નરેન્દ્ર મોદી સરકારનો નવો ટેકાનો ભાવ ખેડૂતોને કેટલો ટેકો આપશે?

  • ડૉ જય નારાયણ વ્યાસ
  • બીબીસી ગુજરાતી માટે
ખેતી

ઇમેજ સ્રોત, Reuters

કેન્દ્ર સરકારે 2જી જૂન 2020ના દિવસે મળેલી આર્થિક બાબતો અંગેની કૅબિનેટ કમિટીની બેઠકમાં ખેડૂતો અને કૃષિ સેક્ટર માટે અનેક રાહતો અને પ્રોત્સાહનો મંજૂર કર્યાં.

આ પ્રોત્સાહનોના મુખ્ય મુદ્દા જોઈએ તો ટેકાના ભાવોમાં વધારો તેમજ ખેડૂતો માટે ટૂંકી મુદતની લોનની પરત ચુકવણીની મુદત 31 ઑગસ્ટ 2020 સુધી લંબાવવામાં આવી છે. આમ ખેડૂતોને લોનની ચુકવણી માટે છ મહિનાની રાહત અપાઈ છે.

કેન્દ્ર સરકારની આ જાહેરાતમાં બે બાબતો સ્પષ્ટ થતી નથી. પહેલી બાબત એ કે આ રાહતના ગાળા દરમિયાન મુલતવી રહેલ લોનની પરત ચુકવણી ઉપર વ્યાજ લાગશે કે કેમ અને જો લાગે તો કેટલું?

બીજો મુદ્દો આ લોનની પરત ચુકવણી કઈ રીતે કરવાની છે તે બાબતનો પણ આ જાહેરાતમાં કોઈ ઉલ્લેખ ન હોવાથી ખ્યાલ આવતો નથી. જો મુલતવી રાખેલ લોન એક સાથે ભરવાની થાય તો ઘણા બધા ખેડૂતો માટે એ સરળ નહીં હોય.

બીજી મહત્ત્વની જાહેરાત 14 ખરીદ પાક માટેના ટેકાના લઘુત્તમ ભાવમાં સરકારના કહેવા મુજબ 50 ટકાથી 83 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

આ સમજવામાં મુશ્કેલ પડે એવું છે કારણ કે 2019માં જો મહત્તમ સપોર્ટ પ્રાઇઝ 1,815 હોય અને 2020-21 માં તે વધારીને 1,868 કરવામાં આવી હોય તો એમાં ક્વિન્ટલ દીઠ 53 રૂપિયાનો વધારો થાય.

ઇમેજ સ્રોત, Getty Images

આ વધારો 2019-20 ના રૂપિયા 1,815 ઉપર 2.9 ટકા થાય. અત્યારે જે માહિતી ઉપલબ્ધ છે તે મુજબ એપ્રિલ 2020માં ફુગાવાનો દર 3.6 ટકા ગણીને ચાલીએ તો આ વધારો ધોવાઈ જઈ માઇનસ 0.7 ટકા થાય.

આ રીતે બધા જ પાકની મિનિમમ સપોર્ટ પ્રાઇઝ ઉપર જે વધારો મળ્યો તેમાંથી ફુગાવો બાદ કરીને ખેડૂતને ચોખ્ખે ચોખ્ખો કેટલો વધારો થયો તે જાણવાનો પ્રયત્ન કરીએ તો સૌથી વધારે રામતલમાં 9.1 ટકા અને સૌથી ઓછો મગમાં 1.5 ટકાનો વધારો મળ્યો છે. બધા જ પાકના સંદર્ભે આ વિગતો દર્શાવતો કોઠો નીચે મુજબ છે.

ટેકાના ભાવમાં વધારો

સંદર્ભ : પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો, 1 જૂન 2020

સ્વાભાવિક રીતે જ ઉપરોક્ત કોઠામાં જોઈએ તો સરકારે જે જાહેરાત કરી છે કે MSP માં 50થી 83 ટકાનો ભાવ વધારો થયો તે સમજાતું નથી. હોઈ શકે કે સરકારે ગયા વર્ષે એટલે કે 2019-20માં જે વધારો આપ્યો એ વધારાની રકમ ઉપર હાલમાં અપાયેલી વધારાની ટકાવારી કરવામાં આવી હોય.

જો આવું કર્યું હોય તો ગયા વર્ષે MSP નક્કી કરતાં જે ભાવ વધારો ખેડૂતને અપાયો તેની સરખામણીમાં 50થી 83 ટકા જેટલો ભાવ વધારો 2020-21માં આપવામાં આવ્યો છે એમ કહી શકાય.

સરકારે ખેડૂતોની MSPમાં 50થી 83 ટકા જેટલો ભાવ વધારો કઈ રીતે આપ્યો તે અંગેની સ્પષ્ટતા થાય તે જરૂરી છે.

ચાલુ વર્ષે ફુગાવો તે પણ ખાદ્યપદાર્થોમાં વધવાની પૂરી શક્યતા છે તે સંજોગોમાં ખેડૂતના હાથમાં આવનાર વળતર ગઈ સાલ કરતાં ઓછું રહેશે એવું તારણ સરકારે આપેલી વિગતો ઉપરથી નીકળે છે.

ખેડૂતોને માટે આજે ખેતી પોષણક્ષમ રહી નથી. ખેતીની જમીનના ટુકડા થતા ચાલ્યા છે અને સરેરાશ ખેતરની સાઇઝ ભાઈએ ભાગ પડવાને કારણે ઘટતી ચાલી છે. જે નીચેના કોઠા ઉપરથી જોઈ શકાય છે.

સરેરાશ માથાદીઠ જમીન

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

ભારત સરકારના કૃષિમંત્રાલય દ્વારા કૃષિ ક્ષેત્ર વિઝન 2030 જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ 2030માં ખેતરની સરેરાશ સાઇઝ માત્ર 3 હજાર ચોરસમિટર રહેશે.

ખેડૂતે આપણને અન્ન સુરક્ષા આપી છે. 300 મિલિયન ટન જેટલું ઉત્પાદન લેવાય તે ખેડૂતની ખંત અને મહેનતનો પ્રભાવ છે.

વસતિ વધારો આપણે ત્યાં ખૂબ છે અને તેને કારણે આપણે આવનારાં ત્રીસ વર્ષમાં 100 મિલિયન જેટલું વધારાનું ઉત્પાદન કરવું પડશે.

આ સંયોગોમાં ખેતીથી દૂર જઇ રહેલો ખેડૂત, ખેતીની જમીનના નાના નાના ટુકડાઓ થવાને કારણે ખેતરની સરેરાશ સાઇઝ અત્યંત ઘટી જવી, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને મજૂરી વિગેરેના સતત વધતા જતા દરો.

આ બધું ધ્યાનમાં લઈએ તો ગમે તેટલી MSP હોય ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવાનો નથી. સરકારે આ દિશામાં ખેડૂતોના પ્રતિનિધિઓને સાથે રાખી યુદ્ધના ધોરણે એક આયોજન તૈયાર કરવું જોઈએ, જેથી ગ્રામ્ય અર્થતંત્ર અને ખેતી તૂટી ન જાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો