પાકિસ્તાનસ્થિત ભારતીય દૂતાવાસના બે કર્મચારીઓ લાપતા

ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસ

ઇમેજ સ્રોત, https://india.org.pk/

ઇમેજ કૅપ્શન,

ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસ

પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસમાં કામ કરતા બે કર્મચારીઓ ગુમ થયા હોવાની ખબરો મળી રહી છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ આપેલી માહિતી પ્રમાણે ભારતના વિદેશ મંત્રાલયે આ ગુમ જણાયેલા બે કર્મચારીઓનો મુદ્દો પાકિસ્તાન સમક્ષ ઉઠાવ્યો છે.

એએનઆઇએ આપેલી માહિતી પ્રમાણે ભારતીય દૂતાવાસના આ બંને કર્મચારીઓ સત્તાવાર કામે હતા એ દરમિયાન બંને સવારથી ગુમ છે. ઇસ્લામાબાદ ખાતે ભારતીય દૂતાવાસના પ્રથમ સચિવ અને પ્રવક્તા અખિલેશ સિંહે કહ્યું કે આ મુદ્દે પાકિસ્તાન સત્તાવાળાઓને જાણ કરવામાં આવી છે.

ઇન્ડિયન એક્સ્પ્રેસ અખબારની વિગતો પ્રમાણે બંને કર્મચારીઓમાંથી એકની ઓળખ સીઆઇએસએફ સુરક્ષા અધિકારી અને ડ્રાઇવર તરીકે થઇ છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ રાજધાની દિલ્હીમાં આવેલા પાકિસ્તાન દૂતાવાસના બે કર્મચારીઓને જાસૂસી કરવાના આરોપ હેઠળ પાકિસ્તાન પાછા મોકલી દેવાયા હતા અને એવામાં હવે પાકિસ્તાનના ભારતીય દૂતાવાસમાંથી બે ભારતીય કર્મચારીઓ ગુમ થયાના અહેવાલો સામે આવ્યા છે.

ગુજરાતમાં પાંચ વર્ષ પછી જૂનમાં સૌથી વધારે વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે રાજ્યમાં 14 જૂન સુધી 76.37 મિલી મિટર સરેરાશ વરસાદ નોંધાયો છે જે મોસમનો કુલ 9.19 ટકા વરસાદ છે. રાજ્યમાં 14 જૂન સુધી નોંધાયેલો સરેરાશ વરસાદ 2015 પછી સૌથી વધારે છે.

ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમી વરસાદનું આગમન આ વર્ષે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથે 14 જૂને થઈ ગયું છે જે નિર્ધારિત સમય કરતા એક દિવસ વહેલું છે.

રવિવારે રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ જોવા મળ્યો હતો.

ભારતીય હવામાન ખાતાએ 18 જૂન સુધીમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અહેવાલ પ્રમાણે આ વર્ષે રાજ્યમાં વિધિવત વરસાદનું એક દિવસ વહેલા આગમન થયું છે અને 251 તાલુકાઓમાંથી 248 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાંથી 127 તાલુકાઓમાં 51 મિલી મિટરથી વધુ અને 41 તાલુકાઓમાં 126 મિલી મિટરથી વધુ વરસાદ નોંધાયો છે.

મુંબઈમાં આજથી લોકલ ફરી શરૂ

મુંબઈમાં આજથી પસંદગીના સબર્બન રેલવે સ્ટેશનો પર ટિકિટ બારીઓ ફરી ખૂલી છે. પશ્ચિમ અને મધ્ય રેલવે લાઇનો પર મુંબઇની સબર્બન લોકલ ટ્રેન 23 માર્ચ પછી ફરી શરૂ કરવામાં આવી છે.

જોકે, રાજ્ય સરકારે નિશ્ચિત કરેલી આવશ્યક સેવાઓના લગભગ સવા લાખ કર્મીઓને જ તેનો ઉપયોગની પરવાનગી છે.

રવિવારે મોડેથી જાહેર કરાયેલા પશ્ચિમ અને મધ્ય રેલવેના પરિપત્રમાં કહેવાયું છે કે સામાન્ય જનતા માટે લોકલના ઉપયોગ પરનો પ્રતિબંધ યથાવત્ રહેશે.

રવિવારે આ મામલે રાજ્ય સરકારના અઘિકારીઓ અને રેલવે સત્તાવાળાઓ વચ્ચે આખો દિવસ બેઠકો થઈ હતી અને મોડી સાંજે આવશ્યક સેવાઓના કર્મીઓ માટે ટ્રેનો શરુ કરવા બાબતે નિર્ણયને લીલી ઝંડી મળી.

જોકે, આવશ્યક સેવાઓ અને મેડિકલ સેવાઓમાં કામ કરતા ખાનગી અને સરકારી ક્ષેત્રના કર્મીઓને લોકલના ઉપયોગની પરવાનગી માટે તેમની ઓળખને લઇને હજી યોગ્ય વ્યવસ્થા થઈ શકી નથી, એટલે હાલ મંજૂર કરાયેલા મ્યુનિસિપલ અને રાજ્ય સરકારના ઓળખપત્રને આધારે ટિકિટબારી પરથી તેમને ટિકિટ આપવામાં આવશે એમ અહેવાલ જણાવે છે.

દરમિયાન રાજ્ય સરકાર અને રેલ તંત્ર મળીને આ કર્મીઓ માટે ઈ-પાસની વ્યવસ્થા વિશે વિચારણા કરી રહ્યા છે. મુંબઈ પોલીસને આનું પોર્ટલ સ્થાપિત કરવા માટે જણાવાયું છે.

રેલ સત્તાવાળાઓએ રાજ્ય સરકારને શ્રમિક સ્પેશલ ટ્રેનોની જેમ જ કર્મીઓનું લિસ્ટ અગાઉથી મોકલવાની વિનંતિ કરી હતી પરંતુ રાજ્ય સરકાર આવું કોઈ લિસ્ટ અગાઉથી આપી શકી નથી.

અમિત શાહની આજે તમામ રાજકીય પક્ષો સાથે બેઠક

ઇમેજ સ્રોત, Getty Images

રાજધાની દિલ્હીમાં કોરોના મહામારીની સ્થિતિને લઈને ગૃહ મંત્રી અમિત શાહે આજે તમામ પક્ષોની બેઠક બોલાવી છે.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ આ મિટિંગ 11 વાગે મળશે અને તેમાં આમ આદમી પાર્ટી, કૉંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે અને હવે દે દેશમાં ત્રીજા સ્થાને છે. દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યા 41 હજારને પાર કરી ગઈ છે અને 1300થી વધારે મૃત્યુ થયાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો