કોરોના વાઇરસ : એ શખ્સ જેમણે ફૂટપાથ પર તરફડતાં દમ તોડ્યો

  • દીપ્તિ બાથિની
  • બીબીસી તેલુગુ
શ્રીનિવાસ બાબુ

"મહેરબાની કરીને મારી મદદ કરો. મને હૉસ્પિટલ લઈ જાવ. હું શ્વાસ લઈ શકતો નથી." આ અંતિમ શબ્દો 60 વર્ષીય શ્રીનિવાસ બાબુના છે.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં શ્રીનિવાસ રસ્તા પર પડેલા છે અને મદદની વિનંતી કરી રહ્યા છે. એક મહિલા તેમને અનેક સવાલો પૂછતાં જોઈ શકાય છે.

તેલંગણાના મેડક જિલ્લામાં આ ઘટના બુધવારે ઘટી હતી, જે હૈદરાબાદથી 70 કિલોમીટર દૂર છે.

સ્થાનિકો લોકોના કહેવા બાદ સ્થળ પર પહોંચેલી પોલીસે કહ્યું, "અમે 108 પર ફોન કરીને ઍમ્બુલન્સ બોલાવી. ઍમ્બુલન્સને આવતાં એક કલાક થયો."

"સ્થળ પર પહોંચીને ઍમ્બુલન્સના સ્ટાફે કહ્યું કે તેમની પાસે પીપીઈ કિટ નથી અને દર્દીને કોવિડ-19નાં લક્ષણો છે, આથી તેઓ બીજી ઍમ્બુલન્સ બોલાવે. જ્યારે બીજી ઍમ્બુલન્સ આવી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું."

તપાસમાં ખબર પડી કે ઘટનાસ્થળે પહોંચેલી ઍમ્બુલન્સમાં બે પીપીઈ કિટ હતી, પરંતુ દર્દીને કોવિડ-19 હોવાના ડરથી સ્ટાફ ભયમાં હતો અને ત્યાં દર્દી માટે પીપીઈ કિટ પણ નહોતી.

line

'મોડું થતાં જીવ ગયો'

તપાસમાં ખબર પડી કે ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સમાં બે પીપીઈ કિટ હતી

ઇમેજ સ્રોત, UGC VIDEO

ઇમેજ કૅપ્શન,

તપાસમાં ખબર પડી કે ઘટનાસ્થળે પહોંચેલી ઍમ્બુલન્સમાં બે પીપીઈ કિટ હતી

મેડકના મેડિકલ ઍન્ડ હેલ્થ ઑફિસર ડૉક્ટર વેંકટેશ્વર રાવે બીબીસી ન્યૂઝ તેલુગુને કહ્યું કે તેઓએ શ્રીનિવાસની બાબુની પત્ની સાથે વાત કરી છે અને તેઓ હૈદરાબાદના ઇસ્ટ મેરેડપલ્લીમાં રહે છે.

ડૉક્ટર વેંકટેશ્વર રાવે કહ્યું, "એવું લાગે છે કે શ્રીનિવાસ સરકારી બસથી હૈદરાબાદ પરત આવતા હતા ત્યારે તેઓએ બેચેનીની ફરિયાદ કરી. તેઓએ પોતાને નજીકની હૉસ્પિટલ ઉતારવા કહ્યું."

"ચેગુંટામાં બસે તેઓને પ્રાથમિક ચિકિત્સાલય પાસે ઉતારી દીધા. સ્થાનિક લોકોએ પોલીસ બોલાવી ને પોલીસે ઍમ્બુલન્સ બોલાવી. આ પહેલાં પ્રાથમિક ચિકિત્સાલયમાં નર્સે તેઓએ ઇન્જેક્શન અને દવાઓ આપી હતી."

"ઍમ્બુલન્સે તેમને જિલ્લા હૉસ્પિટલ પહોંચાડવાના હતા, પરંતુ મોડું થવાને કારણે તેમનો જીવ ગયો."

તેલંગણામાં જીવીકે ઈએમઆરઆઈ સાથે મળીને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ 108 ઍમ્બુલન્સ સેવા ચલાવે છે.

ડૉક્ટર વેંકટેશ્વર રાવે કહે છે, "માત્ર મેડક જિલ્લામાં આઠ ઍમ્બુલન્સ છે. અમે બે ઍમ્બુલન્સ કોવિડ-19 માટે રાખી છે. બાકીની છ રેગ્યુલર ઇમરજન્સી માટે છે.

આ જીવીકે ઈએમઆરઆઈની જવાબદારી છે કે તેઓ 108ના સ્ટાફને પીપીઈ કિટ આપે. તેમજ અમે તેમને 100 કિટ આપી છે."

"108ની ફરજ છે કે તેઓ પ્રાથમિક ઉપચાર આપે અને કિંમતી સમય ન વેડફતા દર્દીને હૉસ્પિટલ પહોંચાડે. મને નથી ખબર કે ઍમ્બુલન્સ પાસે પીપીઈ કિટ કેમ નહોતી."

"દર્દીને લઈ જવાની ના પાડનાર 108ના ડ્રાઇવર અને ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયનને મેં બરખાસ્ત કરવાના નિર્દેશ આપ્યા છે."

line

'કલ્યાણી બધું ખતમ થઈ ગયું'

શ્રીનિવાસ બાબુનાં પત્ની
ઇમેજ કૅપ્શન,

શ્રીનિવાસ બાબુનાં પત્ની

બીબીસી ન્યૂઝ તેલુગુએ ઍમ્બુલન્સના ડ્રાઇવર અને ટેકનિશિયન સાથે વાત કરી તો તેમનું કહેવું હતું કે તેમની પાસે બે પીપીઈ કિટ હતી.

તેઓએ કહ્યું, "અમે ઘટનસ્થળે 30 મિનિટમાં પહોંચી ગયા હતા. જ્યારે અમે પહોંચ્યા ત્યારે ત્યાં પોલીસ, પ્રાથમિક આરોગ્યની ટીમની નર્સ અને અન્ય સ્ટાફ હતો. અમે નર્સને પૂછ્યું તો તેમણે કહ્યું કે દર્દી કોવિડ શંકાસ્પદ લાગે છે."

"કોઈ પણ તેની પાસે જતું નહોતું. તેમની પાસે માસ્ક અને મોજાં હતાં. અમે ભયમાં હતા, કેમ કે અમે અત્યાર સુધી કોવિડનો એક પણ કેસ જોયો નહોતો. અમારી પાસે બે પીપીઈ કિટ હતી."

"જો અમે તેમને લઈ જાત તો પણ અમારી પાસે ઍમ્બુલન્સ સેનિટાઇઝ કરવા માટે સેનિટાઇઝર નહોતું. આથી અમે અમારા સિનિયર અધિકારી સાથે વાત કરી અને તેઓએ કોવિડવાળી ઍમ્બુલન્સ મોકલવા કહ્યું અને અમે નીકળી ગયા."

શ્રીનિવાસ બાબુના અંતિમસંસ્કાર બાદ હૈદરાબાદમાં તેમનો પરિવાર આઘાતમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યો છે.

તેઓ તેમનાં પત્ની, એક પુત્રી અને એક પુત્રને છોડતાં ગયા છે. 26 વર્ષીય શ્વેતા માનસિક રીતે નબળા છે.

તેમનાં પત્ની કલ્યાણી બપોરે આવેલા ફોન કૉલને યાદ કરતાં કહે છે, "કલ્યાણી બધું ખતમ થઈ ગયું. મને લાગે છે કે મારી પાસે પાંચ મિનિટ બચી છે. ઍમ્બુલન્સ નહીં આવે. તું મારાથી ઘણી દૂર છો. મારા પિતા અને બાળકોનું ધ્યાન રાખજે. હવે બધું ખતમ થઈ ગયું છે."

આ કહેતાં કલ્યાણી રોઈ પડે છે અને સવાલ કરે છે, "મારી પુત્રી તેના પિતા વિના ઊંઘતી નથી. તેને ખબર નથી કે તેના પિતા આ દુનિયામાં હવે નથી રહ્યા. હવે હું એકલી તેનું ધ્યાન કેવી રીતે રાખીશ?"

કોરોના વાઇરસ

શ્રીનિવાસ બાબુના પુત્ર ભાનુચંદ કહે છે, "વીડિયો જોયા બાદ મારે કોને દોષ દેવો જોઈએ? એવું લાગે છે કે કોઈમાં કોઈ નૈતિક મૂલ્ય બચ્યું નથી. જ્યારે મહામારીમાં એક ઍમ્બુલન્સ બોલાવાય છે તો તેમની પાસે પીપીઈ કિટ નથી હોતી. શું આ મજાક છે. બધી 'તૈયારીઓ' આખરે ક્યાં ગઈ?"

જેમના અંતર્ગત 108 ઍમ્બુલન્સ આવે છે એવા જીવીકે ઈએમઆરઆઈના સીઓએ પી. બ્રહ્માનંદ સાથે અમે વાત કરી.

તેઓએ કહ્યું, "રાજ્યમાં 351 ઍમ્બુલન્સ છે, જેમાં 92ને કોવિડ-19ની ખાસ સેવામાં જોતરવામાં આવી છે. તેમાંથી 30 ગ્રેટર હૈદરાબાદ અને બાકીની 62 અન્ય જિલ્લાઓમાં છે."

"આ ઍમ્બુલન્સમાં 10 પીપીઈ કિટ અને સેનિટાઇઝર આપવામાં આવી છે. બાકીની ઍમ્બુલન્સ રેગ્યુલર ઇમરજન્સી સેવામાં છે, જેમાં ચાર પીપીઈ કિટ છે."

તેઓએ કહ્યું, "અમને નથી કરતાં કે સ્ટાફે પીપીઈ કિટનો ઉપયોગ કેમ ન કર્યો? શ્વાસની બધી તકલીફો કોવિડ જ હોય એ જરૂરી નથી. કોવિડ દર્દી સમજીને દર્દીને શિફ્ટ ન કરવો ભૂલ છે."

"અમે અમારા સ્ટાફને પીપીઈ કિટનો ઉપયોગ અને તેના નાશ માટેની ટ્રેનિંગ આપી છે. અમે ડ્રાઇવર અને ટેકનિશિયન સામે કાર્યવાહી કરી છે અને તેમની હૈદરાબાદ ટ્રાન્સફર કરી દેવાઈ છે."

કોરોના

તો રાજ્યનું કહેવું છે કે તેની પાસે પૂરતી પીપીઈ કિટ છે. હાઈકોર્ટમાં સાર્વજનિક સ્વાસ્થ્યના નિદેશકે રિપોર્ટ આપ્યો હતો, જેમાં સૂચિત કરવામાં આવ્યું હતું કે 2 જૂન સુધી તેમની પાસે સાત લાખ પીપીઈ કિટ હતી.

જોકે કોર્ટે કહ્યું હતું કે કેટલો સ્ટાફ છે એ જાણવું 'પ્રાસંગિક' નથી.

જોકે કોવિડ-19ના ટેસ્ટ માટે શ્રીનિવાસનું કોઈ સૅમ્પલ લેવાયું નહોતું. અધિકારીઓનું કહેવું છે કે તેઓ મૃત લોકોનો કોરોના ટેસ્ટ કરતા નથી.

પણ તેલંગણા હાઈકોર્ટે મૃત લોકોના કોવિડ-19 ટેસ્ટ કરવાના નિર્દેશ આપ્યા છે.

રાજ્ય સરકારનું કહેવું છે કે આ પ્રકારે હાઈકોર્ટના આદેશને લાગુ કરવો કઠિન છે.

રાજ્ય સરકારનું કહેવું છે કે રાજ્યમાં રોજ અનેક કારણોથી 900થી 1000 લોકોનાં મૃત્યુ થાય છે, એ શક્ય નથી કે બધાના ટેસ્ટ થઈ શકે.

રાજ્ય સરકારે હાઈકોર્ટના આદેશ પર રોક માટે સુપ્રીમ કોર્ટનો સહારો લીધો છે.

શ્રીનિવાસનું મૃત્યુ કોવિડ-19ને કારણે થયું કે અન્ય શ્વાસની બીમારીથી એ જાણી શકાયું નથી.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો