કોરોના વાઇરસ : શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં ચાર દિવસ સુધી મૃતદેહ સડતો રહ્યો, કોઈને ખબર પણ ન પડી

  • સમીરાત્મજ મિશ્ર
  • બીબીસી ગુજરાતી માટે
મૃતક મોહનલાલ

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA

ઉત્તર પ્રદેશના બસ્તીમાં રહેતા મોહનલાલ શર્મા 23 મેના રોજ ઝાંસીથી ગોરખપુર જતી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં બેઠા હતા. ટ્રેન ગોરખપુર જઈને ચાર દિવસ પછી ઝાંસી પાછી આવી, પરંતુ મોહનલાલ પોતાના ઘરે પાછા ન આવ્યા.

ઝાંસી રેલવે યાર્ડમાં ટ્રેનની સફાઈ થતી હતી ત્યારે સફાઈકર્મીઓએ ટ્રેનના શૌચાલયમાં એક સડેલો મૃતદેહ જોયો. તપાસ કરતા ખબર પડી કે આ મૃતદેહ મોહનલાલનો હતો. આવી ત્રાસદી માત્ર મોહનલાલ સાથે જ નથી થઈ, પણ શ્રમિક ટ્રેનમાં યાત્રા કરનારા ઘણા લોકો પોતાનો જીવ ખોઈ ચૂક્યા છે.

તેમાંના મોટાં ભાગનાં મૃત્યુનું કારણ પણ રહસ્ય બની રહ્યું છે, જેવી રીતે મોહનલાલના મૃત્યનું.

ઝાંસીમાં રાજકીય રેલવે પોલીસના ડીએસપી નઈમખાન મન્સૂરીએ બીબીસીને જણાવ્યું, "પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં કોઈ પ્રકારે બહાર ઈજા થઈ નથી. નમૂના તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે કે શેના લીધે મૃત્યુ થયું છે."

જે શ્રમિક ટ્રેનમાં મોહનલાલ બેઠા હતા તે ટ્રેન આગળના દિવસે ગોરખપુર પહોંચવાની હતી અને પછી એ જ દિવસે પરત ફરવાની હતી, પરંતુ બે દિવસની યાત્રા ટ્રેને ચાર દિવસમાં પૂરી કરી.

ઘણી શ્રમિક ટ્રેનો ઘણા દિવસો પછી નિર્ધારિત સમયે પહોંચે છે અને રસ્તો પર ભટકી જાય છે. અહીં પણ એવું જ બન્યું હતું. જોકે રેલવે મંત્રાલય તેને રસ્તો ભટકવો નહીં પણ ડાયવર્ઝન ગણાવે છે.

શું કહેવું છે રેલવેનું...

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA

મોહનલાલ શર્માનો મૃતદેહ ચાર દિવસ સુધી ટ્રેનમાં પડી રહ્યો અને કોઈને ખબર પણ ન પડી.

ઉત્તર-મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી અજિતકુમાર સિંહે બીબીસીને જણાવ્યું કે મોહનલાલ પાસે 23 તારીખની ટિકિટ હતી, પરંતુ એ ખબર નથી કે તેઓ આ ટ્રેનમાંથી ગયા હતા કે અન્ય કોઈ ટ્રેનમાંથી.

તેઓ કહે છે, "અમે જિલ્લા પ્રશાસન અને પોલીસને તેની માહિતી આપી દીધી છે અને તેમને બૉડી સોંપી દીધી છે. બાદમાં પોસ્ટમૉર્ટમ કરવાથી લઈને બધું કામ તેમનું હતું. અહીં સુધી કેવી રીતે આવ્યા, આ ટ્રેનમાં ગયા કે અન્ય ટ્રેનથી, આ બાબતોની પુષ્ટિ થઈ શકી નથી. ટ્રેનના જે શૌચાલયમાં તેમનો મૃતદેહ પડ્યો હતો, એ અંદરથી બંધ હતું."

ડીએસપી નઈમખાન મન્સૂરી અનુસાર, પોસ્ટમૉર્ટમથી ખબર પડે છે કે તેમનું મૃત્યુ અંદાજે ચાર દિવસ પહેલાં એટલે કે 24 માર્ચે થયું હતું. મોહનલાલ પાસેથી તેમનું આધારકાર્ડ, અન્ય સામાન અને 27 હજાર રૂપિયા મળ્યા છે.

'ઝાંસીમાં પોલીસકર્મીઓએ અંતિમસંસ્કાર કરી નાખ્યા'

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA

મોહનલાલ શર્માનાં પત્ની પૂજા કહે છે, "23 તારીખે તેમનો ફોન આવ્યો હતો કે અમે ટ્રેનમાં બેસી ગયા છીએ. બાદમાં તેમનો ફોન બંધ થઈ ગયો અને અમારી સાથે વાત ન થઈ શકી. 28 તારીખે ફોન આવ્યો કે ઝાંસીમાં તેમનો મૃતદેહ મળ્યો છે. બાદમાં અમે ત્યાં ગયા હતા."

મોહનલાલ શર્માના પરિવારમાં તેમનાં પત્ની અને ચાર નાનાં બાળકો છે. સૌથી મોટો પુત્ર 10 વર્ષનો અને સૌથી નાની પુત્રી પાંચ વર્ષની છે. મોહનલાલ મુંબઈમાં રહીને એક પ્રાઇવેટ ગાડી ચલાવતા હતા અને લૉકડાઉન બાદ લાખો મજૂરોની જેમ તેઓ પણ મુંબઈથી પોતાના ઘરે આવી રહ્યા હતા.

તેમનાં પત્ની પૂજા રડતાં-રડતાં કહે છે, "ઝાંસીમાં પોલીસકર્મીઓએ તેમના અંતિમસંસ્કાર કરી નાખ્યા. પછી અમે લોકો ઘરે આવી ગયા. કોઈ પૂછવા પણ આવ્યું નથી અને અમને કોઈ મદદ પણ મળી નથી."

શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં લોકોનાં મૃત્યુનું કારણ તેમની અગાઉની બીમારીને ગણાવાયું છે.

રેલવે મંત્રાલય ગમે તેટલા દાવા કરે કે તેણે સારી વ્યવસ્થા કરી હતી, પરંતુ ઠેકઠેકાણે હાલાકી અને શ્રમિક ટ્રેનમાં સવાર યાત્રીઓના ગુસ્સાની ખબરો આવા દાવાઓ પર સવાલ ઊભા કરે છે.

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES VIA GETTY IMAGES

યુપીમાં માત્ર 25 મેથી 27 મેની વચ્ચે કમસે કમ નવ શ્રમિકોનાં મૃત્યુ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં થયાં છે, જ્યારે દેશભરમાં 9 મેથી 27 મે સુધી મૃતકોની સંખ્યા 80 હતી.

રેલવે વિભાગ આ આંકડાની પુષ્ટિ હજુ સુધી કરતો નથી, પરંતુ આ આંકડા રેલવે સુરક્ષાબળ એટલે આરપીએફ તરફથી મળ્યા છે જે રેલવેમાં સુરક્ષા માટે જવાબદાર એજન્સી છે. મૃતકોમાં મોટા ભાગે યુપી અને બિહારના લોકો છે.

રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ જતી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં રવિવારે એક શ્રમિકનું મુગલસરાય પાસે મૃત્યુ થયું અને સાથે યાત્રા કરી રહેલા લોકોએ આઠ કલાક સુધી મૃતદેહ સાથે યાત્રા કરી.

તેમની સાથે જઈ રહેલા એક યાત્રીએ જણાવ્યું કે લોકોમાં ભય ફેલાઈ ગયો છે કે તેમનું મૃત્યુ કોરોનાને કારણે તો થયું નથી ને. તેમ છતાં લોકોએ પોલીસને જણાવ્યું નહીં, કેમ કે તેમને ડર હતો કે તેને કારણે તેમની મુસાફરી વધુ લાંબી ન થઈ જાય.

સાથે જતાં એક યાત્રી સરજૂ દાસનું કહેવું છે કે "અમે લોકોએ મહામુસીબતે ટ્રેનની ટિકિટ લીધી હતી. આથી સાથી મુસાફરના મૃત્યુ પછી પણ તેમની સાથે યાત્રા કરતા રહ્યા અને માલદા પહોંચતાં રેલવે પોલીસને માહિતી આપી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો