કોરોના વાઇરસ : દિલ્હીમાં એક જ દિવસમાં 2000થી વધારે કેસ, ફ્રાંસે કહ્યું જીતી લીધી પહેલી લડાઈ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, REUTERS/Amanda Perobell

વિશ્વમાં આ મહામારીથી સંક્રમિતોનો કુલ આંક 79 લાખને પાર થઈ ગયો છે. તો અત્યાર સુધીમાં આ મહામારીથી 4 લાખ 33 હજાર 65 લોકોનાં મૃત્યુ થયાં છે. આપ 15 જૂન 2020ની અપડેટ વાંચી રહ્યાં છો.

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસ સંક્રમણના નવા 511 કેસ નોંધાયા છે જેમાં અમદાવાદમાં સૌથી વધુ 334 કેસ, સુરતમાં76 અને વડોદરામાં 42 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે પાછલા 24 કલાકમાં રાજ્યમાં કુલ 29 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા જેમાં અમદાવાદમાં 22, સુરતમાં 4, અરવલ્લી, મહેસાણા અને પંચમહાલમાં 1-1 મૃત્યુ નોંધાયા. આ સાથે રાજ્યમાં આ મહામારીનો કુલ મરણાંક 1478 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ કુલ ઍક્ટિવ કેસ 5779 છે જેમાંથી 66 દરદી વૅન્ટિલેટર પર છે જ્યારે 5713 દરદીઓની સ્થિતિ સ્થિર જણાવાઈ રહી છે.

મહારાષ્ટ્રમાં 3390 નવા કેસ સાથે કોરોના વાઇરસ સંક્રમિત દરદીઓનો કુલ આંક 1 લાખ 7 હજાર 958 થયો છે. સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર મહારાષ્ટ્રમાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને મહામારીનો કુલ મૃત્યઆંક 3950 થઈ ગયો છે.

દિલ્હીમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના વધુ 2224 કેસ નોંધાયા છે જે દિલ્હીમાં અત્યાર સુધીમાં એક દિવસની અંદર નોંધાયેલો સૌથી મોટો આંક છે. પીટીઆઈ અનુસાર દિલ્હીમાં આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 41 હજાર થઈ ગઈ છે. દિલ્હીમાં આ મહામારીથી અત્યાર સુધી કુલ 1327 લોકોનાં મૃત્યુ થયાં છે.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયના છેલ્લા આંકડા પ્રમાણે દેશમાં સંક્રમિતોનો કુલ સંખ્યા 3 લાખ 32 હજાર 424 થઈ ગઈ છે અને આ મહામારીમાં કુલ મૃત્યુઆંક અત્યાર સુધી 9520 છે. દેશમાં હાલ 1 લાખ 53 હજાર 106 ઍક્ટિવ કેસ છે. જ્યારે 1લાખ 69 હજાર 798 લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે.

વિશ્વમાં આ મહામારીથી સંક્રમિતોનો કુલ આંક 79 લાખને પાર થઈ ગયો છે. તો અત્યાર સુધીમાં આ મહામારીથી 4 લાખ 33 હજાર 65 લોકોનાં મૃત્યુ થયાં છે. જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ડૅશબૉર્ડ પ્રમાણે આ મહામારીથી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં સંક્રમિતોનો કુલ આંક 20 લાખ 94 હજાર 58 છે. અમેરિકામાં આ મહામારીથી અત્યાર સુધી 1 લાખ 15 હજાર 732 લોકોનાં મૃત્યુ થયાં છે. સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં આ ડૅશ બૉર્ડ પ્રમાણે બ્રાઝિલ બીજા સ્થાને છે જ્યાં કુલ સંક્રમિતોનો આંક 8 લાખ 67 હજારને પાર થઈ ગયો છે તો બ્રાઝિલમાં અત્યાર સુધીના મૃત્યુનો આંક 43 હજાર 332 છે.

14 જૂન 2020ની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં કોરોના વાઇરસના નવા 511 કેસ નોંધાયા છે. સમાચાર એજન્સી એએનઆઈ ગુજરાત આરોગ્ય વિભાગના હવાલાથી લખે છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 29 લોકોનાં કોરોનાને કારણે મૃત્યુ થયાં છે.

આ સાથે જ ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 23,590 પર પહોંચી છે.

તેમજ ગુજરાતમાં 16,333 લોકોને સાજા થયા બાદ રજા અપાઈ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ મૃત્યુઆંક 1478 પર પહોંચ્યો છે.

પ્રતિકલાકે 500 કોરોના કેસ

દુનિયાભરમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 77 લાખને પાર કરી ગઈ છે અને 4 લાખ 27 હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે. ભારતમાં 3 લાખ 8 હજારથી વધારે કેસ છે અને 8884 લોકોનાં મૃત્યુ થયા છે. ગુજરાતમાં 23 હજાર કેસ છે અને મરણાંક 1449 થઈ ગયો છે. આપ 14 જૂન 2020ની અપડેટ્સ જોઈ રહ્યા છો.

વિશ્વના અન્ય દેશોની જેમ જ ભારતમાં પણ કોરોના વાઇરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને મૃતકોની સંખ્યા પણ વધી રહી છે. આ યાદીમાં સર્વોચ્ચ સ્થાને અમેરિકા છે, ત્યારબાદ બ્રાઝિલ, રશિયા અને ભારત આવે છે. પરંતુ એક દેશ એવો પણ છે જેણે આ બીમારીને હરાવવામાં સફળતા મળી છે. એક નાનકડો એવો દેશ, જેનું નામ છે ન્યૂઝીલૅન્ડ.

14 જૂને શું છે દેશ અને દુનિયાની સ્થિતિ?

દુનિયામાં કોરોના વાઇરસ ચેપગ્રસ્તોની સંખ્યા વધીને 77.66 લાખથી વધારે થઈ ગઈ છે. અત્યારે 4.29 લાખથી વધારે લોકો આ કારણે મૃત્યુ પામ્યાં છે.

કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ અમેરિકામાં છે જ્યાં 20 લાખ લોકો આ વાઇરસના ભરડામાં આવી ગયા છે. અત્યાર સુધી 1.15 લાખ કરતા વધારે લોકો મૃત્યુ પામ્યાં છે.

અમેરિકા પછી બ્રાઝિલમાં કોરોના સંક્રમણના સૌથી વઘારે કેસ છે. અહીં 8.50 લાખથી વધારે લોકો વાઇરસથી ચેપગ્રસ્ત થયા છે. અહીં 42,720 મૃત્યુ થયાં છે.

તુર્કીમાં છેલ્લા 24 કલાકમાં 1,459 નવા કેસ સામે આવ્યા છે. અહીં હાલ લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવી છે. આ પહેલા 1,195 કેસ આવ્યા હતા.

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું કે જો સંક્રમણના કેસ વધતા રહ્યા અને આરોગ્ય સંબંધિત નિયમોનું પાલન યોગ્ય રીતે ન થયું તો ફરી લૉકડાઉન લાગુ કરાશે. એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહથી ઈરાને લૉકડાઉનમાં ઢીલ આપવાની શરૂઆત કરી હતી. એ પછી ઈરાનમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો જોવા મળ્યો હતો. શનિવારે ઈરાનમાં 2,400થી વધારે કેસ નોંધાયા હતા. ઈરાનમાં ચેપગ્રસ્તોની કુલ સંખ્યા 184,955 થઈ ગઈ અને અહીં 8730 લોકો મૃત્યુ પામ્યાં છે.

ભારતમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા હવે 308993 થઈ ગઈ છે જેમાંથી 145779 ઍક્ટિવ કેસ હતા. 154330 જેટલા લોકો કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે અને 8884 જેટલા લોકોનું આ રોગને કારણે મૃત્યુ નોંધાયું છે.

મહારાષ્ટ્રમાં હવે કોરોના સંક્રમણના દરદીઓની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે, હાલ રાજ્યમાં 101141 કુલ દરદી છે જેમાંથી 49628 ઍક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં 47 હજાર જેટલા લોકો બીમારીમાંથી સાજા પણ થયા છે. અહીં મરણાંક 3717 છે.

તમિલનાડુમાં કોરોના વાઇરસના 40698 દરદી છે જેમાંથી 18284 ઍક્ટિવ કેસ છે. અહીં મરણાંક 367 છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં 36824 કુલ દરદી છે જેમાંથી 22212 ઍક્ટિવ કેસ છે. દિલ્હીમાં મરણાંક 1214 થઈ ગયો છે

પંજાબમાં રવિવારે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે અને માત્ર જરૂરી ચીજ-વસ્તુઓની દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. પંજાબ સરકારે ઈ-પાસધારકો સિવાય અન્ય લોકો માટે આંતરજિલ્લા અવરજવર પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. પંજાબમાં કોરોના સંક્રમણના 2986 કેસ છે ત્યારે 641 ઍક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધી કોવિડ-19ને કારણે 63 લોકોનાં મૃત્યુ નોંધાયા છે.

ભારતના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યામાં સૌથી મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 11,929 નવા સંક્રમિતો નોંધાયા છે અને કોવિડ-19ને કારણે 311 મૃત્યુ થયાં છે. દેશમાં કોરોના સંક્રમણનો આંકડો હવે 3,20,922 થઈ ગયો છે. 1,49,348 ઍક્વિટ કેસ છે અને 1,62,379 લોકો સાજા થયા છે. ભારતમાં અત્યાર સુધી કોવિડ-19ને કારણએ 9195 મૃત્યુ નોંધાયા છે.

ગુજરાતમાં સંક્રમણનો આંકડો 23 હજારને પાર, મરણાંક 1449

રાજ્યમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 517 કેસ નોંધાયા જેમાં અમદાવાદમાં સૌથી વધુ 344 દરદીઓ ઉમેરાયા.

રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે પાછલા 24 કલાકમાં રાજ્યમાં વધુ 33 કોરોના સંક્રમિતોએ જીવ ગુમાવ્યા, આ સાથે આ મહામારીનો રાજ્યમાં કુલ મૃત્યુ આંક 1449 થઈ ગયો છે.

પાછલા 24 કલાકમાં અમદાવાદમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસોમાં અમદાવાદમાં 26, સુરતમાં 3 , અમરેલીમાં 2 તો ભાવનગર અને પાટણમાં 1-1 મૃત્યું નોંધાયા.

રાજ્યમાં હાલ ઍક્ટિવ કેસોની સંખ્યા 5739 છે. જેમાં 61 દરદીઓ વૅન્ટિલેટર પર છે જ્યારે 5678 દરદીઓની સ્થિતિ સ્થિર હોવાનું રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે.

રાજ્યમાં પાછલા 24 કલાકમાં 390 દરદીઓ સારવાર બાદ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી સારવાર બાદ સાજા થયેલા દરદીઓની કુલ સંખ્યા 15891 થઈ છે.

યુરોપને મળશે વૅક્સિનના 40 કરોડ ડોઝ

ઇમેજ સ્રોત, REUTERS/Phil NobleFile Phot

કોરોના વાઇરસની વૅક્સિન બનાવવા દુનિયામાં સંશોધન ચાલી રહ્યું છે ત્યારે વૅક્સિન પર કામ કરી રહેલી કંપની અસ્ત્રાજેનકા સાથે યુરોપના ઇન્ક્લુઝિવ વૅક્સિન અલાયન્સે કરાર કર્યો છે અને એ કરાર મુજબ વૅક્સિન બનતા જ યુરોપને 40 કરોડ ડોઝ મળશે.

આ અલાયન્સની આગેવાની જર્મની, ફ્રાંસ, ઇટાલી અને નૅધરલૅન્ડ કરી રહ્યાં છે.

શનિવારે જર્મનીની સરકારે કહ્યું કે કરાર મુજબ વૅક્સિન બનતા જ એના 40 કરોડ ડોઝ યુરોપને મળશે અને તે યુરોપિયન સંઘના સભ્યોને આપવામાં આવશે.

ઇમેજ સ્રોત, EPA

કંપનીનું કહેવું છે કે તે વૅક્સિનનું ઉત્પાદન વધારવાની કોશિશ કરી રહી છે અને કોરોના મહામારીનો ઉકેલ લાવવા તે આ વૅક્સિન નહીં નફાને ધોરણે સપ્લાય કરશે.

કંપનીનું કહેવું છે કે આ વર્ષના અંત સુધીમાં તે ડિલિવરી શરૂ કરી શકશે એવી આશા છે.

કંપનીના મોવડી પાસ્કલ સોરિયોએ કહ્યું કે, જો બધું ઠીક રહ્યું તો યુરોપના કરોડો નાગરિકોને આ વૅક્સિન મળી જશે. ગરમી પૂરી થતાં અગાઉ આપણને તેની જાણકારી મળી જશે.

એમણે કહ્યું કે, વૅક્સિન બનાવવાની કામગીરીના શરૂઆતના ડેટાને આધારે એ કારગર સાબિત થશે એમ લાગે છે.

જોકે, આ કરાર કેટલામાં થયો છે એ વિશે કોઈ વિગતો એમણે નથી આપી.

ઉલ્લેખનીય છે કે હજી સુધી કોરોના વાઇરસની કોઈ કારગર વૅક્સિન બની નથી અને અનેક દેશો એના પર કામ કરી રહ્યા છે ત્યારે આ વૅક્સિન કેટલી કારગર સાબિત થશે એની કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી.

યુરોપિયન વૅક્સિન અલાયન્સની અગાઉ અમેરિકાએ અસ્તાજેનેકા સાથે કરાર કર્યો હતો જે મુજબ અમેરિકા કંપનીમાં 1.2 અબજ ડૉલરનું રોકાણ કરશે અને વૅકિસન બનશે એટલે એને 30 કરોડ ડોઝ મળશે.

13 જૂન સુધીની અપડેટ : નવું લક્ષણ સામે આવ્યું, દીવાલને અડવાથી પણ ખતરો

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્ર સરકારે કેટલાક હેલ્થ પ્રોફેશનલ્સનો એક દસ્તાવેજ પ્રકાશિત કર્યો છે, જેમાં કોવિડ-19થી સંક્રમિત દર્દીઓનાં લક્ષણોમાં સ્વાદ અને ગંધનો અનુભવ ન થવાને પણ સામેલ કરાયાં છે.

ક્લિનિકલ મૅનેજમૅન્ટ પ્રોટોકૉલ: કોવિડ-19 દસ્તાવેજમાં સાત લક્ષણો સહિત સ્વાદ અને ગંધ જવાને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

આ સિવાય જે લક્ષણો છે તે- તાવ, ખાંસી, થાક, શ્વાસ લેવામાં તકલીફ, કફ, માંશપેશીઓમાં દર્દ, શરદી, ગળું સુકાવું અને જુલાબ.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે વ્યક્તિમાંથી વ્યક્તિમાં સંક્રમણ નજીકના સંપર્કને કારણે થાય છે. મુખ્ય રીતે સંક્રમિત વ્યક્તિની છીંક અને કફથી સંક્રમણ ફેલાય છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર છીંક અને કફથી નીકળનારા ઝીણા કણો જમીન અને દીવાલો પર ઘર કરી જાય છે. આથી ફર્શ કે દીવાલને અડવાથી પણ સંક્રમિત થવાનો ખતરો છે.

સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ

ઇમેજ સ્રોત, Getty Images

સૌરાષ્ટ્રમાં કોરોના વાઇરસને લીધે ભાવનગર જિલ્લામાં 12 લોકોનાં મોત થયાં છે, જે સૌરાષ્ટ્રના તમામ 11 જિલ્લાઓમાં સૌથી વધારે છે.

તો જૂનાગઢ જિલ્લામાં 10 હજાર 736 પરીક્ષણ થયા છે, જે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે છે.

રાજ્યના આરોગ્યવિભાગના આંકડા પ્રમાણે સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર અને જિલ્લા રાજકોટમાં અત્યાર સુધી 6,820 પરીક્ષણ થયા છે.

ભાવનગરના આંકડા પર નજર કરીએ તો જિલ્લામાં હાલ 32 ઍક્ટિવ કેસ છે, જ્યારે 1856 લોકો ક્વોરૅન્ટીનમાં છે. ભાવનગરમાં કોવિડ-19ના 115 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે.

જૂનાગઢ હાલ કોરોના વાઇરસના 12 ઍક્ટિવ કેસ છે અને 815 લોકો ક્વોરૅન્ટીનમાં છે. જૂનાગઢમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તો 29 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે.

રાજકોટ જિલ્લામાં કોરોના વાઇરસના પાંચ સંક્રમિતોના મોત થયાં છે. જામનગર અને સુરેન્દ્રનગરમાં 3-3, અમરેલી, પોરબંર અને બોટાદમાં 2-2, મોરબીમાં 1 દરદીનાં મૃત્યું થયાં છે.

અમિત શાહની કેજરીવાલ સાથે બેઠક, દિલ્હીમાં કથળતી સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીમાં કોરોના વાઇરસની સ્થિતિ મામલે ચર્ચા કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષ વર્ધન આવતીકાલે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરશે.

ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલયની માહિતીને ટાંકીને સમાચાર સંસ્થા એએનઆઈએ જણાવ્યું કે બેઠકમાં એઇમ્સ(AIIMS)ના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરીયા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે.

તો દિલ્હીની સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટીના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજરી આપશે.

દિલ્હીમાં કોરોના વાઇરસના સંક્રમણના મામલે દિશા-નિર્દેશોને લઈને દિલ્હીની કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.

દિલ્હીની રાજ્યહસ્તકની હૉસ્પિટલો અને ખાનગી હોસ્પિટલો દિલ્હીવાસીઓ માટે આરક્ષિત રાખવાના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના નિર્ણયને ઉપરાજ્યપાલ અનિલ બૈજલે રદ કરી દીધો હતો.

તો કેન્દ્ર સરકાર દિલ્હીમાં કોરોના વાઇરસનું કૉમ્યુનિટી ટ્રાન્સમિશન હોવાનો સ્વીકાર ન કરી રહી હોવાનો આક્ષેપ પણ દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદીયાએ SDMAની પાછલી બેઠક બાદ લગાવ્યો હતો.

દિલ્હી હાલમાં કોરોના વાઇરસના સંક્રમણ મામલે મહારાષ્ટ્ર અને તામિલનાડુ બાદ દેશના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોના લિસ્ટમાં ત્રીજા ક્રમે છે.

દિલ્હીમા કોરોના વાઇરસના અત્યાર સુધી 36 હજાર 824 કેસ નોંધાયા છે અને 1214 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

દિલ્હીમાં કોરોના વાઇરસના સતત વધી રહેલા કેસો વચ્ચે આવતીકાલે સવારે 11 વાગ્યે મળનારી આ મહત્ત્વની બેઠક પર સૌની નજર રહેશે.

મુંબઈમાં 98 ટકા ICU, 96 ટકા વૅન્ટિલેટર ભરાયા

ઇમેજ સ્રોત, Getty Images

કોવિડ-19 મહામારીથી દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત શહેર મુંબઈ છે. મુંબઈમાં જે રીતે સંક્રમિતોની સંખ્યા વધી રહી છે તેને જોતાં આવનારા દિવસોમાં કોવિડ-19 માટે ફાળવાયેલી હૉસ્પિટલોમાં સુવિધાઓની પ્રાપ્યતા ચિંતાનો વિષય બની શકે છે.

મુંબઈ મહાનગરપાલિકાના આંકડા બતાવે છે કે કોવિડ-19ના દર્દીઓ માટે ઉપલબ્ધ 1197 આઈસીયુમાંથી 1177 આઈસીયુમાં દરદીઓ દાખલ છે એટલે કે 98 ટકા આઈસીયુ હાલ ઉપયોગમાં છે.

તો વૅન્ટિલેટરની કુલ 538ની ક્ષમતામાંથી 515 વૅન્ટિલેટર દર્દીઓથી રોકાયેલાં છે એટલે કે 96 ટકા વેન્ટિલેટર હાલ ઉપયોગમાં છે.

તો કોવિડ-19ના દર્દીઓ માટે હૉસ્પિટલોમાં ઉપલબ્ધ કુલ 17 હજાર 847 પથારીઓની ક્ષમતા સામે 13 હજાર 256 પથારીઓ રોકાયેલી છે એટલે કે 74 ટકા પથારીઓ હાલના દર્દીઓથી રોકાયેલી છે.

મુબઈ મહાનગર પાલિકાના આંકડાઓ કહે છે કે મુબઈમાં છેલ્લા 25 દિવસથી તો રોજના સરેરાશ એક હજારથી વધુ પૉઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે.

મુંબઈમાં હાલ કુલ ઍક્ટિવ કેસોની સંખ્યા 28 હજાર 163 છે. જેમાંથી 1019 દર્દીઓ ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે.

આ આંકડાઓને જોતાં મુંબઈમાં વહીવટી તંત્રએ કોવિડ-19 મહામારી માટે હૉસ્પિટલોમાં પથારીઓ, આઈસીયુ, વૅન્ટિલેટર જેવી મૅડિકેર સુવિધાઓની અછતની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

મુંબઈ મહાનગરપાલિકાના આંકડા મુજબ મુંબઈમાં કોરોના વાઇરસના સંક્રમિતોની કુલ સંખ્યા 55 હજારને પાર પહોંચી છે તો મુંબઈમાં કુલ 2042 લોકોએ જીવ ગુમાવ્યા છે

શાહિદ આફ્રિદી કોરોના પૉઝિટિવ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના જાણીતા પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીએ ટ્વીટ કરીને જાણકારી આપી કે તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત છે.

શાહિદે ટ્વીટ કરીને કહ્યું છે કે હું ગુરુવારથી બીમાર હતો.

તેઓ લખે છે, "આખું શરીર દર્દથી તૂટી રહ્યું હતું. કમનસીબે હું કોરોના પૉઝિટિવ આવ્યો છું. જલદી સ્વસ્થ થવા માટે આપની દુઆઓની જરૂર છે. ઇન્શાઅલ્લાહ..."

રાહલુ ગાંધીએ લૉકડાઉન અંગે ગ્રાફ શૅર કર્યા

ઇમેજ સ્રોત, Getty Images

જૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટીના ડૅશબોર્ડ પ્રમાણે હાલ દુનિયામાં કોરોના સંક્રમણના કુલ 7,632,377 કેસ છે અને મરણાંક 4,25,385 છે. સૌથી વધારે અમેરિકામાં 2,049,024 ચેપગ્રસ્ત છે ત્યારે બ્રાઝિલમાં 8,28,810 ચેપગ્રસ્તો છે.

રશિયામાં પાંચ લાખ દસ હજાર કેસ છે. ત્યારે ચોથા ક્રમે ભારત છે જ્યાં 3 લાખ 8 હજાર કરતા વધારે કેસ છે અને 8884 લોકોનાં મૃત્યુ થયાં છે. ગુજરાતમાં ચેપગ્રસ્ત દરદીઓનો આંક 22562 થઈ ગયો છે અને મરણાંક 1416 થઈ ગયો છે. આપ વાંચી રહ્યાં છો 13 જૂનની અપડેટ્સ.

કોરોના વાઇરસને લઈને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી મોદી સરકારને સતત નિશાના પર લેતા રહ્યા છે.

રાહુલ ગાંધીએ ફરી ટ્વિટર પર ચાર ગ્રાફ શૅર કર્યા છે અને એમાં બતાવ્યુ છે કઈ રીતે લૉકડાઉનના દરેક તબક્કામાં કોરોના વાઇરસના કેસ વધ્યા.

ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસ સંક્રમણના 11 હજાર નવા આ મમલા સામે આવ્યા છે, જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ મામલા છે. આ આંકડા આવ્યા બાદ રાહુલ ગાંધીએ આ ટ્વિટ કર્યું છે.

રાહુલે આ ગ્રાફ સાથે લખ્યું છે કે, એક જ કામ વારંવાર કર્યા કરવું અને અને કંઈક અલગ પરિણામની અપેક્ષા રાખવી એ ગાંડપણ છે.

આ પહેલા પણ રાહુલ ગાંધીએ એક ગ્રાફ શૅર કરી કહ્યું હતું કે ભારતમાં લૉકડાઉન નિષ્ફળ ગયું છે. તેમણે કહ્યું હતું કે અન્ય દેશોમાં લૉકડાઉનને કારણે કેસો ઓછા થયા પરંતુ ભારતમાં લૉકડાઉન છતાં સંક્રમણનો વ્યાપ વધ્યો છે.

ભારતની સ્થિતિ

ઇમેજ સ્રોત, Himanshu Bhatt/NurPhoto via Getty Images

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે પાછલા 24 કલાકમાં નવા 11458 કેસ સાથે દેશમાં સંક્રમિતોનો કુલ આંક 3 લાખ 8 હજાર 993 થઈ ગયો છે.

કોરોના વાઇરસની મહામારીને કારણે દેશમાં કુલ 8884 લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં પાછલા 24 કલાકમાં 386 મૃત્યુ થયાં છે.

દેશમાં ઍક્ટિવ કેસોની સંખ્યા 1 લાખ 45 હજાર 779 છે જ્યારે કે 1 લાખ 54 હજાર 330 લોકોને સારવાર બાદ રજા અપાઈ છે.

કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ દેશમાં ત્રણ સૌથી વધુ પ્રભાવિત રાજ્યો છે.

એકલા મહારાષ્ટ્રમાં જ હવે સંક્રમિતોનો કુલ આંક 1 લાખને પાર થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1 લાખ 1 હજા2 141 થઈ ગઈ છે અને 3717 લોકોનાં મૃત્યુ થયા છે.

તમિલનાડુમાં સંક્રમિતોની કુલ સંખ્યા 40 હજાર 698 પર પહોંચી ગઈ છે. તમિલનાડુમાં અત્યાર સુધી 367 લોકોએ જીવ ગુમાવ્યો છે.

દિલ્હીમાં 36824 લોકો સંક્રમિત થયા છે અને મહામારીનો મરણાંક 1214 થઈ ગયો છે.

ગુજરાત દેશમાં ચોથું સૌથી અસરગ્રસ્ત રાજ્ય છે. ગુજરાતમાં 22527 કુલ કેસ નોંધાયા છે અને કુલ મરણાંક 1415 થઈ ગયો છે.

બ્રાઝિલમાં એક લાખ લોકોનાં મૃત્યુની દહેશત

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસને કારણે થયેલા મૃત્યુના મામલે બ્રાઝિલે બ્રિટનને પાછળ મૂકી દીધું છે. અમેરિકા પછી બ્રાઝિલમાં કોરોના વાઇરસથી સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પાછલા 24 કલાકમાં બ્રાઝિલમાં 843 લોકોનાં મોત સાથે જ અહીં મૃત્યુ પામનાર લોકોની કુલ સંખ્યા 41 હજાર 901 થઈ ગઈ છે. આ આંકડોને અનેક મીડિયા હાઉસે પ્રકાશિત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલયે ડેટાને સાર્વજનિક કરવું બંધ કરી દીધું છે.

બ્રિટિશ સરકાર અનુસાર બ્રિટનમાં કોરોનાથી અત્યાર સુધી 41 હજાર 481 લોકોનાં જીવ ગયા છે. અમેરિકામાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 1 લાખ 16 હજાર લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો શરૂઆતથી જ કોરોનાના વ્યાપને નીચો આંકતા આવ્યા છે ત્યાં સુધી કે તેમણે આને સનકી મીડિયાની ઉપજ ગણાવી હતી.

40 હજારથી વધુ મૃત્યુ થવા સુધી બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો સોશિયલ ડિસ્ટન્સિંગની પણ મજાક ઉડાવતા રહ્યા. રાજ્યોમાં ગવર્નરોના લૉકડાઉનના નિર્ણય વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા પર ઉતર્યા પરંતુ કોરોના વાઇરસના સંક્રમણને ક્યારેય ગંભીરતાથી નથી લીધું. બે-બે સ્વાસ્થ્ય મંત્રીઓએ રાજીનામા આપી દીધા તેમ છતાં રાષ્ટ્રપતિ ગંભીર ન થયા.

છેવટે સરકારે કોરોનાના નવા કેસો અને મૃત્યુનો ડેટા જાહેર કરવો બંધ કરી દીધો. અમેરિકામાં અત્યાર સુધી સંક્રમિતોની કુલ સંખ્યા 20 લાખથી વધુ થઈ ગઈ છે અને બ્રાઝિલમાં આ સંખ્યા 8 લાખ 29 હજાર 902 છે. આ જ અઠવાડિયે યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટને અનુમાન લગાવ્યું હતું કે ઑગસ્ટ મહિના સુધી બ્રાઝિલમાં કોરોના વાઇરસથી વધુ એક લાખ લોકોના મૃત્યુની આશંકા છે.

કોરોના મહામારી મામલે પાટનગર ગાંધીનગરની શું છે સ્થિતિ?

રાજ્યનું પાટનગર ગાંધીનગર કોવિડ-19થી થયેલા મૃત્યુના મામલે રાજ્યમાં ચોથો સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે ગાંધીનગરમાં કોરોના સંક્રમણવાળા કુલ 21 દર્દીઓનાં મૃત્યું થયા છે જેમાં બે મૃત્યુ પાછલા 24 કલાકમાં જ નોંધાયા છે.

પાટનગરમાં હાલ ઍક્ટિવ કેસોની સંખ્યા 179 છે જ્યારે કે 12252 લોકો ક્વોરૅન્ટીનમાં છે.

ગાંધીનગરમાં અત્યાર સુધી કોવિડ-19 મામલે કુલ 6822 નમૂનાઓનું પરીક્ષણ થયું છે તો કુલ 250 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે.

2011ની વસતિગણતરીના આંકડા પ્રમાણે ગાંધીનગર જિલ્લાની કુલ વસતિ 13 લાખ 92 હજાર નોંધાઈ હતી. એના આધારે જોઈએ ગાંધીનગરમાં પ્રતિ લાખ વ્યક્તિએ અંદાજે 487 લોકોનું કોરોના ટેસ્ટિંગ થયું છે તેમ સરકારી આંકડા દર્શાવે છે.

અમુક દેશોમાં કોરોના વાઇરસ સંક્રમણની બીજી લહેર, બ્રાઝિલમાં બ્રિટનથી વધારે મોત

ઇમેજ સ્રોત, Getty Images

  • અમેરિકામાં સૌથી વધારે મરણાંક છે. અહીં 1,14,672 મૃત્યુ કોવિડ-19ને કારણે નોંધાયા છે. બ્રાઝિલ મરણાંકમાં બીજા ક્રમે છે અને યુકે ત્રીજા ક્રમે.
  • કોરોના વાઇરસને કારણે થતાં મૃત્યુના હિસાબથી બ્રાઝિલ હવે બ્રિટન કરતાં આગળ નીકળી ગયું છે. જૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટીના ડૅશબોર્ડ પ્રમાણે મૃતાંકમાં બ્રાઝિલ હવે અમેરિકા પછી બીજા ક્રમનો દેશ બની ગયો છે. બ્રાઝિલના આરોગ્ય મંત્રાલય પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અહીં કોવિડ-19થી 909 લોકોના મૃત્યુ થયા છે, હવે દેશમાં કુલ 41,828 મરણાંક છે. છેલ્લા 24 કલાકમાં અહીં 25,982 નવા કેસ સામે આવ્યા છે જ્યાર બાદ અહીં ચેપગ્રસ્તોની સંખ્યા 828,810 થઈ ગઈ છે.
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કાર્યકારી નિદેશક ડૉ માઇકલ રાયને કહ્યું કે દુનિયાના અમુક દેશોમાં સંક્રમણની બીજી લહેર જોવા મળી રહી છે. અહીં બીમારી પૂર્ણ રીતે ખતમ નથી થઈ. વાઇરસ પર થોડા સમય માટે કાબૂ મેળવવામાં આવ્યો હતો પરંતુ તેણે ફરીથી પગપેસારો કર્યો છે. તેની પાછળનું કારણ લૉકડાઉનમાં ઢીલ આપવી અને લોકોનું હળવા-મળવું. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું.
  • ચીનના બીજિંગમાં સતત બીજા દિવસે કોરોના સંક્રમણના કેસ આવ્યા પછી સ્થાનિક પ્રશાસને છ હોલસેલ માર્કેટ પૂર્ણ અથવા આંશિક રૂપે બંધ કરી દીધા છે. બે લોકો પૉઝિટિવ મળ્યા હતા. હવે પ્રશાસનનું કહેવું છે કે પ્રાઇમરી સ્કૂલોને પણ ખોલવામાં ઉતાવળ નહીં કરવામાં આવે.
  • અમેરિકાના ટેક્સાસ અને ઍરિઝોનામાં ઝડપથી હૉસ્પિટલોમાં કોરોનાના દરદીની સંખ્યા વધી રહી છે. ઍલાબામા, ફ્લોરિડા, નૉર્થ કૅરોલાઇના, સાઉથ કૅરોલાઇના, ઑરેગૉન અને નેબ્રાસ્કામાં ગુરુવારે રૅકર્ડ સંખ્યામાં કેસ નોંધાયા.
  • યુરોપીય સંઘનાં આરોગ્ય મંત્રી સ્ટેલા કિર્યાકિડ્સે 27 સભ્ય દેશોને વિનંતી કરી છે કે જરૂર પડ્યે લૉકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ પાછી ખેંચવા માટે તૈયાર રહેવું જોઈએ.
  • દક્ષિણ કોરિયામાં પણ સંક્રમણના નવા કેસ સામે આવ્યા પછી ઇન્ટેન્સિવ પ્રીવેન્શન અને સૅનિટાઇઝેશનનું કામ અનિશ્ચિત સમય સુધી લંબાવ્યું છે. સરકારનું કહેવું છે કે દેશમાં 24 કલાકમાં દસથી ઓછા કેસ ન થાય ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે.
  • ભારતના આરોગ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોના સંક્રમણના કુલ 297535 કેસ છે જેમાંથી 141842 ઍક્ટિવ કેસ છે. ભારતમાં કોરોના સંક્રમણથી સાજા થનાર લોકોની સંખ્યા ઍક્ટિવ કેસ કરતા વધારે છે, હાલ દેશમાં આ ચેપી રોગથી એક લાખ 47 હજારથી વધારે લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાનો મરણાંક 8498 છે.
  • મહારાષ્ટ્રમાં 97648 કુલ કેસ છે જેમાંથી 47980 ઍક્ટિવ કેસ છે અને 46 હજારથી વધારે લોકો સંક્રમણમાંથી સાજા થયા છે. અહીં મરણાંક 3590 છે. બીજા ક્રમે તમિલનાડુમાં 38,716 કેસ છે અને 17662 ઍક્ટિવ કેસ છે. ત્યારે દિલ્હીમાં 34687 કેસ છે, અહીં મરણાંક 1085 અને ઍક્ટિવ કેસની સંખ્યા છે 20871 છે.
  • તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં કાવેરી હૉસ્પિટલમાં કોવિડ-19ની ચેપગ્રસ્ત 97 વર્ષીય કૃષ્ણમૂર્તિ સાજા થઈ ગયા છે. તેમને તારીખ 30 મેના કોવિડ-19 પૉઝિટિવ આવ્યા પછી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો કોરોના ટેસ્ટ નૅગેટિવ આવ્યા પછી તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

12 જૂન સુધીની અપડેટ્સ - ગુજરાતમાં 22 હજારથી વધુ દરદીઓ, 1400થી વધુ મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 495 નવા કેસો નોંધાયા છે.

આ સાથે જ રાજ્યમાં કુલ ચેપગ્રસ્ત દરદીઓનો આંક વધીને 22562 થઈ ગયો છે.

તો આ દરમિયાન વધુ 31 દરદીઓનાં મૃત્યુ નોંધાતાં રાજ્યમાં કોરોના વાઇરસના દરદીઓનો કુલ મૃતાંક 1416 થઈ ગયો છે.

અલ્પેશ ઠાકોર સામે સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ ગુનો નોંધવાની માગ કેમ?

કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણની વચ્ચે ઓબીસી નેતા તથા પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લઈને વિવાદ વકર્યો છે.

અલ્પેશ ઠાકોરની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે, જેમાં તેઓ એક જાહેર કાર્યક્રમમાં બેઠા છે.

સોશિયલ મીડિયામાં લોકો લખી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કર્યું.

લોકો તેમની પર આક્ષેપ કરી રહ્યા છે કે જાહેર મેળાવડાઓ પર પ્રતિબંધ હોવા છતાં તેમણે જાહેર મેળાવડો યોજ્યો હતો અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો છે.

આ તસવીર બનાસકાંઠા જિલ્લાની હોવાનું જાણવા મળે છે.

ઠાકોર સમાજના પ્રમુખ દિનેશ ઝાલેરા જણાવે છે કે અમારી કાર્યકર્તાઓની બેઠક હતી એમાં ફક્ત કાર્યકરો હાજર હતા અને અમે બધાને માસ્ક આપ્યા હતા પણ કેટલાક લોકોએ પહેર્યા હતા, કેટલાકે નહોતા પહેર્યા.

'જુલાઈ-ઑગસ્ટમાં કેસોમાં પીક જોવા મળી શકે છે'

ઇમેજ સ્રોત, Getty Images

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલના વાઇસ ચૅરમૅન ડૉ. એસ. પી. બ્યોત્રાએ કહ્યું છે કે નજીકના સમયમાં કેસોની સંખ્યા ઘટે એ શક્યતા નહિવત્ છે.

તેમણે કહ્યું છે કે જુલાઈની શરૂઆતમાં કે મધ્યમાં અથવા તો ઑગસ્ટમાં પીક જોવા મળે એવી શક્યતા છે.

તેમણે એવું પણ કહ્યું છે કે આગામી વર્ષ પહેલાં રસી મળી જવાની શક્યતા તેમને વર્તાતી નથી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ પણ કેસોમાં ધરખમ ઉછાળાની ભીતિ વ્યક્ત કરી હતી.

હૉસ્પિલોને નીતિન પટેલે શું ચેતવણી આપી?

ગુજરાતમાં હવેથી ખાનગી તબીબોની ભલામણથી કોરોના વાઇરસનું પરીક્ષણ કરાવી શકાશે.

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે એમડી અને ઉપરની ડીગ્રી ધરાવતા તબીબોની ભલામણથી કોરોના ટેસ્ટ કરાવી શકાશે.

તેમણે કહ્યું, "અમદાવાદમાં 1400 જેટલા એમડી કે અન્ય ડૉક્ટરોની ભલામણની આધારે દરદીને ખાનગી લૅબમાં પરીક્ષણ માટે મોકલી શકાશે."

કોરોના વાઇરસના દરદીનું ઝડપથી પરીક્ષણ કરી શકાય અને સારવાર આપી શકાય તે માટે પગલું ભરવામાં આવ્યું હોવાનું નાયબ મુખ્ય મંત્રીએ જણાવ્યું છે.

કોરોના વાઇરસના દરદીઓ પાસેથી સારવાર માટે નક્કી કરાયેલી ફી કરતાં વધારે રકમ વસુલનારી ખાનગી હૉસ્પિટલોને બંધ કરી દેવા સુધીની રાજ્ય સરકાર પાસે સત્તા હોવાનું પણ તેમણે જણાવ્યું.

લૉકડાઉન ફરીથી લાગુ નહીં થાય - ઉદ્ધવ ઠાકરે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે લૉકડાઉન ફરીથી લાગુ કરવામાં નહીં આવે.

આ અગાઉ ગુજરાત રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે પણ આ મામલે સ્પષ્ટતા કરી હતી કે ફરીથી લૉકડાઉન લાગુ કરવામાં નહીં આવે.

ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરી છે કે નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવે.

લૉકડાઉનમાં વેતન ન આપવાના મામલામાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટે લૉકડાઉન દરમિયાન કર્મચારીઓને વેતન ન આપવાના મામલે ખાનગી કંપનીઓ પર કોઈ પણ આદેશ જાહેર નથી કર્યા.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કંપનીઓ અને કર્મચારીઓ વાત કરીને નિરાકરણ લાવે. લૉકડાઉનના 54 દિવસનો પગાર આપવા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી.

કોર્ટે કહ્યું કે કંપનીઓ અને કર્મચારીઓ વચ્ચેની વાતચીતમાં રાજ્યનો શ્રમવિભાગ મદદ કરશે.

આ મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપ્યો છે.

આ જવાબ 29 માર્ચના એ નૉટિફિકેશન પર માગ્યો છે, જેમાં વેતન આપવાને ફરજિયાત કરવામાં આવ્યું હતું.

લૉકડાઉન લાગુ કરાયા બાદ કેન્દ્ર સરકારે ખાનગી કંપનીઓને કહ્યું હતું કે કર્મચારીઓનો પગાર કાપવામાં ન આવે.

શું આ વર્ષે મુસ્લિમો હજ માટે મક્કા જઈ શકશે?

ઇમેજ સ્રોત, Getty Images

સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે સાઉદી અરેબિયામાં કોરોના vવાઇરસના સંક્રમણને લીધે હાજીઓની સંખ્યામાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે. આ વર્ષે જુલાઈ માસમાં હજ શરૂ થવાની છે.

દર વર્ષે દુનિયામાં અંદાજે 25 લાખ મુસ્લિમો મક્કા અને મદિના જાય છે. આ યાત્રાથી દર વર્ષે સાઉદીને 12 અબજ ડૉલરની આવક થાય છે.

તેમણે દુનિયાભરના મુસ્લિમોને કહ્યું હતું કે આગામી નોટિસ સુધી હજ સ્થગિત રહેશે.

રૉયટર્સ પ્રમાણે જો આ વર્ષે હજ થાય તો પણ તે પ્રતીકાત્મક જ રહેશે. આ સાથે જ મોટી વયના લોકોના આવવા પર પ્રતિબંધ રહેશે. જોકે કેટલાક અધિકારીઓ હજ રદ કરવાના પક્ષમાં છે.

જોકે સાઉદી અરેબિયાએ આ મામલે સત્તાવાર રીતે જાહેરાત કરી નથી.

એવું પણ કહેવાઈ રહ્યું છે કે હાજીઓની સંખ્યામાં કાપ મૂકવાની આર્થિક અસર સાઉદી અરેબિયાએ વેઠવી પડશે. તેલની કિંમતોમાં ઘટાડા બાદ આ બીજો મોટો આર્થિક ઝટકો મનાય છે.

ઝેદ્દામાં હજી પણ કર્ફ્યુ છે અને હાજીઓની ફ્લાઇટ અહીં જ લૅન્ડ થાય છે.

વિશ્વના કેટલાક દેશો એવા છે કે જેમણે તેમના નાગરિકોને હજ માટે પરવાનગી આપી નથી.

અમદાવાદમાં માસ્ક ન પહેરનાર ફેરિયાઓને દંડ

ગુજરાતમાં સૌથી વધારે સંક્રમિતો ધરાવતાં અમદાવાદમાં સ્થાનિક તંત્ર દ્વારા માસ્ક ન પહેરનાર ફેરિયાઓ સામે કાર્યવાહી કરાઈ રહી છે.

ડીડી ન્યૂઝ ગુજરાતી દ્વારા કરવામાં આવેલા ટ્વીટ અનુસાર 726 ફેરિયાઓ પાસેથી રૂપિયા એક લાખ 45 કરતાં વધારે રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદમાં શાકભાજી અને ફળોના ફેરિયાઓનાં નામો સુપર સ્પ્રેડર્સ તરીકે આવ્યાં હતાં.

આ ઉપરાંત ચેન્નાઈનું શાકમાર્કેટ પણ આખા તામિલનાડુ માટે કોરોના સંક્રમણનું ક્લસ્ટર બન્યું છે.

વધતા કેસોને રોકવા શું ભારત ફરી લૉકડાઉન કરશે?

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસના સંક્રમણને નાથવા માટે ભારતમાં તબક્કાવાર લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.

જોકે લૉકડાઉન દરમિયાન પણ કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું હતું. જોકે સરકારનું કહેવું છે કે લૉકડાઉનને પગલે કેસોમાં વધારાની રફ્તાર ઘટી હતી.

લૉકાડઉનમાં છૂટછાટ બાદ સંક્રમણની ગતિ વધી છે અને ભારત સંક્રમણના મામલામાં વિશ્વમાં પાંચમા ક્રમે પહોંચી ગયું છે.

સોશિયલ મીડિયામાં એવું ચર્ચાઈ રહ્યું છે કે દેશમાં 15મી જૂનથી ફરી લૉકડાઉન લાગુ કરી શકે છે. ત્યારે વાંચો શું 15 જૂનથી ફરીથી લૉકડાઉન લાગુ કરાશે?

સંક્રમણમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના 10,956 નવા કેસ સામે આવ્યા છે અને 396 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ સાથે જ ભારત કોરોના વાઇરસથી સૌથી વધારે પ્રભાવિત દેશોની યાદીમાં ચોથા ક્રમે આવી ગયું છે.

આ યાદીમાં હવે બ્રિટન ભારતથી પાછળ રહી ગયું છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં માર્ચ મહિનાથી કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિ વણસી રહી છે.

ગુરુવારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 3,607 નવા કેસ સામે આવ્યા અને 152 લોકોનાં મૃત્યુ થયાં છે.

દુનિયામાં પોણો કરોડ લોકો સંક્રમિત

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસ કોવિડ-18ની મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે અને દુનિયામાં પોણો ચાર કરોડ લોકો સુધી એનું સંક્રમણ ફેલાયું છે તથા મરણાંક 4 લાખ 18 હજારને પાર કરી ગયો છે.

અમેરિકામાં 20 લાખથી વધારે લોકો સુધી સંક્રમણ ફેલાયું છે અને 1 લાખ 13 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. અમેરિકાના ટેક્સાસ શહેરમાં 254 નવા કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ટેક્સાસમાં 1 મેના રોજ લૉકડાઉનમાં રાહત આપવામાં આવી હતી અને દુકાનો, બજાર, રેસ્ટોરાં અને થિએટર, બાર વગેરે ખોલી દેવામાં આવ્યા હતા. અમેરિકાના નાણામંત્રી સ્ટીવ મ્રૂચિનનું કહેવું છે કે કોવિડ-19ને આગળ વધતો રોકવા માટે ફરી એક વાર અર્થતંત્ર બંધ કરવું શક્ય નથી. એમણે અમેરિકામાં ગંભીર આર્થિક સંકટની અને બેરોજગારી વધવાની ચેતવણી પણ આપી છે.

આ દરમિયાન હાર્વર્ડ ગ્લોબલ હેલ્થ ઇનિશિએટિવના પ્રમુખ આશિષ ઝાએ અમેરિકન ચેનલ સીએનએનને આપેલી એક મુલાકાતમાં કહ્યું છે કે સપ્ટેમ્બર સુધીમાં અમેરિકામાં મરણાંક 2 લાખ થઈ શકે છે.

અમેરિકા પછી સૌથી વધારે પ્રભાવિત બ્રાઝિલમાં મરણાંક 40 હજાર નજીક પહોંચી રહ્યો છે.

ભારતમાં કોરોના વાઇરસને લીધે 8,102 લોકોનાં મૃત્યુ થયાં છે અને સંક્રમિત લોકોની સંખ્યા 3 લાખ નજીક છે. ભારત સરકારનું કહેવું છે તે દેશનો કોરોના રિકવરી રેટ 49.1 ટકા છે.

સ્વિડનના શિક્ષણ મંત્રી એના ઍક્સટૉર્મનું કહેવું છે કે 16 વર્ષની નાની વયના બાળકો માટે શાળાઓ બંધ ન કરવાના નિર્ણયથી મહામારીના સંક્રમણમાં કોઈ ફેર પડ્યો નથી. સ્વિડનમાં 15 જૂનથી શાળાઓ શરૂ કરાઈ રહી છે ને લૉકડાઉનમાં પણ રાહત આપવામાં આવશે. લોકોને દેશની અંદર યાત્રા કરવાની પરવાનગી મળી શકે છે.

ગુજરાતમાં કોરોના ચેપગ્રસ્તોનો આંક 22 હજારને પાર, 1300થી વધુ મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 513 નવા દરદીઓ નોંધાયા છે.

આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર જે નવા કેસો નોંધાયા, તેમાં સૌથી વધુ અમદાવાદમાં 330 કેસો, સુરતમાં 86 કેસો, વડોદરામાં 39 કેસો, ગાંધીનગરમાં 11 કેસોનો સમાવેશ થાય છે.

આ સાથે જ રાજ્યમાં કુલ ચેપગ્રસ્ત દરદીઓનો આંક 22067 થઈ ગયો છે.

તો આ દરમિયાન વધુ 38 લોકોનાં મૃત્યુ પણ થયાં છે. આ સાથે જ રાજ્યનો કુલ મૃતાંક 1358 થઈ ગયો છે.

તો આ 24 કલાક દરમિયાન 366 દરદીઓ સારવાર બાદ કોરોનામુક્ત પણ થયા છે.

ઇમરાન ખાને ભારતને મદદની રજૂઆત કરી

ઇમેજ સ્રોત, Copyright

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કોરોના વાયરસ સામેની લડત માટે ભારતને મદદ કરવાની રજૂઆત કરી છે.

તેમણે લૉકડાઉનથી પ્રભાવિત ભારતીય પરિવારો માટે પાકિસ્તાનના 'અહેસાસ પ્રોગ્રામ" હેઠળ મદદ કરવાની વાત કરી છે.

ઇમરાન ખાને ટ્વીટ કર્યું કે 'ઇન્ડિયામાં રહેનારા પરિવારો જેઓ લૉકડાઉનને કારણે નાણાકીય રીતે પ્રભાવિત થયા છે એમને મદદ માટે પાકિસ્તાન પોતાના "અહેસાસ પ્રોગ્રામ'ને એમના ઉપયોગ માટે રજુ કરવા તૈયાર છે.'

'અહેસાસ પ્રોગ્રામ' હેઠળ લૉકડાઉનથી અસરગ્રસ્ત ગરીબ પરિવારોને આર્થિક મદદ કરવામાં આવે છે.

કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ભારતે માર્ચના અંત ભાગમાં કડક લૉકડાઉન લાગુ કર્યું હતું.

લૉકડાઉનને કારણે ભારતમાં મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે.

અમેરિકાની બે યુનિવર્સિટી અને મુંબઈસ્થિત એક સંસ્થાના અહેવાલ અનુસાર લૉકડાઉનને કારણે 84 ટકા પરિવારોની આવકમાં ઘટાડો થશે અને 34 ટકા પરિવારો એવા છે જેઓ કોઈ સહાય વિના એક સપ્તાહથી વધુ પોતાનું ગુજરાત નહીં ચલાવી શકે.

આ પહેલા પાકિસ્તાનમાં 'અહેસાસ પ્રોગ્રામ'નાં પ્રમુખ સાનિયા નિશ્તરે પણ ટ્વીટ કરીને જણાવ્યું કે અત્યાર સુધી એક કરોડથી વધુ પરિવારોને 121 અબજ પાકિસ્તાની રૂપિયાની રોકડ મદદ કરાઈ ચૂકી છે.

અમદાવાદમાં ખાનગી તબીબોની ભલામણથી ટેસ્ટ કરાવી શકાશે

ગુજરાતમાં હવેથી ખાનગી તબીબોની ભલામણથી કોરોના વાઇરસનું પરીક્ષણ કરાવી શકાશે.

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે એમડી અને ઉપરની ડીગ્રી ધરાવતા તબીબોની ભલામણથી કોરોના ટેસ્ટ કરાવી શકાશે.

તેમણે કહ્યું, "અમદાવાદમાં 1400 જેટલા એમડી કે અન્ય ડૉક્ટરોની ભલામણની આધારે દરદીને ખાનગી લૅબમાં પરીક્ષણ માટે મોકલી શકાશે."

કોરોના વાઇરસના દરદીનું ઝડપથી પરીક્ષણ કરી શકાય અને સારવાર આપી શકાય તે માટે પગલું ભરવામાં આવ્યું હોવાનું નાયબ મુખ્ય મંત્રીએ જણાવ્યું છે.

કોરોના વાઇરસના દરદીઓ પાસેથી સારવાર માટે નક્કી કરાયેલી ફી કરતાં વધારે રકમ વસુલનારી ખાનગી હૉસ્પિટલોને બંધ કરી દેવા સુધીની રાજ્ય સરકાર પાસે સત્તા હોવાનું પણ તેમણે જણાવ્યું.

તેમણે કહ્યું, "વધારે ચાર્જ વસૂલનારી ખાનગી હૉસ્પિટલનો વિરુદ્ધ પગલાં લેવામાં આવશે અને તેને સીલ કરવા કે કાયમી બંધ કરવા કે તેનો કબજો લઈ લેવા સુધીની સત્તા રાજ્ય સરકાર પાસે છે."

આ ઉપરાંત ગુજરાતમાં લૉકડાઉનને લંબાવવા કે તેમાં ફેરફાર કરવા માટે રાજ્ય સરકાર કોઈ વિચારણા ન કરી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું.

નોંધનીય છે કે સોશિયલ મીડિયા અને ગૂગલ સર્ચમાં 15 જૂનથી ફરીથી લૉકડાઉન લાગુ થવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.

15 જૂનથી શું ફરી લૉકડાઉન લાગુ કરવામાં આવશે?

લૉકડાઉન ખતમ થયા પછી ગુજરાતમાં તો અનલૉક-1 કેન્દ્ર સરકારના નિર્દેશો મુજબ લાગુ કરી દેવામાં આવ્યું પરંતુ મહારાષ્ટ્રમાં હજી પરિસ્થિતિ ગંભીર હોવાને કારણે અનલૉક-1ની બધી ઢીલ આપવામાં આવી નથી.

એ સિવાય હાલમાં જ રાજસ્થાન સરકારે આંતરરાજ્ય સડક પરિવહન પર નિયંત્રણ વધાર્યું છે અને કહ્યું છે કે કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે, જેને જોતાં સાત દિવસ માટે આંતરરાજ્ય સડક પરિવહન પર નિયંત્રણ મૂકવામાં આવશે.

જુઓ વીડિયોમાં અહેવાલ વિસ્તારથી...

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણનો દૈનિક આંક ફરી વિક્રમી સ્તરે

ઇમેજ સ્રોત, Getty Images

પાછલા 24 કલાકમાં કોવિડ-19ના સંક્રમણના કેસમાં ફરી રેકર્ડ ઉછાળો જોવા મળ્યો છે. પાછલા 24 કલાકમાં દેશમાં સંક્રમણના કુલ 9,996 કેસ નોંધાયા.

જે અત્યાર સુધીમાં 24 કલાકમાં નોંધાયલા સંક્રમણના કેસોની સૌથી વધુ સંખ્યા છે.

પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણથી દેશમાં 357 લોકોએ જીવ ગુમાવ્યા.આ સાથે દેશમાં કુલ મરણાંક 8102 થઇ ગયો છે.

કેન્દ્રના સ્વાસ્થ્યમંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં હાલ ઍક્ટિવ કેસોની સંખ્યા એક લાખ 37 હજાર 448 છે, તો સારવાર બાદ સ્વસ્થ થઈ ગયેલા દર્દીઓની સંખ્યા એક લાખ 41 હજાર 028 થઈ છે.

એટલે કે હવે ઍક્ટિવ કેસ કરતાં સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધુ હોય એવા દિવસોમાં વધારો થઈ રહ્યો છે.

દેશમાં કોવિડ-19ના અત્યાર સુધી નોંધાયેલા સંક્રમણના કુલ કેસોની સંખ્યા બે લાખ 86 હજાર 579 પર પહોંચી છે. ભારત વિશ્વના સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં પાંચમા નંબર પર યથાવત્ છે.

અમદાવાદમાં કોરોના વાઇરસના કારણે વધારે મૃત્યુ શા માટે થઈ રહ્યા છે?

ગુજરાતની 'આર્થિક રાજધાની' તરીકે ઓળખાતા અમદાવાદમાં કોરોનાને કારણે સ્થિતિ ભયાનક બની છે અને તે રાજ્યનું 'કોરોના કૅપિટલ' પણ બની ગયું છે.

રાજ્ય સરકારનું કહેવું છે કે કોરોનાની સ્થિતિને 'આંકડાકીય રીતે જોઈ ન શકાય તથા અલગ-અલગ પરિબળો તેને અસર કરતાં હોય છે.

ગુજરાતમાં કોરોનાને કારણે 1200થી વધુ મૃત્યુ થયાં છે, જેમાંથી એકલા અમદાવાદમાં 1,000 થી વધુ મૃત્યુ થયાં છે.

અર્થાત્ આખા રાજ્યમાં થયેલાં દર પાંચ મૃત્યુમાંથી ચાર અમદાવાદમાં થયાં છે. અમદાવાદની સિવિલ હૉસ્પિટલ દેશની સૌથી જૂની જાહેર હૉસ્પિટલોમાંની એક છે, 1871માં બની હતી.

દર વર્ષે અહીં લગભગ સાડા છ લાખ દરદીઓને ટ્રિટમૅન્ટ આપવામાં આવે છે અને 70 હજારથી વધુ સર્જરી કરવામાં આવે છે. જોકે, કોવિડ-19 બીમારીને પહોંચી વળવા માટે આ હૉસ્પિટલ તૈયાર ન હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 11 વાગ્યે ઉદ્યોગજગતને સંબોધિત કરશે

ઇમેજ સ્રોત, PUNIT PARANJPE/AFP VIA GETTY IMAGES

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઇન્ડિયન ચેમ્બર ઑફ કૉમર્સના 95મા વાર્ષિક સત્રના ઉદ્ઘાટનસત્રને વીડિયો કૉન્ફરન્સિંગથી સંબોધશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન સવારે 11 વાગ્યે શરૂ થશે. ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ 95 વર્ષ પૂર્ણ કરે છે, એ પ્રસંગે આ વાર્ષિક સત્રનું આયોજન કરાયું છે.

આ પહેલાં પીએમ નરેન્દ્ર મોદી બીજી જૂને કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીની વાર્ષિક સામાન્ય સભામાં વીડિયો કૉન્ફરન્સિંગથી ઉપસ્થિત રહ્યા હતા.

શું ચીનમાં ગત વર્ષે ઑગસ્ટ માસથી જ વાઇરસ ફેલાવા લાગ્યો હતો?

આપણે બધા જ જાણીએ છીએ કે હાલ વિશ્વભરમાં આતંકનો પર્યાય બની ચૂકેલ કોરોના વાઇરસના પહેલવહેલા કેસો ચીનના વુહાન ખાતે ગત વર્ષે ડિસેમ્બર માસમાં મળી આવ્યા હતા. પરંતુ હવે હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા કરાયેલા એક સંશોધનમાં એવો દાવો કરાયો છે કે ખરેખર તો ચીનમાં આ વાઇરસની શરૂઆત ઑગસ્ટ મહિનાથી જ થઈ ગઈ હતી.

જોકે, ચીને આ દાવાને હાસ્યાસ્પદ ગણાવ્યો છે.

શું અનુકૂળ સમયે આ વાઇરસની ઉત્પત્તિની વાત સામે આવી ગઈ હોત તો શું વિશ્વભરમાં આતંક ફેલાવી રહેલા આ વાઇરસની આગેકૂચ સમયસર અટકાવી શકાઈ હોત?

આ વીડિયોમાં અમે તમારા આવા જ કેટલાક પ્રશ્નોનો જવાબ આપીશું.

કોરોનાના સંક્રમણ વચ્ચે ટ્રમ્પ યોજશે ચૂંટણીરેલી

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે ટ્રમ્પની ચૂંટણીરેલીની જાહેરાત

એક તરફ યુએસમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા વધતી જઈ રહી છે અને બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ચૂંટણીપ્રચાર માટે રેલી યોજશે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઓછામાં ઓછાં ચાર રાજ્યોમાં રેલી કરશે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસના સંક્રમણને પગલે છેલ્લા ત્રણ મહિના દરમિયાન રેલીઓ સ્થગિત કરાઈ હતી.

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે તેઓ રેલી શરૂઆત ઓકાહોમા, ફ્લોરિડા, એરિઝોના અને ઉત્તર કૅરોલીનાથી કરશે.

11 મે 2020, ગુરુવાર

નમસ્કાર. કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત સહિત દેશ-દુનિયાની ખબરો તમે અહીં મેળવી શકશો.

ગુજરાતમાં દરદીઓનો આંક 20 હજારને પાર

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 510 નવા દરદીઓ નોંધાયા છે. જ્યારે વધુ 34 લોકોનાં મૃત્યુ થયાં છે.

આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગ દ્વારા અપાયેલી જાણકારી અનુસાર જે નવા કેસો નોંધાયા તેમાં અમદાવાદમાં સૌથી વધુ 343, સુરતમાં 73, વડોદરામાં 35 કેસો નોંધાયા છે.

આ સાથે જ રાજ્યમાં કોરોના વાઇરસના કુલ દરદીઓનો આંક 20207 થઈ ગયો છે. જ્યારે કુલ મૃતાંક 1347 પર પહોંચી ગયો છે.

આ દરમિયાન રાજ્યમાં કુલ 14743 દરદીઓ સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે.

કોવિડ-19 જાય કે ના જાય, પાકિસ્તાન બન્યો લૉકડાઉન-ફ્રી દેશ

ઇમેજ સ્રોત, EPA

પાકિસ્તાનમાં કોવિડ-19ના મામલા રૅકર્ડસ્તરે પહોંચી ગયા છે અને અહીં ભારે ઝડપથી મહામારી ફેલાઈ રહી છે. ત્યારે અહીં લૉકડાઉનના પ્રતિબંધોની સામે આઝાદી પણ ઝડપથી અપાઈ રહી છે.

પાકિસ્તાન સરકાર સતત એ દર્શાવવા પ્રયાસ કરી રહી છે કે મહામારીને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સંબંધિત દિશાનિર્દેશોનું બજારોમાં અને શહેરોમાં કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. જોકે, આની વાસ્તવિકતા કંઈક અલગ જ છે.

લોકો વચ્ચે યોગ્ય અંતર જળવાઈ રહે એ માટે સુપરમાર્કેટ અને દવાની દુકાનોની બહાર ખેંચવામાં આવેલી લાઇનો માટો ભાગે ભૂંસાઈ ગઈ છે અને દુકાનોની અંદર વધારે ભીડ ના થાય એનું ધ્યાન રાખવા માટે તહેનાત કરાયેલા સિક્યૉરિટી ગાર્ડ પણ મોટા ભાગની જગ્યાઓથી જતા રહ્યા છે.

આ બધા વચ્ચે પાકિસ્તાનમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા બુધવારે વધીને એક લાખ 13 હજારને પાર પહોંચી ગઈ છે.

સ્વાસ્થ્ય વિભાગના અનુસાર ચેપના સૌથી વધુ મામલા પંજાબ અને સિંધ પ્રાંતમાં નોંધાયા છે.

એવું પણ જણાવાઈ રહ્યું છે કે પાકિસ્તાનમાં કોવિડ-19થી અત્યાર સુધી 2255 લોકો માર્યા ગયા છે અને ગત 24 કલાકમાં 83 નવા દરદીઓ નોંધાયા છે.

આ સ્થિતિને જોતાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પાકિસ્તાન સરકારને ચેતવણી પણ આપી છે કે 'દેશમાં મહામારી ચરમ પર પહોંચે એ પહેલાં જ લૉકડાઉન ખોલી દેવાયું છે, જે ઘાતક સાબિત થઈ શકે છે.'

આ મામલે પાકિસ્તાનની પ્રતિક્રિયા અત્યંત ચોંકાવનારી છે. પંજાબ પ્રાંતનાં સ્વાસ્થ્ય મંત્રી યાસમીન રાશિદે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું, "વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને જે કહેવું હોય એ કહે પણ આપણે આપણી પરિસ્થિતિઓને જોતાં આગળ વધવું પડશે."

પાર્લે-જી બિસ્કિટનું રૅકર્ડ વેચાણ

ભારતમાં લૉકડાઉન દરમિયાન પાર્લે-જી બિસ્કિટનું રૅકર્ડ વેચાણ નોંધાયું છે.

કોરોના સંક્રમણને કારણે દેશમાં માર્ચ મહિનામાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.

પાર્લે-જી પ્રૉડક્ટ્સે માર્ચથી લઈને અત્યાર સુધી બિસ્કિટના વેચાણમાં મોટો ઉછાળો નોંધ્યો છે.

પાર્લે-જીના કૅટેગરી હેડ મયંક શાહે સ્થાનિક મીડિયાને કહ્યું, 'કમ્પનીના ગ્રૉથમાં અસાધારણ ઉછાળો જોવા મળ્યો છે જેના પરિણામ સ્વરૂપે લૉકડાઉન દરમિયાન પાર્લે-જીના માર્કેટ શૅરમાં 4.5 ટકાથી પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે."

"30થી 40 વર્ષમાં, અમે આ પ્રકારનો ઉછાળો જોયો નથી."

'ઇકૉનોમિક ટાઇમ્સ' અખબારને તેમણે કહ્યું કે પાર્લે-જી સામાન્ય માણસના બિસ્કિટ છે, જે લોકો બ્રેડ નથી ખરીદી શકતા, તે લોકો પાર્લે-જી ખરીદે છે.

પાર્લે-જી ભારતની પ્રખ્યાત બ્રાન્ડ છે જેની સ્થાપના 1929માં થઈ હતી અને આ બિસ્કિટ ખૂબ પ્રખ્યાત છે. ત્યારે આ વીડિયોમાં પાર્લેજી વિશે જાણો અમુક રસપ્રદ વાતો.

'મહામારી હજુ ખતમ નથી થઈ'

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકામાં કોરોના વાઇસના નિષ્ણાત અને વ્હાઇટ હાઉસના સલાહકાર ડૉક્ટર ઍન્થની ફાઉચીએ ચેતવણી આપી છે કે હજી મહામારીનો અંત આવ્યો નથી.

મંગળવારે પત્રકારપરિષદમાં તેમણે કહ્યું કે આ ભયંકર દુ:સ્વપ્ન જેવું છે.

તેમણે કહ્યું કે "ચાર મહિનાના સમયમાં આ મહામારીએ દુનિયાને વેરાન કરી નાખી છે. દુનિયામાં લાખો લોકો ચેપગ્રસ્ત થયા છે. અને બહુ ટૂંકા સમયગાળામાં આ મહામારી વધારે ને વધારે ગંભીર બની છે."

ફાઉચીએ કહ્યું કે વાઇરસની સંક્રમકતા અને ચેપગ્રસ્ત લોકોની દુનિયામાં અવરજવરને કારણે આ વાઇરસ આટલી ઝડપથી ફેલાયો છે.

જોકે, તેમણે કહ્યું કે તેમને ભરોસો છે કે મહામારીની વૅક્સિન શોધી લેવામાં આવશે.

જૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે દુનિયામાં કોરોના સંક્રમણના 70 લાખ કેસની પુષ્ટિ થઈ છે અને ચાર લાખથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે.

ગુજરાત-રાજસ્થાનની સરહદ સીલ કરાઈ

ઇમેજ સ્રોત, Daxesh Shah

ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની સરહદને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

રાજસ્થાન પોલીસના એક આદેશ અનુસાર આંતરરાજ્ય માર્ગ પર ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની અવરજવર પર નિયંત્રણ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગોધરાના સ્થાનિક પત્રકાર દક્ષેશ શાહ સાથેની વાતચીતમાં ડીવાયએસપી કે. પી. જાદવે કહ્યું કે દાહોદ જિલ્લામાં રાજસ્થાનની સરહદ તરફ જવાના છ રસ્તા છે. આ છ પોલીસ ચેકપોસ્ટને બંધ કરી દેવાઈ છે.

રાજસ્થાન પોલીસે એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ વધતાં આંતરરાજ્ય અવરજવરને ત્વરિત પ્રભાવથી નિયંત્રિત કરવામાં આવે.

આ પરિપત્રમાં રાજસ્થાન સરકારે કહ્યું છે કે પરવાનગીપત્ર વગર અન્ય રાજ્યમાંથી પ્રવેશ નહીં આપવામાં આવે.

એ સિવાય રાજસ્થાનમાંથી અન્ય રાજ્યમાં જવા માટે પણ પાસ હોવો જરૂરી રહેશે.

રાજસ્થાનમાં પોલીસ (કાયદો-વ્યવસ્થા) મહાનિદેશક એમ. એલ. લાઠર મુજબ આ વ્યવસ્થા પ્રારંભિક રૂપે સાત દિવસ માટે લાગુ કરવામાં આવશે.

મેં એવું કર્યું, જે લૉકડાઉન પહેલાં ક્યારેય નહોતું કર્યું?

લૉકડાઉનમાં તમારી સાથે ઘણુંબધું એવું થયું હશે જે તમે કોઈને જણાવી નહીં શકતા હોવ. બીબીસીએ કેટલાંક અઠવાડિયાં પહેલાં લોકોને તેમના અનુભવો મોકલવાનું કહ્યું હતું.

ઘરમાં બંધ રહેવાને કારણે આપણે બધાને ઘણુંબધું છોડવું પડ્યું. તમારાં કેટલાંક ગિલ્ટ સિક્રેટ પણ હશે જેને તમે કોઈ સાથે શૅર કરવા માગતાં હશો અને તમારામાંથી કેટલાકે નિયમો તોડ્યા હશે. તો કેટલાકે પોતાના માટે નવા નિયમો પણ બનાવ્યા હશે.

અમે તમારી સમક્ષ વાચકોની કહાણી મૂકીએ છીએ- અમે તેમની ઓળખ છુપાવી છે.

મુંબઈમાં વુહાનથી વધારે કેસ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતની આર્થિક રાજધાની તરીકે ગણાતી મુંબઈ નગરીમાં કોવિડ-19ના 51 હજાર જેટલા કેસ નોંધાયા છે.

હવે અહીં વુહાન જ્યાં સૌથી પહેલાં કોરોના વાઇરસના દર્દીઓ મળ્યા હતા, ત્યાં કરતાં પણ વધારે દર્દીઓ છે.

કોરોના વાઇરસના સંક્રમણના ભારતમાં કુલ બે લાખ 76 હજાર કરતાં વધારે કેસ છે જેમાંથી 90 હજાર જેટલા કેસ મહારાષ્ટ્રમાં છે.

ત્યારે દિલ્હીમાં પણ કોરોના સંક્રમણના કેસ વધ્યા છે. દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે જો એક વ્યક્તિને ચેપ લાગે તો તેને સાજા થતાં બે અઠવાડિયાંનો સમય લાગે છે અને આ દરમિયાન તે બેથી દસ લોકોમાં ચેપ ફેલાવી શકે છે.

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ તેમણે કહ્યું કે હાલની પરિસ્થિતિને જોતાં આવનારા 12-15 દિવસોમાં દિલ્હીમાં વધારાના 30 હજાર જેટલા કેસ હોઈ શકે છે.

ભારતના આરોગ્યમંત્રાલય મુજબ દિલ્હીમાં કોરોનાના સંક્રમણના હાલ 31, 309 કેસ છે.

શું હવે સંક્રમણ ઝડપથી ફેલાશે?

ભારતમાં બે મહિનાથી વધારે લૉકડાઉન પછી અનલૉક-1 લાગુ કરી દેવાયું છે.

આઠ જૂનથી રેસ્ટોરાં, મૉલ, ધાર્મિક સ્થળો અને ઑફિસો વગેરે પણ ખોલી દેવામાં આવ્યા છે પરંતુ અનલૉક-1 થયા પછી દેશમાં સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે.

જોકે આર્થિક ગતિવિધિનો વેગ આપવા માટે અનલૉક જરૂર હતું એવું નિષ્ણાતો માની રહ્યા છે.

લોકોની અવરજવર વધતા શું કોરોના સંક્રમણ આવનારા મહિનાઓમાં વધારે ઝડપથી ફેલાશે? જુઓ આ વીડિયોમાં.

મઝાર-એ-શરીફમાં હજારથી વધુ પક્ષીઓનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images

લૉકડાઉનમાં ચણવા માટે દાણા નહીં મળવાથી અફઘાનિસ્તાનની મઝાર-એ-શરીફમાં એક હજારથી વધારે સફેદ કબૂતરોનાં મૃત્યુ થયાં છે.

કોરોના વાઇરસના સંક્રમણને પગલે લાગુ કરાયેલા લૉકડાઉનમાં મસ્જિદ લાંબા સમય સુધી બંધ રહી, જેને કારણે આ પક્ષીઓને ચણવા માટે દાણા નહોતા મળ્યા.

12મી સદીની આ મસ્જિદ 'નીલી મસ્જિદ'ના નામે પણ ઓળખાય છે કારણકે આના પથ્થર વાદળી રંગના છે.

મસ્જિદના રખેવાળ કયૂમ અંસારીએ સમાચાર એજન્સી એએફપીને કહ્યું કે કબૂતરને ચણ નાખવા દેવામાં નહોતું આવતું એટલે કબૂતરો સતત મરી રહ્યાં હતાં.

તેમણે કહ્યું કે "દરરોજ લગભગ 30થી વધારે (કબૂતર) મરી રહ્યા હતા. અમે આ મસ્જિદમાં જ તેમને દફનાવી દેતા હતા."

દેશમાં લૉકડાઉન દરમિયાન બંધ પડેલાં ધાર્મિક સ્થળોમાંથી એક આ મસ્જિદ પણ હતી.

અફઘાનિસ્તાનમાં કોરોના વાઇરસ સંક્રમિતોની સંખ્યા 21 હજારથી વધારે છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ આંકડો અસલમાં ઘણો વધારે હોઈ શકે છે.

10 મે 2020, બુધવાર

નમસ્કાર. કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત સહિત દેશ-દુનિયાની ખબરો તમે અહીં મેળવી શકશો.

કોરોના વાઇરસ ગામડામાં પરપ્રાંતીય મજૂરોના કારણે ફેલાયો?

31 મેના રોજ પૂરા થતાં લૉકડાઉનના ચોથા તબક્કા બાદ શરૂ પહેલી જૂનથી સમગ્ર દેશમાં અનલૉક-1 લાગુ કરી દેવાયું.

અનલૉક-1 હેઠળ અનેક વ્યાવસાયિક પ્રવૃત્તિઓ માટે રાહતની મર્યાદા વધારી દેવાઈ છે, સરકારે સમગ્ર દેશના અર્થતંત્રને ફરી પાટે લાવવાની દિશામાં પગલાં ભર્યાં હોવાનું મનાતું હતું.

તે સમયે જ સરકાર દ્વારા જારી કરાયેલાં સૂચનોમાં 8મી જૂનથી વધુ વિસ્તૃત છૂટછાટો આપવાની વાત પણ કરાઈ હતી. હવે તાજેતરમાં જ સરકારે એક ખાસ આદેશ થકી કેટલાંક માર્ગદર્શનો સાથે મૉલ, મંદિર અને રેસ્ટોરાં ફરી શરૂ કરવાના આદેશો આપી દીધા છે.

પરપ્રાંતીય મજૂરો પરત ફર્યા બાદ ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જ્યારે બીજી તરફ કોરોના વાઇરસનો ચેપ ગામડાઓમાં પહોંચી ગયો છે. ત્યારે પરપ્રાંતીય મજૂરોના સ્વાસ્થય અંગે ભારત સરકારે કરેલાં દાવાઓની સત્યતા આ વીડિયોમાં ચકાસવામાં આવી છે.

ગુજરાતમાં 470 નવા કેસ સાથે મરણાંક 1300ને પાર

ઇમેજ સ્રોત, ANI

ગુજરાતમાં મંગળવારે કોરોના નવા 470 કેસ સામે આવ્યા છે અને બે ખાનગી હૉસ્પિટલોને 10 લાખનો દંડ કરવામાં આવ્યો છે.

આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગની અખબારી યાદી મુજબ મંગળવારે 470 નવા કેસ સામે આવ્યા છે અને 409 લોકો સાજા થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 લોકોનાં મૃત્યુ થયાં છે જેમાં અમદાવાદમાં 27 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ ઉપરાંત સુરતમાં 2, મહેસાણા, અરવલ્લી, અમરેલી અને પંચમહાલમાં 1-1- દરદીનાં મૃત્યુ થયાં છે.

આમ રાજ્યમાં મરણાંક 1313 થઈ ગયો છે.

મંગળવારે જે 470 કેસ સામે આવ્યા છે તેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં 331, સુરતમાં 62 અને વડોદરામાં 32 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં કુલ 5358 ઍક્ટિવ કેસ છે જે પૈકી 64 વૅન્ટિલેટર પર છે અને 5299 સ્ટેબલ છે.

કોરોના વાઇરસે કે ગુજરાતના સરકારી તંત્ર કોણે આ પરિવારને તબાહ કરી નાખ્યો?

અમદાવાદમાં રહેતા અને વકીલ એવા ઉમેશ તમાયચી કોરોના વાઇરસ સામેનો પોતાનો લાંબો જંગ હારી ગયા.

12 મેના રોજ તેમનો કોરોનાનો રિપોર્ટ આવ્યો અને તેમને ખબર પડી કે તેઓ પૉઝિટિવ છે. તેના એક દિવસ અગાઉ 11મી મેના રોજ સોમવારે સાંજે અચાનક જ તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડી હતી.

તેમનાં પત્ની શેફાલી તમાયચી તેમને લઈને નરોડા વિસ્તારની આનંદ સર્જિકલ પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈને ગયા.

આ હૉસ્પિટલ આ વિસ્તારની સૌથી મોટી હૉસ્પિટલ ગણાય છે અને થોડા દિવસો અગાઉ જ શેફાલીએ છાપામાં વાંચ્યુ હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને આ હૉસ્પિટલને કોવિડ-19ના દર્દીઓ માટે હસ્તગત કરેલી છે.

જોકે આ હૉસ્પિટલે દર્દીની સારવાર કરવાની ના પાડી દીધી. આતો એક સમસ્યાનો સામનો તેમને કરવો પડ્યો જાણો બીજી કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો તેમને કરવો પડે છે.

અમદાવાદમાં બે ખાનગી હૉસ્પિટલોને 5-5 લાખ રૂપિયાનો દંડ

અમદાવાદના પાલડી વિસ્તારની બૉડીલાઇન હૉસ્પિટલ અને આંબાવાડી વિસ્તારમાં આવેલી અર્થમ હૉસ્પિટલને કોવિડ-19 દરદીઓની સારવાર મામલે અલગ અલગ કારણોને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ દંડ ફટકારાયો છે.

પાલડી વિસ્તારની બૉડીલાઇન હૉસ્પિટલ તરફથી એએમસી દ્વારા રિફર કરેલ દર્દી પાસે તપાસના 4500/- રૂપિયાની માંગણી નિયમ વિરુદ્ધ કરવામાં આવી હતી કારણ કે અમદાવાદમાં ઍપિડેમિક ઍક્ટમાં જાહેર કરાયા મુજબ એએમસીએ ખાનગી હૉસ્પિટલોને રિફર કરેલા દરદી પાસેથી કોઈ ચાર્જ વસૂલવાનો હોતો નથી.

આંબાવાડી વિસ્તારની અર્થમ હોસ્પિટલે કાયદા હેઠળ 50 ટકા બેડ કોવિડ-19ના દર્દીઓ માટે અનામત રાખવાની થતી હોવા છતાં દરદીને દાખલ કરવાની ના પાડી હતી.

બંને મામલાની તપાસ આઈએએસ અધિકારી ડૉ.મનિષ કુમારને સોંપવામાં આવી હતી. તપાસમાં બંને હૉસ્પિટલો કસૂરવાર પૂરવાર તેમને 5-5 લાખ રુપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

હૉસ્પિટલને દંડ ભરવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

ફટકારી દંડની રમક સાત દિવસમાં જમા કરવા અને ભૂલનું પુનરાવર્તન જો થાય તો ભવિષ્યમાં વધુ કાર્યવાહીની પણ ચેતવણીપૂર્વક તાકીદ કરવામાં આવી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નૅગેટિવ

ઇમેજ સ્રોત, Getty Images

સમાચાર એજન્સી એએનઆઇની મુજબ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોવિડ-19 ટેસ્ટ નૅગેટિવ આવ્યો છે.

આજે સવારે કોવિડ-19 પરીક્ષણ માટે અરવિંદ કેજરીવાલનો નમૂનો લેવામાં આવ્યો હતો.

51 વર્ષીય અરવિંદ કેજરીવાલે રવિવારે તાવ અને ગળામાં ઠીક ન હોવાનું જણાવ્યું હતું અને તમામ મિટિંગો રદ કરી નાંખી હતી.

સોમવારે પણ તેમણે કોઈ મિટિંગમાં હાજરી આપી ન હતી અને મંગળવારની મહત્ત્વની દિલ્હી ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટીની બેઠકની કમાન પણ તેમણે નાયબ મુખ્ય મંત્રી મનિષ સિસોદિયાને સોંપી દીધી હતી.

અરવિંદ કેજરીવાલે લક્ષણો બાદ ક્વોરૅન્ટીન થતા પહેલાં લીધેલા. દિલ્હીની રાજ્ય સરકાર હસ્તકની હૉસ્પિટલો અને ખાનગી હૉસ્પિટલો દિલ્હીવાસીઓ માટે આરક્ષિત રાખવાના નિર્ણય પર હાલ રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે આ આદેશને રદ કર્યો છે.

આજનું કાર્ટૂન

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં સૌથી વધારે પરીક્ષણ

ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ખાસ કરીને પ્રમાણમાં નાના જિલ્લાઓમાં પણ કોરોના વાઇરસના સંક્રમણને કારણે થયેલા મૃત્યુનાં આંકડા ચિંતાજનક જોવા મળી રહ્યા છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે ઉત્તર ગુજરાતના મહેસાણા, અરવલ્લી અને પાટણ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે 7 -7 મૃત્યુ નોંધાયા છે.

તો બનાસકાંઠામાં 6 અને સાબરકાંઠામાં 4 વ્યક્તિઓના મૃત્યુ કોવિડ-19ના સંક્રમણને કારણે થયા છે.

ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓમાં હાલ મહેસાણામાં ઍક્ટિવ કેસોની સંખ્યા સૌથી વધુ 66 છે. જોકે, ત્યાં પરીક્ષણની સંખ્યા પ્રમાણમાં ઓછી જોવા મળી રહી છે.

રાજ્ય સરકારના આંકડા પ્રમાણે મહેસાણામાં અત્યાર સુધી કુલ 2052 નમૂનાઓનું પરીક્ષણ થયું છે જે અરવલ્લી કે પાટણમાં થયેલા પરીક્ષણ કરતાં પણ ઓછું છે.

અરવલ્લીમાં અત્યાર સુધી કુલ 2851 અને પાટણમાં 2716 પરીક્ષણો કરાયાં છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે પરીક્ષણની કામગીરી બનાસકાંઠામાં જોવા મળી રહી છે. જ્યાં અત્યાર સુધી 4773 નમૂનાઓનું પરીક્ષણ થયું છે.

ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં સૌથી વધુ 4713 લોકો હાલ ક્વોરૅન્ટિનમાં છે.

મહેસાણા પછી ઉત્તરગુજરાતના નાના જિલ્લાઓમાં સૌથી ઍક્ટિવ કેસો બનાસકાંઠામાં 37 છે . સાબરકાંઠામાં કેસોની સંખ્યા 29 અને પાટણમાં 26 તો અરવલ્લીમાં ઍક્ટિવ કેસોની સંખ્યા 6 છે.

સરકારી કર્મચારીઓ માટે નવા દિશા-નિર્દેશ

કેન્દ્ર સરકારના અનેક વિભાગો અને એમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓના કોરોના વાઇરસથી સંક્રમિત મળ્યા બાદ ભારત સરકારે કચેરીઓ માટે નવા દિશા-નિર્દેશો બહાર પાડ્યા છે.

જે કર્મચારીઓમાં ગળફાં, હળવી ખાંસી અથવા તાવ જેવાં લક્ષણો છે તેઓ ઘર પર જ રહેવાનો નિયમ.

કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા કર્મચારી જ્યાં સુધી તેમનો વિસ્તાર કન્ટેઇનમેન્ટ ઝોનની શ્રેણીમાંથી હઠાવી ન લેવાય ત્યાં સુદી ઘરેથી જ કામ કરે.

એક દિવસમાં 20થી વધુ કર્મચારી કે અધિકારી કચેરીમાં હાજર ન રહે. આ જ પ્રમાણે કર્મચારીઓનું રોસ્ટર બને, અન્ય કર્મચારી ઘરેથી જ કામ કરે.

સહાયક સચિવ અને ઉપ સચિવ સ્તરના જે અધિકારી એક જ કૅબિનમાં બેસે છે, એની જગ્યા વહેંચે છે એમણે આગળ પાછળના દિવસોમાં કચેરીએ આવવાનું રહેશે. એટલે કેસ એક દિવસે એક અધિકારી અને બીજા દિવસે બીજા અધિકારી ઑફિસ આવે.

ઑફિસના પરિસરમાં દરેક સમયે માસ્ક અને ફેસશીલ્ડ પહેરવું અનિવાર્ય છે. જે કર્મચારી માસ્ક અને ફેસશીલ્ડ નહીં પહેરે તેમની વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરાશે.

હાલ સાથે બેસી મિટિંગો, ચર્ચાઓ કે વાતચીત કરવાની જગ્યાએ મહત્તમ કામ ઇન્ટરકોમ અથવા વીડિયો કૉલ પર થાય.

કચેરીઓમાં કર્મચારી એકબીજાથી ઓછામાં ઓછું એક મિટરનું અંતર રાખીને બેસે.

સંક્રમણ અટકાવવા માટે દિવસમાં અનેકવાર હાથ ધોવાની ટેવ રાખે, કચેરીઓમાં મુખ્ય જગ્યા ઉપર સૅનિટાઇઝર મૂકવામાં આવે.

લિફ્ટના બટન, કચેરીઓમાં વીજળીની સ્વિચ, ACના રિમોટ, કમ્પ્યુટરના કી-બૉર્ડ, માઉસ વગેરે છે તેમને દર કલાકે સૅનિટાઇઝ કરવામાં આવે. કર્મચારીઓને આમ કરવા માટે જરૂરી સામાન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોના પૉઝિટિવ

ઇમેજ સ્રોત, Twitter/@JM_Scindia

કૉંગ્રેસમાંથી ભાજપમા જનાર જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના મા માધવી રાજે સિંધિયાની તબિયત ખરાબ થતાં સાકેત સ્થિત મેક્સ હૉસ્પિટલમાં દાખલ કરાયાં છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ ગળામાં તકલીફ થતાં અને તાવ આવતા તેમને સોમવારે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બેઉનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને વરિષ્ઠ કૉંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે તેમના જલદી સાજા થવાની કામના કરી છે.

WHOએ કહ્યું, અસિમ્પ્ટોમેટિક દરદીઓથી સંક્રમણની સંભાવના નહિવત્

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક મહત્વનું અવલોકન જાહેર કરતા કહ્યું છે કે કોરોના વાઇરસના લક્ષણો ન ધરાવતા લોકો દ્વારા કોરોના વાઇરસનું ફેલાવો સામાન્ય રીતે થતો નથી અને આવું જવલ્લે જોવા મળ્યું છે.

સમાચાર એજન્સી એએનઆઈએ WHOના આ અવલોકનને ટાંક્યું છે.

અમેરિકાની જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના 9 જૂન બપોરે 2 વાગ્યાના આંકડા પ્રમાણે વિશ્વભરમાં આ મહામારીના કુલ સંક્રમિતોની સંખ્યા 71 લાખ 31 હજાર 261 થઈ ગઈ છે, તો આ મહામારીએ અત્યાર સુધી વિશ્વભરમાં 4 લાખ 6 હજાર 807 લોકોનો જીવ લીધો છે.

કુલ દર્દીઓની સંખ્યા અને આ મહામારીથી મૃત્યુના મામલામાં અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે અમેરિકામાં કોવિડ-19ના કુલ દર્દીઓની સંખ્યા 19 લાખ 61 હજાર 185 પર પહોંચી છે જ્યારે મૃત્યુ આંક 1 લાખ 11 હજારને પાર થઈ ગયો છે.

સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં બ્રાઝિલ 7 લાખ 7 હજાર 412 કુલ દર્દીઓ સાથે બીજા ક્રમ છે. તો 4 લાખ 84 હજાર 630 દર્દીઓ સાથે રશિયા ત્રીજા નંબરે અને 2 લાખ 88 હજાર 834 દર્દીઓ સાથે યૂકે ચોથા નંબરે છે.

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીની આ યાદીમાં ભારત 2 લાખ 67 હજાર 249 દર્દીઓ સાથે વિશ્વનો પાંચમા ક્રમનો સૌથી અસરગ્રસ્ત દેશ છે.

કોરોના મહામારીની સ્થિતિ વધુ વણસી રહી છે - WHOની ચેતવણી

કોરોના વાઇરસના સંક્રમણથી દુનિયાભરમાં અત્યાર સુધી 70 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે અને આ મહામારી ને કારણે 4 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. ત્યારે હવે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યું છે કે મહામારીની સ્થિતિ વધુ વણસી રહી છે

WHOના પ્રમુખ ટેડ્રોસ એદેનહોમ ગૅબ્રેયાસિસે કહ્યું કે આ મહામારીમાં છ મહિનાથી પણ વધુ સમય રહ્યા પછી હવે કોઈ પણ દેશ રાહતનો શ્વાસ લઈ શકતો નથી.

સોમવારે કોરોના વાઇરસ પરની પત્રકારપરિષદમાં તેમણે કહ્યું કે 1 લાખથી વધુ કેસો પાછલા 10 દિવસમાં જ નોંધાયા છે અને રવિવારે સામે આવેલા 75% મામલાઓ ફક્ત 10 દેશોમાં છે જેમાં અમેરિકા અને દક્ષિણ એશિયા સામેલ છે.

ટેડ્રોસે એમ પણ કહ્યું WHOને અનેક દેશોમાંથી આવેલા સકારાત્મક સંકેતોને કારણે પ્રોત્સાહન પણ મળ્યું છે.

તેમણે ઉમેર્યું સંશોધનોમાંથી મળેલાં પરિણામોમાં જોવાયું છે કે વિશ્વમાં હજી પણ મોટા ભાગના લોકો પર જોખમ તોળાઈ રહ્યું છે.

વીડિયો કૅપ્શન,

કોરોના વાઇરસ જિનોમ : બ્રિટનમાં ચાલી રહેલું સૌથી મોટું સંશોધન શું છે?

શ્રમિકોને 15 દિવસમાં વતન પહોંચાડવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રવાસી શ્રમિકોના મામલે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ વતન જવા માગતા પ્રવાસી શ્રમિકોની ઓળખ કરી તેમને 15 દિવસની અંદર વતન પહોંચાડવાની વ્યવસ્થા કરે.

આ માટે શ્રમિક ટ્રેનોની જરુર પડે તો તેને 24 કલાકમાં ઉપલબ્ધ કરાવવા પણ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે પ્રવાસી શ્રમિકોને મદદ માટે તમામ યોજનાનો લાભ આપવામાં આવે અને આ માહિતી તેમના સુધી પહોંચાડવા મોટા પાયે જાહેરાત કરવામાં આવે.

જસ્ટિસ અશોક ભૂષણે નિર્દેશ આપ્યો કે કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને આયોજનબદ્ધ રીતે પ્રવાસી શ્રમિકોની યાદી તૈયાર કરે.

મહત્ત્વનું છે કે દેશવ્યાપી લૉકડાઉને કારણે કામના સ્થળેથી વતન જવા માટે નિસહાય બનેલા પ્રવાસી શ્રમિકોના મામલે સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું હતું.

આજે જસ્ટિસ અશોક ભૂષણના વડપણ વાળી ત્રણ સભ્યોની પીઠે આ મામલે તેમનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો કે પ્રવાસી શ્રમિકો માટે રોજગારીની રાહતનું આકલન કરવામાં આવે અને તેમની આવડત અને ક્ષમતાનું આકલન કરી તેમને રોજગારી ઉપલબ્ધ કરાવવા હેતુ મદદ પહોંચાડવામાં આવે.

અમદાવાદની ભયાનક સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતનાની 'આર્થિક રાજધાની' તરીકે ઓળખાતા અમદાવાદમાં કોરોનાને કારણે સ્થિતિ ભયાનક બની છે અને તે રાજ્યનું 'કોરોના કૅપિટલ' પણ બની ગયું છે.

દેશમાં કોરોનાને કારણે થયેલાં સરેરાશ છમાંથી એક મૃત્યુ ગુજરાતમાં થયું છે, જ્યારે પૉઝિટિવ કેસોની સંખ્યા 20 હજારને પાર કરી ગઈ છે.

રાજ્ય સરકારનું કહેવું છે કે કોરોનાની સ્થિતિને 'આંકડાકીય રીતે જોઈ ન શકાય તથા અલગ-અલગ પરિબળો તેને અસર કરતાં હોય છે.' રાજ્ય સરકાર નિષ્ણાતોની પેનલના કહેવા પ્રમાણે, અમદાવાદમાં શા માટે મૃત્યુદર વધારે છે, તેનો અભ્યાસ સમય માગી લે તેમ છે.

જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, કેસોની સંખ્યાની દૃષ્ટિએ ભારત વિશ્વમાં પાંચમા ક્રમે (બે લાખ 58 હજાર 90 કેસ) તથા મૃત્યુના આંકની દૃષ્ટિએ 12મા ક્રમે (7,207 મૃત્યુ) છે.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના ડેટા મુજબ, સોમવારે સાંજે રાજ્યમાં કુલ 20097 કેસ નોંધાયેલા છે, જેમાંથી 14 હજાર 285 કેસ એકલા અમદાવાદમાં નોંધાયેલા છે, જે 71 ટકાની સરેરાશ સૂચવે છે.

ગુજરાતમાં કોરોનાને કારણે 1249 મૃત્યુ થયાં છે, જેમાંથી એકલા અમદાવાદમાં 1,015 મૃત્યુ થયાં છે. અર્થાત્ રાજ્યમાં થયેલાં દર પાંચ મૃત્યુમાંથી ચાર અમદાવાદમાં થયાં છે.

આ બધાની વચ્ચે રાહતની બાબત એ છે કે દરદી અમદાવાદમાં સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં કુલ 13 હજાર 635એ આ બીમારીમાંથી મુક્તિ મેળવી છે, જેમાંથી 9,912 અમદાવાદમાં સાજા થયા છે, જે રાજ્યની 73 ટકા સરેરાશ દર્શાવે છે.

મૃત્યુની સંખ્યાની દૃષ્ટિએ અમદાવાદ દેશમાં મુંબઈ બાદ બીજાક્રમે છે. આ સિવાય કેસની સંખ્યાની દૃષ્ટિએ દિલ્હી અને મુંબઈની સરખામણીમાં અમદાવાદમાં ઓછા કેસ જણાય છે, પરંતુ પ્રતિ 10 લાખની વસતિએ કેસ તથા મૃત્યુની બાબતમાં અમદાવાદની સ્થિતિ ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે.

દેશમાં કોરોનાના આંકડાનું સંકલન કરતી વેબસાઇટ howindialivesના અહેવાલ મુજબ, મુંબઈમાં 1638, અમદાવાદમાં 1015, દિલ્હીમાં 874, કોલકતામાં 254 તથા ચેન્નાઇમાં 221 મૃત્યુ થયાં છે.

દર નોંધાયેલા 100 કેસની સામે મૃત્યુનો દર (Case Fatality Rate) દેશના તમામ શહેરોમાં સૌથી વધુ અમદાવાદમાં છે.

કેસની સામે મૃત્યુદર અમદાવાદમાં સૌથી વધુ (સરેરાશ સાત ટકા જેટલો) છે. મુંબઈમાં 48 હજાર 744 કેસ (3.36 ટકા) આંક દર્શાવે છે. ચેન્નાઇમાં 22 હજાર 112 કેસ (એક ટકા જેટલી) સરેરાશ ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે આ સંખ્યામાં બૃહદ વિસ્તારને ધ્યાને નથી લેવાયો. જેમ કે અમદાવાદ (તથા તેની આજુબાજુની વસતિ, જે લગભગ ગાંધીનગર સુધી જોડાયેલી છે.), મુંબઈ (ઠાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોંબિવલી, ઉલ્લહાસનગર) દિલ્હીમાં (ગાઝિયાબાદ-ગુડગાંવ) વગેરે.

સરકારની તજજ્ઞ તબીબોની સમિતિના સભ્ય તથા અપોલો હૉસ્પિટલ સાથે સંકળાયેલા ડૉ. મહર્ષિ દેસાઈના કહેવા પ્રમાણે, "હાલમાં આંકડા ઉપર ધ્યાન આપવાને બદલે, જે પેશન્ટ દાખલ છે તથા ક્રિટિકલ સ્થિતિમાં છે તેમની સારવાર તથા હૅલ્થ કૅર વ્યવસ્થા ઉપર ધ્યાન આપવું જોઈએ." આ અહેવાલ વાંચવા માટે ક્લિક કરો : કોરોના વાઇરસ : અમદાવાદમાં એક હજાર દરદીનાં મૃત્યુ પાછળ કોણ જવાબદાર?

કોરોના વાઇરસ બાદની દુનિયામાં તમારે કેવી રીતે જીવવું પડશે?

કોરોનાની મહામારીને કારણે દુનિયા હવે બદલાઈ ગઈ છે, તેમાં કોઈ બેમત નથી. ભલે સાર્વજનિક જગ્યાઓની વાત હોય, શૈક્ષણિક સંસ્થાનો હોય કે કામનાં સ્થળો, કોરોનાને કારણે હવે કામ કરવાની, ભણવા-ગણવાની અને હળવા-મળવાની રીતોમાં આમૂલ પરિવર્તનો આવ્યાં છે.

હવે સમયની સાથે ઘણા દેશોએ લૉકડાઉનમાં રાહત આપવાનું શરૂ કરી દીધું છે, તેમ છતાં બધું સામાન્ય નથી થયું. આપણી આસપાસનું વિશ્વ હવે થોડુંક બદલાયેલું જરૂર જોવા મળી રહ્યું છે.

અહીં પ્રશ્ન એ થાય છે કે શું હવે હાલ જોવા મળી રહેલાં આ નવાં પરિવર્તનો જ સામાન્ય પરિસ્થિતિ બની જશે? કે ફરી ક્યારેક કોરોના મહામારી પહેલાંનાં દૃશ્યો ફરી વાર દેખાશે?

ભારતમાં કોરોના હવે વધારે ઝડપથી ફેલાશે?

31 મેના રોજ પૂરા થતાં લૉકડાઉનના ચોથા તબક્કા બાદ શરૂ પહેલી જૂનથી સમગ્ર દેશમાં અનલૉક-1 લાગુ કરી દેવાયું.

અનલૉક-1 હેઠળ અનેક વ્યાવસાયિક પ્રવૃત્તિઓ માટે રાહતની મર્યાદા વધારી દઈ, સરકારે સમગ્ર દેશના અર્થતંત્રને ફરી પાટે લાવવાની દિશામાં પગલાં ભર્યાં હોવાનું મનાતું હતું.

તે સમયે જ સરકાર દ્વારા જારી કરાયેલાં સૂચનોમાં 8મી જૂનથી વધુ વિસ્તૃત છૂટછાટો આપવાની વાત પણ કરાઈ હતી. હવે તાજેતરમાં જ સરકારે એક ખાસ આદેશ થકી કેટલાંક માર્ગદર્શનો સાથે મૉલ, મંદિર અને રેસ્ટોરાં ફરી શરૂ કરવાના આદેશો આપી દીધા છે.

ચીનમાં બહુ પહેલાંથી જ શરૂ થઈ ગયો હતો કોરોના વાઇરસનો પ્રકોપ?

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસના ચેપની શરૂઆત ચીનના વુહાન શહેરમાંથી થઈ હતી, જે બાદ આ વાઇરસ દુનિયાના લગભગ તમામ દેશમાં ફેલાઈ ગયો. હાલમાં વિશ્વભરમાં સંક્રમણના 70 લાખ 85 હજાર મામલા સામે આવ્યા છે અને ચાર લાખ કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

અમેરિકા સહિત કેટલાંય રાષ્ટ્રો કોરોના વાઇરસ પર ચીનની ભૂમિકાને લઈને શંકા વ્યક્ત કરતા રહ્યાં છે. અમેરિકા ચીન પર સતત આરોપ લગાવતું રહ્યું છે કે ચીને વાઇરસને લઈને પારદર્શકતા નથી દેખાડી પણ ચીન આ આરોપોનું ખંડન કરતું રહ્યું છે.

જોકે, હવે એક અભ્યાસમાં પણ કંઈક આવો જ દાવો કરાયો છે.

'હાવર્ડ મેડિકલ સ્કૂલ'ના એક શોધનિબંધમાં કહેવાયું છે કે બની શકે છે કે ચીનમાં વાઇરસો ચેપ ફેલાવાની શરૂઆત બહુ પહેલાંથી જ થઈ ગઈ હતી.

કમર્શિયલ સેટેલાઇટ 'ઇમેજરી'ની મદદ થકી વુહાન શહેરની કેટલીક તસવીરોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ તસવીરો વર્ષ 2019ના ઑગસ્ટ માસની છે. જેમાં વુહાન શહેરની હૉસ્પિટલોની બહાર મોટી સંખ્યામાં લાગેલી વાહનોની કતારો જોઈ શકાય છે. અભ્યાસ અનુસાર શક્ય છે કે રિપોર્ટ થવાના બહુ પહેલાંથી જ ચીનમાં કોવિડ-19નો પ્રકોપ શરૂ થઈ ગયો હોય.

શોધકર્તાઓએ એ દરમિયાન વુહાનની પાંચ મોટી હૉસ્પિટલોની બહાર વાહનોની આશ્ચર્યજનક જોવાની વાત કરી છે. જોકે, એવું પણ બની શકે છે કે જે લોકો હૉસ્પિટલ પહોંચ્યા હતા તેમને હવામાનને પગલે ઉધરસ-તાવ અને ડાયરિયાની ફરિયાદ હોય, જે કોવિડ-19નાં સામાન્ય લક્ષણો છે.

ડૉક્ટર જૉન બ્રાઉનસ્ટેન આ અભ્યાસને લીડ કરી રહ્યા હતા. તેમનું કહેવું છે કે પુરાવા પરિસ્થિતિજન્ય છે. જોકે, એક ટીવી સાક્ષાત્કારમાં તેમણે કહ્યું કે આ તથ્ય વાઇરસના ઉદ્ભવને સમજવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

તેમણે કહ્યું, "ઑક્ટોબરમાં કંઈક થઈ રહ્યું હતું."

"સ્પષ્ટ રીતે કોરોના વાઇરસની મહામારીની શરૂઆત પહેલાં કેટલીક સામાજિક ખલેલ તો ચોક્કસ હતી."

ડિસેમ્બર, વર્ષ 2019માં ચીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કોઈ અજ્ઞાત કારણોસર ન્યુમોનિયા જેવા મામલા સામે આવવાની વાત કરી હતી.

એસવીપી હૉસ્પિટલોમાં હોબાળો કેમ થયો?

અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત અદ્યતન હૉસ્પિટલ એવી સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલના કર્મચારીઓના પગારમાં કાપ મુકવાને કારણે ભારે હોબાળો થયો.

કોરોના વાઇરસના આ કપરા કાળમાં પોતાના જીવના જોખમે હૉસ્પિટલ કર્મચારીઓ ફરજ બજાવે છે પરંતુ તેમના પગારમાં 20 ટકા કાપ મુકાતાં કોરોના વોરિયર્સ એવા આ કર્મચારીઓએ હૉસ્પિટલ બહાર ઉગ્ર વિરોધ નોંધાવ્યો.

એટલું જ નહીં કોરોના વાઇરસ સામે ખડે પગે લડતા આ હૉસ્પિટલ-કર્મચારીઓને આ મહામારીમાં કામ કરવા માટે ઇન્સેન્ટિવ પેટે દિવસના 200 રૂપિયા આપવાની જાહેરાત કરાઈ હતી.

નમસ્કાર! બીબીસી ગુજરાતની વાચકો અને દર્શકોનું સ્વાગત છે. અહીં આપનો કોરોના વાઇરસ સંબંધિત દેશદુનિયાની તમામ અપડેટ આપવામાં આવશે.

ગુજરાતમાં 477 નવા કોરોના કેસો, અમદાવાદની 346 કેસ સાથે સૌથી ખરાબ સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images

સોમવારે સાંજે, 7 જૂનના રોજ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં 477 પૉઝિટિવ કેસ નોંધાયા છે અને 321 લોકો સાજા થયા છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે નવા કેસની સંખ્યા 480 હતી અને તે રીતે 3 કેસ ઓછા નોંધાયા છે. રવિવારે સાજા થનાર લોકોની સંખ્યા 319 હતી તેમાં 2નો ઉમેરો થયો છે.

સોમવારે 8 જૂનના રોજ રાજ્યમાં 31 લોકોનાં મૃત્યુ થયા છે અને આમ કોરોનાથી મૃત્યુનો આંકડો 1280 પર પહોંચ્યો છે.

રાજ્યમાં જે 31 લોકોનાં મૃત્યુ થયા છે જેમાં અમદાવાદમાં 24, સુરત અને ગાંધીનગરમાં 2-2- અને પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠામાં 1-1 મૃત્યુ થયા છે.

ઉપરાંત બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, કચ્છ અને રાજકોટમાં એક-એક મૃત્યુ થયું છે.

રાજ્યમાં જે નવા 477 કેસ સામે આવ્યા છે તે પૈકી સૌથી વધારે કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં 8 જૂનના રોજ નવા 346 કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રવિવાર, 7 જૂનના રોજ અમદાવાદમાં 318 નવા કેસ સામે આવ્યા હતા.

આ ઉપરાંત સુરતમાં 48, વડોદરામાં 35 નવા કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં હાલ કુલ ઍક્ટિવ કેસોની સંખ્યા 5,330 છે જે પૈકી 59 દરદીઓ વૅન્ટિલેટર પર છે અને 5271 દરદીઓની હાલત સ્થિર બતાવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી 2 લાખ 56 હજાર 289 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને કુલ સંક્રમિતોનો આંકડો 20 હજારને પાર કરી ગયો છે.

ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં 2 લાખ 10 હજાર 438 લોકોને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે જે પૈકી 2 લાખ 3 હજાર 626 વ્યક્તિઓ ઘરે જ ક્વોરૅન્ટીનમાં છે.

પાકિસ્તાનમાં રેલ મંત્રી અને ભૂતપૂર્વ વડાપ્રધાન પૉઝિટિવ, કેસ એક લાખને પાર

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શાહિદ ખાન અબ્બાસી અને વર્તમાન મંત્રી શેખ રશીદ અહમદ કોરોના વાઇરસથી સંક્રમિત હોવાની સોમવારે પુષ્ટિ થઈ છે.

પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ( પીએમએલ-એન)ના પ્રવકતા મરિયમ ઔરગંઝેબે 61 વર્ષના અબ્બાસી કોરોના વાઇરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ કરી છે

અબ્બાસી પીએમએલ-એનના વરિષ્ઠ ઉપાધ્યક્ષ છે અને પાર્ટી પ્રમુખ નવાઝ શરીફને કોર્ટ દ્વારા વડા પ્રધાન પદેથી હઠાવાયા બાદ તેઓ ઑગસ્ટ 2017થી મે 2018 સુધી પાકિસ્તાનના વડા પ્રધાન રહી ચૂક્યા છે.

પાર્ટીના પદાધિકારીઓએ જણાવ્યું કે સોમવારે તેમનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યા પછી અબ્બાસી હોમ-ક્વોરૅન્ટીનમાં છે.

ઉપરાંત રેલ મંત્રી શેખ રશીદ અહમદ પણ કોરોના પૉઝિટિવ છે. આ જાણકારી તેમના કાર્યાલયે એક નિવેદન જાહેર કરીને આપી છે.

આ નિવેદન પ્રમાણે રશીદ ડૉક્ટરોની સલાહ પર બે સપ્તાહ સુધી હોમ-ક્વોરૅન્ટીન રહેશે.

સોમવારે પાકિસ્તાનમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસ 1 લાખને પાર કરી ગયા છે.

પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર પાછલા 24 કલાકમાં 4728 નવા કેસ સામે આવ્યા છે જે મળીને પાકિસ્તાનમાં સંક્રમણના કુલ 1લાખ 3 હજાર 671 કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે.

સ્વાસ્થ્ય વિભાગના અનુસાર એમાંથી 34 હજારથી વધુ લોકો સંપૂર્ણ સ્વસ્થ થઇ ચૂક્યા છે અને 2067 લોકોનાં મૃત્યુ થયાં છે.

દિલ્હીના LG અનિલ બૈજલે બદલ્યો અરવિંદ કેજરીવાલનો નિર્ણય

ઇમેજ સ્રોત, LG Delhi

દિલ્હીના એલજી અને ડીડીએમએના ચૅરમેન અનિલ બૈજલે દિલ્હીની હૉસ્પિટલોમાં દિલ્હીના રહેવાસીઓનો જ ઇલાજ થશે એ મતલબનો મુખ્ય મંત્રી અરવિંદ કેજરવાલનો નિર્ણય રદ કર્યો છે અને દિલ્હીમાં કોઈને ઇલાજની ના નહીં પાડવામાં આવે તેમ કહ્યું છે.

દિલ્હીના એલજીના આ નિર્દેશ બાદ દિલ્હીમાં રાજ્યનો કેજરીવાલ સરકાર અને દિલ્હીના એલજી વચ્ચે વધુ એક વિવાદના સંકેત મળી રહ્યા છે.

મહત્વનું છે કે ગઇકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના લાઇવ સંદેશમાં એ જાહેરાત કરી હતી કે દિલ્હીની હૉસ્પિટલો દિલ્હીના રહેવાસીઓ માટે આરક્ષિત રહેશે.તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર હસ્તકની હોસ્પિટલ જો કે તમામને સારવાર માટે ખુલ્લી રહેશે.

કેજરીવાલની આ જાહેરાત બાદ રાજકીય ટીકાઓ પણ શરુ થઇ હતી.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દર જૈને તેમની સરકારના આ નિર્ણયના બચાવમાં આજે કહ્યું હતું કે જે રીતે દિલ્હીમાં કેસો વધી રહ્યા છે તેને જોતા દિલ્હીવાસીઓને હૉસ્પિટલોની જરૂરિયાત છે. તેમણે વિશ્લેષણ આપતા કહ્યું કે કારણ કે દર બે સપ્તાહમાં દિલ્હીમાં કેસો બે ગણા થઇ રહ્યા છે આથી અમને લાગે છે કે આવતા બે અઠવાડિયામાં કેસોની સંખ્યા 56 હજાર થઇ જશે. અમારી પાસે અત્યારે 8500થી 9000 પથારીઓ છે જેને આવતા બે અઠવાડિયામાં અમે 15 હજારથી 17 હજાર કરવા માંગીએ છીએ. સાથે ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે પડોશી રાજ્યોનું કહેવું છે કે એમને ત્યાં ઓછા કેસ છે જેથી અમારો નિર્ણયને મોટો મુદ્દો ન બનાવવો જોઇએ.

તો બીજી તરફ આ મુદ્દે બસપા નેતા માયાવતી પણ મેદાનમાં ઉતરીગયા અને ટ્વીટના માધ્યમથી અરવિંદ કેજરીવાલના દિલ્હીની હૉસ્પિટલો દિલ્હીવાસીઓ માટે અનામત રાખવાના નિર્ણયમાં દખલ આપવાની કેન્દ્ર સરકારને અપીલ કરી હતી.

દિલ્હીમાં કોરોના વાઇરસ મહામારીના વધી રહેલા કેસ વચ્ચે દિલ્હીની હૉસ્પિટલોમાં દર્દીઓની સારવારના મુદ્દે જ્યાં દિલ્હી અને પડોશી રાજ્યો વચ્ચે ખેંચતાણ થઇ રહી છે તો સાથે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે પણ આક્ષેપબાજી ચાલી રહી છે.

આ મામલે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે એલજી સાહેબના આદેશે દિલ્હીના લોકો માટે ખૂબ મોટી સમસ્યા ઊભી કરી છે અને પડકાર ઉભો કર્યો છે. કોરોના મહામારીમાં દેશભરમાંથી આવનાર લોકો માટે ઇલાજની વ્યવસ્થા કરવી ખૂબ મોટો પડકાર છે. કદાચ, ભગવાનની મરજી છે કે અમે આખા દેશના લોકોની સેવા કરીએ. અમે તમામના ઇલાજની વ્યવસ્થા કરવાની કોશિશ કરીશું.

રાજકોટમાં કોરોનાના કેસો વધારે પણ ટેસ્ટિંગ જૂનાગઢ-ભાવનગરથી ઓછું

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્ય સરકારે કોવિડ-19ના પરીક્ષણના જે છેલ્લા આંકડા જાહેર કર્યા છે તે પ્રમાણે રાજકોટમાં પાછલા 24 કલાકમાં 187 કોરોના પરીક્ષણ થયા જ્યારે જૂનાગઢમાં 344 કોરોના પરીક્ષણ કરવામાં આવ્યા.

આંકડા કહે છે કે, રાજકોટમાં અત્યાર સુધી કુલ 6184 પરીક્ષણ થયા છે જ્યારે જૂનાગઢમાં પરીક્ષણનો આંક 9686 છે. પરીક્ષણના મામલે ભાવનગર પણ રાજકોટથી આગળ છે જ્યાં અત્યાર સુધી કુલ 6743 નમૂનાઓની તપાસ થઈ છે.

રાજકોટમાં છેલ્લા આંકડા પ્રમાણે ઍક્ટિવ કેસોની સંખ્યા 51 છે. જ્યારે ભાવનગરમાં 23 અને જૂનાગઢમાં 4 ઍક્ટિવ કેસ છે.

રાજકોટમાં કોરોના વાઇરસ સંક્રમણને કારણે અત્યાર સુધી કુલ 4 લોકોએ જીવ ગુમાવ્યા છે, તો ભાવનગરમાં કોરોના વાઇરસને કારણે મરણાંક 10 છે અને જૂનાગઢમાં 1 છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ રાજકોટમાં સામે આવ્યો હતો. જૂનાગઢ અને ભાવનગર સહિત સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પાછળથી કોરોનાના કેસ સામે આવ્યા હતા.

અમદાવાદની SVP હૉસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની હડતાળ સમેટાઈ

ઇમેજ સ્રોત, ANI

અમદાવાદની SVP હૉસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની હડતાળનો હાલ પૂરતો અંત આવ્યો છે.

સમાચાર એજન્સી એએનઆઇની માહિતી અનુસાર નર્સિંગ સ્ટાફના સભ્ય નરેશ ધાકડે જણાવ્યું કે મૅનેજમૅન્ટે અમારી બધી માગણીઓને પૂરી કરવાની ખાતરી આપી છે એટલે હાલ પૂરતી અમે હડતાળ બે દિવસ માટે મોકૂફ રાખી છે.

જો મૅનેજમૅન્ટ આ માગોને પૂરી નહીં કરે તો ફરી હડતાળ કરવામાં આવશે એવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી.

અમદાવાદમાં કોવિડ-19ના દર્દીઓની સારવારમાં શરૂઆતથી જ અગ્રણી રહેલી SVP હૉસ્પિટલનો નર્સિંગ સ્ટાફ તેમના પગારમા કાપ મૂકવામાં આવતા હડતાળ પર ઊતરી ગયો હતો. હવે મૅનેજમૅન્ટે તેમની માગોને માની લેતા કોરોના વાઇરસની મહામારીના આ કપરા સમયમાં ખાસ તો દર્દીઓને અને તેમના સંબંધીઓ હાશકારો થયો છે.

AMCના આંકડા પ્રમાણે SVP હૉસ્પિટલમાંથી અત્યાર સુધી કોવિડ-19ના કુલ 1827 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ અપાયા છે.

કોરોના મહામારીમાં લોકોને સાવચેત રહેવા માટે સતત જાગૃત કરવામાં આવી રહ્યાં છે ત્યારે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દીપકભાઈએ લોકોને જાગૃત થવા માટે સાઇકલ પર લોકોને કોરોની સાવધ રહેવા ચેતવે છે. જુઓ દીપકભાઈની આ પહેલનો વીડિયો.

દિલ્હીની હૉસ્પિટલોમાં પથારીઓને લઇને રાજકારણ તેજ

દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દર જૈને દિલ્હીની હૉસ્પિટલો દિલ્હીવાસીઓ માટે અનામત રાખવાના તેમની સરકારના નિર્ણયની થઈ રહેલી ટીકાઓનો જવાબ આપ્યો છે. તેમણે આ નિર્ણય મુદ્દે સ્પષ્ટીકરણ આપવા સાથે કેન્દ્ર સરકાર પર આંતરરાષ્ટ્રીય ઉડાનો પર સમયસર રોક ન લગાવવાનો આક્ષેપ પણ મૂક્યો અને કહ્યું કે સમયસર જો આંતરરાષ્ટ્રીય ઉડાનો પર રોક લગાવાઈ હોત તો દિલ્હીમાં સ્થિતિ વધુ સારી હોત.

સત્યેન્દર જૈને તેમની સરકારના નિર્ણયના બચાવમાં કહ્યું કે જે રીતે દિલ્હીમાં કેસો વધી રહ્યા છે તેને જોતા દિલ્હીવાસીઓને હૉસ્પિટલોની જરૂરિયાત છે. તેમણે વિશ્લેષણ આપતા કહ્યું કે કારણ કે દર બે સપ્તાહમાં કેસો બે ગણા થઈ રહ્યા છે આથી અમને લાગે છે કે આવતા બે અઠવાડિયામાં કેસોની સંખ્યા 56 હજાર થઇ જશે. અમારી પાસે અત્યારે 8500થી 9000 પથારીઓ છે જેને આવતા બે અઠવાડિયામાં અમે 15 હજારથી 17 હજાર કરવા માંગીએ છીએ. સાથે ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે પડોશી રાજ્યોનું કહેવું છે કે એમને ત્યાં ઓછા કેસ છે જેથી અમારો નિર્ણયને મોટો મુદ્દો ન બનાવવો જોઇએ.

તો બીજી તરફ આ મુદ્દે બસપા નેતા માયાવતી પણ મેદાનમાં આવી ગયા છે અને અરવિંદ કેજરીવાલના દિલ્હીની હૉસ્પિટલો દિલ્હીવાસીઓ માટે અનામત રાખવાના નિર્ણયમાં દખલ કરવાની કેન્દ્ર સરકારને અપીલ કરી છે. માયાવતીએ ટ્વીટ કરી લખ્યું કે દિલ્હી દેશની રાજધાની છે. અહીં દેશભરમાંથી લોકો પોતાના કામ માટે આવે છે. એવામાં જો કોઈ વ્યક્તિ અચાનક બિમાર પડી જાય તો એને એમ કહેવું કે તે દિલ્હીવાસી નથી આથી દિલ્હી સરકાર તેનો ઇલાજ નહીં કરે એ અતિ દુર્ભાગ્યપૂર્ણ છે. કેન્દ્રએ આમાં ચોક્કસ દખલ કરવી જોઇએ.

દિલ્હીમાં કોરોના વાઇરસ મહામારીના વધી રહેલા કેસ વચ્ચે દિલ્હીની હૉસ્પિટલોમાં દર્દીઓની સારવારના મુદ્દે જ્યાં દિલ્હી અને પડોશી રાજ્યો વચ્ચે ખેંચતાણ થઇ રહી છે તો સાથે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે પણ આક્ષેપબાજી ચાલી રહી છે.

અરવિંદ કેજરીવાલનો કોરોના ટેસ્ટ થશે

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત બગડી છે. કેજરીવાલને કાલ રાતથી હળવા તાવ અને ગળામાં બળતરાની ફરિયાદ છે.

સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર તાવ અને ગળામાં બળતરાની ફરિયાદ બાદ કેજરીવાલનો કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવાયો છે.

એવા પણ અહેવાલો છે તેમણે પોતાને સૅલ્ફ આઇસોલૅટ કરી દીધા છે.

મંગળવારની મુખ્ય મંત્રી સાથેની તમામ બેઠકો બપોર સુધી રદ કરી દેવાઈ છે અને તેમણે કોઈ સાથે મુલાકાત નથી કરી.

જોકે, દિલ્હી સરકાર તરફથી મુખ્ય મંત્રીના સ્વાસ્થ્ય સંબંધમાં કોઈ પણ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી.

મહારાષ્ટ્રમાં ચીન કરતાં વધારે મામલા

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા ચીનથી પણ વધી ગઈ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના વાઇરસ સંક્રમણના 85,975 કેસ નોંધાયા છે, જ્યારે ચીનના સરકારી ડેટા પ્રમાણે દેશમાં સંક્રમણના 84,191 કેસ નોંધાયેલા છે.

એમાં પણ રાજ્યના પાટનગર મુંબઈમાં જ અત્યાર સુધી કોરોના વાઇરસ સંક્રમણના 48,774 કેસ નોંધાઈ ચૂક્યા છે. એટલે કે મહારાષ્ટ્રના કુલ કેસોના 50 ટકાથી પણ વધુ કેસ એકલા મુંબઈમાં નોંધાયા છે.

ચીનના જાહેર આંકડા પ્રમાણે ત્યાં કોરોના વાઇરસે અત્યાર સુધી 4,638 લોકોનો જીવ લીધો છે. ત્યાં જ ભારતમાં આ મહામારીથી મરણાંક હવે 7000થી વધીને 7135 પર પહોંચી ગયો છે.

સોનિયા ગાંધીએ કહ્યું, 'મનરેગાથી લોકોની મદદ કરો'

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ 'ઇન્ડિયન એક્સપ્રેસ' સમાચાર પત્રમાં લેખ લખી કોરોના વાયરસની મહામારીના સમયમાં મનરેગાનું મહત્ત્વ સમજાવ્યું છે.

તેમણે લખ્યું છે કે 'મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરંટી અધિનિયમ( મનરેગા) 2005 એ મૌલિક અને તર્કસંગત પરંપરાગત ચાલી આવેલી વ્યવસ્થામાં બદલાવનું એક ઉદાહરણ છે.'

તેમણે લખ્યું કે આ મૌલિક એટલા માટે છે કારણ કે એણે ગરીબમાં ગરીબ લોકો સુધી સત્તાનું હસ્તાંતરણ કર્યું છે અને એમને ભૂખ અને નુકસાનથી બચાવ્યા છે.

જરૂરિયાતવાળા લોકોના હાથમાં સીધા નાણાં પહોંચાડવાંનો તર્ક આપતાં સોનિયા ગાંધી આગળ લખે છે કે 'છ વર્ષની દ્વેષપૂર્ણ સરકારમાં પણ આ યોજનાએ પોતાનું મહત્ત્વ સાબિત કરી દીધું છે. એ સરકાર જેણે યોજનાને બદનામ કરી અને પછીથી વિલા મોઢે એના પર ભરોસો કર્યો.'

મનરેગા ઉપરાંત સોનિયાએ કૉંગ્રેસ સરકાર દ્વારા બનાવાયેલી સાર્વજનિક વિતરણવ્યવસ્થાના મહત્ત્વ પર પણ ભાર આપ્યો છે.કોરોના અપડેટ : સોનિયા ગાંધીએ કહ્યું, 'મનરેગાથી લોકોની મદદ કરો'

અમદાવાદમાં મૃત્યુનો આંક એક હજારને પાર

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસને કારણે વધુ 21 લોકોએ જીવ ગુમાવ્યા. આ સાથે જ હવે અમદાવાદમાં આ મહામારીને કારણે થયેલાં મૃત્યુની સંખ્યા 1015 થઈ ગઈ છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આ મહામારીથી વધુ 30 લોકોનાં મોત થયાં, જે સાથે રાજ્યમાં મૃત્યુઆંક 1249 થઈ ગયો છે.

એટલે કે રાજ્યનાં કુલ મૃત્યુનાં 80 ટકાથી પણ વધુ મૃત્યુ એકલા અમદાવાદ જિલ્લામાં જ નોંધાયાં છે.

ગઈ કાલે રાજ્યના આરોગ્ય વિભાગનાં મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિની હાજરીમાં રાજ્યના નવ નિષ્ણાત તબીબોએ રાજ્યમાં અને અમદાવાદમાં કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિને લઈ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં ડૉકટરોનો સ્પષ્ટ મત હતો કે અમદાવાદ હાલ કૉમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં છે.

જોકે સાથે આ નિષ્ણાત તબીબોની પેનલે એમ પણ સલાહ આપી કે આ મહામારીથી ગભરાવાની જગ્યાએ સાવચેતીથી કામ પર પરત ફરવું એ જ હાલ શ્રેષ્ઠ રસ્તો છે.

ગુજરાતમાં 13 એવા જિલ્લા જ્યાં દરદીઓની સંખ્યા 10થી ઓછી

રાજ્યના આરોગ્ય વિભાગના છેલ્લા જાહેર થયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ઍક્ટિવ કેસોની સંખ્યા 5186 છે, જ્યારે રાજ્યમાં વધુ 319 દર્દીઓ કોરોના વાઇરસને માત આપી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

આંકડા પ્રમાણે આ ઍક્ટિવ કેસોમાંથી 5138 સંક્રમિતોની સ્થિતિ સ્થિર છે જ્યારે 67 દર્દીઓ વૅન્ટિલેટર પર છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 13643 કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે.

મોરબી અને તાપી એ બે જિલ્લાઓમાં હાલ એક-એક જ ઍક્ટિવ કેસ છે. જ્યારે આ બે જિલ્લાઓ મળીને કુલ 13 જિલ્લા એવા છે જ્યાં ઍક્ટિવ કેસોની સંખ્યા 10થી ઓછી છે.

ગઈ કાલે અમદાવાદમાં નવ ડૉક્ટરોની પ‌ૅનલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ રીકવરી રેટ 67 ટકા છે.

અમેરિકામાં 1 લાખ દસ હજાર મૃત્યુ, પ્રદર્શનોને કારણે ચેપનું જોખમ

ઇમેજ સ્રોત, Getty Images

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર કોરોના વાઇરસને લીધે અમેરિકામાં એક લાખ દસ હજાર કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. આ દરમિયાન દેશભરમાં વિરોધપ્રદર્શનો પણ ચાલુ છે. જેને લીધે દેશમાં ફરીથી વાઇરસના ચેપના ફેલાવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

આ સાથે જ અમેરિકામાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓનો આંક 20 લાખ સુધી પહોંચી ગયો છે. આ બાદ બ્રાઝિલમાં 6 લાખ 72 હજાર અને રશિયામાં 4 લાખ 67 હજાર કેસો નોંધાયા છે. તો 2 લાખ 75 હજાર કેસો સાથે ભારત વિશ્વમાં પાંચમાં ક્રમે છે.

અમેરિકા ઉપરાંત લૅટિન અમેરિકન રાષ્ટ્રોમાં પણ કોવિડ-19ના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે.

ગત 24 કલાકમાં ચીનમાં કોરોના વાઇરસના છ નવા કેસો નોંધાયા છે. આમાંથી પાંચ મામલા એવા છે, જેમાં દરદીમાં કોઈ પણ લક્ષણ જોવા મળ્યાં નથી.

સમાચાર સંથ્યા રૉયટર્સ અનુસાર આ પહેલાં અહીં સંક્રમણના ત્રણ મામલા સામે આવ્યા હતા.

ભારતમાં કેસોની સંખ્યા અઢી લાખને પાર, ગુજરાતમાં 20 હજારથી વધારે કેસો

ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા અઢી લાખને પાર કરી ગઈ છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3007 કેસો સામે આવ્યા છે અને કુલ સંક્રમિતોની સંખ્યા 85975 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં મૃતકોની સંખ્યા 3060 સુધી પહોંચી છે.

તો ગુજરાત હજી પણ કોરોના વાઇરસને કારણે દેશનાં સૌથી વધુ પ્રભાવિત ચાર રાજ્યોમાં છે. ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 20 હજારને પાર કરી ગઈ છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 480 નવા કેસ સામે આવ્યા છે અને 30 લોકોનાં મૃત્યુ થયાં છે. ગુજરાતમાં કુલ મરણાંક 1249 થઈ ગયો છે.

રાજસ્થાનમાં રવિવારે 262 નવા કેસો સામે આવ્યા છે અને 9 લોકોનાં મોત થયાં છે. આ સાથે રાજસ્થાનમાં કુલ મરણાંક 240 થઈ ગયો છે તો સંક્રમણનો આંકડો 10599 થઈ ગયો છે.

પંજાબમાં 93 નવા કેસ આવ્યા છે અને એક મૃત્યુ થયું છે તો પશ્ચિમ બંગાળમાં 24 કલાકમાં 449 નવા કેસ સામે આવ્યા છે અને 13 લોકોનાં મોત થયાં છે. આ સાથે જ પશ્ચિમ બંગાળમાં મૃતકોની સંખ્યા 324 થઈ ગઈ છે.

તમિલનાડુમાં રવિવારે 1515 નવા કેસ સામે આવ્યા છે અને 18 લોકોનાં મૃત્યુ થયાં છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 31667 થઈ ગઈ છે જેમાં 14396 હજી પણ સંક્રમિત છે.

ઉત્તર પ્રદેશમાં 433 નવા કેસ સામે આવ્યા છે અને 7 લોકોનાં મૃત્યુ થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીના કેસોનો આંકડો 10536 થઈ ગયો છે અને અત્યાર સુધી 275 લોકોનાં મૃત્યુ થયાં છે.

હરિયાણામાં 496 નવા કેસો સામે આવ્યા છે જે પૈકી સૌથી વધારે કેસો ગુરુગ્રામમાં (230) છે. આ સાથે રાજ્યમાં કેસોની સંખ્યા 4448 થઈ ગઈ છે અને અત્યાર સુધી 28 લોકોનાં મૃત્યુ થયાં છે.

14 નવા કેસ સાથે ઉત્તરાખંડમાં કોરોનાનો આંકડો 1355 પર પહોંચ્યો છે અને 13 લોકોનાં મૃત્યુ થયાં છે.

જમ્મુ-કાશ્મીરમાં એક જ દિવસના સૌથી વધારે કેસો સામે આવ્યા છે.

રાજ્યમાં 620 નવા કેસ નોંધાયા છે. આ પૈકી 37 જમ્મુ ડિવિઝનમાં અને 583 કાશ્મીર ડિવિઝનમાં છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 4087 થઈ છે અને 41 લોકોનાં મૃત્યુ થયાં છે.

નમસ્કાર! બીબીસી ગુજરાતીના વાચકો અને દર્શકોનું અમે સ્વાગત કરીએ છીએ. અહીં કોરોના વાઇરસ સંબંધિત ગુજરાત અને દેશદુનિયાની અપડેટ રજૂ કરવામાં આવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો