કોરોના વાઇરસ : પ્રવાસી મજૂરોને કારણે ગામડાં અને દુર્ગમ સ્થળો સુધી પહોંચ્યો કોરોનાનો ચેપ?

  • સમીરાત્મજ મિશ્ર
  • બીબીસી ગુજરાતી માટે
શ્રમિકો

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC

ઇમેજ કૅપ્શન,

શ્રમિકો

એક તરફ જ્યાં પ્રવાસી મજૂરો પરત ફર્યા બાદ ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણના આંકડા ઝડપથી વધી રહ્યા છે ત્યાં જ બીજી તરફ હવે કોરોનાનો ચેપ નાનાં ગામડાં અને દુર્ગમ સ્થળો સુધી પહોંચી ગયો છે.

ગામડાંમાં જ્યાં સુધી પ્રવાસી મજૂરો અને અન્ય લોકો પાછા નહોતા ફર્યા ત્યાં સુધી કોરોના સંક્રમણને લગતા મામલા વધુ સંખ્યામાં દેખાવાનું શરૂ નહોતું થયું.

ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો દસ હજારની નજીક પહોંચનાર છે અને અત્યાર સુધી 257 લોકો આ જીવલેણ વાઇરસનો ભોગ બની ચૂક્યા છે.

દરરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શુક્રવારે સમગ્ર રાજ્યમાં 500 લોકો કોરોના પૉઝિટિવ આવ્યા હતા. જોકે, અત્યાર સુધી લગભગ છ હજાર લોકો સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે.

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ 30 માર્ચના રોજ સામે આવ્યો હતો, આ દર્દીનું ગોરખપુરના બીઆરીડી મેડિકલ કૉલેજ ખાતે મૃત્યુ નીપજ્યું હતું. ત્યાર બાદ એક મહિના સુધી સંક્રમણનો દર ઘણો નીચો રહ્યો, પરંતુ મે મહિનામાં સંક્રમણની ઝડપ વધવાની સાથે સંક્રમણના મામલા ગામડાંમાં પણ દેખાવા લાગ્યા.

બસ્તીમાં શુક્રવાર સુધી કોરોના પૉઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 218 થઈ ગઈ છે અને અત્યાર સુધી ત્યાં સાત લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. આ દરમિયાન ઘણા લોકોના સતત ત્રણ રિપોર્ટ નૅગેટિવ આવતાં તેમને ઘરે પણ મોકલી દેવાયા છે.

બસ્તીના જિલ્લાધિકારી આશુતોષ નિરંજન જણાવે છે કે દર્દીઓની સંખ્યા આટલી વધી હોવા છતાં જિલ્લામાં ફફડાટનો માહોલ નથી, કારણ કે જિલ્લામાં અત્યાર સુધી જેટલા પણ પૉઝિટિવ કેસો આવ્યા છે તે તમામ પ્રવાસીઓના છે.

અમેઠી જેવા નાના જિલ્લામાં લૉકડાઉનના ત્રીજા તબક્કા સુધી કોઈ પૉઝિટિવ કેસ નહોતા અને તેને ગ્રીન ઝોન જાહેર કરી દેવાયો હતો. પરંતુ પાંચ મેના રોજ પ્રથમ કેસ મળ્યા બાદ અત્યાર સુધી અમેઠીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 150 કરતાં વધુ થઈ ગઈ છે.

આ પૈકી મોટા ભાગના લોકો ગ્રામીણ વિસ્તારના છે. જિલ્લાનાં અનેક ગામ કન્ટૅઇન્મેન્ટ ઝોનમાં ફેરવી દેવામાં આવ્યાં છે, જ્યાં આવશ્યક ચીજ-વસ્તુઓનો પુરવઠો તંત્ર દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે.

2700 જેટલા પ્રવાસી શ્રમિકો સંક્રમિત

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC

ઇમેજ કૅપ્શન,

જાહેરાતનું પાટિયું

રાજ્યમાં અત્યાર સુધી લગભગ 25 લાખ પ્રવાસી શ્રમિક મુંબઈ, દિલ્હી, ગુજરાત, પંજાબ અને અન્ય રાજ્યો મારફતે ટ્રેનો અને બસો મારફતે આવી ચૂક્યા છે. આ સિવાય મોટી સંખ્યામાં લોકો પગપાળા, સાઇકલ અથવા ટ્રક વગેરે સાધન મારફતે પણ આવ્યા છે.

અત્યાર સુધી અન્ય રાજ્યોથી આવેલા કુલ 2719 પ્રવાસી મજૂરો કોરોના સંક્રમિત મળી આવ્યા છે, આ સંખ્યા કુલ સંક્રમિત મામલાની સરખામણીએ 30 ટકા છે.

પ્રયાગરાજ ઉત્તર પ્રદેશનો એક મોટો જિલ્લો ગણાય છે, પરંતુ કોરોના સંક્રમણનો પ્રથમ મામલો ત્યાં પાંચ એપ્રિલના રોજ સામે આવ્યો હતો.

જોકે, તે બાદ પણ ત્યાં સંક્રમણનો દર વધુ નહોતો રહ્યો. જોકે, હાલ ત્યાં પૉઝિટિવ કેસોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે, જે પૈકી મોટા ભાગના ગ્રામીણ વિસ્તારોમાં અને પ્રવાસીઓ છે.

પ્રયાગરાજના જિલ્લાધિકારી ભાનુચંદ્ર ગોસ્વામી આ વિશે જણાવે છે કે, 'આ જિલ્લામાં લગભગ એક લાખ 35 હજાર જેટલા લોકો બહારથી આવ્યા. ગ્રામ્ય સ્તરોએ દેખરેખ સમિતિઓ નીમવામાં આવી જેથી દેખરેખ વિના કોઈ પણ વ્યક્તિ સ્થાનિક વ્યક્તિના સંપર્કમાં ન આવી શકે.'

'અમારો ધ્યેય એ છે કે અમે બહારથી આવનાર તમામ લોકોની તપાસ કર્યા બાદ જ તેમને જવા દઈએ, કારણ કે પૉઝિટિવ મામલા વધવા એ પરિસ્થિતિ એટલી ખતરનાક નથી પરંતુ જો કોઈ પણ પૉઝિટિવ વ્યક્તિ અન્ય વ્યક્તિના સંપર્કમાં આવે તો એ વધુ ખતરનાક પરિસ્થિતિ બની જશે.'

'સમગ્ર જિલ્લામાં એવી એક પણ વ્યક્તિ નથી કે જે બહારથી આવી હોય અને તે અમારી દેખરેખમાં ન હોય.'

તમામ પ્રવાસી શ્રમિકો પર સરકારી નજર છે?

આગળ વાત કરતાં તેઓ જણાવે છે કે બહારથી આવનાર પ્રવાસી પૉઝિટિવ જરૂર મળી આવ્યા છે, પરંતુ તેમના કારણે સ્થાનિકોમાં સંક્રમણ નથી ફેલાયો.

તેઓ દાવો કરે છે કે જિલ્લામાં જેટલા પણ પ્રવાસી આવ્યા છે તેના રિપોર્ટ નિયમિતપણે અપડેટ થાય છે અને જો ત્રણ દિવસ બાદ પણ કોઈ લક્ષણ ન દેખાય તો તેમને ઘરે જ ક્વોરૅન્ટિનમાં રહેવા માટે મોકલી અપાય છે.

તેમના અનુસાર, આ દરમિયાન ઘણા લોકોની પૂલ ટેસ્ટિંગ પણ કરાઈ અને લોકોને જાગૃત કરવાના પણ પ્રયાસો કરાયા જે હજુ ચાલુ જ છે.

જોકે, એવું નથી કે રાજ્યના તમામ જિલ્લાની સ્થિતિ આવી જ છે. ઘણા જિલ્લાઓમાં પ્રવાસીઓના સંપર્કમાં આવવાને કારણે તેમના પરિવારજનો અને અન્ય લોકોમાં પણ સંક્રમણ ફેલાયો છે.

રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, 'અત્યાર સુધી મહામુસીબતે સાડા ત્રણ લાખ લોકોની તપાસ કરાઈ છે, જ્યારે 25 લાખ કરતાં વધુ તો માત્ર પ્રવાસીઓ જ પરત ફરી ચૂક્યા છે. આવી પરિસ્થિતિમાં કહેવું મુશ્કેલ છે કે ગામડાંમાં જે પ્રવાસી આવ્યા છે, તે તમામ સરકારના રડાર પર છે કે કેમ?'

ક્વોરૅન્ટિન સેન્ટરોની હાલત ખરાબ

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC

ઇમેજ કૅપ્શન,

ક્વોરૅન્ટીનમાં એક શ્રમિક

એવું કહેવાઈ રહ્યું છે કે શ્રમિક ટ્રેનો, સરકારી બસો અને અન્ય કાયદેસરનાં સાધનો વડે આવનારા પ્રવાસી મજૂરો કરતાં ઘણી વધુ સંખ્યામાં અન્ય માધ્યમો અને સાધનોનો ઉપયોગ કરીને આપમેળે પોતાનાં ઘરો અને ગામડાંમાં પહોંચ્યા છે.

જે પૈકી ઘણા લોકોના ટેસ્ટ પણ નથી કરાયા કે ન તેમને ક્વોરૅન્ટિનમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.

જાણકારો પ્રમાણે, જો આવા લોકો સંક્રમિત નીકળશે તો નિશ્ચિતપણે આ સંક્રમણ અન્ય લોકો સુધી સરળતાથી પહોંચી શકે છે, કારણ કે પ્રવાસી મજૂરો મોટા ભાગે મુંબઈ, દિલ્હી અને ગુજરાતમાંથી પાછા ફર્યા છે જ્યાં સંક્રમણની સ્થિતિ ઘણી ખરાબ છે.

આટલું જ નહીં, પ્રવાસી મજૂરોને ક્વોરૅન્ટિન રાખવમાં ન માત્ર સ્થાનિક તંત્ર અને સરકારોની બેદરકારી સામે આવી રહી છે, બલકે ક્વોરૅન્ટિન સેન્ટરોની સ્થિતિ પણ કંઈક એવી છે કે ત્યાંથી લોકો ભાગી જઈ રહ્યા છે. રાજ્યની તમામ જગ્યાએથી લગભગ દરરોજ ક્વોરૅન્ટિન સેન્ટરોમાંથી લોકોના ભાગી ગયાના કે ત્યાં રહેલી અવ્યવસ્થાને લઈને ફરિયાદના સમાચારો આવતા રહે છે.

નિયમપાલનમાં ઊણપ

ઇમેજ સ્રોત, DM PRAYAGRAJ

ઇમેજ કૅપ્શન,

પ્રયાગરાજના જિલ્લા અધિકારી ભાનુચંદ્ર ગોસ્વામી

લખનઉમાં વરિષ્ઠ પત્રકાર યોગેશ મિશ્ર જણાવે છે કે, 'ગ્રામીણ સ્તરે લોકો સરકારી સ્કૂલોમાં બનેલા ક્વોરૅન્ટિન સેન્ટરોમાં ભલે રહી રહ્યા હોય, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારના નિયમો નથી પાળવામાં આવી રહ્યા.'

'અમુક લોકો બગીચામાં બેઠા હોય છે તો અમુક લોકો બેસીને પત્તાંની રમત રમી રહ્યા હોય છે.'

'તેમજ ઘણા લોકો સ્કૂલ વગેરમાં બનેલા ક્વોરૅન્ટિન સેન્ટરોમાં રહીને પણ આખો દિવસ ગામમાં ફરતા રહે છે, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા કોઈ નિયમનું પાલન નથી થતું.'

અગાઉ એકીકૃત રોગ દેખરેખ કાર્યક્રમના આંકડાઓ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં વિભિન્ના રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓમાં સંક્રમણનો દર ખૂબ ઓછો છે.

તેના અનુસાર 74, 237 પ્રવાસીઓના ટેસ્ટ કરાયા જે પૈકી માત્ર 2404 લોકો જ કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે. આ આંકડો લગભગ ત્રણ ટકા થયો.

જાણકારો માને છે કે આ આંકડા એ વાતને બળ પૂરું પાડે છે કે પ્રવાસીઓ સંક્રમણ લઈ નથી આવ્યા, પરંતુ તેઓ પોતે એટલા માટે સંક્રમિત થયા છે, કારણ કે તેઓ કોઈને કોઈ કારણોસર વિદેશથી આવેલી વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો