ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, આજે ક્યાંક્યાં વરસાદની આગાહી?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં કોરોના વાઇરસના સંકટ વચ્ચે વરસાદની શરૂઆત થઈ છે અને અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ મધ્યમથી સામાન્ય વરસાદ વરસ્યો હતો.

અમદાવાદ શહેરમાં દિવસે હવામાનમાં પલટો આવ્યા બાદ વરસાદ પડ્યો હતો.

શહેરમાં સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી પડેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

તો શહેરના એસજી હાઇવે પર વરસાદને કારણે ટ્રાફિકજામ થયો હોવાના અહેવાલો પણ આવ્યા હતા.

શહેરમાં એક જ દિવસમાં અંદાજે બેથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.

વરસાદ પડતાં શહેરીજનોને થોડી મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો હતો.

ખાસ કરીને વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને કારણે કેટલીક જગ્યાએ વાહનો પણ ખોટકાયા હતા.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતાં ગુજરાતના ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.

ક્યાં-ક્યાં પડ્યો વરસાદ

અમદાવાદ શહેર સહિતના ગુજરાતમાં વિવિધ સ્થળોએ પણ વરસાદ વરસ્યો હતો.

અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, વેરાવળ, સુરેન્દ્રનગર, કંડલા, અમરેલી, અને દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો.

આ સિવાય પણ ગુજરાતના વિવિધ તાલુકાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડ્યો હતો.

વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Getty Images

તો આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં વિવિધ જગ્યાએ વરસાદ પડવાનું હવામાન વિભાગે અનુમાન કર્યું છે.

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે અને સામાન્ય વરસાદ વરસી શકે છે.

તો આજે અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લા સિવાય ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને બાટોદ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના બુલેટિનમાં જણાવ્યા અનુસાર 'અમદાવાદ, ગાંધીનગર, ખેડા તેમજ સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, જામનગર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.'

તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

તેમજ ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ડાંગ, તાપી સહિતના અનેક જગ્યાએ વરસાદની સંભાવના છે.

તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, મોરબી, ગીરસોમનાથ સહિતના જિલ્લામાં પણ વરસાદની આગાહી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો