CAA-NRC : 'પાકિસ્તાન ઝિંદાબાદ'નો નારો લગાવનારી યુવતીને રાજદ્રોહ કેસમાં આ કારણે મળ્યા જામીન

  • ઇમરાન કુરૈશી
  • બીબીસી ગુજરાતી માટે
અમૂલ્યા મંચ પર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન,

અમૂલ્યા મંચ પર

આ વર્ષે ફેબ્રુઆરીમાં નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ના વિરોધમાં આયોજિત રૅલીમાં પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવવા પર રાજદ્રોહના કેસમાં આરોપી બનાવવામાં આવેલાં 19 વર્ષીય વિદ્યાર્થિનીને બૅંગલુરુની એક અદાલતમાંથી જામીન મળી ગયાં છે.

આ મામલામાં પોલીસ 90 દિવસની અંદર આરોપપત્ર દાખલ ન કરી શકી.

કૉલેજમાં ભણતાં અમૂલ્યા એન નરોન્હાએ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની હાજરીમાં નારેબાજી કરી હતી અને વિવાદ થયો હતો. કાર્યક્રમમાં જ્યારે અમૂલ્યાએ આ નારો લગાવ્યો ત્યારે સાંસદ ઓવૈસી અને અન્ય લોકો સ્તબ્ધ રહી ગયા હતા.

વિદ્યાર્થિનીનાં વકીલ પ્રસન્ના આરે બીબીસીને કહ્યું કે બધી ઔપચારિકતા ગુરુવારે પૂર્ણ થઈ ગઈ હતી અને શુક્રવારે મૅજિસ્ટ્રેટે તેમને મુક્ત કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યાર પછી સાંજે 8.15 વાગ્યે અમૂલ્યા જેલથી બહાર નીકળ્યાં અને પોતાનાં માતાને ભેટી પડ્યાં.

કર્ણાટકમાં ફેબ્રુઆરીમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં આયોજિત રૅલીમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા પરંતુ કન્નડ અને અંગ્રેજીમાં ધારા-પ્રવાહ બોલવાને કારણે આ વિદ્યાર્થિની બધાની નજરોમાં અલગ તરી આવ્યાં હતાં.

20 ફેબ્રુઆરીના ફ્રીડમ પાર્કમાં આયોજિત રૅલીમાં આ વિદ્યાર્થીનીએ પોતાનાં ભાષણની શરૂઆત પહેલા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ અને પછી ‘ભારત જિંદાબાદ’ના નારા સાથે કરી હતી. ત્યાર પછી તેમણે અન્ય દેશોના નામ પણ લીધા હતા અને તેમના માટે ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

વિદ્યાર્થીનીનો તર્ક

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન,

ઓવૈસી

આ વિશે તેમણે 16 ફેબ્રુઆરીના દિવસે પોતાની ફેસબુક પોસ્ટમાં તેમણે લખ્યું, “હિંદુસ્તાન ઝિંદાબાદ, પાકિસ્તાન ઝિંદાબાદ, બાંગ્લાદેશ ઝિંદાબાદ, શ્રીલંકા ઝિંદાબાદ, નેપાળ ઝિંદાબાદ, ચીન ઝિંદાબાદ, ભૂટાન ઝિંદાબાદ....જે પણ દેશ છે, બધા દેશ ઝિંદાબાદ........”

અમૂલ્યાએ તર્ક આપ્યો, “રાષ્ટ્રનો અર્થ ત્યાં રહેતા લોકો છે. દરેક વ્યક્તિને મૂળભૂત સુવિધા મળવી જોઈએ. બધાને મૂળભૂત અધિકાર મળવા જોઈએ. સરકારોએ પોતાના લોકોનું ધ્યાન રાખવું જોઈએ. જે પણ પોતાના લોકોની સેવા કરે તે બધા માટે ઝિંદાબાદ.”

અમૂલ્યાએ આગળ કહ્યું, “જો હું કોઈ રાષ્ટ્રનું નામ લઈને ઝિંદાબાદ કહું તો એટલાથી હું એ રાષ્ટ્રનો ભાગ નથી બની જતી. કાયદાકીય રીતે હું ભારતની નાગરિક છું. પોતાના રાષ્ટ્રનું સન્માન કરવું અને પોતાના રાષ્ટ્રના લોકોની સેવા કરવી એક મારી ફરજ છે. હું એ કરતી રહીશ. જોઈએ આરએસએસવાળા શું કરે છે.”

પરંતુ પાકિસ્તાન ઝિંદાબાદનો નારો સાંભળતા જ ત્યાં હાજર બધા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

હૈદારબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી તે સમયે નમાઝ પઢવા જઈ રહ્યા હતા પરંતુ જેમ તેમણે આ નારો સાંભળ્યો, તે માઇક તરફ ભાગ્યા અને અમૂલ્યાને કહ્યું કે તેમણે આ પ્રકારની વાત ન કરવી જોઈએ.

તરત અમૂલ્યાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં અને પોલીસે તેમનાં પર રાજદ્રોહનો કેસ દાખલ કર્યો.

અમુક લોકોએ અમૂલ્યાનાં ઘર પર હુમલો કર્યો અને તેમનાં પિતાને એ કહેવા માટે મજબૂર કર્યા હતા કે તેઓ પોતાની પુત્રીને એ ઘરમાં નહીં રહેવા દે.

ભાજપના એક નેતા બીએલ સંતોષે તે સમયે ટ્વીટ કર્યું હતું, "સીએએ વિરોધ પ્રદર્શનનું પાગલપન જુવો. એક વામપંથી કાર્યકર્તા બૅંગલુરુમાં પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવે છે. હાંસિયા પર ઉભેલા લોકોએ વિરોધપ્રદર્શનને પૂર્ણ રીતે કબજામાં લઈ લીધું છે. હવે આ કહેવાનો સમય આવી ગયો છે કે ‘બહુ થયું’.”

'90 દિવસમાં ચાર્જશીટ દાખલ ન કરી શકી પોલીસ'

વિદ્યાર્થિનીને જેલમાંથી 20મેના દિવસે જામીન મળવાપાત્ર હતાં, જ્યારે 90 દિવસનો સમયગાળો પૂરો થઈ રહ્યો હતો. પરંતુ કાયદાકીય ગૂંચવણ અને કોરોના લૉકડાઉનને કારણે પ્રક્રિયામાં વિલંબ થયો.

આ પહેલા સેશન કોર્ટે એ કહીને તેમની જામીનની અરજી રદ કરી હતી કે જો તેમને જામીન આપવામાં આવ્યા તો બની શકે કે તે ફરાર થઈ જાય અથવા બીજી વખત આવા ગુનો કરે, જે શાંતિ માટે ખતરો હોઈ શકે છે.

લૉકડાઉનને કારણે અમૂલ્યાનાં વકીલ હાઈકોર્ટ ગયા પરંતુ પછી તેમણે હાઈકોર્ટમાંથી પોતાની અરજી પાછી લીધી અને પછી નીચલી અદાલતમાં ગયા.

અમૂલ્યાનાં વકીલ પ્રસન્નાએ કહ્યું, “અમે લોકોએ હોઈકોર્ટમાંથી અરજી પાછી લીધી. આ દરમિયાન 90 દિવસથી વધારે સમયગાળો વીતી ગયો હતો અને અમારી પાસે સીઆરપીસીની ધારા 167(2) હેઠળ મૅજિસ્ટ્રેટ કોર્ટમાં જવાનો વિકલ્પ હતો. અમે 26મેના ઑનલાઇન અરજી દાખલ કરી હતી પરંતુ ઈમેલ નહોતું કામ કરી રહ્યું. 29 મેના અમે પોતે મૅજિસ્ટ્રેટ પાસે પહોંચ્યાં.”

પ્રસન્નાએ કહ્યું કે 90 દિવસ પછી અટકાયતમાં રાખવું ગેરકાયદેસર છે અને સુપ્રીમ કોર્ટનો 2014નો આદેશ છે કે જે દિવસે 167(2) હેઠળ અરજી દાખલ કરવામાં આવે છે, તેની સુનાવણી તે જ દિવસે થવી જોઈએ અને તે દિવસે જ નિર્ણય થવો જઈએ.

વકીલ પ્રસન્ના મુજબ પોલીસે ત્રણ જૂનના દિવસે ચાર્જશીટ દાખલ કરી હતી ત્યાર બાદ સુનાવણી થઈ અને અદાલતે જામીનનો આદેશ આપ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો