કોરોના સંકટ : ધમણ-1 અંગેના એ પાંચ સવાલો જેના જવાબ હાલ સુધી મળ્યા નથી
- નીતિન શ્રીવાસ્તવ
- બીબીસી સંવાદદાતા

ઇમેજ સ્રોત, ROBERT NICKELSBERG
ગુજરાતના રાજકોટ શહેરની એક કંપની 'જ્યોતિ સીએનસી'નો દાવો છે કે 'કોવિડ-19 સામે લડવા માટે તેણે એક પહેલ કરી છે.''જ્યોતિ સીએનસી'ની વેબસાઇટનું નામ એ 'વૅન્ટિલેટર' પર રાખવામાં આવ્યું છે જેનું નિર્માણ કંપનીના સીએમડી પરાક્રમસિંહ જાડેજાનાં 'સાહસ અને દૂરદર્શિતાને લીધે કરાયું છે, જેનાથી કોરોના વાઇરસ સામેના જંગમાં ગુજરાત પ્રદેશ અને અન્યોની મદદ થઈ શકે.'આ વેબસાઇટ પર કંપનીના કેટલાક વધુ દાવાઓ પણ છે :
- ધમણ-1 વૅન્ટિલેટરનું નિર્માણ 'મેક ઇન ઇન્ડિયા' મિશનને ધ્યાન રાખીને કરાયું છે અને કોવિડ-19ને નાથવા માટે ગુજરાત સરકારને 1000 'વૅન્ટિલેટર' દાન કરી શકાય.
- 'જ્યોતિ સીએનસી' અને 26 અન્ય કંપનીઓના 150 પ્રોફેશનલોએ દિવસરાત મહેનત કરીને નિર્ધારિત સમયમાં તેનું નિર્માણ કર્યું.
- ધમણ-1 એક ગુજરાતી શબ્દ છે, જેનો પર્યાય 'બ્લૉઅર' થાય છે જે હવા પમ્પ કરવાનું કામ કરે કરે છે.
- ધમણ-1 'વૅન્ટિલેટર'ની કિંમત એક લાખ છે જે બજારમાં ઉપલબ્ધ અન્ય વૅન્ટિલેટરની કિંમત કરતાં 20 ટકાથી પણ વધુ ઓછી છે.
આ દાવાઓ વચ્ચે કંપનીએ વધુ એક લાઇન લખી છે.
"અમે વૅન્ટિલેટર બનાવવામાં નિષ્ણાત નથી, પરંતુ દેશની વર્તમાન માગને જોતાં અમે આ મશીનનું આયોજન અને નિર્માણ કર્યું."
કોરોના વાઇરસ જેવી બીમારીના પ્રકોપ વચ્ચે પણ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે, તેમ છતાં 'જ્યોતિ સીએનસી'ના આ બધા દાવા ધમણ-1ની વેબસાઇટ પર મોજૂદ છે.
ઇમેજ સ્રોત, ARUN SANKAR
પાંચ સવાલો, જેના જવાબ બાકી
- માત્ર એક દરદી પર ટ્રાયલ કર્યા પછી 'ધમણ-1'નો સપ્લાય હૉસ્પિટલમાં કેમ શરૂ થયો?
- 'ધમણ-1'ની પાસે ડીજીસીઆઈ (ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા)નું લાયસન્સ કેમ નથી?
- ભારતના 'મેડિકલ ડિવાઇસ નિયમ, 2017' પ્રમાણે શું ધમણ-1ના ટેસ્ટિંગ માટે ઍથિકલ કમિટિનું ગઠન થયું?
- જે 866 'ધમણ-1' મશીનને ગુજરાતની હૉસ્પિટલોમાં મોકલવામાં આવ્યાં, આઈસીયુમાં કોરોના વાઇરસના કેટલાં દરદીઓ પર આનો ઉપયોગ કરાયો અને મશીનનો ઉપયોગ કર્યા પછી મૃત્યુ પામનારની સંખ્યા કેટલી છે?
- જો 'ધમણ-1' ખરેખર એક સસ્તું પરંતુ અસરદાર વૅન્ટિલેટર મશીન છે તો પછી હવે સરકાર બીજાં રાજ્યોમાં તેને કેમ સપ્લાય કરી રહી નથી અને વિદેશમાંથી વૅન્ટિલેટરની આયાત કેમ કરી રહી છે?
વૅન્ટિલેટરની જરૂર કેમ?
ઇમેજ સ્રોત, DHAMAN
વર્ષ 2019 પૂરું થતાં સુધીમાં ચીનના વુહાન શહેરમાંથી કોરોના વાઇરસના કેસ વધવાના શરૂ થયા હતા.
એશિયા સહિત યુરોપ, અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા હતા અને 30 જાન્યુઆરીએ આ બીમારીએ ભારતમાં દસ્તક દીધી.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, "કોવિડ-19ની સારવાર માટે હાલમાં કોઈ વૅક્સિન નથી, પરંતુ જે સંક્રમિત દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે, તેમનામાં મોટા ભાગે શ્વાસ લેવાની તકલીફની ફરિયાદ વધી છે."
દુનિયાના બધા દેશોમાં કોવિડ-19ને કારણે હૉસ્પિટલમાં દાખલ જે દર્દીઓ સાજા થયા તેમાં મોટા ભાગે વૅન્ટિલેટર (શ્વાસ લેવામાં અને શરીરનાં અભિન્ન અંગોને ઓક્સિજન-બ્લડ સપ્લાયમાં મદદ કરતું મશીન)ની જરૂર પડી.
તો કોરોના વાઇરસના સંક્રમણની સાથે જ અચાનક વૅન્ટિલેટરની માગ પણ વધી.
મામલો શું છે?
ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસને નાથવા માટે દેશવ્યાપી લૉકડાઉન ચાલુ હતું અને 4 એપ્રિલે રાજકોટની કંપની 'જ્યોતિ સીએનસી ઑટોમેશન લિમિટેડ'ના સીએમડી પરાક્રમસિંહ જાડેજાએ એલાન કર્યું :
"ધમણ-1 વૅન્ટિલેટર્સનું નિર્માણ શરૂ થઈ ગયું છે, 1,000 વૅન્ટિલેટર ગુજરાત સરકારને અપાશે. એ જ દિવસે એટલે કે શનિવારે તેને અમદાવાદના એક દર્દી પર સફળતાપૂર્વક ટેસ્ટ કરી લીધું છે."
સમાચાર આગની જેમ ફેલાઈ ગયા અને માત્ર સ્થાનિક નહીં ભારતના રાષ્ટ્રીય મીડિયામાં પણ તેને સ્થાન મળ્યું, કેમ કે એ જ દિવસે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં જઈને તેનું 'ઉદ્ઘાટન કરી દીધું' અને તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ.
બાદમાં વિજય રૂપાણીએ પત્રકારોને જણાવ્યું, "મને ખુશી છે કે વૅન્ટિલેટર બનાવવામાં પણ અમારા ગુજરાતના ઉદ્યોગપતિ સફળ થયા છે. એ સર્ટિફાઇડ થઈ ગયું છે અને સવારથી એક દર્દી પર કામ કરી રહ્યું છે. તેનાથી ગુજરાતમાં વૅન્ટિલેટરની અછત ખતમ થશે, તેમજ ભારતનાં અન્ય રાજ્યોમાં પણ તેનો સપ્લાય થશે."
તેના થોડા દિવસો પછી બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જ્યોતિ સીએનસીનાં કૉર્પોરેટેટ કૉમ્યુનિકેશન્સ પ્રમુખ શિવાંગી લાખાણીએ કહ્યું "કોવિડ-19 દરદીઓ માટે પ્રેસર બેઝ્ડ વૅન્ટિલેટર જોઈએ અને આ ટેકનિકને ધ્યાનમાં રાખીને ધમણ-1 તૈયાર થયું છે. મહારાષ્ટ્ર સરકારે પણ અમારી પાસે ધમણ-1 મંગાવ્યું છે અને અમેરિકા, ઈરાન, કેન્યા, પોર્ટુગલ, કઝાકિસ્તાન અને ફ્રાન્સે પણ અમારો સંપર્ક કર્યો છે."
12 એપ્રિલે થયેલી વાતચીતમાં જ્યારે શિવાંગીને આ વૅન્ટિલેટનરના ટેસ્ટિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે જવાબ મળ્યો, "અમે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં વૅન્ટિલેટર રાખ્યું અને આ પહેલાં ગાંધીનગરની EQDC (Electronics and quality development centre)માં ગુણવત્તા માટે મોકલ્યું હતું. તેમણે પ્રમાણપત્ર આપ્યું એ બાદ જ તેને સિવિલ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. અમને સિવિલ હૉસ્પિટલ પાસેથી સારો પ્રતિભાવ મળ્યો હતો. ત્યાંના મેડિકલ સ્ટાફે ટેસ્ટિંગ પણ કર્યું હતું."
વિવાદ કેમ?
ઇમેજ સ્રોત, DAVID BENITO
જોકે, સરકારના આ દાવાને રદ કરતાં અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના સભ્ય અને જાણીતા ઍનેસ્થેટિસ્ટ ડૉક્ટર બિપિન પટેલે બીબીસી માટે લખતા વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખને કહ્યું, "ધમણ-1 હકીકતમાં વૅન્ટિલેટર નથી. આમાં રૅસ્પિરેશન સેટ કરવા માટે અને દરદીઓને કેટલા પ્રમાણમાં ઑક્સિજન આપવું તેનું મિટર નથી. આમાં ભેજ માપવા માટેનું કોઈ પ્રમાણ નથી."
"ખરેખર જ્યારે કોઈ ઑપરેશન થાય છે અથવા કોઈ દરદીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે ત્યારે અમે ઍનેસ્થેટિસ્ટ વૅન્ટિલેટરનો ઉપયોગ કરીએ છીએ."
"આના કારણે કોઈ પણ દરદીના ઑપરેશન દરમિયાન ક્રિટિકલ હાલત હોય તો તેના મસલ્સ રિલેક્સ રહે અને હાર્ટને ઓક્સિજન સરળતાથી મળવામાં કોઈ તકલીફ ન થાય. ધમણ-1 વૅન્ટિલેટરમાં એવી સુવિધા નહીં હોવાના કારણે દરદીઓને તકલીફ થઈ શકે છે. આ કારણે આ દરદી માટે ઘાતક પણ બની શકે છે. "
આ વાતનો આરોપ વધવા લાગ્યો કે ધમણ- "ખરેખર વૅન્ટિલેટર નથી પરંતુ એક એએમબીયૂ (આર્ટિફિશિયલ મૅન્યઇલ બ્રિધિંગ યુનિટ) મશીન છે."
ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો આરોપ છે, "જેને વૅન્ટિલેટર કહીને દરદીઓની સારવાર માટે લગાવવામાં આવ્યાં તે એક સસ્તી ઓક્સિજન બૅગ જ છે અને મુખ્ય મંત્રીએ પોતાના ઓળખીતા લોકોને ફાયદો પહોંચાડવા માટે આને ઓકે કરી દીધાં."
ગુજરાતમાં વિપક્ષ સતત કેસની ન્યાયિક તપાસની માગ કરી રહ્યો છે.
રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ બીબીસીને કહ્યું "અમદાવાદમાં જે પ્રકારે કોરોનાના કેસ વધી રહ્યા છે તેમાં વહીવટી બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આવી ગંભીર વસ્તુઓ સામે લડવામાં પણ સરકારમાં મતભેદ જોવા મળી રહ્યો છે. ખોટી આજ્ઞાનું પાલન થઈ રહ્યું છે. આટલા સસ્તાં અને જલદી બનેલાં વૅન્ટિલેટરથી દરદીઓના જીવ સાથે રમવાનો અર્થ શું છે?"
જોકે ગુજરાતની ભાજપ સરકારના આરોગ્યમંત્રી નીતિન પટેલ અને ગુજરાતના આરોગ્યસચિવે અમારા અનેક ફોનને એવું કહીને કાપી નાખ્યા "હાલ અમે મીટિંગમાં છીએ, પ્લીઝ પછી ફોન કરો." પરંતુ સરકારે આ પહેલાં વિપક્ષના તમામ આરોપોનું ખંડન કર્યું છે અને તેને રાજકારણ પ્રેરિત ગણાવ્યા છે.
આ બધાની વચ્ચે ધમણ-1 મશીનનો ઑર્ડર આપી ચૂકેલાં પૉંડિચેરી રાજ્યના મુખ્ય મંત્રી વી. નારાયણસ્વામીએ એક પ્રેસ-કૉન્ફરન્સ કરીને પોતાનો ઑર્ડર રદ કરવાનો નિર્ણય કર્યો છે.
ધમણ-1 એએમબીયુ કે વૅન્ટિલેટર?
ઇમેજ સ્રોત, vijayrupani/fb
ગુજરાતમાં હાલ સુધી કોરોનાના કુલ કેસ 17,000 પાર કરી ગયા છે અને આ વાઇરસથી મૃત્યુ પામનારની સંખ્યા એક હજારથી ઉપર છે. રાજ્યના 70 ટકા કેસ અમદાવાદ અને આસપાસ રિપોર્ટ થયા છે.
પરંતુ આની વચ્ચે 'ધમણ-1' વૅન્ટિલેટરની ઉપયોગિતા અને પ્રામાણિકતા પર વિવાદ અટકવાનું નામ લેતો નથી.
જોકે, એ સાબિત કરી શકાયું નથી કે ખરેખરમાં 'ધમણ-1' એએમબીયૂ બૅગ છે કે વૅન્ટિલેટર, પરંતુ મેડિકલ એક્સપર્ટનું માનીએ તો બંનેમાં ઘણો ફરક હોય છે.
ડૉક્ટર મિનેશ પટેલ અમદાવાદની સિમ્સ હૉસ્પિટલના આઈસીયૂના કોવિડ-19 વોર્ડના ઇન્ચાર્જ છે અને બંને મશીનોમાં અંતર વિશે જણાવે છે.
તેમણે કહ્યું, "એએમબીયુ બૅગ સામાન્ય દરદીઓને ઓક્સિજન આપતાં મશીન જેવું હોય છે અને તે સામાન્ય રીતે કોઈ દરદીને વૅન્ટિલર પર રાખવામાં આવે તે પહેલાં આપવામાં આવે છે. એએમબીયુ બૅગ માત્ર 3-6 મિનિટ સુધી આપવામાં આવતા ઓક્સિજન સપોર્ટ માટે હોય છે. પરંતુ જો તમે દરદીને કેટલાક કલાક અથવા કેટલાક દિવસ સુધી ઓક્સિજન પર રાખવા માંગો છો તો વૅન્ટિલેટર તેનો રસ્તો છે."
જોકે ગુજરાત સરકારે પછી અનેક વખત આ વાતને કહી કે 'ધમણ-1' પછી આને અપગ્રેડ કરવાની પ્રક્રિયા ચાલુ છે. જાણકારોનું કહેવું છે કે વૅન્ટિલેટર જેવાં મેડિકલ ઇક્વિપમૅન્ટ વ્યવસ્થિત હોવા આવશ્યક છે.
ગુરુગ્રામની 'નારાયણા સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ'ના કાર્ડિએક ક્રિટિકલ કૅરના કન્સલટન્ટ ડૉક્ટર જિતિન નરૂલાનો મત છે કે જે દરદીઓને વૅન્ટિલેટરની જરૂર પડી છે તેમના ફેફસાં પહેલાંથી જ કડક થઈ ગયાં હોય છે અને વૅન્ટિલેટરમાં કોઈ ઉણપ હોય તો વધારે નુકશાન થઈ શકે છે.
તેમણે કહ્યું, "સરળતાથી અને સસ્તામાં મળનારાં વૅન્ટિલેટરોની જગ્યાએ જેમણે ભરોસાપાત્ર હોવાની પ્રમાણિકતા સાબિત કરી છે તેવા વૅન્ટિલેટરનો ઉપયોગ કરવો જોઈએ."
આની પર મોટો વિવાદ થયા પછી જ્યોતિ સીએનસીના સીએમડી પરાક્રમસિંહ જાડેજાએ બીબીસીને કહ્યું, "ધમણ-1 વૅન્ટિલેટર બનાવવામાં અમે તમામ માપદંડોને અનુસર્યા છીએ. અમે ISO 86101 અને IEC 60601ના માપદંડોનું પાલન કર્યું છે."
"મિશિગનની કંપનીના આધારે બનાવ્યા છે અમે તમામ જરૂરી મંજૂરી લીધી પણ છે, પરંતુ દેશમાં આયાત કરતી લૉબી હંમેશાં અમને હેરાન પરેશાન કરતી રહે છે. તે નથી ઇચ્છતી કે સ્વદેશી કંપની માર્કેટમાં આવે."
વૅન્ટિલેટરની ગુણવત્તા પર અમદાવાદની સિમ્સ હૉસ્પિટલના આઇસીયુના કોવિડ-19 વોર્ડના ઇન્ચાર્જ ડૉક્ટર મિનેશ પટેલ એક મહત્ત્વની વાત તરફ ઇશારો કરે છે.
તેમણે કહ્યું, "જેમ કોઈ પણ દવાનું પરીક્ષણ કરવામાં આવે તેવું જ વૅન્ટિલેટરની સાથે પણ થાય છે. અનેક વખતે દવાઓના ટ્રાયલ થાય પછી તે માર્કેટમાં આવે છે. તેમના માટે યુએસએફડીએ અથવા આઈસીએમઆર વેગેરેની મંજૂરી લેવાની હોય છે. ડૉક્ટર તરીકે અમે એ ન કહી શકીએ કે શું ઉપયોગમાં લેવું અને શું ન લેવું. સામાન્ય રીતે ઉપયોગ એ જ કરીએ છીએ જે તમામ લોકો કરતા હોય છે."
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો