નિસર્ગ : મુંબઈ પર 129 વર્ષ પછી ફરી એક વાર વાવાઝોડાનો ખતરો

  • સૌતિક બિશ્વાસ
  • બીબીસી સંવાદદાતા
દરિયાનાં મોજાં

ઇમેજ સ્રોત, Getty Images

"તેજ પવને જાણે દરિયો શહેરમાં લાવી દીધો હોય, સાગરનાં મોજાંઓ ભયંકર ગર્જના કરતાં હતાં, ચર્ચનાં શિખરો ઊડી ગયાં હતાં, વિશાળ પથ્થરો દૂર સુધી ફંગોળાયા હતા, બે હજાર લોકોનાં મૃત્યુ થયાં હતાં."

એક પોર્ટુગીઝ ઇતિહાસકારે મે 1618માં મુંબઈમાં સૌથી પહેલા આવેલા વિનાશક વાવાઝોડાનું આ રીતે વર્ણન કર્યું છે.

17મી અને 19મી સદીમાં પશ્ચિમ ભારતીય શહેર મુંબઈ જીવલેણ તોફાનો અને વાવાઝોડાંનો ભોગ બન્યું હતું.

મુંબઈમાં 2005માં ભારે પૂર આવ્યું હતું અને તાજેતરમાં 2017 અને 2019માં પૂર આવ્યાં, પરંતુ તે વાવાઝોડાને કારણ નહોતાં આવ્યાં.

કોલંબિયા યુનિવર્સિટીમાં વાયુમંડળીય વિજ્ઞાનના પ્રોફેસર એડમ સોબેલે કહ્યું, "20 મિલિયન વસતીવાળું મુંબઈ ભારતની આર્થિક અને મનોરંજક રાજધાની છે પણ આધુનિક ભારતમાં મુંબઈએ 1891 પછી ભયંકર ચક્રવાતનો સામનો નથી કર્યો."

જોકે આ બધું બુધવારે બદલાઈ જશે. 100થી 120 કિમી પ્રતિકલાકની ઝડપે પવન સાથે તીવ્ર ચક્રવાત શહેર અને ભારતના પશ્ચિમકાંઠે ત્રાટકશે.

મુંબઈ 'ઑરૅન્જ' ઍલર્ટ પર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે કે નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ શકે છે.

વિભાગ નિરીક્ષણ કરી રહ્યો છે કે શું આ વાવાઝોડું 'અંફન' જેવું તીવ્ર હશે કે કેમ, જેણે પશ્ચિમ બંગાળમાં તબાહી સર્જી હતી અને ગત અઠવાડિયે 90થી વધુ લોકોનો જીવ લીધો હતો.

મુંબઈનાં વાવાઝોડાં પર રિસર્ચ કરનારા પ્રો. સોબેલ સોમવારે સાંજે કહ્યું, વાવાઝોડું 'નિસારગા' નામે જાણીતા ટ્રેક પ્રમાણે એક ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જેની મહત્તમ ગતિ 110 કિમી પ્રતિકલાકની છે.

અમેરિકાની સિસ્ટમ પ્રમાણે તેઓ કહે છે, "આ એક પ્રચંડ ઉષ્ણકટિબંધીય જેવું હશે, સંપૂર્ણ વાવાઝોડું નહીં હોય." (ઉત્તર એટલાન્ટિક મહાસાગર અને પૂર્વોત્તર પેસિફિકમાં ઉષ્ણકટિબંધીય તોફાનને સાયક્લોન કહેવાય છે.)

તેમણે વધુમાં કહ્યું, "મુંબઈ માટે ટ્રૅકનું પૂર્વાનુમાન ખરાબ છે, પરંતુ તીવ્રતાનું અનુમાન 12 કલાકની તુલનાએ સારું છે. જોકે કેટલાક ભવિષ્યવાણી કરી રહ્યા છે આ બહુ શક્તિશાળી હોઈ શકે છે."

"તો સૌથી ખરાબ સ્થિતિની શક્યતા હવે બહુ ઓછી થઈ ગઈ છે. જોકે એક ભયંકર વાવાઝોડું હજુ પણ ખતરનાક થઈ શકે છે, આથી સાવધ રહેવું જોઈએ. અને કેટલાક ફેરફાર માટે હજુ પણ સમય છે, આથી વિસ્તારમાં દરેકે અનુમાનનું સંપૂર્ણ નિરીક્ષણ રાખવું જોઈએ."

મુંબઈને 'ઑરૅન્જ' ઍલર્ટ પર રાખવામાં આવ્યું છે અને "કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે."

નિષ્ણાતો કહે છે કે મુંબઈ એક ગીચ વસતીવાળો વિસ્તાર છે, જે ઘણો નીચો અને સાગરકિનારે હોવાથી ખતરો વધુ છે.

તેમના અનુસાર, નીચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદને કારણે સહેલાઈથી પાણી ભરાઈ શકે છે.

આ સમયે શહેર કોવિડ-19 મહામારી સામે લડી રહ્યું છે. મુંબઈ મહારાષ્ટ્રની રાજધાની છે જ્યાં ભારતનું એક તૃતીયાંશથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાયેલું છે.

જળવાયુ પરિવર્તન પર વિસ્તારથી લખનારા જાણીતા નવલકથાકાર અમિતાવ ઘોષ કહે છે, "છેલ્લા કેટલાક દશકોમાં અરબ સાગરમાં ચક્રવાતની ગતિવિધિઓમાં વધારો થયો છે. 2012ના એક પેપર અનુસાર, આ સદીના અંત સુધીમાં અરબ સાગરમાં આવતાં ચક્રવાતોમાં 46 ટકાના વધારાનું અનુમાન કરાયું હતું."

તેમના અનુસાર, 1998 અને 2001ની વચ્ચે મુંબઈના ઉત્તર ઉપખંડમાં ત્રણ સાયક્લોન ત્રાટક્યાં હતાં, જેમાં 17,000 લોકોનાં મૃત્યુ થયાંનો દાવો કરવામાં આવ્યો હતો.

સમય જતાં મુંબઈનું હવામાન બદલાયું

ઇમેજ સ્રોત, Getty Images

પોતાના પુસ્તક 'ધ ગ્રેટ ડેરેન્જમેન્ટ ક્લાઇમૅટ : ચેન્જ ઍન્ડ ધ અનથિંકેબલ'માં ઘોષ આશ્ચર્ય વ્યક્ત કરે છે કે "મુંબઈમાં 240 કિમી પ્રતિકલાકની ઝડપ કે વધુનું 4 કે 5 કૅગેટરીનું વાવાઝોડું આવશે તો શું થશે?"

તેઓ લખે છે, "મુંબઈમાં અગાઉ શક્તિશાળી વાવાઝોડા આવ્યાં હતાં ત્યારે શહેરની વસતી 10 લાખથી ઓછી હતી. આજે બે કરોડથી વધુ વસતી ધરાવતી એ વિશ્વની બીજા નંબરની સૌથી મોટી નગરપાલિકા છે."

"શહેરના વિકાસની સાથે બાંધકામને કારણે તેનું હવામાન પણ બદલાઈ ગયું છે. તેના કારણે મોસમ અસાધારણ નથી રહેતી, ગંભીર અસરો થાય છે. ઉદાહરણ તરીકે ચોમાસાનો ધોધમાર વરસાદ મોટા ભાગે પૂરનું કારણ બને છે. આ અસાધારણ ઘટનાને લીધે પરિણામ ભયંકર આવી શકે છે."

આવું એક વાર થઈ ચૂક્યું છે, પણ શહેરને ચક્રવાતનો અનુભવ થયો નહોતો.

જુલાઈ 2005માં મુંબઈમાં એક જ દિવસમાં 14 કલાકમાં 94.4 સેમી વરસાદ નોંધાયો હતો, જે દુનિયામાં એક દિવસમાં નોંધાયેલો સૌથી વધુ વરસાદ હતો.

વરસાદને લીધે રસ્તાઓ પૂરમાં ડૂબી ગયા હતા, સંચાર અને પરિવહન સેવા ઠપ થઈ ગઈ હતી. અંધારામાં લાખો લોકો ફસાયા હતા.

વરસાદને કારણે અલગઅલગ દુર્ઘટનાઓમાં તણાઈ જવાથી, કાટમાળમાં દબાઈ જવાથી, કરંટ લાગતાં કે કારમાં શ્વાસ રુંધાઈ જવાથી 500થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

બુધવારે આવનારા વાવાઝોડા પહેલાં મુંબઈના લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે 2005 જેવી દુર્ઘટના બીજી વાર ન સર્જાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો