ગુજરાતની એ આયુર્વેદિક દવા જેનાથી કોરોનાની સારવારની આશા છે

  • તેજસ વૈદ્ય
  • બીબીસી સંવાદદાતા
ગાય

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસ મહામારીએ જગતભરમાં મુશ્કેલીમાં મૂકી દીધું છે અને વિવિધ દેશો પોતપોતાની રીતે રસી અને દવા શોધવામાં લાગ્યા છે. ભારતમાં હવે એના ઉપચાર માટે આયુર્વેદિક દવાની ક્લિનિકલ ટ્રાયલ આ સપ્તાહે શરૂ થઈ રહી છે.

ઍલૉપથીની દવા જ્યારે બજારમાં મૂકવામાં આવે એ અગાઉ એની ક્લિનિકલ ટ્રાયલ એટલે કે અજમાયશ થતી હોય છે. તે કઈ રીતે અસર કરશે એની ક્લિનિકલ ટ્રાયલ થયા પછી જ તે સારવારમાં ઉપયોગમાં લેવા છે.

ઍલૉપથીની આ પ્રક્રિયા હવે આયુર્વેદિક દવા માટે યોજવામાં આવશે, એટલે કે આયુર્વેદિક દવાની ક્લિનિકલ ટ્રાયલ થશે.

નોંધનીય છે કે આયુર્વેદિક દવામાં ક્લિનિકલ ટ્રાયલનો ઍલૉપથી પ્રકારનો શિરસ્તો નથી, હવે એ શિરસ્તો અજમાવાઈ રહ્યો છે.

'રાષ્ટ્રીય કામધેનુ પંચ'ના ચૅરમૅન તેમજ વ્યવસાયે ઍલૉપથી ડૉક્ટર એવા વલ્લભ કથીરિયાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "આયુષ મંત્રાલય દ્વારા આ ક્લિનિકલ ટ્રાયલ વિશે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશન આખા દેશમાં મોકલવામાં આવ્યું છે, જેમાં 9 મુદ્દા સાથે ટ્રાયલ માટેની ગાઇડલાઇન જણાવવામાં આવી છે. એ મુદ્દાના આધારે ટ્રાયલ થશે."

"રાજકોટ, અમદાવાદ, વર્ધા, કોલ્હાપુર, સુરત, નાગપુર, ભોપાલ, દિલ્હી, હૈદરાબાદ વગેરે શહેરોમાં ટ્રાયલ થશે. ટ્રાયલ માટેનું કાગળકામ એટલે કે પેપરવર્ક, પરવાનગી વગેરે લેવાઈ ગઈ છે. હવે બે-ત્રણ દિવસમાં ટ્રાયલ શરૂ થશે. કોઈ જગ્યાએ બે દિવસમાં તો ક્યાંક ચાર દિવસમાં શરૂ થઈ જશે."

તેઓ કહે છે કે 'રાષ્ટ્રીય કામધેનુ પંચના ચૅરમૅન તરીકે હું આ ટ્રાયલ કરાવી રહ્યો છું. મારી સાથે પંદરેક જેટલા આયુર્વેદના ડૉક્ટરો, પ્રોફેસરો તેમજ નિષ્ણાતની ટીમ છે. તેમણે આના માટે પ્રોટોકૉલ તૈયાર કર્યો છે. વર્ષોના અનુભવના આધારે તેમજ આયુર્વેદનું સાહિત્ય વગેરે જોઈને નિષ્ણાતોએ આના માટે પ્રોટોકૉલ તૈયાર કર્યો છે.'

line

દવા, ઉકાળો અને પંચગવ્ય ત્રણ મુખ્ય ડ્રગ્સની ટ્રાયલ થશે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

આયુર્વેદિક દવાની ક્લિનિકલ ટ્રાયલનો જે પ્રોજેક્ટ છે એના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર ડૉ. હિતેશ જાની છે. જેઓ જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ છે અને આયુર્વેદ તજજ્ઞ છે.

તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "આ મલ્ટિ-સેન્ટ્રિક ક્લિનિકલ ટ્રાયલ છે. આમાં અમે ત્રણ ડ્રગ એટલે કે દવા ઉપયોગમાં લેવાશે. જેમાં એક ટૅબ્લેટ એટલે કે ટીકડી છે, બીજું ક્વાથ એટલે કે ઉકાળો છે અને ત્રીજું પંચગવ્ય ગ્રૅન્યુલ્સ એટલે કે પંચગવ્યના દાણા છે. જે ટીકડી છે એ સંજીવની ગોળી છે, જેનો ચરકસંહિતા વગેરે આયુર્વેદિક સાહિત્યમાં ઉલ્લેખ છે."

"સંજીવની વટીમાં 1/6 ભાગ ગૌમૂત્ર છે. એ ઉપરાંત વાવડિંગ, લવિંગ વગેરે તત્ત્વો છે. કોરોના ફેફસાંને અસર કરે છે. કોરોનામાં તાવ આવે છે જે અચાનક વધી જાય છે. તાવના ઉપચાર માટે તે ટીકડી છે. જામનગરમાં અમે એના પર 20 વર્ષ કામ કર્યું છે."

તેઓ વિસ્તારથી વાત કરતાં જણાવે છે, "જે ઉકાળો ટ્રાયલમાં લેવાના છીએ તેને આયુર્વેદમાં ગોજીહ્વાદી ક્વાથ કહે છે. તેમાં ભોરિંગડી અને અન્ય ગરમ તત્ત્વો, જેમ કે તજ, લવિંગ વગેરે હોય છે. જે કફને તોડે છે અને ગળું સાફ કરે છે. આ ઉકાળો પણ ફેફસાંના ઉપચારમાં ઉપયોગી છે. ઉપરાંત, ત્રીજું જે છે એ પંચગવ્ય છે, જેમાં ગાયનું દૂધ, ગૌમૂત્ર, ગોબર, ઘી તેમજ માખણનો ઉપયોગ થાય છે.

"પંચગવ્યને અમે ફાર્માસ્યુટિકલ્સ દ્વારા બૉર્નવિટાના દાણા હોય એ સ્વરૂપે એનું ગ્રૅન્યુઅલ્સ તૈયાર કર્યું છે, જેને પંચગવ્ય ગ્રૅન્યુલ્સ કહે છે. કોઈને પંચગવ્યની પરંપરાગત વાસથી થોડી તકલીફ હોય તો આ દાણા સ્વરૂપમાં એ સમસ્યા નથી રહેતી. પંચગવ્યની આ દવાની અમે અગાઉ એપીલેપ્સી, સેરેબ્રલ પાલ્સીમાં ટ્રાયલ લીધી જ છે અને વિદ્યાર્થીઓએ શોધનિબંધ લખ્યા છે. એમાં જોવા મળ્યું છે કે એને લીધે રોગપ્રતિકારક શક્તિ વધે છે. શાસ્ત્રોમાં એને ઓજવર્ધક કહે છે."

line

પ્રાચીન દવાની મૉડર્ન સાયન્સને અનુલક્ષીને ટ્રાયલ

ડૉ. હિતેશ જાનીના કહેવા પ્રમાણે આયુર્વેદની જે દવા તેઓ ઉપયોગમાં લેવાના છે એ કોઈ નવા ડ્રગ્સ નથી. એ 3000 વર્ષ જૂનું ક્લાસિકલ ડ્રગ્સ છે.

તેઓ કહે છે કે "ક્લિનિકલ ટ્રાયલમાં એની વિધિવત્ નોંધણી થશે. આ ત્રણેય ડ્રગનું જીએમપી (ગૂડ મૅન્યુફૅક્ચરિંગ પ્રૅક્ટિસ) સિસ્ટમ દ્વારા સ્ટાન્ડર્ડાઇઝેશન કર્યું છે, તેમજ એફએસએસએઆઈ (ફૂડ સૅફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા)નું પ્રમાણપત્ર મેળવીને આ ત્રણેય દવાનો અમે પ્રોટોકૉલ એટલે કે મેડિકલ ટ્રીટમેન્ટનો જે કોર્સ હોય એની પ્રક્રિયા તૈયાર કરી છે."

"આ પ્રોટોકૉલ અમે આઈસીએમઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ)માં મૂક્યો છે. ગુજરાત સરકારે માન્ય રાખ્યો અને ગુજરાતમાં કામ કરવાની છૂટ આપી છે. તમે ક્યાંય પણ ટ્રાયલ કરો એટલે સીટીઆરઆઈ (ક્લિનિકલ ટ્રાયલ્સ રજિસ્ટ્રી - ઇન્ડિયા)માં રજિસ્ટર કરાવવી પડે. એની પ્રક્રિયા પણ કરવામાં આવી છે."

તો ડૉ. જાનીની વાત આગળ વધારતાં વલ્લભ કથીરિયા કહે છે કે "દવાનો ડોઝ તેમજ આહારવિહાર નક્કી કરીને દરદી પર ટ્રાયલ થશે. નવી વાત એ છે કે મૉડર્ન સાયન્સને અનુલક્ષીને આ ટ્રાયલ થઈ રહી છે. અર્વાચીન પરંપરામાં લોકોને જે રીતે વિશ્વાસ છે એ રીતે જ પ્રાચીન આયુર્વેદિક દવા પર વિશ્વાસ બેસે એટલા માટે જ આ ટ્રાયલ થઈ રહી છે. તાવ ઓછો થઈ જાય, ઉધરસ ઘટે, ભૂખ ઊઘડે, સારી ઊંઘ આવે, શ્વાસ સારી રીતે લઈ શકે વગેરે એના ક્લિનિકલ ક્રાઇટેરિયા જોવામાં આવશે. તેમજ બ્લડ, યુરિન, લીવર ફંક્શન, યુરિયા, લૅબોરેટરી ટેસ્ટ વગેરે ક્રાઇટેરિયા પણ જોવામાં આવશે."

line

દરદીના ખોરાકનો પણ ડૉક્ટરો દ્વારા પ્રોટોકૉલ તૈયાર થયો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કહેવાય છે કે આયુર્વેદનો ઉપચાર વ્યક્તિની તાસીર એટલે કે પ્રકૃતિ આધારે થતો હોય છે. વાત, પિત્ત અને કફની વ્યક્તિની જે પ્રકૃતિ હોય છે એના આધારે ઉપચાર થતો હોય છે.

દરેક વ્યક્તિની તાસીર અલગ હોય તો કોઈ એક જ સ્ટાન્ડર્ડ દવા બનશે કે દવા અલગઅલગ રહેશે?

આ સવાલના જવાબમાં ડૉ. જાનીએ કહ્યું હતું કે "દવા તો સ્ટાન્ડર્ડ જ એટલે કે એકસરખી જ રહેશે, તો જ દવા કહેવાય. કોરોના એ રોગ મૂળે કફનો છે. તેથી દવા તો કફ માટેની હશે. આ ટ્રાયલમાં ખોરાક એટલે કે ફૂડનો પણ એક પ્રોટોકૉલ રહેશે. ફૂડ પ્રોટોકૉલમાં એટલે કે દરદીને અપાતા ખોરાકમાં અલગઅલગ પૅટર્ન હશે. તે જે ભોજન કે નાસ્તો લેશે તેમાં પણ એક પ્રોટોકૉલ રહેશે."

"હૉસ્પિટલમાં જે ફૂડ આપે છે એ નહીં અપાય, અમે જે મેન્યુ નક્કી કર્યું છે એ દરદીને અપાશે. આ મેન્યુ પ્રોટોકૉલમાં આપ્યું છે. કોઈ પણ દરદીને દહીં નહીં અપાય. શું આપવાનું અને શું નહીં આપવાનું. તેમજ ખોરાક બદલવો પડે તો ક્યો ખોરાક આપવો એનો એક પ્રોટોકૉલ છે. તેનું ભોજન પણ ટ્રાયલનો એક ભાગ રહેશે. દવા સ્ટાન્ડર્ડ રહેશે, ભોજન અલગઅલગ રહેશે. એટલે જ આને મલ્ટિ-સેન્ટ્રિક ક્લિનિકલ ટ્રાયલ કહે છે."

તો તો દેશભરમાં આટલા દરદી પર વ્યક્તિગત ધ્યાન આપવું પડશે. એ કઈ રીતે શક્ય બનશે?

ડૉ. જાની કહે છે કે "સામાન્ય રીતે ડૉક્ટરો દરેક દરદીને રોજ જોવા તો જતા જ હોય છે. તેથી એ કોઈ નવી બાબત નથી. આ ટ્રાયલમાં બે ઇન્વેસ્ટિગેટર રહેશે, પીઆઈ અને કો-આઈ. પીઆઈ એટલે કે પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર હું છું અને કો-ઇન્વેસ્ટિગેટર હૉસ્પિટલના રૂટિન ડૉક્ટર કે સ્ટાફ રહશે."

line

જો ત્રણ મહિનામાં ધાર્યું પરિણામ નહીં મળે તો?

ગાયનું દૂધ

ઇમેજ સ્રોત, Getty Images

એવું પણ કહેવાય છે કે ઍલૉપથીની તુલનામાં આયુર્વેદની પ્રક્રિયા થોડી ધીમી હોય છે. તો શું એની ટ્રાયલ લાંબી ચાલશે?

ડૉ. હિતેશ જાની જણાવે છે કે "પાંચ મહિનાથી આપણે કોરોના માટેની દવા તેમજ વૅક્સિનની રાહ જોઈ રહ્યા છીએ, તો એમાં પણ સમય તો લાંબો લાગ્યો જ છે ને! દાવા તો ઘણા દેશો કરી રહ્યા છે પણ હજી સુધી દવા કે વૅક્સિન શોધાયાં નથી."

"આયુર્વેદ ધીમે કામ કરે છે એવું કહેવા પાછળના સંદર્ભ જુદા હોય છે. અમે જે કરવા જઈ રહ્યા છીએ એ ટ્રાયલનો પ્રોટોકૉલ 15 દિવસથી 3 મહિના સુધીનો રહેશે. લઘુતમ 15 દિવસથી મહત્તમ 3 મહિનાની ટ્રાયલ રહેશે. 3 મહિના સુધી આ દવા કરશું. જો સફળ નહીં થાય તો એ પડતી મૂકવામાં આવશે."

ત્રણ મહિના પછી દવા બદલાશે કે ફેરફાર કરીને ટ્રાયલ આગળ કરાશે કે કેમ એ અંગે ડૉ. જાની કહે છે કે દવા એક વખત ચાલુ થાય પછી એમાં કોઈ ફેરબદલ ન થાય, તો જ એને ટ્રાયલ કહેવાય.

line

આયુર્વેદ પદ્ધતિને ચેનલાઇઝ કરવાનો ઉદ્દેશ

ડૉ. વલ્લભ કથીરિયા કહે છે કે "ઍલૉપથીની સરખામણીમાં આયુર્વેદની ઉપચારપ્રક્રિયા થોડી ધીમી હોય છે એ વાત એક મિથ એટલે કે વાયકા છે. ઍલૉપથીમાં પણ અલગઅલગ દિવસોના ડોઝ આપવામાં આવે છે. જેમાં કેટલાક ડોઝ લાંબા પણ હોય છે."

ડૉ. કથીરિયા વધુમાં ઉમેરે છે કે "કોરોનાના ઉપચારની દિશામાં આયુર્વેદિક દવાની ક્લિનિકલ ટ્રાયલનો ઉદ્દેશ એ છે કે આ પ્રક્રિયા દ્વારા આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ ચેનલાઇઝ થશે. અમે દેશભરના નીવડેલા આયુર્વેદિક ડૉક્ટર્સની યાદી પણ તૈયાર કરી રહ્યા છીએ. અમારે આગામી દિવસોમાં ઇન્ટિગિરેટેડ મેડિસિનમાં આગળ વધવું છે."

"મતલબ કે રોગની સારવાર માટે વિવિધ ઉપચારપદ્ધતિ સાંકળવી. જેમ કે આયુર્વેદ તેમજ ઍલૉપથીમાં જે કંઈ પણ સારું હોય એ સાંકળીને ઉપયોગમાં લેવાનું. દરદીને વૅન્ટિલેટરની જરૂર હોય તો એ આપવાનું જ. લૅબોરેટરી પરીક્ષણની જરૂર હોય તો એ કરવાનું જ. પછી એમ લાગે કે ચાલો હવે ધાર્યું પરિણામ નથી તો આયુર્વેદિક ઢબે ઉપચાર જોઈએ. આ ત્યારે જ શક્ય બને જો એની પૂરતી ટ્રાયલ થઈ હોય. તેથી અમે આ શરૂઆત કરી છે."

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો