કાશ્મીરની નવી નીતિ મીડિયા હાઉસ કે પત્રકારને પણ 'દેશદ્રોહી' ઘોષિત કરશે?

  • માજિદ જહાંગીર
  • શ્રીનગરથી, બીબીસી ગુજરાતી માટે
મીડિયા

ઇમેજ સ્રોત, SOPA IMAGES

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર પ્રશાસનની નવી મીડિયા નીતિની ઘાટીના પત્રકારો ખૂબ ગુસ્સે છે.

નવી મીડિયા નીતિ હેઠળ સરકારી જાહેરાત માટે સૂચિબદ્ધ કરતાં પહેલાં છાપાંના પ્રકાશકો, સંપાદકો અને અન્ય પ્રમુખ સ્ટાફ માટે તેમની પૃષ્ઠભૂમિની તપાસ કરવી અનિવાર્ય હશે તેમજ પત્રકારોએ માન્યતા માટે સુરક્ષા મંજૂરી પણ લેવી પડશે.

2 જૂને પ્રશાસને નવી મીડિયા નીતિની જાહેરાત કરી હતી, જે અંતર્ગત તેને એ અધિકાર છે કે તેઓ કોઈને પણ 'નકલી', 'અનૈતિક' અને 'દેશદ્રોહી' ઘોષિત કરી શકે છે અને પત્રકારો કે મીડિયા સંગઠન સામે કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.

આ સિવાય એ મીડિયા સંગઠનની સરકારી જાહેરાત બંધ કરી શકે છે અને સુરક્ષા એજન્સીઓને જાણકારી આપી શકે છે.

50 પાનાંની નીતિઓના દસ્તાવેજમાં કહેવાયું છે કે જમ્મુ-કાશ્મીર માટે મહત્ત્વપૂર્ણ કાયદો અને સુરક્ષા પ્રાથમિકતા છે, કેમ કે તે સીમા પારથી સમર્થિત અને છદ્મયુદ્ધ લડી રહ્યું છે.

નવી મીડિયા નીતિની ટીકા કરતા કાશ્મીરના વરિષ્ઠ પત્રકારોએ તેને સામાન્ય લોકોના સમાચારના સ્વતંત્ર પ્રવાહ માટે ખતરનાક ગણાવી છે.

કેવી રીતે નક્કી થશે 'રાષ્ટ્રવિરોધી' સમાચાર

ઇમેજ સ્રોત, NURPHOTO

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

શ્રીનગરસ્થિત વરિષ્ઠ પત્રકાર હારુન રેશી બીબીસીને કહે છે, "મને લાગે છે કે આ નવી મીડિયા નીતિ કાશ્મીરના મીડિયા સમુદાય પર જબરજસ્તી લાગુ કરાઈ રહી છે. સરકારનો આદેશ હોવાથી તેઓ તેને લાગુ કરશે. પત્રકાર માત્ર વિરોધ કરી શકે છે. એ સ્પષ્ટ છે કે જ્યારે પ્રશાસન તેને લાગુ કરશે ત્યારે પત્રકારો ઘણી સમસ્યાનો સામનો કરશે. આ બહુ ખતરનાક છે કે સરકાર પાસે એ થોપવાની તાકાત હશે કે કોણ 'રાષ્ટ્રવિરોધી' છે અને કઈ 'રાષ્ટ્રવિરોધી' સામગ્રી કઈ છે."

રેશી કહે છે કે "એ પણ સમજાતું નથી કે કોણ નક્કી કરશે કે 'ફેક ન્યૂઝ' કે 'રાષ્ટ્રવિરોધી' શું છે, કોઈ પણ પત્રકારના સમાચારને ફેક ન્યૂઝ ઘોષિત કરાઈ શકાય છે, સરકારે આ બધા સવાલોના જવાબ આપવા જોઈએ."

તેઓ કહે છે, "સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે 'ફેક ન્યૂઝ' કે કોઈ પણ 'રાષ્ટ્રવિરોધી' સમાચારને ફેલાવવા પર કાયદાકીય કાર્યવાહી થશે. પત્રકાર કોઈ પણ સમાચારને 'રાષ્ટ્રવિરોધી' નથી સમજતા, આથી પત્રકારો કોઈ પણ પગલું ભરતાં પહેલાં વધુ સાવધ રહેશે."

પૃષ્ઠભૂમિની તપાસ પણ ખોટી નથી

ઇમેજ સ્રોત, YAWAR NAZIR

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

જોકે રેશી સુરક્ષા એજન્સીઓ દ્વારા પત્રકારોની પૃષ્ઠભૂમિની તપાસને ખોટી નથી માનતા.

તેઓ કહે છે, "સુરક્ષા એજન્સીઓને ક્લિયરન્સ મળવાનો સવાલ છે તો એમાં કોઈ વિરોધ ન હોવો જોઈએ. સરકારનો આ મામલે એક મજબૂત તર્ક છે. તમે જાણો છો કે કાશ્મીરની સ્થિતિ સારી નથી. અને જે પણ અસલી પત્રકાર હશે એ સુરક્ષા ક્લિયરન્સ લઈ લેશે, જે એક સારું પગલું છે."

દૈનિક ન્યૂઝપેપર ચતનના સંપાદક અને માલિક તાહિર મોહિઉદ્દીન કહે છે કે કોઈ પણ મીડિયા નીતિ બનાવતા પહેલાં સરકારે કેટલાક વરિષ્ઠ પત્રકારો સાથે વાત કરવી જોઈતી હતી, પણ એવું કરાયું નથી.

મોહિઉદ્દીન કહે છે, "આ એકપક્ષીય નીતિ લાગે છે. માહિતી વિભાગે નવી મીડિયા નીતિ બનાવતા પહેલાં કેટલાક વરિષ્ઠ પત્રકારો સાથે વિચારવિમર્શ કરવો જોઈતો હતો. તેઓએ બનાવી દીધી અને લાગુ કરી દીધી. તેઓએ 'ફેક ન્યૂઝ'ની પણ વાત કરી. હવે સવાલ એ છે કે 'ફેક ન્યૂઝ' કયા છે અને કયા નહીં એ કોણ નક્કી કરશે."

તેઓ કહે છે કે તે 'ફેક ન્યૂઝ' શું કામ છાપે, કેમ કે તે એક જવાબદાર વ્યક્તિ છે અને આ અભિવ્યક્તિની આઝાદી પર અંકુશ લગાવશે. આ નીતિમાં ઘણીબધી ખામીઓ છે.

કાયદો કોણે બનાવ્યો?

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY

ઇમેજ કૅપ્શન,

ફોટો ખેંચતી મહિલા પત્રકાર

કાશ્મીર વિશ્વવિદ્યાલયમાં મીડિયા એજ્યુકેશન રિસર્ચ સેન્ટરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર નાસિર મિર્જા કહે છે કે સવાલ એ છે કે આ કાયદો કોણે બનાવ્યો અને તેમની પાસે શું અધિકાર છે.

મિર્ઝા કહે છે, "અમારે એ દસ્તાવેજ જોવા છે જેમાં આ કાયદો બનાવાયો છે અથવા જેઓએ તેને બનાવ્યો છે. તમે એક લોકતાંત્રિક સમાજ છો તો તમારે એક સમિતિ બનાવવી જોઈએ જે સૂચનો આપે. એક પ્રક્રિયા હોય તેનું પાલન કરાય. આ એક એવી પ્રક્રિયા છે જેનું પહેલાં પાલન થતું આવ્યું છે. આખરે બધું બંધારણથી થાય છે અને એ જ આપણને રસ્તો દેખાડે છે."

કાશ્મીર પ્રેસ ક્લબનું કહેવું છે કે આના પર ચર્ચા કરાશે.

કાશ્મીર પ્રેસ ક્લબના અધ્યક્ષ શુજા ઉલ હક બીબીસીને કહે છે, "અમારે તેના પર ચર્ચા કરવી છે, અમે તેના પર વિચારવિમર્શ કરીશું. છાપાંઓ અને સંપાદકો તેના પર શું પ્રતિક્રિયા આપે છે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ. તેઓએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી."

શુજા કહે છે કે શું સમાચાર છે અને શું નહીં એ પત્રકારો પર છોડી દેવું જોઈએ.

તેઓ કહે છે, "પ્રેસ કાઉન્સિલ અને અન્ય મીડિયા એકમોની જેમ પત્રકારોનું નિરીક્ષણ કરતી સંસ્થાઓ છે જે પારંપરિક રીતે કામ કરી રહી છે. તેઓને લોકતંત્રમાં કામ કરવા દેવું જોઈએ."

બીબીસીએ જમ્મુ-કાશ્મીર પ્રશાસનના પ્રવક્તા રોહિત કંસલ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો.

બીબીસીએ કંસલને વૉટ્સઍપ પર સંદેશ મોકલ્યો છે, જેનો હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી.

રાજકીય પાર્ટીઓએ પણ ટીકા કરી

ઇમેજ સ્રોત, NURPHOTO

કાશ્મીરની રાજકીય પાર્ટીઓએ પણ નવી મીડિયા નીતિને પ્રેસની આઝાદીની વિરુદ્ધ ગણાવી છે.

મહબૂબા મુફ્તીની પીપલ્સ ડૅમોક્રૅકિટ પાર્ટીએ કહ્યું કે મીડિયા નીતિ ન્યાયિક સંસ્થાઓ અને નિષ્પક્ષ વ્યવહારને તોડી પાડવાનું હથિયાર છે.

સજ્જાદ લોનની પીપલ્સ કૉન્ફરન્સ પાર્ટીએ કહ્યું કે નવી મીડિયા નીતિ મોઢું બંધ કરાવવા માટે લવાઈ છે.

હાલમાં જ કેટલાક પત્રકાર સામે કેસ દાખલ કરાયા હતા અને કેટલાકને પોલીસે સમન્સ પણ મોકલ્યું હતું.

ભારત સરકારે ગત વર્ષે 5 ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપતી કલમ 370ને સમાપ્ત કરી દીધી હતી અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરી દીધું હતું.

અનુચ્છેદ 370 ખતમ કરતાં પહેલાં ભારત સરકારે સેંકડો મુખ્યધારાના રાજનીતિજ્ઞો અને કાર્યકરોને અટકાયતમાં લીધા હતા, જેમાં ત્રણ પૂર્વ મુખ્ય મંત્રી પણ સામેલ છે. મુખ્ય મંત્રીઓ અને અન્ય રાજનીતિજ્ઞો પર પબ્લિક સેફ્ટી ઍક્ટ લગાવવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો