કાશ્મીર : કઈ રીતે પોલીસે ખાળ્યો 'પુલવામા-સ્ટાઇલ' કથિત હુમલો? - TOP NEWS

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ-કાશ્મીર પોલીસે દાવો કર્યો છે કે 'પુલવામા-સ્ટાઇલ' હુમલાને ટાળવામાં સફળતા મળી છે.
પોલીસના કહેવા પ્રમાણે, બુધવારે રાત્રે એક ગાડી ચેકપૉઇન્ટ તોડીને આગળ નીકળી ગઈ હતી, બાદમાં બિનવારસ હાલતમાં એક ગામડાં પાસે મળી આવી હતી.
જેને બાદમાં બૉમ્બ ડિસ્પૉઝલ સ્ક્વૉડે કંટ્રોલ્ડ બ્લાસ્ટ દ્વારા ઉડાવી દીધી હતી.
શરૂઆતમાં એવા અહેવાલ હતા કે પોલીસ અને ઉગ્રપંથીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, પરંતુ પોલીસે આ વાતને સત્તાવાર રીતે નકારી કાઢી છે. સાથે જ દાવો કર્યો છે કે હુમલાના નિષ્ફળ પ્રયાસ પાછળ હિઝબુલ મુજાહિદ્દીનનો હાથ છે.
પોલીસના કહેવા પ્રમાણે, સમગ્ર કામગીરી સી.આર.પી.એફ. અને સેનાએ મળીને પાર પાડી હતી.
ઑગસ્ટ-2019માં જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો નાબૂદ કરી દેવામાં આવ્યો તે પછી હિંસક ઘટનાઓની સંખ્યામાં ઉછાળ જોવા મળ્યો છે. પોલીસ રેકર્ડ પ્રમાણે, આ ગાળા દરમિયાન 100 ઉગ્રપંથી અને સુરક્ષાબળોના કમસે કમ 30 મૃત્યુ પામ્યા છે.
ઉલ્લેખનીય છે કે તા. 14 ફેબ્રુઆરી 2019ના દિવસે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સી.આર.પી.એફ. (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના કાફલાની બસની સાથે વિસ્ફોટકો ભરેલી કાર અથડાઈ હતી, જેમાં 40થી વધુ સૈનિક મૃત્યુ પામ્યા હતા.
તા. 26મી ફેબ્રુઆરીએ ભારતે દાવો કર્યો હતો કે તેના વાયુદળે પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વામાં ઉગ્રપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદની કથિત તાલીમ શિબિર ઉપર ઍરસ્ટ્રાઇક કરી હતી.
આ હુમલામાં 300થી વધુ કથિત ઉગ્રપંથીઓનાં મૃત્યુ થયા હોવાના અહેવાલ મીડિયામાં વહેતા થયા હતા. જોકે ક્યારેય તેની સત્તાવાર પુષ્ટિ થઈ ન હતી.
ગુજરાતમાં 30 હજાર લગન મોકૂફ
ઇમેજ સ્રોત, GETTY IMAGES
વધૂની તસવીર
કોરોના વાઇરસ મહામારી અને તેને કારણે લાગુ લૉકડાઉનને કારણે ગુજરાતમાં અંદાજે 30,000 લગ્નો રદ કરવામાં આવ્યાં છે.
માર્ચ અને એપ્રિલ મહિનામાં ગુજરાતમાં મોટા ભાગે લગ્નો થતાં હોય છે, પરંતુ લૉકડાઉનને કારણે લગ્ન રદ કરાયા છે અથવા તો સ્થગિત કરાયાં છે.
ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસને હોટલ ઍન્ડ રેસ્ટેરા ઍસોસિયેશનના (ગુજરાત)ના પ્રવક્તા અભિજિત દેશમુખે જણાવ્યું હતું કે રાજ્યમાં ચાલી રહેલા આરોગ્યસંકટને
ધ્યાનમાં રાખીને છેલ્લા બે મહિનામાં રાજ્યભરમાં ઓછામાં ઓછા 30,000 રદ અથવા તો મુલતવી રખાયાં છે.
લગ્નના આયોજક દેવાંગ શાહે જણાવ્યું કે 18મી મેથી લૉકડાઉનમાં થોડી છૂટછાટ અપાઈ છે. જોકે હોટલો, રેસ્ટેરાં, પાર્ટીના સ્થળો અને મંદિરોને બંધ રાખવાનો
નિર્દેશ આપવામાં આવ્યો છે, જેના કારણે લોકોને લગ્ન અને તેને સંબંધિત કાર્યોનું આયોજન કરવામાં મુશ્કેલી પડી રહી છે.
"લોકો બુકિંગ રદ કરી રહ્યા છે અને આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાની રાહ જોઈ રહ્યા છે."
પ્રતીકાત્મક તસવીર
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં એક 17 વર્ષીય યુવતીને યુવક સાથે ભાગી જવાના આરોપમાં ભાગી જતાં જાહેરમાં માર મારવામાં આવ્યો હતો.
બુધવારે સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો.
ત્યારબાદ પોલીસે આરોપીની ઓળખ કરી હતી અને તેમની સામે ગુનો નોંધ્યો હતો. જોકે હજુ સુધી આ મામલે કોઈની ધરપકડ થઈ નથી.
ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, પોલીસના જણાવ્યા અનુસાર 21 મેના રોજ યુવતીના યુવક સાથે ભાગી જવાના આરોપસર તેના સંબંધીઓએ તેને લાકડીથી માર માર્યો હતો.
છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક એમ.એસ. ભાભોરે વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે "વીડિયોમાં બનેલી ઘટના થોડા દિવસો પહેલાંની છે, જ્યાં એક 17 વર્ષની યુવતી તેના જ ગામના યુવક સાથે ભાગી જતાં તેના સંબંધીઓએ તેને જાહેરમાં માર માર્યો હતો. વીડિયોમાં જોવા મળતા વૃદ્ધ પુરુષની ઓળખ છોકરીના કાકા તરીકે થઈ છે."
વાઇરલ થયેલા વીડિયોમાં ત્રણ શખ્સનું એક જૂથ જોવા મળે છે. તેઓ પીડિતા પર દુર્વ્યવહાર કરતાં હતા અને ઘણા લોકો આ ઘટનાને જોઈ રહ્યા હતા.
ગુજરાતથી લઈને યુપી સુધી તીડનો આતંક
ઇમેજ સ્રોત, VISHAL BHATNAGAR/NURPHOTO VIA GETTY IMAGES
તીડ
કોરોના વાઇરસના સંકટની વચ્ચે દેશમાં તીડનું ત્રાસ પણ યથાવત્ છે.
કોરોના વાઇરસથી સૌથી પ્રભાવિત મહારાષ્ટ્રમાં હવે તીડે તાંડવ મચાવ્યું છે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને હરિયાણા બાદ હવે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં તીડનાં ઝુંડો ઊભા પાકનો સોથ વાળી રહ્યા છે.
સરકારનું કહેવું છે કે ત્રણ દશકમાં દેશમાં તીડનો આ સૌથી ખરાબ હુમલો છે.
સરકાર વિશેષ છંટકાવ મશીનોનો ઉપયોગ કરી રહી છે અને નજર રાખવા માટે 11 નિયંત્રણ કક્ષ પણ બનાવ્યાં છે.
પંજાબના એગ્રિકલ્ચર ડાયરેક્ટર સાવંતકુમાર એરીએ કહ્યું કે પંજાબને પણ હાઈઍલર્ટમાં રાખવામાં આવ્યું છે અને દરેક જિલ્લામાં નિયંત્રણ કક્ષ બનાવાયાં છે. અને ખેડૂતોને તીડની કોઈ પણ ગતિવિધિનો રિપોર્ટ કરવા કહેવાયું છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો