ભારત-નેપાળ બૉર્ડર પર ગોળીબાર, એકનું મૃત્યુ અને બે ઘાયલ થવાની પુષ્ટિ

મૃતકના પરિવરજનો

ઇમેજ સ્રોત, SEETU TIWARI

બિહારના સીતામઢી જિલ્લામાં ઇન્ડો-નેપાળ બૉર્ડર પર ગોળીબાર થયો છે, જેમાં એક વ્યક્તિના મૃત્યુ અને બે વ્યક્તિને ઇજા પહોંચવાની વાતની પુષ્ટિ કરાઈ છે.

સીતામઢીના એસપી અનિલ કુમારે બીબીસીને આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે સીતામઢીના સોનબરસા વિસ્તારમાં ભારતની તરફથી જાનકીનગર અને નેપાળના નારાયણપુરમાં શુક્રવારે સવારે સાડા આઠથી નવ વાગ્યા દરમિયાન ગોળીબાર થયો છે.

તેમણે જણાવ્યું, "ભારતના સ્થાનિક લોકો અને નેપાળ પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાદ ગોળી ચલાવાઈ, જેમાં એકનું મૃત્યુ થયું જ્યારે બેને ઇજા પહોંચી છે. બન્ને ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને બન્ને જોખમમાંથી બહાર છે."

જોકે, આ ઘર્ષણ કયા મુદ્દે થયું એ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું.

સીતામઢીના સ્થાનિક પત્રકાર જ્ઞાનરંજને બીબીસીને જણાવ્યું, "નેપાળી પોલીસ અનુસાર ભારતીય નાગરિકોએ તેમની પાસેથી હથિયાર આંચકવાનો પ્રયાસ કર્યો હતો. પાંચ ભારતીયોને ગોળી વાગી હોવાની અમને જાણકારી મળી રહી છે. આમાંથી એકનું મૃત્યુ થઈ ગયું છે, જેનું નામ વિકેશ ઉર્ફે વિકાસ હતું."

જ્ઞાનરંજના મતે આ ઘટના નેપાળના વિસ્તારમાં ઘટી છે. તેમણે જણાવ્યું કે લૉકડાઉન દરમિયાન નાનોમોટો તણાવ સર્જાતો રહ્યો છે. પણ કોઈ મોટી ઘટના નહોતી ઘટી.

તેમણે એવું પણ જણાવ્યું કે સશસ્ત્ર સીમાદળ અને સીતામઢી પોલીસ તરફથી આ ઘટના અંગે અધિકૃત નિવેદન આવવાનું બાકી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો