ભારત-ચીન સીમાવિવાદ : લદ્દાખમાં સરહદ નજીક રહેતા લોકો ભયમાં કેમ? ગ્રાઉન્ડ રિપોર્ટ

  • આમિર પીરઝાદા, બીબીસી સંવાદદાતા
  • રિન્ચેન અંગમો ચુમિકચન, સ્વતંત્ર પત્રકાર
સરોવર

ઇમેજ સ્રોત, AAMIR PEERZADA/BBC

લદ્દાખમાં ભારત અને ચીનની સેના વચ્ચે જે દિવસે વાતચીત ચાલતી હતી એ જ દિવસે બીજી તરફ લોકો બહુ તણાવમાં હતા.

તેમને ડર હતો કે જો બંને પક્ષ વચ્ચે તણાવ વધશે તો તેમનું બધું ખતમ થઈ જશે, કેમ કે તેમની જમીન (ગોચર) ચીનના વિસ્તારમાં ચાલી જશે.

કથિત રીતે પાંચ મે બાદ લદ્દાખના ઘણા વિસ્તારોમાં ભારત અને ચીની સુરક્ષાદળો સામસામે છે.

પૂર્વ લદ્દાખમાં એક મહિનાથી ચાલતાં આ તણાવને ખતમ કરવા માટે શનિવારે બંને પક્ષો વચ્ચે ઉચ્ચ સૈન્યસ્તરે વાચચીત થઈ.

રવિવારે ભારતના રક્ષા મંત્રાલયે નિવેદન જાહેર કર્યું કે બંને પક્ષના કમાન્ડર શાંતિપૂર્ણ રીતે પૂર્વ લદ્દાખના વર્તમાન સીમાવિવાદને દ્વિપક્ષીય કરારને આધારે ઉકેલવા માટે તૈયાર છે.

વાસ્તવિક નિયંત્રણરેખા

ઇમેજ સ્રોત, STR

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે એક ટીવી ચેનલને હાલમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ક્ષેત્રમાં ચીની સૈનિકોએ મોટાં નિર્માણ કર્યાં છે અને ભારતે પૂરતાં પગલાં ભર્યાં છે.

આ પહેલાં બંને સેનાઓના જવાનો વચ્ચે વાસ્તવિક નિયંત્રણરેખા (એલએસી) પર ઘર્ષણના સમાચાર આવ્યા હતા.

ભારત અને ચીન વચ્ચે પૈંગૉન્ગ સરોવર અને ગલવાન નદી વિસ્તારમાં સીમા પર કોઈ રેખા નથી. અત્યંત ઠંડા વિસ્તારમાં આ સરોવર લદ્દાખ ક્ષેત્રમાં 4,350 મીટરની ઊંચાઈ પર છે.

સમાચાર એજન્સીઓ અનુસાર, આ ક્ષેત્રમાં બંને દેશના જવાનોએ તંબુ તાણ્યા છે અને બંને એકબીજા પર ક્ષેત્રમાં ઘૂસણખોરીનો આરોપ લગાવે છે.

સ્થાનિક લોકો માટે આ બધાનો અર્થ શું?

વીડિયો કૅપ્શન,

કોરોના વાઇરસ : કાશ્મીરમાં ફળો-ફૂલોના વેપાર પર લૉકડાઉનની શું અસર થઈ?

ભારત અને ચીન વચ્ચે બહુ લાંબી સીમા જોડાયેલી છે અને બંને પક્ષો સીમાનાં ઘણાં ક્ષેત્રો પર પોતપોતાનો દાવો કરતા રહ્યા છે.

ભારતના રક્ષામંત્રીએ તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બંને દેશોની સીમાને લઈને અલગઅલગ ધારણા છે અને ભારત-ચીન સામસામે આવતા રહ્યા છે, પરંતુ તેનો શાંતિપૂર્ણ ઉકેલ લાવી દીધો છે.

વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)નું ખરાબ સીમાંકન લદ્દાખમાં બંને દેશોને અલગ કરે છે. બંને દેશની સીમાઓ વચ્ચે નદીઓ, સરોવરો અને બર્ફીલા પહાડો છે, જે બંને જવાનોને અલગ કરે છે, પરંતુ તેઓ ઘર્ષણ માટે નજીક પણ આવી શકે છે.

વિભિન્ન સૂત્રો અનુસાર, બંને દેશો વચ્ચે વર્તમાન સમયમાં પૂર્વ લદ્દાખના ગલવાન ઘાટી અને પૈંગૉન્ગ સરોવરમાં ઘર્ષણ થયું છે, જેનાથી સ્થાનિક લોકોને ભવિષ્યને લઈને ચિંતામાં નાખી દીધા છે.

'લદ્દાખ સ્વાયત્ત પહાડી વિકાસ પરિષદ'ના કાઉન્સિલર અને શિક્ષણના એક્ઝિક્યુટિવ કાઉન્સિલર કોંચોક સ્ટેન્જિન કહે છે, "હું ગામડાંઓને લઈને ચિંતિત છું, કેમ કે અમારાં કેટલાંક ગામો એ જગ્યાથી બે-ત્રણ કિમી દૂર છે, જ્યાં ભારત- ચીન વચ્ચે ઘર્ષણ થયું છે."

ગત મહિનાથી એલએસી સાથે જોડાયેલા સમગ્ર વિસ્તારમાં ભારતીય સુરક્ષાબળોની ભારે અવરજવર જોવા મળી છે. એલએસી પર મોટા ભાગની જગ્યાએ આઈટીબીપીના જવાનો જ સુરક્ષા માટે તહેનાત હોય છે.

પણ સ્થાનિક લોકોનું કહેવું છે કે હાલના તણાવને કારણે ત્યાં ભારતીય સેનાની તહેનાતી છે.

સ્થાનિક લોકોમાં ડર

ઇમેજ સ્રોત, AAMIR PEERZADA/BBC

કોંચોક સ્ટેન્જિન કહે છે, "આ વિસ્તારમાં સેનાની વધુ અવરજવરને કારણે સ્થાનિક લોકોમાં ડર છે. 1962ના યુદ્ધ બાદ અમે આવી સ્થિતિ ક્યારેય જોઈ નહોતી."

આ ક્ષેત્રના સરપંચ સોનમ આંગચુક કહે છે, "અમે અમારા ગામથી દરરોજ 100-200 વાહનોની અવરજવર જોઈએ છીએ. અમે સેનાનાં આ વાહનોની અસામાન્ય અવરજવરથી ડરી ગયા છીએ."

"આપણી સેના અને ચીની સેના વચ્ચે ઘણી વાર અગાઉ પણ ઘર્ષણો થયાં છે, પરંતુ વર્તમાન સ્થિતિ અસામાન્ય લાગે છે."

આંગચુક માન પૈંગૉન્ગ અને ફોબરાંગ ગામના સરપંચ છે. આ ગામ એલએસીની સાવ નજીક છે.

પૂર્વ લદ્દાખનાં ઘણાં સરહદી ગામોમાં હાલમાં સ્થાનિક સાંસદ જમયાંગ સેરિંગ નામગ્યાલની સાથે કાઉન્સિલરની ટીમ પહોંચી હતી.

તાંગસ્તે મતવિસ્તારના કાઉન્સિલર તાશી યકઝી પણ આ સમૂહના સભ્ય હતા.

તેઓએ બીબીસીને કહ્યું, "મનેરાક ગામ પૈંગૉન્ગ સરોવરની ફિગર-4ની બીજી તરફ છે. ગામલોકો બહુ ભયમાં છે અને સીમા નજીક હોવાથી તેઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે."

તેઓએ કહ્યું, "જીવજીવન પહેલાં જેવું છે, પરંતુ તેનાથી લોકોનાં જીવન પ્રભાવિત થયાં છે. પહેલાં કોરોના વાઇરસ, હવે ચીની આક્રમણ અને તેના પર કોઈ વાતચીત થઈ નથી. તેનાથી સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે. રોજનું કામકાજ ચાલી રહ્યું છે, પણ તેઓ માનસિક રીતે ડર અને બેચેનીમાં છે."

'પ્રાણીઓના ઘાસનાં મેદાન પર ચીને કબજો કર્યો'

ઇમેજ સ્રોત, AAMIR PEERZADA/BBC

ગલવાન ઘાટીમાં એલએસીની નજીક રહેતા મોટા ભાગના લોકો ખાનાબદોશ સમુદાયના છે અને તેઓ પોતાનાં પશુઓ પર નિર્ભર છે.

લદ્દાખને ઠંડું રેગિસ્તાન પણ કહેવાય છે, જ્યાં સામાન્ય દિવસોમાં પણ પશુઓ માટે ચારો શોધવો મુશ્કેલ છે. આ ખાનાબદોશ લોકો એ ગોચર (જ્યાં પશુઓને ચારવામાં આવે) પર નિર્ભર રહે છે, જ્યાં હવે બંને દેશ વચ્ચે ટકરાવ છે.

એ લોકોને ડર છે કે તેમનાં પ્રાણીઓ માટેનું ગોચર સીમિત થઈ રહ્યું છે, કેમ કે ચીન દર વર્ષે તેના પર કબજો કરી રહ્યું છે.

કોંચોક સ્ટેન્જિન કહે છે, "અમારાં મોટાં ભાગનાં ગોચર પર ચીનીઓએ કબજો કરી લીધો છે અને હવે ડર છે કે બાકી વિસ્તાર પર પણ તેઓ કબજો કરી લેશે. જો અમારાં પ્રાણીઓ માટે ચરવાની જગ્યા જતી રહેશે તો અમારા વિચરતા સમુદાયની જીવનરેખા પણ જતી રહેશે. પછી અમારું અહીં રહેવાનું કોઈ કારણ નહીં બચે."

લેહમાં લદ્દાખ સ્વાયત્ત પહાડી વિકાસ પરિષદમાં કોરઝોક ક્ષેત્રના કાઉન્સિલર ગુરમેટ ડૉર્જી કહે છે, "પહેલાં ઇંચ કે ફૂટમાં કબજો થતો હતો, પરંતુ હવે કિલોમીટરમાં થાય છે. અમારા માટે અહીં રહેવું મુશ્કેલ થઈ જશે."

ચુમુર ગામના મુખિયા પદ્મ ઇશે કહે છે, "પહેલાં અમે પોતાનાં યાક અને ઘોડાઓ ઘાસનાં મેદાનોમાં મોકલી દેતાં હતાં, પરંતુ હવે તેઓ પરત ફરતાં નથી. અમને તેમને શોધવાની મંજૂરી નથી. 2014માં અંદાજે 15 ઘોડા ગાયબ થઈ ગયા હતા."

સ્થાનિક લોકોના દાવા પર ભારતીય રક્ષા મંત્રાલયના એક સૂત્રે બીબીસીને જણાવ્યું કે ત્યાં ભૂમિનું કોઈ અતિક્રમણ થયું નથી, કેમ કે ભારત અને ચીન વચ્ચે હજુ સુધી કોઈ સ્થાપિત સીમા નથી.

મંત્રાલયના સૂત્રે કહ્યું, "એ વાતનો કોઈ ઇન્કાર ન કરી શકે કે પારંપરિક ગોચરનો વિસ્તાર સીમિત થઈ ગયો છે. પણ જેમજેમ જનસંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેમ ભારત અને ચીન પોતાના વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા કરી રહ્યા છે."

એક ફોન કૉલ માટે 70 કિમીની યાત્રા

ઇમેજ સ્રોત, AAMIR PEERZADA/BBC

આ ક્ષેત્રનાં ઘણાં ગામોમાં સંપર્કસાધન બહુ મોટી મુશ્કેલી છે. જોકે આ દૂરના ક્ષેત્રમાં કેટલાંક ગામોમાં બીએસએનએલ કામ કરે છે, જેની સેવા ગત એક અઠવાડિયાથી બંધ છે. આથી સ્થાનિક લોકોમાં ડર છે.

સોનમ આંગચુક કહે છે, "સીમાના વિસ્તારોમાં જ્યારે કોઈ સમસ્યા થાય ત્યારે સૌથી પહેલા સંચારનું સાધન કાપી નાખવામાં આવે છે, જે અમારી મોટી સમસ્યા છે. માત્ર અમારા વિસ્તારમાં બીએસએનએલ કામ કરે છે, જે છ વર્ષ પહેલાં જ શરૂ થયું છે."

સ્થાનિક કાઇન્સિલર તાશી યકઝી કહે છે, "પૂર્વ લદ્દાખમાં 12 મે રોજ ન્યોમા અને દુર્બુક બ્લૉકમાં સંચારસેવા બંધ કરી દીધી હતી. પછી આ મામલો પ્રશાસન પાસે લઈ જવાયો અને 15 મે બાદ તેને ફરીથી શરૂ કરવામાં આવી હતી. 3 જૂને ફરી બંધ કરાઈ અને આજ (7 જૂન) સુધી શરૂ કરાઈ નથી."

લદ્દાખનાં સરહદી ગામોમાં બહુ ઓછી મોબાઇલ સેવા પહોંચી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી સરકારી બીએસએનએલ સેવા ઘણાં ગામોમાં મોબાઇલ સેવા આપી રહ્યું છે, પરંતુ દુનિયા સાથનો સંપર્ક નજીવો રહે છે.

પદ્મ કહે છે, "અમારી પાસે સંચારનું કોઈ સાધન નથી અને કંઈ હોય તો અમે કેવી રીતે સંપર્ક કરશું એ મોટો સવાલ છે. અમારે એક કૉલ કરવા માટે 70 કિમી દૂર કોરઝોક (સોમોરિરી) જવું પડે છે અને ક્યારેક-ક્યારેક તેનાથી પણ કામ થતું નથી."

તેઓએ કહ્યું, "ગત વર્ષ સુધી અમારી પાસે ડીએસપીટી (ડિજિટલ સેટેલાઇટ ફોન ટર્મિનલ્સ) હતું જે હવે બંધ થઈ ગયું છે. શિયાળામાં અમે સેટેલાઇટ ફોન વાપરતાં હતા, પણ મોંઘો હોવાને કારણે તેને બંધ કરી દીધો છે. આથી હવે કંઈ નથી."

ભારતીય સેનાને લોકો કેવી રીતે જુએ છે?

ઇમેજ સ્રોત, Getty Images

સ્થાનિક લોકો કહે છે કે જ્યારે પણ ક્ષેત્રમાં તણાવ થાય ત્યારે તેઓ ભારતીય સેનાના સમર્થનમાં આગળ આવે છે.

કોંચોક કહે છે, "1962ના ભારત-ચીન યુદ્ધમાં અમે ખાનાબદોશ બીજું માર્ગદર્શકબળ હતા."

સોનમ આંગચુક કહે છે, "આવી સ્થિતિમાં અમે સેનાની બધી રીતે મદદ કરી છે. અમે ઘાયલ જવાનોને લઈ જઈને રૅશન આપીને મદદ કરી હતી."

કોચોક કહે છે કે વર્તમાન તણાવ બાદ સ્થાનિક લોકો જરૂર પડ્યે ફરી ઊભા થશે.

તેઓ કહે છે, "અમારી સેના, ગામના સરપંચ અને મુખિયા સાથે બેઠક થઈ હતી. અમે સેનાને કહ્યું કે અમે તેમની મદદ માટે તૈયાર છીએ. પછી તે લોકોની હોય, વાહનોની હોય કે અન્ય કોઈ ચીજની."

લદ્દાખ જેવા વિસ્તારમાં સૈન્ય અભિયાન બહુ કઠિન છે. 14થી 18 હજારની ઊંચાઈ પર આ વિસ્તારમાં ઘણાં સ્થળોએ ગાડીઓ જઈ શકતી નથી, પરંતુ સ્થાનિકો ઘણી રીતે મદદ કરી શકે છે.

પરંતુ આ વખતે તેઓ બહુ ડરેલા છે, કેમ કે પ્રશાસન તરફથી સંચારનું કોઈ સાધન નથી.

કોંચોક કહે છે, "ગામલોકો જાણતા નથી કે સીમા પર શું થઈ રહ્યું છે અને પ્રશાસને કહેવું જોઈએ, જેથી સ્થાનિક લોકોમાં ડર ન રહે."

ભારત અને ચીન વચ્ચેના તણાવ બાદ બંને દેશોએ સત્તાવાર રીતે વાતચીતની કોઈ વિસ્તારથી જાણકારી આપી નથી.

આ અગાઉ પણ 2017માં બંને દેશ વચ્ચે તણાવ વધ્યો હતો. ડોકલામમાં ભારત અને ચીન વચ્ચેનો વિવાદ મહિનાઓ સુધી ચાલ્યો હતો.

તાજેતરની ઘટનાએ ભારતમાં ઘણા વિશ્લેષકોને ચિંતામાં મૂકી દીધા છે.

લદ્દાખના લેહ શહેરના લેખક અને રાજદ્વારી ફૂંચોક સ્તૉપદાન કહે છે, "1962ના યુદ્ધ પછી અમે આવા સંઘર્ષની સ્થિતિ જોઈ નહોતી. ઘણી જગ્યાએ નાનીમોટી ઘટનાઓ થતી, પણ એ સમયે તેઓ ઘણાં કારણ જણાવતાં હતાં. જેમ કે ભારત કોઈ વિસ્તારમાં કશું નિર્માણ કરી રહ્યું છે, ત્યાર પછી તેને દૂર કરવું પડતું હતું અને પછી આગળની વાતચીત થઈ હતી. પરંતુ આ વખતે મને એવું લાગે છે કે વાતચીત તેમને ઝુકાવશે. જોકે મારું માનવું છે કે ભારત સરકાર તેને પહોંચી વળવા માટે સારી રીતે તૈયાર છે."

તો ચીન પણ કહી રહ્યું છે કે આ વિસ્તારમાં સ્થિતિ 'સ્થિર અને નિયંત્રણ'માં છે અને ભારત સાથે વાતચીત ચાલુ છે.

વૈશ્વિક સંકટોને કારણે ચીન સામે ગુસ્સો ભડકેલો છે, પરંતુ અહીંના સ્થાનિક લોકો જે પ્રાણીઓ પર નિર્ભર છે, તેમના માટે આ આજીવિકાનો સવાલ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો