AMULનું ઍકાઉન્ટ બ્લૉક કરાતા લોકોએ ટ્વિટર પર ઠાલવ્યો આવો ગુસ્સો - સોશિયલ મીડિયા

ઇમેજ સ્રોત, AMUL/Twitter
અમૂલનું વિજ્ઞાપન
ભારતમાં ડેયરી ઉત્પાદનમાં અગ્રણી એવી ગુજરાતની અમૂલ ડેરી વિજ્ઞાપનને લઈને વિવાદમાં આવી છે.
અમૂલ ડેરી ઉત્પાદનોમાં પોતાના વર્ચસ્વ માટે જેટલી જાણીતી છે એટલી જ લોકપ્રિયતા તેનું પ્રતિનિધિત્વ કરતી અટરલી-બટરલી ગર્લના વિજ્ઞાપનોની પણ છે.
અમૂલે હાલમાં એક કૅમ્પેન ચલાવ્યું હતું જેમાં ચીનના ઉત્પાદો નહીં ખરીદવાની વાત કરવામાં આવી હતી.
એક વિજ્ઞાપનમાં લખવામાં આવ્યું હતું કે “એક્ઝિટ ધી ડ્રૅગન”, અમૂલ મેડ ઇન ઇન્ડિયા.
સમાચાર એજન્સી એએનઆઈ મુજબ અમૂલના મૅનેજિંગ ડાયરેક્ટર આર એસ સોઢીએ કહ્યું કે, અમૂલની બટરગર્લને લઈને થયેલા વિવાદ પછી ટ્વિટર પર અમૂલનું ઍકાઉન્ટ ચાર જૂનથી બ્લૉક કરવામાં આવ્યું હતું, જેને ચોક્કસ પ્રોટોકૉલ પછી ચાલુ કરવામાં આવ્યું હતું. અમે ટ્વિટરને પૂછ્યું છે કે અમૂલનું ઍકાઉન્ટ બ્લૉક કેમ કરવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી અમને કોઈ અધિકૃત જવાબ મળ્યો નથી.
જોકે, પછી અમૂલના મૅનેજિંગ ડાયરેક્ટર આર એસ સોઢીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ટ્વિટર ઇન્ડિયાના એમડી મનીશ માહેશ્વરી સાથે વાતમાં ટ્વિટર તરફથી સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું કે ટેક્નિકલ કારણોસર અમૂલનું ઍકાઉન્ટ બ્લૉક કરવામાં આવ્યું હતું, ચીની ઉત્પાદનો વિરુદ્ધ કરવામાં આવેલા વિજ્ઞાપનને કારણે નહીં.
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણની શરૂઆત ચીનથી થઈ હોવાને કારણે ચીનને શંકાની દૃષ્ટિ જોવામાં આવી રહ્યું છે અને હાલમાં લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો છે.
લદ્દાખમાં બંને દેશો વચ્ચે આવેલી લાઇન ઑફ કંટ્રોલ પર ભારત અને ચીને ઘૂસણખોરી કરી હોવાના સમાચાર છે અને બેઉ દેશનાસૈનિક સામસામે આવી ગયા પછી ઉચ્ચસ્તરીય પર બેઠકો પણ થઈ રહી છે.
ભારતમાં સ્વદેશીને પ્રોત્સાહન અને ચીની માલના બહિષ્કારની વાત નવી નથી પરંતુ તાજેતરમાં કોરોનાની મહામારી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારતનું અભિયાન અને ચીન-ભારત વચ્ચે સરહદી તણાવથી ફરી આ મુદ્દો ગાજી રહ્યો છે.
ચીનના ઉત્પાદનો નહીં ખરીદવા અંગે સોશિયલ મીડિયા પર લોકો મૅસેજ શેર કરે છે.
પોલીસ અને સેનાકર્મીઓને રાહત આપતી કૅન્ટીનમાં સ્વદેશી ઉત્પાદો વેચવાને લઈને પણ ચર્ચા શરૂ થઈ હતી.
હવે ચીની ઉત્પાદો વિરુદ્ધ અમૂલનું ઍકાઉન્ટ બ્લૉક થયા હોવાના અહેવાલ આવ્યા પછી લોકો ટ્વિટર પર ગુસ્સો ઠાલવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ટ્વિટરની ટીકા
સોશિયલ મીડિયા પર અમૂલ ટ્રેન્ડ કરી રહ્યું છે. ટ્વિટર પર લોકો અમૂલનું ટ્વિટર ઍકાઉન્ટ બ્લૉક કરવાની કામગીરીની ટીકા કરી રહ્યા છે અને ટ્વિટર વિરુદ્ધ ગુસ્સો જાહેર કરી રહ્યા છે.
લોકો ભારતમાં ટ્વિટર પાસેથી જવાબ માગવાથી લઈને ભારતનું પોતાનું સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ બનાવવાની માગ કરી રહ્યા છે.
વિશાલ કામત નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું કે ચીની ઉત્પાદનો વિરુદ્ધ પોસ્ટ લખવા બદલ અમૂલનું ઍકાઉન્ટ બ્લૉક કરવું એક દુ:ખદ વાત છે. આ પોસ્ટમાં ચીનને ડ્રૅગન બતાવવામાં આવ્યું અને ટિકટૉક તેની પૂંછડી.
ત્યારે અભિષેક કુમાર નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે હવે સમય આવી ગયો છે કે ભારતનું પોતાનું સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ હોય.
લલિત જૈન નામના ટ્વિટર યૂઝરે ભારતના વડા પ્રધાન કાર્યાલય, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સંચાર મંત્રી રવિશંકર પ્રસાદ પાસેથી ટ્વિટર પાસેથી જવાબ માગવાની માગ કરી હતી.
દેબાશીષ મિત્રા નામના ટ્વિટર યૂઝરે ટ્વીટ કરીને લખ્યું કે આ ભેદભાવ નથી તો શું છે? ટ્વિટર પર વિરોધના સ્વરને દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે? તેઓ શું પુરવાર કરવા માગે છે, ચીનમાં ટ્વિટર બ્લૉક કરવામાં આવ્યું છે, તો પણ તે નિષ્પક્ષ છે? એ લોકોને કોઈ પરવા નથી.
પીકે પાંડે નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે અમેરિકાની કંપની ટ્વિટરે અમૂલના વિજ્ઞાપનને બ્લૉક કર્યું હતું જે ચીન વિશે હતું. એવા દેશના સમર્થનમાં જ્યાં તેને પોતાને બ્લૉક કરવામાં આવે છે. કૅલિફોર્નિયામાં બેસેલા ડાબેરી બૉસે પોતાનું કામ કર્યું. તેઓ લોકોની અભિવ્યક્તિની આઝાદીની વાત કરે છે પરંતુ અન્યોની અભિવ્યક્તિની આઝાદીનું સન્માન નથી કરતા.
સુમિત ખુંગેર નામના ટ્વિટર યૂઝરે લખ્યું છે કે ટ્વિટરે અમૂલનું ઍકાઉન્ટ બ્લૉક કર્યું. ગૂગલે ટિકટૉક ભારતના 80 લાખ નિગેટિવ રિવ્યુ ડીલીટ કર્યા અને ભારતની ઍપ્સને નિશાન બનાવી. ઍપલ પણ આવું કરી રહ્યું છે. મને લાગે છે કે અમેરિકાની સરકારે પોતાની બહુરાષ્ટ્રીય કંપનીઓનો ચીન પ્રત્યેનો લગાવ ઓછો કરવાની જરૂર છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો