રાજ્યસભા ચૂંટણી : કૉંગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામાંની પૂરી કહાણી

  • અર્જુન પરમાર
  • બીબીસી ગુજરાતી
નરહરિ અમીન

ઇમેજ સ્રોત, Narhari Amin/Facebook

ઇમેજ કૅપ્શન,

નરહરિ અમીન

કોરોના વાઇરસની મહામારીના આ કપરા સમયમાં ગુજરાતમાં 19 જૂનના રોજ રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે, આ અંગે જાહેરાત થઈ કે થોડા જ કલાકો બાદ ગુજરાત કૉંગ્રેસનો આંતરવિગ્રહ ફરી સપાટી પર આવી ગયો.

ત્રીજી જૂને એટલે કે બુધવારે સાંજે કરજણ બેઠકના કૉંગ્રેસી ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના કૉંગ્રેસના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ તેમના પદ પરથી રાજીનામાં આપ્યાં હતાં.

હજુ આ બંને કૉંગ્રેસી ધારાસભ્યોનાં રાજીનામાં અંગે ગુજરાત કૉંગ્રેસનું મોવડીમંડળ આત્મમંથન કરી રહ્યું હતું ત્યાં જ મોરબીના કૉંગ્રેસી ધારાસભ્ય બ્રિજેશ મેરજાના રાજીનામાથી ગુજરાત કૉંગ્રેસના કિલ્લામાં વધુ એક ગાબડું પડી ગયું છે.

નોંધનીય છે કે તાજેતરમાં પડેલાં ત્રણ રાજીનામાં સહિત માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ગુજરાત કૉંગ્રેસના કુલ આઠ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે.

ઇમેજ સ્રોત, Brijesh Merja

ઇમેજ કૅપ્શન,

રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામું આપનાર મોરબીના કૉંગ્રેસી ધારાસભ્ય બ્રિજેશ મેરજા.

તાજેતરમાં કૉંગ્રેસી ધારાસભ્યોનાં આ રાજીનામાંને પગલે ગુજરાત કૉંગ્રેસ દ્વારા રાજ્યસભાની બેઠકો પર ઉતારેલા બે વરિષ્ઠ કૉંગ્રેસી નેતાઓની જીતની સંભાવનામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

નોંધનીય છે કે કૉંગ્રેસે રાજ્યસભાની બેઠકો માટે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.

ગુજરાત કૉંગ્રેસનું ધોવાણ

ઇમેજ સ્રોત, Amit Chavada/Facebook

કૉંગ્રેસનાં ધારાસભ્યોનાં રાજીનામાંનો સિલસિલો લૉકડાઉન પહેલાં શરૂ થઈ ગયો હતો.

કોરોના વાઇરસના સંક્રમણની મહામારીને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરાઈ એ પહેલાં ગુજરાત સહિત અન્ય રાજ્યોની ખાલી પડેલી બેઠકો માટે 26 માર્ચના રોજ ચૂંટણી યોજાવાનું નક્કી મનાતું હતું.

જે લૉકડાઉનને પગલે સ્થગિત રાખવામાં આવી હતી.એ સમયે પણ ગુજરાત કૉંગ્રેસમાંથી પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર તાજેતરમાં આ ત્રણેય ધારાસભ્યોનાં રાજીનામાં બાદ ગુજરાતમાં કૉંગ્રેસી ધારાસભ્યોની સંખ્યા ઘટીને 65 થઈ ચૂકી છે.

જ્યારે સત્તાધારી પક્ષ ભાજપ પાસે રાજ્યની વિધાનસભામાં 103 ધારાસભ્યો સાથે બહુમતી છે.

નરહરિ અમીનની ઉમેદવારીથી શરૂ થયો ગૂંચવાડો

ઇમેજ સ્રોત, Twitter/@Narhari_Amin

ભાજપે અભય ભારદ્વાજ અને રમિલાબહેન બારા ઉપરાંત પાટીદાર નેતા નરહરિ અમીનને ત્રીજા ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે.

જો કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં ન આપ્યાં હોત તો ભાજપ અને કૉંગ્રેસને રાજ્યસભાની ચાર બેઠકોમાંથી બબ્બે બેઠકો મળી શકી હોત.

જોકે નવા સર્જાયેલા સંજોગોને કારણે ગુજરાત કૉંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી પૈકી કોઈ એકે હારનો સામનો કરવો પડી શકે છે.

આ ગૂંચવાડો નરહરિ અમીનને ભાજપ દ્વારા ત્રીજા ઉમેદવાર જાહેર કરાતાં સર્જાયો હોવાનું કહેવાય છે.

રાજીનામાંનો સિલસિલો યથાવત્

માર્ચ માસમાં જ્યારે રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ, એ સમયે ગુજરાત કૉંગ્રેસમાં રાજીનામાંનો સિલસિલો શરૂ થયો હતો.

એ સમયે ગુજરાત કૉંગ્રેસના પાંચ ધારાસભ્યો, મંગળ ગાવિત, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સોમા પટેલ, જે. વી. કાકડિયા અને પ્રવીણ મારુએ રાજીનામાં આપતાં રાજ્યસભાની બે બેઠકો જીતવાની કૉંગ્રેસની આશા ઝાંખી પડી ગઈ હતી.

લૉકડાઉનને પગલે રાજ્યસભાની ખાલી બેઠકો માટેની ચૂંટણી સ્થગિત રહેતાં કૉંગ્રેસને ડૅમેજ-કંટ્રોલ માટેનો સમય મળ્યો.

જોકે આ સમય પણ કૉંગ્રેસ માટે વધુ ફળદાયી ન નીવડ્યો, કારણ કે રાજ્યસભાની ચૂંટણી માટેની તારીખો જાહેર થતાંની સાથે ગુજરાત કૉંગ્રેસનું ધોવાણ પુન: શરૂ થઈ ગયું.

હવે માત્ર ત્રણ માસના સમયમાં ગુજરાત કૉંગ્રેસના આઠ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે, ત્યારે ડૅમેજ-કંટ્રોલ માટે કૉંગ્રેસના મોવડીમંડળે પ્રયાસો શરૂ કર્યા છે અને પોતાની જૂની રણનીતિ ફરીથી અપનાવી છે, આ રણનીતિ એટલે રિસૉર્ટનું રાજકારણ.

રિસૉર્ટનું રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

રાજ્યસભાની ચૂંટણીના કૉંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ

ગુજરાત કૉંગ્રેસે પોતાના ધારાસભ્યો તૂટતાં અટકાવવા માટે અગાઉ ઘણી વાર આ રણનીતિ અપનાવી છે.

આવી જ રીતે આ વખતે પણ ગુજરાત કૉંગ્રેસ દ્વારા પોતાના બાકી રહેલા ધારાસભ્યોનાં ત્રણ જૂથ પાડી દીધા હોવાની સ્થાનિક મીડિયામાં ચર્ચા છે.

કૉંગ્રેસે સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટ ખાતે, ઉત્તર ઝોનના ધારાસભ્યોને અંબાજી નજીક અને મધ્ય ઝોનના પોતાના ધારાસભ્યોને આણંદ નજીક એક રિસૉર્ટમાં ખસેડ્યા છે.

નિષ્ણાતોના મતે આ રણનીતિ થકી કૉંગ્રેસ પોતાના બંને ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવાની સાથે ભાજપ માટે ત્રીજી બેઠક જીતવા માટેનો જંગ વધુ કપરો બનાવવા માગે છે.

આ પહેલાં પણ જુલાઈ, 2019માં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી.

એ સમયે કૉંગ્રેસના ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ કર્યું હતું.

એ સમયે ભાજપ તરફથી હાલ ભારત સરકારના વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોર ચૂંટણીમેદાને હતા.

વીડિયો કૅપ્શન,

રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામાં કેમ આપ્યાં?

એ સમયે પણ ગુજરાત કૉંગ્રેસ દ્વારા પોતાના ધારાસભ્યોના બળવાની બીકને કારણે પાલનપુર નજીક એક રિસૉર્ટમાં મોકલી દેવાયા હતા.

જ્યારે તાજેતરમાં માર્ચ મહિનામાં રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારે પણ ગુજરાત કૉંગ્રેસ દ્વારા પોતાના 14 ધારાસભ્યોને જયપુર મોકલી દેવાયા હતા.

જુલાઈ, 2017માં રાજ્યસભાની ખાલી પડેલી ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી, એ સમયે પણ કૉંગ્રેસના તે સમયના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા સહિત 14 કૉંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામાં ધરી દેતાં કૉંગ્રેસની મુશ્કેલી વધી હતી.

તે સમયે પણ પોતાના એકમાત્ર ઉમેદવાર અહમદ પટેલની જીત સુનિશ્ચિત કરવા માટે ગુજરાત કૉંગ્રેસના 40 ધારાસભ્યોને બૅંગ્લુરૂ મોકલી દેવાયા હતા.

આમ, કૉંગ્રેસને અવારનવાર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે રિસૉર્ટના રાજકારણનો સહારો લેવો પડી રહ્યો છે.

હાલમાં કૉંગ્રેસી ધારાસભ્યોનાં રાજીનામાં બાદ ગુજરાત કૉંગ્રેસના ઘણા નેતાઓ રાજ્યમાં સત્તાધીશ ભાજપ પર પોતાના ધારાસભ્યોને ખરીદવાના આરોપ મૂકી રહ્યા છે.

જ્યારે ભાજપ કૉંગ્રેસમાંથી સમયાંતરે પડી રહેલાં રાજીનામાંને પક્ષની આંતરિક ખટપટ ગણાવી રહ્યા છે.

હવે હકીકત જે પણ હોય, પરંતુ આવનારા દિવસોમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેના આ મલ્લયુદ્ધમાં જીત કોની થાય છે એ જોવું રહ્યું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો