ધોરણ-10નું પરિણામ : ગુજરાતીમાં એક લાખ વિદ્યાર્થીઓ કેમ નપાસ થયા?

  • સુરેશ ગવાણિયા
  • બીબીસી ગુજરાતી
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ નવમી જૂને ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

ધોરણ-10નું પરિણામ 60.64 ટકા આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 6.33 ટકા ઓછું છે.

વળી, આ વર્ષે 90 ટકા કરતાં વધારે માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.

ગુજરાત સરકારની પરિણામ-પુસ્તિકા અનુસાર, ગુજરાતી વિષયમાં 6,91,693 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5,91,345 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે કે એક લાખ 348 વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે.

ગુજરાતી વિષયમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થતાં ગુજરાતી ભાષા અને માતૃભાષાપ્રેમીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.

બીબીસી ગુજરાતીએ શિક્ષણવિદો અને શિક્ષકો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે આ સ્થિતિ માટે માત્ર સરકાર જ નહીં, પરંતુ શિક્ષકો, વાલીઓ, સંચાલકો પણ એટલા જ જવાબદાર છે.

0 ટકા પરિણામવાળી શાળાઓની સંખ્યા વધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત સરકારે શિક્ષણક્ષેત્રની પ્રવૃત્તિને વિકસાવવા અને બાળકોને સારું શિક્ષણ-કેળવણી મળી રહે તે માટે વાંચે ગુજરાત, કન્યાકેળવણી, શાળાપ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો અને અભિયાનો હાથ ધરેલાં છે.

જોકે વર્તમાન સમયનું પરિણામ આ બધાં અભિયાનો અને કાર્યક્રમો એક આશંકા વ્યક્ત કરવા પ્રેરે છે.

આ વખતે પરીક્ષામાં કુલ 804268 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 792942 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 480845 પરીક્ષાર્થીઓ પાત્ર બનતા નિયમિત ઉમેદવારોનું પરિણામ 60.64 ટકા જાહેર થયું હતું.

સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ 74.66 ટકા જાહેર થયું છે. તેમજ દાહોદ જિલ્લાનું સૌથી વધુ ઓછું 47.47 ટકા પરિણામ જાહેર થયું છે.

રાજ્યનાં 931 કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાનું સપ્રેડા કેન્દ્ર 94.78 ટકા મેળવીને મોખરે રહ્યું હતું. જ્યારે દાહોદ જિલ્લાનું રૂવાબારી કેન્દ્ર 14.09 ટકા સાથે સૌથી છેલ્લું રહ્યું હતું.

5 માર્ચથી 21 માર્ચ સુધી ચાલેલી ધોરણ-10ની પરીક્ષામાં 10 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

100 ટકા પરિણામ ધરાવતી શાળાઓમાં આ વર્ષે ઘટાડો થયો છે. ગત વર્ષે 366 શાળાઓ એવી હતી જેનું પરિણામ 100 ટકા આવ્યું હતું. જ્યારે આ વર્ષે 291 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે.

તો 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ગત વર્ષે 63 હતી અને તેમાં વધારો થતાં આ વર્ષે 174 શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા આવ્યું છે.

'બેજવાબદાર શિક્ષકો જવાબદાર'

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક અને જાણીતા શિક્ષણશાસ્ત્રી સુદર્શન આયંગર વર્તમાન સ્થિતિ માટે માત્ર સરકાર નહીં પણ શિક્ષકોને પણ એટલા જ દોષી માને છે.

બીબીસી સાથે વાત કરતાં સુદર્શન આયંગર કહે છે, "પ્રાથમિક શાળાઓમાં મુશ્કેલીઓ પારવાર છે, શિક્ષકો તૈયાર નથી અને શિક્ષકોને ભાષા શીખવવાની પદ્ધતિ પણ આવડતી નથી."

તેઓ કહે છે, "આઠમા ધોરણના વિદ્યાર્થીઓને જો છાપાં વાંચવાનું કહેવામાં આવે તો તેઓ શીર્ષક સારી વાંચી શકે, પરંતુ વિગતે સમાચાર વાંચવાના હોય તો તેમને મુશ્કેલી પડે. તેમનો શબ્દનો પરિચય પણ ઓછો છે. આથી તેઓ શબ્દોનું ઉચ્ચારણ પણ બરાબર કરી શકતા નથી."

ગુજરાતનાં ગામડાંઓની શાળાઓમાં શિક્ષકો ભાષા સારી રીતે ભણાવે છે કે કેમ એ પણ સવાલ તેઓ કરે છે.

તેઓ વધુમાં કહે છે, "પ્રાથમિકમાંથી નબળાં બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં આવે છે. એટલે પ્રાથમિકનો પાયો જ નબળો હોવાને લીધે, ભાષાનો જ પાયો નબળો હોવાને લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે."

"ઘરની અંદર બોલાતી ગુજરાતી ભાષામાં અંગ્રેજીની ઘેલછા બહુ વધી ગઈ છે. એના માટે હું છાપાંઓને પણ જવાબદાર ગણું છું."

"જો માતૃભાષા સારી રીતે આવડતી હોય તો અન્ય વિષયો-ભાષાઓમાં પણ પ્રભુત્વ મેળવી શકાય છે, અને એ સિદ્ધ થયેલું છે. આપણે સિદ્ધ નથી કરેલું પણ મોટા મોટા શિક્ષણશાસ્ત્રીઓ આ સિદ્ધ કરી ચૂક્યા છે."

મહાત્મા ગાંધીજીએ પણ શિક્ષણ અંગેનાં કરેલાં પોતાનાં ભાષણોમાં માતૃભાષામાં શિક્ષણ આપવાની વાત પર ભાર મૂક્યો હતો એ વાતને પણ સુદર્શન આયંગર અહીં યાદ કરે છે.

આયંગર કે છે કે ગુજરાતી ભાષાને માત્ર પાસ થવાના વિષય તરીકે જોવામાં આવે છે. આથી આપણું ગુજરાતીપણું અને માતૃભાષા પરનું લક્ષ્ય ખૂબ ઓછું થયું છે.

તેઓ કહે છે, "માતૃભાષાની આ સ્થિતિ માટે સરકાર અને શિક્ષકો પણ એટલા જવાબદાર છે. એમાંય બેજવાબદાર અને કર્તવ્યોથી મુક્ત શિક્ષકો જ આ માટે જવાબદાર છે."

તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યાપક ભરત મહેતા પણ આ સ્થિતિ માટે આપણા 'બેજવાબદારભર્યા વલણ'ને કારણભૂત ગણાવે છે.

'ભાષા માત્ર ગુજરાતી વિષય પૂરતી નથી'

બીબીસી સાથે વાત કરતાં ભરત મહેતા કહે છે, "સરકારે તો એક ધોરણથી દસમા સુધી ગુજરાતી વિષય ફરજિયાત કર્યો છે. પણ એનું ફોલૉઅપ થવું જોઈએ એ થતું નથી. આપણે ત્યાં જે ભાષા રાજ્યની છે એને માતૃભાષા કે પિતૃભાષા કહેવાનો રિવાજ છે. હકીકત એ છે કે તમારાં માતાપિતા જે ભાષા બોલતા હોય એ તમે નથીય બોલતા. આમાં પરિવેશ મહત્ત્વનો છે. એટલે પરિવેશમાં આપણે ભાષાનું માન ઘટાડ્યું છે. ધીમેધીમે માતૃભાષા પરત્વેનું આપણું વલણ બદલાતું જોવા મળે છે."

ભરત મહેતા આ મામલે પરિવેશને મહત્ત્વ આપતાં કહે છે કે પરિવેશમાં આપણે માતૃભાષાનું મૂલ્ય ઘટાડ્યું છે.

તેઓ કહે છે, "હાલના સમયમાં અંગ્રેજી ભાષા વિશ્વની જાણેઅજાણ્યે લિંક લેંગ્વેજ બની છે, પરંતુ તમારી માતૃભાષાને તમે શા માટે નગણ્ય લેખો છો. દસમા ધોરણમાં છોકરાઓને આપણે ગણિત, વિજ્ઞાનનું જેટલું દબાણ આપીએ છીએ એવું ક્યારેય ભાષા માટે આપતા નથી."

તેઓ અભિવ્યક્તિને ભાર આપતાં કહે છે કે "જ્યારે તમારી ભાષા નબળી હશે તો વિજ્ઞાન કે સમાજશાસ્ત્ર પણ નબળું રહેવાનું છે, કેમ કે આખરે અભિવ્યક્તિ તો ભાષામાં જ કરવાની છે ને."

"હ્રસ્વ, દીર્ઘમાં પડ્યા વિના અભિવ્યક્તિની તીવ્રતા મહત્ત્વની છે. ઘણા શિક્ષકો વિદ્યાર્થીઓએ લખેલા નિબંધને તપાસતી વખતે જોડણી જુએ છે, ખરેખર તો વિદ્યાર્થીએ નિબંધમાં શું લખ્યું, કેવી રીતે અભિવ્યક્ત કર્યું છે એ મહત્ત્વનું છે."

"ભાષા એટલે જોડણી નહીં, ભાષા એટલે અભિવ્યક્તિ. તમે વિદ્યાર્થીને જેટલું સારું ગુજરાતી શીખવશો એટલું જ સારું એનું ગણિત, વિજ્ઞાન, સમાજવિજ્ઞાન પણ થશે."

તેઓ કહે છે કે "ભાષા માત્ર એ ભાષાના પેપર માટે નથી. જે છોકરાઓ ભાષામાં નપાસ થયા છે એમનું ગણિત, વિજ્ઞાન પણ નબળું હોવાની પૂરી શક્યતા છે. જેનું ગણિત સારું, વિજ્ઞાન સારું એની ભાષા પણ સારી જ હશે."

"ભાષાશિક્ષણને અભિવ્યક્તિના માધ્યમ તરીકે, જ્ઞાનના એક સંપર્કના માધ્યમ તરીકે ગંભીર રીતે લેવું જોઈએ તેવો વાલીઓ, સંચાલકો, આચાર્યોને સંદેશ છે."

ભરત મહેતા વર્તમાન સમયની તાસીર તરફ દિશાનિર્દેશ કરે છે કે, "વિજ્ઞાન, ગણિતના શિક્ષકનો જેવો મોભો હોય છે એવા ભાષાશિક્ષકનો નથી હોતો. 'ભાષા સારી હોવી એ ખુમારી અને ગૌરવની બાબત છે' એ ગૌરવ પેદા કરવું પડશે."

શિક્ષણમાં કેવા-કેવા ફેરફારને અવકાશ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

જાણીતા શિક્ષણશાસ્ત્રી અને વર્તમાન સ્થિતિ પર સતત નજર રાખતાં રોહિત શુક્લ કહે છે કે સરકારની મોટામાં મોટી સમસ્યા એ છે કે પૂરતા પ્રમાણમાં, સારા અને લાયકાત ધરાવતાં શિક્ષકો હોવા છતાં ભરતી કરતી જ નથી.

"ઘણીબધી નિશાળો એવી છે, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં પરિસ્થિતિ એવી છે કે જાણે કે શિક્ષકો છે જ નહીં, શિક્ષકો પૂરતા મળતા નથી. આ એક મોટો પ્રશ્ન છે અને ગમે તે કારણસર સરકાર વર્ષોથી આ મામલે નિષ્ક્રિય છે."

"સરકાર માટે કદાચ આ કોઈ ગંભીર બાબત નહીં હોય પણ સમાજ માટે મોટો ચિંતાનો મુદ્દો છે. આપણે આપણી ભાષા ભૂલવા તો માંડ્યા જ છીએ, પરંતુ સાથેસાથે ગુજરાતી ભાષાનો જે સામાન્ય પ્રેમ હોવો જોઈએ, સમજ હોવી જોઈએ એ આપણો સમાજ ગુમાવતો જાય છે."

રોહિત શુક્લ કહે છે કે સરકાર ટીકા સાંભળવા માટે તૈયાર નથી એ મોટામાં મોટી સમસ્યા છે.

તેઓ એમ પણ કહે છે કે "બહુ ઓછું ગુજરાતી જાણનારા આઈએએસ અધિકારીઓ જ્યારે શિક્ષણમાં અધિકારી બને છે ત્યારે તેમને આ બાબતની બહુ પડી હોતી નથી."

'સારા શિક્ષકો કેમ નથી રખાતા?'

રોહિત શુક્લ કહે છે, "નિશાળોમાં આપણે ત્યાં ગુજરાતી બોલાય છે, પણ બાર ગાઉએ બોલી બદલાતી હોય છે. આથી બધી બોલીઓને ભેગી કરીને એક સારો પાઠ્યક્રમ તૈયાર કરીને બાળકોને ભણાવવા જોઈએ. અહીં સરકારની મોટી જવાબદાર બને છે."

તેઓ સવાલ કરે છે કે આવા સારા અભ્યાસક્રમો તૈયાર કરી શકે એવા શિક્ષકો આપણે કેમ નથી રાખતા?

તેઓ કહે છે, "શિક્ષકો વર્ગમાં જઈને શું ભણાવે છે એની પણ તકેદારી રાખવી જોઈએ. ઘણી વાર એવું બને છે કે શિક્ષકો વર્ગમાં જતા જ નથી. શિક્ષકો ગામડાંની નિશાળોમાં હાજર જ નથી હોતા એવું પણ બને છે."

રોહિત શુક્લ વર્તમાન શિક્ષણ અને શિક્ષણપદ્ધતિમાં ફેરબદલના ઉપાય સૂચવતાં કહે છે કે "આ મામલે ઘણીબધી સત્તા (ખાસ કરીને ગામડાંઓમાં) સરપંચોને આપવી જોઈએ. ગામનો સરપંચ પગારબિલ પર સહી કરે તો જ શિક્ષકોને પગાર મળે. આ બિલકુલ જરૂરી છે, કેમ કે શિક્ષકો તરફથી બેદરકારી ન ચાલે."

"માતૃભાષા આવડે એટલે શિક્ષણ કરતાં આવડે એવું નથી. માતૃભાષા કેવી રીતે વર્ગમાં ભણાવવી એના સારા તાલીમવર્ગો હોવા જોઈએ. જોડણી, સંધિ, સમાસ, રસદર્શન કેમ કરવું, કરાવવું વગેરે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ."

"તેમજ કોઈ પદ કે ભજન ભણાવતાં હોઈએ ત્યારે માત્ર ગોખી જવું કે બોલી જવાનું નહીં પણ વિદ્યાર્થીઓમાં રસ ઉત્પત્ન થાય એ રીતે તેનું રસદર્શન થવું જોઈએ. આ માટે શિક્ષકોને મોટા પ્રમાણમાં તાલીમ આપીને પ્રવૃત્ત કરવા જોઈએ."

તો વડોદરાના સેન્ટર ફોર કલ્ચર ઍન્ડ ડેવલપમૅન્ટ સ્ટડીઝના રિસર્ચ કન્સલ્ટન્ટ ડૉ. જયેશ શાહ પણ શિક્ષણ વ્યવસ્થામાં કેટલાક ફેરફારો સૂચવે છે:

- નો ડિટેન્શન પૉલિસીની ફરીથી સમીક્ષા કરવામાં આવે અને તેને રદ કરવામાં આવે.

- લોકબોલીમાં ધોરણ એકથી ત્રણનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે.

- ધોરણ આઠ પછી બૉર્ડની પરીક્ષા લેવામાં આવે.

ધોરણ-10નું સાચું પરિણામ કેટલા ટકા?

ઇમેજ સ્રોત, Getty Images

વડોદરાના સેન્ટર ફોર કલ્ચર ઍન્ડ ડેવલપમૅન્ટ સ્ટડીઝના રિસર્ચ કન્સલ્ટન્ટ ડૉ. જયેશ શાહ કહે છે કે નિયમિત પરીક્ષા આપનાર, ફરીથી પરીક્ષા આપનારા અગાઉ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ, ખાનગી ઉમેદવારો, આઇસોલેટેડ વિદ્યાર્થીઓ તરીકે પરીક્ષા આપનારા ઉમેદવારોની ગણતરી કરીએ તો કુલ પરીક્ષાર્થીઓની સંખ્યા 10,59,013 થાય.

શાહનો દાવો છે કે એમાંથી 5,01,209 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે એ દૃષ્ટિએ પરિણામ 60.64 ટકા નહીં પણ 48.33 ટકા આવ્યું કહેવાય.

શાહ કહે છે કે 60.64 ટકા પરિણામ તો નિયમિત પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું જ છે.

ડૉ. જયેશ શાહ આ પરિણામને નબળું ગણાવે છે અને એ અંગે નીચેનાં કારણો આપે છે:

1. એનસીઈઆરટીનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો એ પછી શિક્ષકોને તાલીમ આપવામાં અને મૂલ્યાંકન કરવામાં શિક્ષણખાતું માર ખાઈ ગયું.

2. MCQ સિસ્ટમ બંધ કરાઈ અને મોટા ભાગના સબ્જેક્ટિવ પ્રશ્નો આધારિત પરીક્ષા લેવાઈ

3. બૉર્ડ દ્વારા જાહેર કરાયેલી બ્લૂ-પ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર

ડૉ. શાહનું કહેવું છે કે 2011માં 71.06 ટકા પરિણામ આવ્યું હતું અને એ પછી પરિણામ સતત ઘટ્યું છે.

ઉલ્લેખનીય છે કે માર્ચ 2019માં લેવાયેલી ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું કુલ પરિણામ 66.97 ટકા આવ્યું હતું. ગત વર્ષે 8 લાખ 23 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ગત વર્ષે પણ રાજ્યમાં સુરત જિલ્લાનું પરિણામ સૌથી ઊંચું 79.63 ટકા આવ્યું હતું અને છોટા ઉદેપુર જિલ્લાનું પરિણામ 46.38 ટકા આવ્યું હતું.

પ્રાથમિક શિક્ષણમાંથી કચાસવાળા વિદ્યાર્થીઓ આવે છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન,

બોર્ડની પરીક્ષામાં પાસ થયેલાં વિદ્યાર્થી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં મદદનીશ સચિવ એચ.જે. દેસાઈ કહે છે કે પ્રાથમિક શિક્ષણમાંથી કચાશવાળા વિદ્યાર્થીઓ આવતાં હોય છે.

તેઓ કહે છે, "વિદ્યાર્થીઓમાં વાંચનલેખનની ઊણપ હોય છે. એના કારણે દસમા ધોરણમાં એમની લેખનશક્તિ-ભાષાશક્તિનો વિકાસ એટલો થયેલો હોતો નથી. એના કારણે પરિણામ નબળું આવતું હોય એવું બને."

તેઓ કહે છે કે "જો પ્રાથમિક શાળાથી વિદ્યાર્થી વાંચન-લેખન વગેરેમાં સારી રીતે તૈયાર થઈને આવે તો ખરેખર આવું પરિણામ ન જ આવે. તેમની ઉત્તરવહીઓ જોઈએ ત્યારે ખબર પડે કે તેમનું લખાણ, ભાષા, અક્ષરો વગેરે ખૂબ નબળું હોય છે.

આ મુદ્દે વાત કરવા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો