતા."

બીબીસી સાથે વાત કરતાં ગણપતભાઈના પુત્ર કીર્તિભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે "જો મારા બાપુજી એક રાત કાઢી શકે એ સ્થિતિમાં નહોતા તો હૉસ્પિટલે કયા આધારે તેમને ઘરે મોકલ્યા? મારા પિતાજીએ બસસ્ટોપ પર જીવ ગુમાવ્યો એ જ દર્શાવે છે કે તેમને સારવારની જરૂર હતી."

કીર્તિભાઈ કહે છે કે "નીતિન પટેલ કહે છે કે બની શકે કે ઑક્સિજનનું લેવલ ઘટી ગયું હોય તો અમે ઘરે ઑક્સિજન થોડી આપી શક્યા હોત? મારા ઘર નજીક બસસ્ટોપ પાસે બાપુજીનો મૃતદેહ પડ્યો હતો અને અમને ખબર જ નહોતી. "

રાજ્યમાં કોરોનાનો કેર અને હૉસ્પિટલોમાં હડતાળ

કોરોના વાઇરસના સંક્રમણ જેવી વૈશ્વિક મહામારી વચ્ચે રાજ્યનાં કેટલાંક શહેરોની હૉસ્પિટલોમાં કર્મચારીઓ હડતાળ પર ઊતર્યા હતા.

મે મહિનાના ત્રીજા સપ્તાહમાં વડોદરાની સયાજી અને ગોત્રી હૉસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર ઊતરી ગયા હતા.

હડતાલ પર ઊતરેલા કર્મચારીઓ કૉન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. ચોથા વર્ગના કર્મચારીઓની માગ હતી કે અમને લઘુત્તમ વેતન 450 રૂપિયા રોજના મળવા જોઈએ એ મળતા નથી.

તેમણે કોરોના વાઇરસના સંક્રમણ સામે પોતાની સુરક્ષા અંગેના સવાલો પણ હૉસ્પિટલ સામે ખડા કર્યા હતા.

મે મહિનાના બીજા સપ્તાહમાં અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ(એસવીપી) હૉસ્પિટલમાં જુનિયર ડૉક્ટર્સ અને નર્સિંગસ્ટાફ હૉસ્પિટલની ઓસરીમાં જ હડતાળ પર ઊતરી ગયા હતા. તેમની માગ હતી કે તેમને પૂરતી સંખ્યામાં પીપીઈ કિટ તેમજ સંસાધનો ફાળવવામાં આવે.

એસવીપીમાં જ કોરોનાના દર્દીઓના વૉર્ડના હાઉસકીપિંગ અને પૅશન્ટ કેરના કર્મચારીઓ પણ હડતાળ પર ઊતર્યા હતા. તેઓ કૉન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ હતા.

તેમનો પગાર સાત તારીખે થઈ જતો હોય છે પરંતુ એ વખતે 13 તારીખ સુધી થયો નહોતો.

તેમનું કહેવું હતું કે અમે ફ્રન્ટલાઇન વૉરિયર્સ છીએ. અમે સામાન્ય કરતાં વધુ કામ આ મહામારીના સમયમાં કરી રહ્યા છે તો અમને સમયસર પગાર કેમ નથી ચૂકવાતો?

પગારની અનિયમિતતાને કારણે મે મહિનાના છેલ્લા સપ્તાહમાં પાલનપુરની સિવિલ હૉસ્પિટલના સફાઈકર્મચારીઓ પણ હડતાળ પર ઊતર્યા હતા.

અમદાવાદ તેમજ અન્ય કેટલાંક શહેરોમાં કેટલાક ડૉક્ટર્સ અને મેડિકલસ્ટાફ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા.

મે મહિનાના બીજા સપ્તાહમાં અમદાવાદની સિવિલ હૉસ્પિટલના કૅમ્પસમાં આવેલી 'ધ ગુજરાત કૅન્સર ઍન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ'(જીસીઆરઆઈ)માં કામ કરતાં 27 નર્સ તેમજ 7 કર્મચારીઓના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા.

ત્યાં નર્સિંગસ્ટાફે હોબાળો મચાવ્યો હતો કે તેમને પીપીઈ કિટ, માસ્ક્સ ઇત્યાદી પૂરતાં સંસાધનો આપવામાં આવે.

અમદાવાદની જ એલ. જી. હૉસ્પિટલમાં એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહમાં નર્સિગસ્ટાફના કેટલાક સભ્યો હડતાળ પર ઊતર્યા હતા. તેમણે વીડિયો મૅસેજ વાઇરલ કર્યો હતો કે અમારા સ્ટાફમાંથી કેટલાક લોકોના કોરોનાના રિપોર્ટ પૉઝિટિવ છે તો હૉસ્પિટલતંત્ર અમારા અન્ય સ્ટાફના ટેસ્ટ કરે. અમે લોકો ઘણા દિવસોથી કોવિડ દર્દીઓ સારવાર કરી રહ્યા છીએ.

75 ટકા જેટલા કેસ અમદાવાદ જિલ્લામાં

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન,

એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા અને આરોગ્ય સચિવ જયંતિ રવિ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા અનુસાર 22મી મેએ ગુજરાતમાં 12,905 કરોના વાઇરસના પૉઝિટિવ કેસ હતા.

જે અનુસાર મહારાષ્ટ્ર અને તામિલનાડુ પછી ગુજરાત ત્રીજા નંબરે હતું. ગુજરાતમાં જેટલા કોરોનાના દર્દી છે એમાંના 75 ટકા કેસ માત્ર અમદાવાદમાં છે.

21મી મેના રોજ 9,449 કેસ અમદાવાદમાં હતા. ગુજરાતમાં 21 મે સુધી 773 લોકો મૃત્યુ પામ્યા હતા. વાત અમદાવાદની કરીએ તો ગુજરાતના 773માંથી 619 મૃત્યુ તો માત્ર અમદાવાદમાં થયાં હતાં.

જાણીતા સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "અમદાવાદનું ચિત્ર અત્યંત ચિંતાજનક છે. અમદાવાદની ભૂગોળ અને વસતીની ઘનતા સમજવામાં આવે તો શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણ માટેનાં કારણો અને તારણો તરત જડી જાય છે."

"સરકાર કહે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો પરંતુ પૂર્વ એટલે કે જૂના અમદાવાદની પોળ કે ચાલીમાં રહેતા લોકો માટે સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય નથી. સાંકળી શેરીઓ નાનાં-નાનાં તેમજ અડોઅડ મકાનો ઉપરાંત, કપડાં ધોવા, વાસણ માંજવા, દાતણપાણી કરવા વગેરે કામ ઘરની બહાર જ થતાં હોય છે, ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ વ્યવહારિક રીતે શક્ય નથી બની શકતું."

"આવો પ્રશ્ન નવા વિકસેલા પશ્ચિમ અમદાવાદને નથી નડતો. પશ્ચિમ અમદાવાદના નહેરુ નગર કે વસ્ત્રાપુર જેવા પ્રમાણમાં બહોળા અને વિસ્તારોમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ રહી-રહીને આવ્યા છે અને પૂર્વ અમદાવાદ કરતાં ખૂબ ઓછા છે."

જાની કહે છે કે "બીજી બાબત એ પણ છે કે જૂના શહેરનો જે કોટ વિસ્તાર છે ત્યાં પોલીસને પેટ્રોલિંગ કરવામાં પણ મુશ્કેલી પડે છે. કારણકે ગલીઓ સાંકળી છે, વાહન લઇને જવામાં પણ તકલીફ પડે છે. ચોથા લૉકડાઉન પછી અમદાવાદમાં જે 11 કન્ટેઇનમૅન્ટ ઝોન જાહેર થયા, એમાંના દસ તો જૂના અમદાવાદમાં જ છે."

અમદાવાદમાં પ્રથમ કેસ 17 માર્ચના દિવસે નોંધાયો હતો. માર્ચ મહિનાના અંત સુધીમાં અમદાવાદમાં 25 કેસ હતા અને કોરોના વાઇરસના સંક્રમણને કારણે ત્રણ મૃત્યુ થયાં હતાં.

13 એપ્રિલ સુધીમાં અમદાવાદમાં 295 પૉઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાંથી 27 કેસમાં સંક્રમિત વ્યક્તિએ આંતરરાજ્ય અને 15એ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી હતી.

અન્ય સ્થાનિક સંક્રમણના કેસ હતા. તબલીગી મરકઝ સાથે તેમને સીધી અથવા આડકતરી રીતે જોડવામાં આવ્યા હતા.

જોકે ત્યારે ગુજરાતમાં કુલ 538 કેસ હતા જેમાંથી 33 વિદેશયાત્રા અને 32 આંતરરાજ્ય યાત્રા સાથે જોડાયેલા હતા.

ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના 13 મેના અહેવાલનાં તારણો મુજબ અમદાવાદના ગીચ એવા કોટ વિસ્તારના લોકો સિવિલ હૉસ્પિટલમાં દાખલ થાય છે, જ્યાં અવારનવાર સુવિધાઓના અભાવ, ડૉક્ટરો અને અન્ય સ્ટાફ દ્વારા દુર્વ્યવહાર અને યોગ્ય સારવાર ન મળવા જેવી ફરિયાદોના સમાચાર જોવા મળ્યા છે.

કોટ વિસ્તારમાં મુસ્લિમોની વસતી નોંધપાત્ર છે. પૈસા ખર્ચી શકે એવા એટલે કે સારી આર્થિક સ્થિતિ ધરાવતા દર્દીઓ એસવીપી અથવા અન્ય સુવિધાજનક ખાનગી હૉસ્પિટલમાં જાય છે, જ્યાં પ્રમાણમાં સારી સારવાર મળે છે.

અમદાવાદમાં ખાનગી હૉસ્પિટલોને નિર્દેશ છેક 16મેના રોજ આપવામાં આવ્યા હતા. કૉર્પોરેશને ઍપિડેમીક ડિસિસીઝ કંટ્રોલ ઍક્ટ 1897 અન્વયે કૉર્પોરેશન દ્વારા અમદાવાદની કેટલીક ખાનગી હૉસ્પિટલોને 16 મે 2020ના રોજ દરખાસ્ત કરવામાં આવી હતી.

આ હૉસ્પિટલોને ડેઝિગ્નૅટૅડ કોવિડ-19 હૉસ્પિટલો જાહેર કરવામાં આવી હતી અને તેમને 50 ટકા ખાટલા કૉર્પોરેશન દ્વારા સૂચિત કરાયેલા કોરોના સંક્રમિત દર્દીઓ માટે ફાળવવા જણાવ્યું હતું.

અમદાવાદ કૉર્પોરેશનના આ ઑર્ડર છતાં કેટલીક હૉસ્પિટલોએ સહકાર આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

તેથી અમદાવાદ કૉર્પોરેશને તેમને નોટિસ રજૂ કરી હતી. જેમાં આ હૉસ્પિટલો સામે સિવિલ અને ક્રિમિનલ કાયદા હેઠળ કાયદેસરના પગલાં લેવાં તેમજ તેમનાં મૅનેજમૅન્ટ સામે એફઆઈઆર નોંધવાનું પણ સૂચવવામાં આવ્યું હતું.

ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના જ અહેવાલ મુજબ જો પ્રાથમિક આરોગ્યકેન્દ્ર કે દવાખાનાં લોકોને ઘરની નજીકમાં મળી જતાં હોત તો ચેપગ્રસ્તોને જલ્દી શોધીને તેમની સારવાર શરૂ થઈ શકી હોત. પરંતુ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં થતા વિલંબને કારણે રાજ્યમાં મૃત્યુદર પણ વધારે છે.

આ અહેવાલ મુજબ 17.8 ટકા લોકો હૉસ્પિટલમાં દાખલ થતાં પહેલા દિવસે મૃત્યુ પામે છે, 22.1 ટકા દર્દી બીજા દિવસે, 19.3 ટકા ત્રીજા દિવસે, 10.4 ટકા ચોથા દિવસે અને 9.2 ટકા પાંચમા દિવસે મૃત્યુ પામે છે. માત્ર 14.9 ટકા દર્દીઓ સાતથી 10 દિવસ અને 2.5 ટકા લોકો જ દસ દિવસથી વધારે રહી શકે છે.

કેરળ પાસેથી ગુજરાતે શું શીખવા જેવું છે?

આરોગ્ય વિષયક જાગરુકતાનું કામ કરતાં વડોદરાના હેલ્થ ઍજ્યુકેટર અશોક ભાર્ગવે બીબીસીને જણાવ્યું હતું કે "આરોગ્યને ઍજ્યુકેશન સાથે સાંકળીને આપણે જોવું પડે. આ વાત કેરળ પાસેથી સારી રીતે સમજી શકાય. કેરળ માટે પ્લસ પૉઇન્ટ એ પણ છે કે કેરળમાં અગાઉ નીપા વાઇરસ જોવા મળ્યો હતો."

"એ વખતે રાજ્ય તરીકે કેરળે એની સામે ઉમદા કામગીરી કરી હતી. તેથી એ અનુભવ પણ કેરળને કોરોના વાઇરસ સામેની લડતમાં કામ લાગ્યો છે. કેરળ પાસે આરોગ્યતંત્ર ખૂબ સારું છે. પ્રાથમિક આરોગ્યકેન્દ્રોથી લઈને સરકારી હૉસ્પિટલો સુધીની વ્યવસ્થા સુચારુરૂપે કાર્યરત્ છે. તેથી આરોગ્યની આફત આવે ત્યારે સરકારે સફાળું જાગવું નથી પડતું. ત્યાં સિસ્ટમ ગોઠવાયેલી છે."

"ગુજરાતમાં ગામડાં હોય કે શહેરો સરકારી દવાખાનાં અને હૉસ્પિટલો લોકોનો વિશ્વાસ ગુમાવી બેઠા છે. જે સરકારી હૉસ્પિટલો સારાં પરિણામ આપે છે, ત્યાં દર્દીઓનું ભારણ પણ એટલું જ હોય છે."

"આરોગ્યની વ્યવસ્થા જ પડી ભાંગી હોય ત્યાં વૈશ્વિક મહામારી આવે તો તંત્ર નથી લડી શકવાનું. ગુજરાતમાં આરોગ્યની સેવાઓ વર્ષોથી ખાડે ગયેલી છે પછી કોરોના જેવી વૈશ્વિક મહામારી સામે રાજ્ય વ્યાપકપણે ન લડી શકે. બીજી વાત છે કે ઍજ્યુક્શન એટલે કે શિક્ષણ. કેરળમાં લોકો જાગૃત છે. તેથી નિયમોનું પાલન આપમેળે શક્ય બને છે. આપણે ત્યાં શિક્ષણના અભાવે એવો મોટો વર્ગ છે કે મહામારીની ગંભીરતા તેમને સમજાતી નથી."

૩૦ જાન્યુઆરીએ ભારતમાં કોરોના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. દેશમાં સૌપ્રથમ કેરળમાં ત્રણ કેસ સામે આવ્યા હતા.

આ ત્રણેય દર્દીઓ ચીનના વુહાન શહેરથી રજા ગાળવા પોતાના વતન કેરળ આવ્યા હતા.

જોકે ત્યાર બાદ 21 મેના દિવસે એટલે કે સાડા ત્રણ મહિનાથી વધારે સમય વીતી ગયા બાદ કેરળ કે જ્યાં ભારતની 2.5થી 3 ટકા વસતી રહે છે ત્યાં દેશના કુલ કોરોના સંક્રમણના કેસના લગભગ 0.69 ટકા કેસ જ છે.

જ્યારે દેશની કુલ વસતીની લગભગ પાંચ ટકા વસતી ધરાવતા ગુજરાતમાં જ્યાં માર્ચની 19 તારીખે પ્રથમ બે કેસ નોંધાયા હતા ત્યાં બે મહિનામાં એટલે કે 21 મે સુધીમાં દેશના કુલ કોરોના કેસના સરેરાશ 10 ટકા કેસ છે.

લૉકડાઉન બાદ અપાયેલી છૂટછાટ અને સવાલો

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રોજ સાંજે કોરોનાના કેસની વિગતો જાહેર થાય છે.

એમાં રજૂ થયેલા આંકડા કહે છે કે ગુજરાતમાં ચોથા તબક્કાનું છૂટછાટ સાથેનું લૉકડાઉન જાહેર થયું એના પંદર દિવસ અગાઉથી રાજ્યમાં દરરોજ સરેરાશ 350 પૉઝિટિવ કેસ નોંધાતા હતા.

ગુજરાતમાં જેટલા કેસ રોજ નોંધાય છે એટલા તો કુલ કેસ 21 મે સુધી ચંદીગઢ, છત્તીસગઢ, ઝારખંડ, આસામ કે ત્રિપુરા જેવાં રાજ્યોમાં પણ નથી નોંધાયા.

તો શું ચોથા લૉકડાઉનમાં જે છૂટછાટ આપવામાં આવી તે યોગ્ય છે?

ચોથા લૉકડાઉનમાં જે પ્રકારની છૂટછાટ આપી છે એના વિશે જણાવતાં એચસીજી ગ્રૂપ ઑફ હૉસ્પિટલ્સના રિજનલ ડિરેક્ટર ડૉ.ગઢવી કહે છે કે "કેટલીક બાબતોને છૂટછાટમાંથી બાકાત રાખવી જોઈતી હતી. જેમકે, હેરસલૂન, પાનમસાલાની દુકાનો વગેરે."

"ત્યાં ફિઝિકલ ડિસ્ટન્સ રાખવું એક હદ પછી શક્ય નથી બનતું. લૉકડાઉન પર એક તબક્કે તો વિરામ મૂકવો જ પડે પણ મુદ્દો એ છે કે હાર્ડ ઇમ્યુનિટી વધે. ખાસ તો વયોવૃદ્ધ લોકો આઇસોલેશનમાં રહે એના માટે કંઈક નક્કર થવું જોઈએ. "

રીવર્સ આઇસોલેશનનો વિકલ્પ

ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર ડૉ.દિલીપ માવળંકરે બીબીસીને જણાવ્યું હતું કે "લૉકડાઉન એ વિકલ્પ છે કારગર ઉપાય નથી. લૉકડાઉનને લીધે કેસને મર્યાદામાં રાખી શકાય છે પણ એક તબક્કે તો એમાં છૂટછાટ આપવી જ પડે, નહીંતર અર્થવ્યવસ્થા અને રોજગારી પડી ભાંગે."

"મુદ્દો એ છે કે લૉકડાઉન ખૂલવાની સાથે કેટલાક મુદ્દાઓ પર કામ થવું જોઈએ. ઝટ કોરોનાની ઝપટમાં આવી શકે એવા જે લોકો છે તેમની કઈ રીતે સંભાળ લઈ શકાય. મોટી ઉંમરના લોકો તેમજ ડાયાબિટીસ, હાઈ-બ્લલડપ્રૅશર ધરાવતા લોકો. આ લોકો પર કામ થવું જોઈએ."

માવળંકર આગળ કહે છે કે "જેમકે, વયોવૃદ્ધ લોકો હોય તો તેઓ ઘર કે રૂમની બહાર ન નીકળે. એ ત્યારે જ ન નીકળી શકે જ્યારે તેમની સગવડો બેઠાં-બેઠાં સચવાઈ જતી હોય. શહેરમાં કોઈ વૃદ્ધ એકલા રહેતા હોય અથવા તો ઘરમાં પતિ-પત્ની બંને જ રહેતાં હોય અને તેઓ વૃદ્ધ હોય તો તેમની જરૂરીયાતો ઘરેબેઠાં સચવાઈ જવી જોઈએ."

"યુવાનો તેમજ આડોશપડોશના લોકો તેમની જરૂરીયાતોનું ધ્યાન રાખે તો મોટી ઉંમરના જે લોકો કોરોનાનો ભોગ બને છે તે ન બની શકે. રીવર્સ આઇસોલેશનનો વિકલ્પ પણ વિચારી શકાય. તામિલનાડુમાં એની ચર્ચા છે."

માવળંકર કહે છે કે "સામાન્ય વ્યક્તિ જો કોરોના પૉઝિટિવ થાય તો પણ તેમની બચવાની શક્યતા ખૂબ ઊજળી છે, જ્યારે ડાયાબિટીસ કે હાઈબ્લડપ્રૅશર હોય તો તેઓ ઝટ ટાર્ગેટ બને છે. તેથી તેઓ જ જો આઇસોલેશનમાં હોય તો ફરક પડી શકે છે. વ્યવહારિક રીતે આની અમલવારી કેટલી શક્ય બને એ એક સવાલ છે, પણ આ એક કોરોના સામેનો વિકલ્પ બની જ શકે."

ઓછા કેસ હોવા છતાં ગુજરાતનો મરણાંક તમિલનાડુ કરતાં 8 ગણો વધારે

ઇમેજ સ્રોત, Getty Images

23મી મેના રોજ તામિલનાડુમાં નોંધાયેલા 14,753 કોરોનાના કેસની સામે મરણાંક 98 હતો, જ્યારે કે ગુજરાતમાં 13,298 કેસ સામે મરણાંક 802 હતો.

એટલે કે ઓછા કેસ હોવા છતાં ગુજરાતનો મરણાંક તામિલનાડુ કરતાં આઠગણો છે.

આવું શા માટે? આનો જવાબ આપતાં એચસીજી ગ્રૂપ ઑફ હૉસ્પિટલ્સના રિજનલ ડિરેક્ટર ડૉ. ભરત ગઢવીએ બીબીસીને જણાવ્યું હતું કે "ગુજરાતમાં કોરોનાને લીધે મૃત્યુદર વધારે છે એનું મોટું કારણ એ છે કે લોકો સારવાર માટે છેક છેલ્લા તબક્કે આવે છે એ વખતે તેમને બચાવવા મુશ્કેલ થઈ પડે છે."

"તામિલનાડુમાં એવું નથી. ત્યાં દર્દીઓ તરત ડૉક્ટર પાસે પહોંચે છે. આપણે ત્યાં ઘણાં દર્દી ડૉક્ટરી સારવાર મોડેથી લે છે. લક્ષણ જણાય તો તરત જ ડૉક્ટર પાસે પહોંચવું જોઈએ પણ આપણે ત્યાં ઘણા લોકો આ બાબતે ગંભીર નથી."

ગઢવી કહે છે કે "હજી પણ લોકોમાં એક સ્ટિગ્મા છે. બીજી બાબત એ પણ છે કે સરકારી નીતિઓ આપણે ત્યાં ઢીલી પડી રહી છે. ટેસ્ટિંગ, આઇસોલેશન વગેરે શરૂઆતનાં તબક્કે ખૂબ સારાં હતાં, હવે સરકારી સિસ્ટમ થાકી રહી હોય એવું જણાય છે. આપણે ત્યાં ટેસ્ટ ખૂબ ઓછા થાય છે. લોકોના ટેસ્ટીંગ વધે એ આવશ્યક છે."

અમદાવાદના તબીબ ડૉ. સૌમેન્દ્ર દેસાઈએ જણાવ્યું હતું કે "ગુજરાતનો જે કોરોના મૃતકાંક છે એ અન્ય રાજ્યોની સરખામણીએ ચિંતાજનક છે એનાં ઘણાં કારણ હોઇ શકે. દેખીતું કારણ એ છે કે ગુજરાતમાં ડાયાબિટીસ, હાઈબ્લડપ્રૅશર, સ્થૂળતા ધરાવતા લોકોનું પ્રમાણ અન્ય રાજ્યોની તુલનામાં વધારે છે."

"આ પ્રકારના લોકો કે જેમને કોમોર્બિડ કહે છે એ કોરોના પૉઝિટિવ બને તો તેમનાં મૃત્યુની શક્યતા વધી જાય છે. તેથી ગુજરાતમાં મૃત્યુદર વધારે છે. બીજી એક વાત એ પણ છે કે હૉસ્પિટલોમાં લાઇન ઑફ ટ્રીટમૅન્ટ કઈ રીતની છે, એના પર પણ આધાર છે."

"હૉસ્પિટલોમાં ક્યાં પ્રકારનાં ઉપકરણો દ્વારા સારવાર અપાઈ રહી છે. વ્યાપકપણે લોકો જ્યારે સારવાર લેતા હોય ત્યારે યોગ્ય તકેદારી કદાચ ન પણ રખાતી હોય એવાં ઘણાં કારણ મરણાંક માટે જવાબદાર હોઈ શકે."

માળખાગત સુવિધામાં ગુજરાત કેટલું સજ્જ?

ગુજરાત આરોગ્યવિભાગ અને નેશનલ હેલ્થ પ્રોફાઇલ મુજબ ઑગસ્ટ 2018 સુધી ગુજરાતમાં 1474 પ્રાથમિક આરોગ્યકેન્દ્રો છે જે બિહાર કરતાં પણ ઓછાં છે.

બિહારમાં 1899 પ્રાથમિક આરોગ્યકેન્દ્ર છે. ગુજરાતમાં 363 કૉમ્યુનિટી હેલ્થકૅર સેન્ટર અને 9,153 સબસેન્ટર છે. ગ્રામ્ય વિસ્તારમાં 30 હજારની વસતી માટે એક પ્રાથમિક આરોગ્યકેન્દ્ર છે, ત્યાંથી રિફર કરીને કૉમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં મોકલવામાં આવતા હોય છે.

ભારતમાં પ્રતિ હજારની વસતીએ હૉસ્પિટલમાં જેટલા ખાટલા હોવા જોઈએ એના કરતાં ઓછા ખાટલા ધરાવતાં રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે.

માર્ચ 2020માં બ્રુકિંગ્સ નામના ઑર્ગનાઇઝેશને બહાર પાડેલા એક અહેવાલમાં વર્ષ 2019માં રાજ્યોની સરકારી હૉસ્પિટલોમાં કેટલા ખાટલા હતા એનો એક તુલનાત્મક અભ્યાસ દર્શાવ્યો છે.

એના પર નજર કરીએ તો ગુજરાતમાં સરકારી હૉસ્પિટલોમાં 1000ની વસતીએ 0.30 ખાટલા છે. જ્યારે કે રાજસ્થાનમાં 0.60, મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ-છત્તીસગઢ અને ઓડિશામાં 0.40, તામિલનાડુમાં 1.1 છે.

તામિલનાડુમાં કોરોનાને લીધે મરણાંક ઓછો છે એનું કારણ એ પણ હોઈ શકે કે ત્યાં ગુજરાત કરતાં સરકારી હૉસ્પિટલોમાં સરેરાશ વધુ ખાટલા છે.

આ રિપોર્ટ નેશનલ હેલ્થ પ્રોફાઇલ-2019ના રિપોર્ટ સામે પણ સવાલ ઉઠાવે છે. નેશનલ હેલ્થ પ્રોફાઇલ-2019ના રિપોર્ટમાં જણાવાયું છે કે સમગ્ર દેશમાં સરકારી હૉસ્પિટલોમાં 7,13,986 ખાટલા છે.

એટલે કે દેશમાં દર હજારની વસતીએ સરેરાશ 0.55 ખાટલા થયા.

જોકે, ગુજરાતમાં 0.30 છે અને બિહારમાં 0.10, ઉત્તર પ્રદેશમાં 0.30, ઓડિશા-મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં 0.40 છે, મતલબ કે 0.55 કરતાં ઓછા છે.

માર્ચ 31, 2018 સુધીના જે આંકડા લોકસભામાં આપવામાં આવ્યા હતા તે સૂચવે છે કે ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્યકેન્દ્રમાં ડૉક્ટરોની 29 ટકા જેટલી જગ્યા ખાલી હતી ત્યારે ફિઝિશિયન, બાળકોના ડૉક્ટર, ગાયનોકૉલૉજિસ્ટ તથા સર્જન જેવા સ્પેશિયાલિસ્ટ્સની 90 ટકા જગ્યા ખાલી પડી હતી.

2018 સુધી જિલ્લા હૉસ્પિટલોમાં 518 જેટલી ભરતીઓને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ તેમાંથી 200 જેટલી જગ્યા ખાલી પડી હતી. પુછાયેલા પ્રશ્નોના જવાબમાં 19 જુલાઈ 2019ના રોજ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણના યુનિયન મિનિસ્ટર અશ્વિનીકુમાર ચૌબેએ આ વિગતો લોકસભામાં રજૂ કરી હતી.

સ્ક્રિનિંગ નહીં ટેસ્ટિંગ જરૂરી છે

ઇમેજ સ્રોત, Getty Images

સમાજશાસ્ત્રીય બાબતોના જાણકાર એવા શારિક લાલીવાલાએ રાજ્ય સરકાર લૉકડાઉનના ચોથા તબક્કા બાદ કોરોના સામે જે છૂટછાટ આપી રહી છે એની સામે કેટલાંક તારણો મૂક્યાં છે.

શારિકે કહ્યું હતું કે "ઇટાલી તેમજ અન્ય દેશોમાં જ્યાં-જ્યાં પણ લૉકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે ત્યાં લોકોનું ટેસ્ટિંગ કરીને છૂટછાટ આપવામાં આવી છે, માત્ર સ્ક્રિનિંગ કરીને નહીં."

"આપણે ત્યાં ચોથા તબક્કાના લૉકડાઉન અગાઉ શાકભાજી અમને કરિયાણાવાળાને છૂટછાટ આપવામાં આવી હતી તે માત્ર સ્ક્રિનિંગ કરીને આપવામાં આવી હતી. ખરેખર તો તેમનું ટેસ્ટિંગ થવું જોઈતું હતું."

"ચોથું લૉકડાઉન જાહેર થયું અને છૂટછાટ અપાઈ તે અગાઉથી જ સુરત જેવાં શહેરોમાંથી બસો ઊપડી હતી અને કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતમાં ગઈ હતી. એમાં પણ બસમુસાફરી કરી રહેલા લોકોનું માત્ર થર્મલ સ્ક્રિનિંગ થયું હતું. થર્મલ સ્ક્રિનિંગમાં તો જેમને તાવ આવતો હોય તેવા કોરોના પૉઝિટિવ દર્દી જ સામે આવે છે."

"તાવ કે ઉધરસ જેવાં લક્ષણો ન ધરાવતા હોય તેવા એસિમ્પ્ટૉમૅટિક દર્દીઓની સંખ્યા વધારે છે. આવા દર્દી થર્મલ સ્ક્રિનિંગમાં પકડાતા નથી. તેથી માત્ર સ્ક્રિનિંગના આધારે જો લોકોને એક શહેરથી અન્ય ગામ કે શહેરમાં લઈ જવાય તો કેસ વધે અને એવું જ થયું છે."

ગુજરાતમાં લૉકડાઉન અગાઉ લોકોની આંતરજિલ્લા અવર-જવર નહોતી શરૂ થઈ એ અગાઉ ગીર-સોમનાથમાં કોરોનાના બે કેસ હતા અને સારવાર બાદ બંને દર્દીઓ સાજા થઈ ગયા હતા. ગીર-સોમનાથ જિલ્લો ગ્રીન ઝોન થવા જઈ રહ્યો હતો, ત્યાં આજે 40થી વધુ કેસ નોંધાયા છે.

યાદ રહે કે અમદાવાદ અને સુરત જેવાં શહેરો કે જ્યાં રાજ્ય સરકારનું વિશેષ ધ્યાન છે ત્યાં કોરોનાના દર્દીઓ માટે સરકાર અનેક પ્રયાસ કરી રહી છે, આમ છતાં કેસ કાબૂમાં નથી આવતા.

જ્યારે કે અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ વગેરે જિલ્લાઓનાં છેવાડાનાં ગામોમાં તો પ્રાથમિક આરોગ્યકેન્દ્ર સુધી પહોંચવા માટે જ દર્દીને કેટલાય કિલોમિટર કાપવા પડે છે.

છતાં જરૂરી સારવાર નથી મળતી. તો આવા સુદૂરના જિલ્લાઓમાં જો કોરોનાના કેસ વધશે તો સરકાર માટે પહોંચી વળશે ખરી? આ એક સવાલ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો