કોરોના વાઇરસ : BSFના 868 જવાન અત્યાર સુધી સંક્રમિત, પાંચનાં મૃત્યુ

જવાન

ઇમેજ સ્રોત, ANI

પેરામિલિટરી ફોર્સ સીમા સુરક્ષા બળ દ્વારા માહિતી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં તેમના 868 જવાન કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. આ પૈકી 245 ઍક્ટિવ કેસ છે.

બીએસએફનું કહેવું છે કે અત્યાર સુધીમાં 618 જવાન સંક્રમણમાંથી સાજા થયા છે, જ્યારે પાંચ જવાનોનાં કોવિડ-19ને લીધે મૃત્યુ થયાં છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના રેકર્ડ કેસ 17,296 નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે શુક્રવાર સુધીમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા 4,90,401એ પહોંચી ગઈ છે.

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ને લીધે 407 લોકોનાં મૃત્યુ પણ થયાં છે.

રસી ન બને, ત્યાં સુધી અંતર રાખવું એ જ દવા - નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે જ્યાં સુધી કોરોના વાઇરસની રસી તૈયાર નહીં થાય ત્યાં સુધી બધાએ 'બે ગજની દૂરી'બનાવીને રાખવાની છે અને માસ્ક પહેરવાનો છે.

'આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાન'ના લૉન્ચિંગ વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું, "આપણે બધાએ પોતાના વ્યક્તિગત જીવનમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે. આપણા સામાજિક જીવનમાં, ગામોમાં, શહેરોમાં, અલગઅલગ રીતે મુશ્કેલીઓ આવતી જ હોય છે."

"આની એક દવા આપણને ખબર છે. આ દવા છે 'બે ગજની અંતર'."

"જ્યાં સુધી કોરોનાની રસી ન બને, આપણે આ દવાથી જ કોરોના વાઇરસને રોકી શકીશું."

તેમનું કહ્યું, "મને પૂર્ણ વિશ્વાસ છે કે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં જે રીતે આપદાને અવસરમાં બદલી દેવામાં લાગ્યા છે, દેશના અન્ય રાજ્યોને પણ આ યોજનાથી ઘણું શીખવા મળશે તેઓ પણ આનાથી પ્રેરણા મેળવી શકશે."

તેમણે કહ્યું, "આજે જ્યારે દુનિયામાં કોરોના વાઇરસનું સંકટ છે ત્યારે ઉત્તર પ્રદેશે જે સાહસ દેખાડ્યું, જે સમજણ બતાવી અને જે સફળતા મેળવી, જે રીતે પરિસ્થિતિને સંભાળી, તે અભૂતપૂર્વ છે અને પ્રશંસનીય છે."

"ઉત્તર પ્રદેશના ડૉક્ટર હોય, પૅરામેડિકલ સ્ટાફ હોય, સફાઈકર્મી હોય, પોલીસકર્મી હોય, આશા કે આંગનવાડી કાર્યકર હોય, બૅન્ક અને પોસ્ટ ઑફિસના કર્મચારીઓ હોય, પરિવહન વિભાગના સાથીઓ હોય, શ્રમિક હોય, બધાએ નિષ્ઠાપૂર્ણ યોગદાન આપ્યું હતું."

"ઉત્તર પ્રદેશનાં પ્રયાસ અને ઉપલબ્ધિઓ વિરાટ છે, કારણ કે આ એક રાજ્ય માત્ર નથી પરંતુ આ દુનિયાના કેટલાક દેશો કરતાં મોટું રાજ્ય છે. આની ઉપલબ્ધિઓ લોકો પોતે સમજશે પરંતુ જો કોઈ આંકડા જોશે તો આશ્ચર્યમાં મુકાઈ જશે."

"જે મહેનત અહીંની રાજ્ય સરકારે કરી છે, આપણે કહી શકીએ કે એક પ્રકારથી અત્યાર સુધી 85 હજાર લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે."

"જો આપણે નાગરિકોના જીવ બચાવી રહ્યા છીએ, તો એ સંતોષકારક વાત છે."

યુરોપમાં ફરીથી કેસો વધતાં WHO ચિંતામાં

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે યુરોપમાં પ્રતિબંધોમાં છૂટછાટ આપ્યા પછી ગત કેટલાક મહિનાઓમાં પહેલીવાર કોરોના વાઇરસના કેસ સાપ્તાહિક સંખ્યા વધી રહી છે જે ચિંતાજનક બાબત છે.

સંગઠનના ક્ષેત્રીય ડિરેક્ટર ડૉક્ટર હાન્સ હૅનરી ક્લૂગે કહ્યુ કે યુરોપમાં 11 દેશોમાં સંક્રમણના કેસોમાં ઘણો ઉછાળો આવ્યો છે, જેમાં આર્મેનિયા, સ્વીડન, માલ્ડોવા અને નૉર્થ મૅસિડોનિયાનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે વાઇરસનો પ્રકોપ ફરીથી જોવા મળ્યા બાદ તેમણે જે ચેતવણી આપી હતી, તે હવે હકીકત જણાઈ રહી છે.

તેમણે આગાહી કરી કે જો આને લઈને સચેત નહીં રહ્યા તો આ દેશોમાં સ્વાસ્થ્યતંત્ર તૂટી પડશે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના યુરોપીય સંઘના વિસ્તારમાં આવનારાં 54 રાષ્ટ્રોમાં હાલ સુધી સંક્રમણના 26 લાખથી વધારે કેસ સામે આવી ચૂક્યા હતા અને 1,95,000 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

સંગઠનનો યુરોપીય વિસ્તાર ઘણો મોટો છે, જેમાં યુરોપ સિવાય મધ્ય પૂર્વ અને મધ્ય એશિયાના પણ 54 દેશ અને સાત વિસ્તાર સામેલ છે.

આ વિસ્તારમાં દરરોજ સરેરાશ 20 હજાર નવા કેસો આવી રહ્યા છે જ્યારે 700 મૃત્યુ નોંધાઈ રહ્યાં છે.

ભારતમાં 24 કલાકમાં 17 હજારથી વધુ કેસો

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 17,296 નવા કેસ નોંધાયા છે.

ભારતમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે ભારતમાં કોરોના વાઇરસના 17,296 નવા કેસ સામે આવ્યા છે.

આની સાથે જ ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 4,90,401 પહોંચી ગઈ છે જ્યારે મૃત્યુ પામનાર કુલ લોકોની સંખ્યા 15,301 થઈ છે.

દેશમાં છેલ્લાં 24 કલાકમાં 407 લોકોના મૃત્યુ પામ્યા છે.

અમેરિકામાં કરોડો લોકોને ચેપ લાગવાની આશંકા

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકામાં સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ (સીડીસી)એ બે કરોડથી વધુ અમેરિકનોને કોરોના વાઇરસના ચેપ લાગવાની આશંકા વ્યક્ત કરી છે.

સીડીસીના ડાયરેક્ટર ડૉ. રૉબર્ટ રેડફિલ્ડે ગુરુવારે મીડિયાને જણાવ્યું કે "અમારું સૌથી બહેતર આકલન એ છે કે કોરોનાના ચેપનો જ્યારે એક મામલો રિપોર્ટ થાય ત્યારે એ ચેપ લાગવાના વધુ દસ મામલા હોય છે."

સીડીસીએ એ પણ આશંકા વ્યક્ત કરી કે અમેરિકામાં આ મહામારીની ઝપેટમાં મોટા પ્રમાણમાં યુવાનો આવી રહ્યા છે. જોકે, એનો ફાયદો એ છે કે ચેપગ્રસ્ત લોકોનાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.

સીડીસીના ચેપગ્રસ્ત રોગોના વિશેષજ્ઞ ડૉ. જય બટલરના મતે યુવાનોમાં આ રોગનો ચેપ વધુ લાગવાનું કારણ એ છે કે યુવાનો વૃદ્ધોની જેમ કાળજી રાખી રહ્યા નથી.

અમેરિકન સીડીસી યુવાનોને આ મહામારીને લઈને જાગરૂકતા વધારવા માટે ટિકટૉક જેવાં સોશિયલ મીડિયાના પ્લેટફૉર્મોનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે.

રેગ્યુલર ટ્રેન 12 ઑગસ્ટ સુધી નહીં ચાલે

ઇમેજ સ્રોત, Getty Images

પહેલી જુલાઈથી 12 ઑગસ્ટ 2020 સુધી રેગ્યુલર પૅસેન્જર ટ્રેન બંધ રાખવાનો નિર્ણય રેલવે બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે, જોકે વિશેષ ટ્રેનો આ દરમિયાન ચાલુ રહેશે.

સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા આ અંગેનો રેલવે બો્ડ દ્વારા જાહેર કરવામાં આવેલો પત્ર ટ્વીટ કરવામાં આવ્યો છે.

આ પત્રમાં લખ્યું છે કે મેઇલ, એક્સપ્રેસ, પૅસેન્જર અને સબઅર્બન સેવાઓ બંધ 12 ઑગસ્ટ સુધી રદ કરવામાં આવી છે.

આ સાથે રેલવે મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે પહેલી જુલાઈથી 12 ઑગસ્ટ વચ્ચેની ટિકિટ જેમણે બુક કરી દીધી છે, તેમને આખી રકમ પરત આપવામાં આવશે.

ગુજરાતમાં 24 કલાકમાં 577 નવા કેસ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 577 કેસ નોંધાયા છે.

આ સાથે જ 410 દર્દીઓને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

577 નવા કેસ પૈકી 225 કેસ અમદાવાદ શહેરમાં, 152 કેસ સુરત શહેરમાં અને 44 કેસ વડોદરા શહેરમાં નોંધાયા છે.

આ સાથે જ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 18 લોકોનાં મૃત્યુ થયાં છે.

કેન્દ્રના આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતની મુલાકાત લેશે

ઇમેજ સ્રોત, EPA

કોરોના વાઇરસના સંક્રમણની પરિસ્થિતિનો કયાસ મેળવવા કેન્દ્રના આરોગ્ય વિભાગની ટીમ 26થી 29 જૂન દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગણાની મુલાકાતે પહોંચશે.

કેન્દ્રના સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના નેતૃત્વમાં આ ટીમ આ રાજ્યોમાં કોરોના વાઇરસના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિ વિશે રાજ્યોના અધિકારીઓ સાથે ચર્ચા કરશે.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી છે કે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ તરફથી આ ટીમ રાજ્યોના અધિકારીઓ સાથે ચર્ચા કરી કોવિડ-19ની મહામારી સામેના આયોજનને વધુ સુદ્રઢ બનાવવા માટે પગલાં સૂચવશે.

મહારાષ્ટ્ર અને ગુજરાત હાલ દેશના સૌથી અસરગ્રસ્ત રાજ્યોમાં સામેલ છે. મહારાષ્ટ્ર દેશનું સૌથી અસરગ્રસ્ત રાજ્ય છે, જ્યાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા એક લાખ 42 હજારને પાર છે અને 6,739 લોકોનાં મોત થયાં છે.

ત્યાં જ ગુજરાત 28,943 સંક્રમિતો સાથે દેશનું ચોથા ક્રમનું અસરગ્રસ્ત રાજ્ય છે અને ગુજરાતમાં 1,735 લોકોનો આ મહામારીએ જીવ લીધો છે.

તો તેલંગણામાં પણ સ્થિતિ ચિંતાજનક બની રહી છે. તેલંગણામાં સંક્રમિતોનો આંક 10 હજારને વટાવી ચૂક્યો છે, તો 225 લોકોએ જીવ ગુમાવ્યો છે.

મધ્ય ગુજરાતમાં ઊંચો મૃત્યુઆંક

ઇમેજ સ્રોત, Getty Images

મધ્ય ગુજરાતમાં વસતીની દ્રષ્ટિએ સૌથી મોટા શહેર અને જિલ્લા વડોદરા સિવાયના અન્ય જિલ્લાઓ પર નજર કરીએ તો કોરોના વાઇરસના સંક્રમિતોનો ઊંચો મૃત્યુઆંક ચિંતાજનક છે.

વડોદરા સિવાય મધ્ય ગુજરાતના બે જિલ્લા આણંદ અને પંચમહાલમાં આ મહામારીથી મૃત્યઆંક બે આંકડામાં છે. જેમાં પંચમહાલમાં 15 અને આણંદ જિલ્લામાં મૃત્યુઆંક 11 છે એમ રાજ્ય સરકારના આરોગ્યવિભાગનાં છેલ્લા આંકડા જણાવી રહ્યા છે.

આ ઉપરાંત ખેડા જિલ્લામાં કોવિડ-19 મહામારીથી 5 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. તો પ્રમાણમાં નાના જિલ્લાઓ મહિસાગર અને છોટા ઉદેપુરમાં પણ મૃત્યુ નોંધાયાં છે. મહિસાગરમાં કોરોના વાઇરસના બે સંક્રમિતોના મૃત્યું નોંધાયાં છે તો છોટા ઉદેપુરમાં પણ 2 લોકોનાં મોત થયાં છે.

મધ્ય ગુજરાતમાં જો કે દાહોદ જિલ્લામાં પ્રમાણમાં સ્થિતિ સારી જોવા મળી રહી છે અને હજુ સુધી દાહોદમાં આ મહામારીથી કોઈનો જીવ ગયાનું નોંધાયું નથી.

મધ્ય ગુજરાતમાં ઍક્ટિવ કેસોના આંકડા પર નજર કરીએ તો વડોદરા પછી સૌથી વધુ ઍક્ટિવ કેસ હાલ ખેડામાં 26 જ્યારે પંચમહાલમાં 24 છે.

એ સિવાય મહિસાગરમાં 21, આણંદમાં 15 અને છોટા ઉદેપુરમાં 7 ઍક્ટિવ કેસો હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગનું કોવિડ-19 ડૅશ-બૉર્ડ જણાવી રહ્યું છે.

પણ મધ્ય ગુજરાતમાં વડોદરા સિવાય પંચમહાલ અને આણંદ જેવા નાના જિલ્લાઓમાં પણ બે આંકડાનો મૃત્યુઆંક ચિંતાજનક ચોક્કસ જણાઈ રહ્યો છે.

વૅક્સિનના માનવપરીક્ષણની તૈયારી શરૂ

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટનમાં કોરોના વૅક્સિનને લઈને માનવ પર પરીક્ષણની તૈયારી આરંભી દેવાઈ છે. લંડનની ઇમ્પેરિયલ કૉલેજમાં 300 લોકો પર આ ટ્રાયલ કરવામાં આવશે.

આ ટ્રાયલનું નેતૃત્વ પ્રોફેસર રૉબિન શટોક કરી રહ્યા છે.

દાવો કરાઈ રહ્યો છે કે આ વૅક્સિનનું પ્રાણીઓ પર પરીક્ષણ સફળ નીવડ્યું છે અને આનાથી ઇમ્યુનિટીને બહેતર બનાવવામાં સફળતા મળશે.

હાલમાં વિશ્વમાં 120 જગ્યાએ કોરોના વાઇરસની વૅક્સિન બનાવવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે. આમાંથી 13 જગ્યાએ મામલા ક્લિનિકલ ટ્રાયલ પર પહોંચ્યા છે.

આ તેર જગ્યામાંથી પાંચ ચીન, ત્રણ અમેરિકા અને બે બ્રિટનમાં છે. જ્યારે ઑસ્ટ્રેલિયા, રશિયા અને જર્મનીમાં એક-એક જગ્યાએ ટ્રાયલ ચાલી રહી છે.

ગુજરાતમાં સતત બીજા દિવસે નવા નોંધાયેલા કેસ કરતાં ડિસ્ચાર્જ વધુ

ઇમેજ સ્રોત, AFP

મંગળવારે સતત બીજા દિવસે નવા નોંધાયેલા દરદી કરતાં ડિસ્ચાર્જ થયેલાં પેશન્ટની સંખ્યા વધુ રહેવા પામી હતી. રાજ્યમાં 572 નવા પેશન્ટ નોંધાયા, જેની સામે 575 ડિસ્ચાર્જ થયા હતા.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે, કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થનાર દરદીઓની સંખ્યા 21 હજારને પાર (21,096) કરી ગઈ છે.

ગત 24 કલાક દરમિયાન વધુ 25 પેશન્ટ મૃત્યુ પામતાં મરણાંક 1,736 ઉપર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં 6,169ના પેશન્ટ સારવાર હેઠળ છે, જેમાંથી 6,099 સામાન્ય સ્થિતિમાં જ્યારે 70 વૅન્ટિલેટર પર છે.

આ પહેલાં સોમવારે 549 નવા દરદી નોંધાયા હતા, જ્યારે 604ને સાજા થતાં રજા આપવામાં આવી હતી. રાજ્યના ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ ઍક્ટિવ કેસ નથી.

એ પહેલાંના દિવસો દરમિયાન દાખલ થનાર તથા સારવાર બાદ રજા મેળવનાર દરદીઓની સંખ્યા 'લગભગ સરખી' જ રહેવા પામી હતી, જોકે, નવા દાખલ થનાર દરદી વધુ હતા.

દેશમાં દિલ્હી બીજાક્રમે

ઇમેજ સ્રોત, Reuters

છેલ્લા કેટલાક દિવસથી દેશવ્યાપી સ્તરે કોરોનાના દરરોજ સરેરાશ 13થી 15 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. મંગળવારે દિલ્હીમાં કોરોનાના એક દિવસના સૌથી વધુ લગભગ ચાર હજાર જેટલા કેસ નોંધાયા હતા.

દિલ્હીમાં કોરોનાના સંક્રમણના 66 હજારથી વધુ કેસ નોંધાયા છે. બુધવારે દિલ્હી સરકારે કહ્યું કે શહેરના તમામ ઘરોની તપાસ કરવામાં આવશે, જેથી કરીને ચેપને ફેલાતો અટકાવી શકાય.

કેસની સંખ્યાની દૃષ્ટિએ તે મુંબઈ બાદ બીજા ક્રમાંકનું શહેર બની ગયું છે. મુંબઈમાં કોરોનાના કેસની સંખ્યા 68 હજાર છે, પરંતુ હવે નવા કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. મુંબઈમાં વિગત 24 કલાક દરમિયાન 800 નવા કેસ નોંધાયા હતા.

જૂન મહિનાની શરૂઆતમાં ભારતે લૉકડાઉનને હળવું કરવાનો નિર્ણય લીધો, ત્યારથી કોરોના વાઇરસના પ્રસારના કેસ ઝડપભેર વધી રહ્યા છે.

ભારત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં ચાર લાખ 56 હજાર જેટલા કેસ નોંધાયા છે, એક લાખ 83 હજાર કરતાં વધુ ઍક્ટિવ કેસ છે, જ્યારે લગભગ બે લાખ 60 હજાર પેશન્ટ સાજા થઈને ડિસ્ચાર્જ થઈ ગયા છે. 14 હજાર 476 પેશન્ટ આ બીમારીને કારણે મૃત્યુને ભેંટ્યા છે.

કોરોના મુદ્દે ગાંધીનું નિશાન

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વધુ એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન સાધ્યું છે. ગાંધી છેલ્લા કેટલાક દિવસથી મોદી અને તેમની સરકાર ઉપર ચીન મુદ્દે નિશાન સાધી રહ્યા હતા.

બુધવારે તેમણે કોરોના વાઇરસ તથા પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમત મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું હતું.

સામાન્ય રીતે અંગ્રેજીમાં ટ્વીટ કરનાર ગાંધીએ બુધવારે હિંદીમાં ટ્વીટ કર્યું અને લખ્યું, "મોદીએ કોરોના મહામારી પેટ્રોલ-ડીઝલ કિંમતના ભાવને 'અનલૉક' કરી દીધા."

છેલ્લા લગભગ ત્રણ અઠવાડિયાંથી લગભગ દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવ લગભગ સરખા થઈ ગયા છે. રાજધાની દિલ્હીમાં તો ડીઝલનો ભાવ પેટ્રોલને ટપી ગયો છે.

કોરોનામાં શિકારી જ શિકાર

ઇમેજ કૅપ્શન,

પ્રોફેસર પાયટ

પ્રોફેસર પીટર પાયન દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત સંક્રમણ રોગ નિષ્ણાત ગણાય છે. 1976માં ઇબોલા વાઇરસની શોધ કરનારી એક ટીમનો હિસ્સો રહી ચૂક્યા છે. પ્રોફેસર પીટર પાયટ એચઆઈવી ઍઇડ્સ પરના સંશોધનમાં પણ સૌથી આગળ રહ્યા છે.

છેલ્લા 50 વર્ષથી વાઇરસ સામે લડતા રહેનારા આ પ્રોફેસર પાયટ ક્યારેય કોઈ વાઇરસથી સંક્રમિત નથી થયા અને એટલે જ એમને વાઇર હંટર તરીકે પણ ઓળખવામાં આવે છે.

જોકે, આખરે આ વાઇરસ હંટરને કોરોનાનો ચેપ લાગ્યો છે. પ્રોફેસર પાયટ લંડન સ્કૂલ ઑફ ટ્રોપિકલ હાઇજિન ઍન્ડ ટ્રોપિકલ મેડિસિનના પ્રોફેસર છે.

અમેરિકાને વૅક્સિન ટૂંક સમયમાં જ મળી જશે?

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઍરિઝોનોમાં એક ચૂંટણીસભા દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં કોરોના વાઇરસની મહામારી દરમિયાન તેમની સરકારે કરેલાં કામો ગણાવ્યાં.

તેમણે એવું પણ કહ્યું, "આપણે જલદી વૅક્સિન મળવાની છે. આપણે અમેરિકન સૈન્યની શક્તિ જોતરી દીધી છે."

ટ્રમ્પે એવું પણ કહ્યું કે લોકોને આ બીમારીથી બચાવવા માટે વૅન્ટિલેટરની અછત નથી પડવા દીધી અને તેમની સરકારે ન્યૂયૉર્કમાં હૉસ્પિટલ સુધ્ધાં બનાવી દીધી.

નોંધનીય છે કે અમેરિકામાં અત્યાર સુધી કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓનો આંક 2,338,275 થઈ ગયો છે અને મૃતકોની સંખ્યા 121,157 થઈ ગઈ છે.

ગુજરાતમાં મરણાંક 1700ને પાર, નવા 549 કેસો

ઇમેજ સ્રોત, Vijay Rupani Facebook

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 549 નવા કેસ સામે આવ્યા છે, તો 604 દરદીઓ સાજા થયા છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની અખબારી યાદી મુજબ રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,24,326 પરીક્ષણ કરવામાં આવ્યાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 લોકોનાં મૃત્યુ થયાં છે જે પૈકી અમદાવાદ શહેરમાં 13 અને સુરત શહેરમાં 5 લોકોનાં મૃત્યુ થયાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 230, સુરતમાં 152, વડોદરામાં 38, સુરત જિલ્લામાં 23 અને જામનગર તથા ભરૂચમાં 11-11 કેસ સામે આવ્યા છે.

અમદાવાદમાં ડિસ્ચાર્જનો આંકડો નવા દરદીઓ કરતાં વધારે છે. અમદાવાદમાં 381 લોકો સાજા થયા છે.

લાલબાગ ચા રાજાનું આ વર્ષે ફક્ત ચાર ફૂટનું જ સ્થાપન

ઇમેજ સ્રોત, LALBAUGCHA RAJA SARVAJANIK GANESHOTSAV MANDAL

મુંબઈના ગણેશોત્સવના પ્રખ્યાત લાલબાગ ચા રાજાનું આ વર્ષે ફક્ત ચાર ફૂટનું જ સ્થાપન કરવામાં આવશે.

સમાચાર એજન્સી એ.એન.આઈના રિપોર્ટ પ્રમાણે, 'મુંબઈ ચા રાજા મંડળ'ના સૅક્રેટરી સ્વપનીલ પરબે જણાવ્યું કે આ વર્ષે ગણેશોત્સવ સાદગીભરી રીતે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વર્ષે માત્ર ચાર ફૂટના 'લાલબાગ ચા રાજા'ના ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરાશે અને તેને દરિયાના બદલે કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે ઑથોરિટી તરફથી અપાયેલી સૂચનાને આધારે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ વર્ષે કોરોના વાઇરસ મહામારીને કારણે લોકોના એકઠા થવા પર અને જાહેર તથા ધાર્મિક આયોજનો પર અનેક નિયંત્રણ લાદવામાં આવ્યા છે.

એમાં પણ મહારાષ્ટ્ર હાલ કોરોના મહામારીમાં દેશનું સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે, તો મુંબઈ દેશનું સૌથી વધુ અસરગ્રસ્ત શહેર છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો કુલ આંક એક લાખ 35 હજારથી પણ વધારે છે, જેમાંથી એકલા મુંબઈમાં જ 66,000થી વધુ પૉઝિટિવ દરદીઓ છે.

મુંબઇનો ગણેશોત્સવ દેશ-વિદેશમાં વિખ્યાત છે, એમાં પણ મુંબઈના 'લાલબાગ ચા રાજા'ના સ્થાપનનું ભક્તોમાં વર્ષોથી વિશેષ આકર્ષણ રહેલું છે, જેથી દર વર્ષે ગણેશોત્સવ દરમ્યાન 'લાલબાગ ચા રાજા'ના ગણપતિનું સ્થાપન ભવ્ય રીતે આયોજિત કરવામાં આવે છે. હજારો ભક્ત મુંબઈ બહારથી પણ દર્શન કરવા માટે આવે છે.

આ વર્ષે ભારતથી હજયાત્રીઓ નહીં મોકલે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

ઑગસ્ટ-2019માં હજયાત્રા દરમિયાન મક્કા

આ વર્ષે ભારતથી હજયાત્રીઓને સાઉદી અરેબિયા નહીં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સમાચાર સંસ્થા પી.ટી.આઈ.ના રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું, "સાઉદી અરેબિયાની સરકારે આ વર્ષે હજયાત્રા માટે ભારતથી યાત્રીઓને નહીં મોકલવાની વિનંતી કરી હતી, જે બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે."

નકવીએ કહ્યું કે આ વર્ષની હજયાત્રા માટે કરાયેલી બે લાખ 30 હજારથી પણ વધુ અરજીઓના નાણાં સીધા બૅન્ક ખાતામાં પરત કરી દેવામાં આવશે અને અરજી રદ થયા પેટેના કોઈ ચાર્જ કાપવામાં નહીં આવે.

જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડૅશબોર્ડ પ્રમાણે, સાઉદી અરેબિયામાં સંક્રમિતોનો કુલ આંક એક લાખ 60 હજારથી પણ વધારે પહોંચી ગયો છે અને સાઉદી અરેબિયા હાલ વિશ્વનો 16મો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.

કોવિડ-19 સામેનું આયોજન મોદી સરકારની મોટી નિષ્ફળ છે - સોનિયા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

'કોવિડ-19 મહામારીને અટકાવવા માટેનું આયોજન એ મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતાઓમાંની એક તરીકે નોંધાશે,' એમ કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું છે.

આજે વીડિયો કોન્ફરૅન્સિંગના માધ્યમથી મળેલી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સોનિયા ગાંધીએ આ આક્ષેપ લગાવ્યો.

સોનિયા ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે સરકારે કોવિડ-19 મહામારીના આયોજનનો બોજો રાજ્ય સરકારો પર નાખી દીધો છે, જ્યારે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારોને આર્થિક મદદ નથી કરવામાં આવી.

સમાચાર સંસ્થા પી.ટી.આઈ.ના રિપોર્ટ અનુસાર, સરહદ પર ચીન સાથેના તણાવને પણ સોનિયા ગાંધીએ મોદી સરકારની ખોટી નીતિઓનું પરિણામ ગણાવી.

કૉંગ્રેસ વર્કિંગ કમિટીની આજની બેઠકમાં કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી ઉપરાંત રાહુલ ગાંધી, પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ સહિત કૉંગ્રેસના અન્ય અગ્રણી નેતાઓએ ભાગ લીધો.

અમરેલીમાં ટેસ્ટિંગ લૅબ શરૂ કરવાની માગણી

ઇમેજ સ્રોત, Getty Images

વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખી અમરેલી જિલ્લામાં કોરોના વાઇરસના પરીક્ષણની લૅબોરેટરી શરૂ કરવા માગ કરી છે.

ધાનાણીના કહેવા પ્રમાણે, અમરેલીમાં લૅબ ન હોવાથી પરીક્ષણ માટે નમૂના અન્ય જિલ્લામાં મોકલાય છે, જેથી સમય વધુ લાગે છે, ઘણી વાર રિપોર્ટ આવે તે પહેલાં જ દરદીનું મૃત્યુ થઈ ચૂક્યું હોય છે.

પરેશ ધાનાણી જેઓ અમરેલીથી જ કૉંગ્રેસના વર્તમાન ધારાસભ્ય પણ છે, તેમણે પત્રમાં અનલૉક-1 બાદ રાજ્યમાં અને ખાસ તો અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ વધ્યા હોવાનો ઉલ્લેખ કરતા લખ્યું કે અગાઉ અમરેલી જિલ્લામાં એક પણ કેસ નહતો, પણ હવે કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે અને હાલ 46 કેસ થઈ ગયાં છે, જેને ધ્યાને લેતા જિલ્લામાં કોરોના વાઇરરસની ટેસ્ટિંગ લૅબની તાતી જરુર છે.

પરેશ ધાનાણીએ અમરેલી જિલ્લામાં RT-PCR અને લૅબ માટેના અન્ય સાધનો અને જરુરી ગ્રાન્ટ જલ્દીથી ફાળવવાની માગ કરી છે.

નોવાક જોકોવિચને લાગ્યો કોરોના વાઇરસનો ચેપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

નોવાક જોકોવિચ

ટેનિસના નંબર વન ખેલાડી નોવાક જોકોવિચ અને એમનાં પત્ની જેલેના કોરોનાનો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

બેલગ્રેડ પહોંચ્યા પછી એમના પારિવારના સભ્યો તથા ટીમના સભ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

નોવાક જોકોવિચે નિવેદન બહાર પાડી કહ્યું કે અમે જેવા જ બેલગ્રેડ પહોંચ્યા અમે ટેસ્ટ માટે હૉસ્પિટલ ગયા. મારો રિપોર્ટ પૉઝિટિવ છે અને મારા વાઇફનો રિપોર્ટ પણ પૉઝિટિવ છે. બાળકોનો રિપૉર્ટ નૅગેટિવ છે.

તેમના પહેલાં ગ્રિગોર ડિમિત્રોવ, બોરના કોરિક અને વિક્ટર ટ્રોઇસ્કીએ એડ્રિયા ટૂર પછી પોતે પૉઝિટિવ હોવાનું કહ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન જોકોવિચે જ કર્યું હતું,

બ્રિટનના ડૈન ઇવાંસે ત્રણ ખેલાડીઓ સંક્રમિત થયાની ખબર પછી કહ્યું કે દુનિયાના ટોચના રેન્કિંગવાળા નોવાક જોકોવિચે આ ઇવૅન્ટના આયોજનમાં વધારે જવાબદાર રીતે વર્તવાની જરૂર હતી.

ગુજરાતમાં સરકારી આંકડામાં ઇંદ્રજાળ

ઇમેજ સ્રોત, Getty Images

મંગળવારે સુરત મહાનગરપાલિકાના કોવિડ-19 ડૅશબોર્ડ પ્રમાણે, શહેરમાં કોરોનાની મહામારીથી અત્યાર સુધીનો મૃત્યુ આંક 137 દર્શાવાઈ રહ્યો છે, જ્યારે રાજ્યનું આરોગ્યવિભાગ તેના ડૅશબોર્ડ પર સુરત જિલ્લા માટેનો કુલ મૃત્યુ આંક 128 બતાવી રહ્યું છે.

રાજ્યના આરોગ્ય વિભાગના કોવિડ-19 ડૅશબોર્ડ પ્રમાણે, સુરત જિલ્લામાં હાલના ઍક્ટિવ કેસોની સંખ્યા 853 છે, જ્યારે સુરત મહાનગરપાલિકાના કોવિડ-19 ડૅશબોર્ડના આંકડા મુજબ, હાલ શહેરમાં ઍક્ટિવ કેસની સંખ્યા 1,010 દર્શાવી રહ્યું છે.

સ્વભાવિક રીતે જ સમગ્ર જિલ્લાના આંકડા શહેરના આંકડા કરતા ઓછા તો ન જ હોય, તેમ છતાં સુરત શહેરના આંકડાઓને મામલે સરકારી વિભાગોના આંકડામાં આ અસમાનતા જોવા મળી રહી છે.

હાલ કોરોના વાઇરસ મહામારીથી રાજ્યમાં અમદાવાદ પછી બીજા નંબરનું સૌથી અસરગ્રસ્ત શહેર છે, તેમ છતાં મહત્ત્વપૂર્ણ આંકડા બાબતે સરકારી વિભાગો વચ્ચે સમન્વયનો અભાવ જોવા મળી રહ્યો છે.

સ્વસ્થ થયેલા દરદીઓ અને હાલ ક્વોરૅન્ટિનમાં રહેલ લોકોના આંકડા, મેળ જણાય રહ્યો છે.

ભારતમાં ચાર લાખ 40 હજારથી વધુ કેસ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા લોકોનો કુલ આંકડો 4 લાખ 44 હજાર 215 પર પહોંચી ગયો છે અને આ મહામારીથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 14011 થઈ ગઈ છે.

પાછલા 24 કલાકમાં 312 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે જ્યારે 14933 નવા કેસ સામે આવ્યા છે.

ભારતમાં સંક્રમણના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં સંક્રમિતોનો કુલ આંક 1 લાખ 35 હજારથી વધારે છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી છ હજારથી વધુ લોકોનાં આ મહામારીને કારણે મોત થઈ ચૂક્યાં છે.

રાજધાની દિલ્હી હવે સંક્રમણના કુલ કેસોની સંખ્યા મામલે દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં બીજા સ્થાને છે. અહીં સંક્રમણના કુલ કેસ 62655 થઈ ગયા છે.

તામિલનાડુ ત્રીજું સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે જ્યાં સંક્રમિતોની કુલ સંખ્યા 62087 છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 563 નવા દરદી સામે આવ્યા છે અને 21 લોકોનાં મૃત્યુ થયાં છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 560 દરદીઓ સાજા થયા છે.

ગુજરાત સરકારાના આરોગ્ય વિભાગની અખબારી યાદી મુજબ, 16 વ્યક્તિઓનાં અમદાવાદમાં મૃત્યુ થયાં છે અને સુરતમાં 5 લોકોનાં મૃત્યુ થયાં છે. રાજ્યનો કુલ મૃતકાંક 1685 પર પહોંચ્યો છે.

રાજ્યમાં જે નવા 563 કેસ સામે આવ્યા છે તેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં છે 314 છે અને એ પછી સુરતમાં 123 છે.

વડોદરામાં 44 નવા કેસ સામે આવ્યા છે તો જામનગરમાં 10 નવા કેસ સામે આવ્યા છે.

અમદાવાદમાં 401, સુરતમાં 63 અને વડોદરામાં 51 દરદીઓ સાજા થયા છે.

વૈશ્વિક નેતૃત્વની ખામી એ કોરોના વાઇરસથી પણ મોટો ખતરો

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે કોરોના વાઇરસ સામે લડવામાં વૈશ્વિક નેતૃત્વની ખામી એક મોટો ખતરો છે.

સંગઠનના પ્રમુખ ટેડ્રોસ ઍડહોનમ ગીબ્રિએસસે એક વર્ચ્યુઅલ હેલ્થ ફોરમના સંબોધનમાં કહ્યું કે, દુનિયાને આ સમયે રાષ્ટ્રીય એકતા અને વૈશ્વિક એકજૂથની વધુ જરૂર છે. મહામારીના રાજનીતિકરણે હાલત વધારે ખરાબ કરી દીધી છે.

એમણે કહ્યું, અત્યારે આપણી સામે જે મોટો ખતરો છે એ વાઇરસ નહીં પણ એકતા અને વૈશ્વિક આગેવાનીની ખામી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે મહામારી આગળ ધપી રહી છે અને તેની આર્થિક તેમજ અન્ય અસરો દાયકાઓ સુધી અનુભવાશે.

દુનિયામાં અત્યાર સુધી 90 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે ને પોણા પાંચ લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે.

સુરત હીરાઉદ્યોગમાં નિયમો કડક થશે, 300 કારીગરો સંક્રમિત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

સુરતમાં પાછલા 10 દિવસમાં હીરાઉદ્યોગના 300 જેટલા કારીગરો કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાનું માલૂમ પડતા હીરાએકમો સામે કારીગરોના સ્વાસ્થ્યને લઈને વધુ કડક નિયમો લાગુ કરાયા છે.

સુરતના મ્યુનિસિપલ કમિશનરે હીરાઉદ્યોગના એકમો સામે આ વધુ કડક પગલા જાહેર કર્યા છે. જેમાં શહેરની મુખ્ય ત્રણ ડાયમંડ ટ્રેડિંગ માર્કેટ્સને અઠવાડિયામાં બે વાર બંધ રાખવાની સૂચના અપાઈ છે.

સાથે જ તમામ હીરાએકમોમાં ચાલતી કૅન્ટીનને હાલ પૂરતી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

શહેરના હીરાએકમોમાં કારીગરોમાં સંક્રમણના કેસમાં વધારો જોવાતા સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સુરત ડાયમંડ ઍસોસિયેશનના પ્રતિનિધિઓ સાથે સોમવારે બેઠક કરી હતી.

બેઠક બાદ કેટલાક જાહેર કરાયેલા નિર્દેશો પ્રમાણે જો કોઈ હીરાએકમમાં કોવિડ-19નો એક કેસ સામે આવે તો એકમના જે તે ફલોરને કામકાજ માટે એક અઠવાડિયા પૂરતો બંધ કરી દેવો અને જો કોઈ એકમમાં ત્રણથી વધુ કેસ સામે આવે તો આખા એકમને એક અઠવાડિયા માટે બંધ કરી દેવો.

સાથે જ ડાયમંડનાં પડિકાંઓને પણ સૅનિટાઇઝ કરવા પણ સુરત ડાયમંડ ઍસોસિયેશને સંમતિ બતાવી છે.

નવી ગાઇડલાઇન્સના યોગ્ય અમલ માટે સુરત મ્યુનિસિપલ કર્પોરેશન અને સુરત ડાયમંડ ઍસોસિયેશનની સંયુક્ત ટીમો ચકાસણી પણ હાથ ધરશે એમ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે.

દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત દરદીઓનો રિકવરી રેટ 55.77 ટકા - સ્વાસ્થ્ય મંત્રાલય

ઇમેજ સ્રોત, REUTERS

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી માહિતી અનુસાર દેશમાં હાલ કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ એટલેકે સારવાર બાદ સ્વસ્થ થવાનો દર 55.77 ટકા છે.

સમાચાર સંસ્થા એઅનઆઈએ જાહેર કરેલી સ્વાસ્થ્ય મંત્રાલયની માહિતી અનુસાર, ભારત પ્રતિ લાખ લોકોની વસતી મુજબ કોરોના વાઇરસથી સંક્રમિતોનો દર બાબતે વિશ્વમાં સૌથી ઓછા દેશોની યાદીમાં આવે છે.

એએનઆઈ અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલયે WHOના 21 જૂનના સિચ્યુએશન રિપોર્ટ 153ને આધાર બનાવી કહ્યું છે કે ભારતમાં વસતીની વધારે ગીચતા છતાં ભારતમાં પ્રતિલાખની વસતીમાં કેસોની સંખ્યા 30.04 છે જ્યારે કે આની વૈશ્વિક સરેરાશ 114.67 છે.

ભારતમાં સ્વાસ્થ્ય મંત્રાલયના છેલ્લા આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધી સંક્રમિતોની કુલ સંખ્યા 4 લાખ 25 હજાર 282 છે, જેમાંથી 1 લાખ 74 હજાર 387 ઍક્ટિવ કેસ છે. જ્યારે કે 2 લાખ 37 હજાર 196 લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે. દેશમાં આ મહામારીને કારણે અત્યાર સુધી 13,699 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

સોલા સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોનું કોરોના સંબંધિત માગ સાથે વિરોધપ્રદર્શન

ઇમેજ કૅપ્શન,

સોલા સિવિલ હૉસ્પિટલના જુનિયર ડૉક્ટરોનું વિરોધપ્રદર્શન

અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલમાં જુનિયર ડૉક્ટરોએ આજે તેમની કોરોના મહામારી સંદર્ભે કેટલીક જરૂરી સુવિધાઓની માગ મુદ્દે વિરોધપ્રદર્શન કર્યું હતું.

જુનિયર ડૉક્ટરોની માગ છે કે જુનિયર ડૉક્ટરો અને નર્સિગ સ્ટાફને આઇસોલેશનની સગવડ હૉસ્પિટલ તરફથી પૂરી પાડવામાં આવે. તેમજ તેમની એ પણ માગ છે કે જો તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત થાય તો હૉસ્પિટલે તમામ ટ્રીટમેન્ટની બાંહેધરી આપવી જોઈએ.

સોલા સિવિલ હૉસ્પિટલના જુનિયર ડૉક્ટરોએ મોઢા પર માસ્ક પહેરીને જાહેર રસ્તા પર ઊતરી આવ્યા હતા અને સામૂહિક રીતે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ સૂત્રોચ્ચાર પોકારીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

બાદમાં બધા જુનિયર ડૉક્ટરોએ વિરોધપ્રદર્શન કરતાં તેમની માગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા સોલા સિવિલ હૉસ્પિટલના જુનિયર ડૉક્ટર અને એબીવીપીના નેતા ચિંતનભાઈ ચૌધરીએ કહ્યું કે "તમામ જુનિયર ડૉક્ટર્સે અગાઉ 16 જૂનના રોજ સોલા સિવિલ હૉસ્પિટલના ડીનની કચેરીમાં રજૂઆત કરી હતી કે જુનિયર ડૉક્ટર્સ અને નર્સિગ સ્ટાફને આઇસોલેશનની સગવડ તેમજ જો કોરોના થઈ જાય તો તમામ ટ્રીટમેન્ટની બાંહેધરી આપવી જોઈએ. "

"બીજી તમામ હૉસ્પિટલોમાં ડૉક્ટર્સને આઇસોલેશન માટે હોટલોમાં સગવડ આપવામાં આવે છે, પરંતુ અનેક રજૂઆતો કરવા છતાં સોલા સિવિલ હૉસ્પિટલના ડૉક્ટર્સને આ સગવડો પૂરી પાડવામાં આવતી નથી."

ચૌધરીએ જણાવ્યું કે કલેક્ટર ઑફિસ તરફથી આ વિશે કોઈ નક્કર પગલાં ન લેવાતાં અમારે આ વિરોધપ્રદર્શન કરવું પડ્યું હતું.

જોકે સાથે તેમણે ઉમેર્યું કે કલેક્ટર કચેરી તરફથી હવે આ તમામ ડૉક્ટર્સને બાંહેધરી આપવામાં આવી છે કે વહેલી તકે તેમને આઇસોલેશનની સગવડ પૂરી પાડવામાં આવશે.

કૉંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી કોરોના પૉઝિટિવ

ઇમેજ સ્રોત, @BHARATSOLANKEE/TWITTER

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવતા તેમને વડોદરાની બૅન્કર હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ સ્થિર જણાવાઈ રહી છે.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે ગઈ કાલે લક્ષણ જણાતાં તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. આજે રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. એમને બરોડાની બૅંકર હૉસ્પિટલમાં દાખલ કરાયા છે અને તેમની તબિયત સારી છે.

હાલમાં જ થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસના અગ્રણી નેતાઓમાંના એક ભરતસિંહ સોલંકી પક્ષ તરફથી ઉમેદવાર હતા જો કે ચૂંટણીમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.

66 વર્ષના ભરતસિંહ સોલંકી 2015થી 2018 દરમિયાન ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ હતા.

આ પહેલા ગુજરાત કૉંગ્રેસના અમદાવાદના અગ્રણી નેતા અને દાણીલીમડા વિસ્તારથી કૉર્પોરેટર બદરુદ્દીન શેખનું એપ્રિલ મહિનામાં કોરોના વાઇરસના સંક્રમણ બાદ અવસાન થયું હતું. અમદાવાદથી કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા અને સારવાર બાદ સ્વસ્થ થયા હતા.

ગુજરાતમાં 2 લાખથી વધુ લોકો ક્વોરૅન્ટીનમાં

આરોગ્ય વિભાગના કોવિડ-19 ડૅશ-બૉર્ડ પ્રમાણે ગુજરાતમાં હાલ પણ 2 લાખ 23 હજાર 450 લોકો ક્વોરૅન્ટીનમાં છે.

આમાંથી અમદાવાદ જિલ્લામાં હાલ કવોરૅન્ટીનમાં રહેલા લોકોનો આંક દોઢ લાખથી પણ વધુ છે. અમદાવાદ જિલ્લામાં હાલ 1 લાખ 54 હજાર 400 લોકો ક્વોરૅન્ટીનમાં છે.

અમદાવાદ પછી પાટનગર ગાંધીનગરમાં રાજ્યમાં સૌથી વધુ લોકો ક્વોરૅન્ટીનમાં છે. ગાંધીનગરમાં હાલ 13 હજાર 428 લોકો ક્વોરૅન્ટીનમાં છે.

ત્યાર પછીના ક્રમે સુરત જિલ્લો છે જ્યાં 10,986 લોકો ક્વોરૅન્ટીનમાં છે.

કચ્છમાં પણ હાલ 5996 લોકોને કોરોના વાઇરસને ફેલાતા રોકવાની કવાયતના ભાગ રૂપે ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવ્યા છે અને કચ્છનો ક્રમ રાજ્યમાં સૌથી વધુ ક્વોરૅન્ટીનમાં રહેલા લોકો વાળા જિલ્લાની યાદીમાં ચોથા ક્રમે છે.

નાનાં શહેર-જિલ્લાની વાત કરીએ તો ભરૂચમાં કચ્છ પછી સૌથી વધુ 4569 લોકો ક્વોરૅન્ટીનમાં છે.

તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ લોકો હાલ ક્વોરૅન્ટીનમાં છે જ્યાં આ આંકડો 3875 છે અને ત્યારપછી અમરેલીનો ક્રમ આવે છે જ્યાં હાલ 3835 લોકો ક્વોરૅન્ટીનમાં છે.

રાજ્યમાં હાલ ઍક્ટિવ કેસોની સંખ્યા 6248 છે જ્યારે અત્યાર સુધી 3 લાખ 24 હજાર 766 લોકોનાં કોરોના વાઇરસ માટે પરીક્ષણ થયાં છે.

વિશ્વમાં 90 લાખ નજીક કેસો પહોંચ્યા, સાડા ચાર લાખથી વધુ મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વમાં કોરોના વાઇરસના કુલ ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 90 લાખ નજીક પહોંચવા આવી છે.

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર વિશ્વમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓનો કુલ આંક 8,926,050 થઈ ગયો છે. જ્યારે મૃતાંક 467,611 થઈ ગયો છે.

વિશ્વમાં સૌથી વધુ ચેપગ્રસ્ત દરદીઓ અમેરિકામાં નોંધાયા છે. અમેરિકામાં 2,279,879 દરદીઓ સામે આવ્યા છે, જ્યારે બ્રાઝિલમાં 1,083,341 તો રશિયામાં 583,879 ચેપગ્રસ્ત દરદીઓ નોંધાયા છે. આ યાદીમાં ભારત ચોથા ક્રમે છે. ભારતમાં અત્યાર સુધી 410,461 દરદીઓ નોંધાયા છે.

મૃતાંકની વાત કરીએ જ્યાં સૌથી વધુ કેસો નોંધાયા છે, એ અમેરિકામાં મૃત્યુ પણ સૌથી વધુ થયાં છે. અહીં કુલ મૃતાંક 119,959 થઈ ગયો છે. જ્યારે એ બાદ બ્રાઝિલમાં 50,591 મૃત્યુ થયાં છે. આ યાદીમાં બ્રિટન ત્રીજા ક્રમે છે. બ્રિટનમાં કુલ મૃતાંક 42,717 થયો છે. એ બાદ ઇટાલી અને સ્પેનમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયાં છે.

યુનિવર્સિટીના આંકડા અનુસાર ભારતમાં કોરોના વાઇરસને પગલે અત્યાર સુધી 13,254 મૃત્યુ થયાં છે.

ગુજરાતમાં 580 નવા કેસો, વધારે 25 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, EPA

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા કોરોના વાઇરસના નવા આંકડા અનુસાર ભારતમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા 4 લાખને પાર પહોંચી છે. ગુજરાતમાં કેસોની સંખ્યા 27 હજારને પાર કરી ગઈ છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના રેકર્ડબ્રેક 15,413 કેસ નોંધાયા છે. જ્યારે 306 લોકોનાં મૃત્યુ થયાં છે. ભારતમાં કુલ મૃતકાંક 13,254 પહોંચ્યો છે.

ભારતમાં આ સમયે કુલ સંક્રમિતોની સંખ્યા 4,10,461 થઈ ગઈ છે જ્યારે આનાથી સ્વસ્થ થયેલા દરદીઓની સંખ્યા 2.27 લાખથી વધારે છે.

ગુજરાતમાં 580 નવા કેસો, વધારે 25 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારીમાં કેસોનો આંકડો સતત વધી રહ્યો છે.

21 જૂને છેલ્લા 24 કલાકમાં 580 નવા કેસ સામે આવ્યા છે તેમ સમાચાર સંસ્થા એએનઆઈ ગુજરાતના આરોગ્ય વિભાગના હવાલાથી જણાવે છે.

છેલ્લા 24 કલાકમાં 25 લોકોનાં મૃત્યુ થયા છે.

એએનઆઈ મુજબ ગુજરાતમાં હવે કુલ કેસોનો આંકડો 27,317 થઈ ગયો છે અને મૃતકાંક 1664 થઈ ગયો છે.

અત્યાર સુધી 19357 લોકોને સારવાર બાદ રજા આપવીમાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં અસમાન્ય લક્ષણ ધરાવતા કેસ બન્યા મોટી મુસીબત

ઇમેજ સ્રોત, Sanjay Das

કલકત્તાથી પ્રભાકર મણિ તિવારી જણાવે છે કે પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને પાટનગર કોલકાતામાં કોરોના વાઇરસના અસામાન્ય લક્ષ્ણ ધરાવતા દર્દીઓએ સરકારની ચિંતા વધારી દીધી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આવા લક્ષણોનો ઉલ્લેખ કર્યો હતો.

સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું છે, " ગત કેટલાંક દિવસોથી અસામાન્ય લક્ષ્ણવાળા દરદીઓની સંખ્યા સતત વધી રહી છે. આમાં સ્નાયુઓમાં દુખાવો, પેટમાં દુખાવો, શરીર પર ચાઠાં, નાક બંધ થઈ જવું, ડાયેરિયા અને સ્વાદ અને ગંધ જેવી વસ્તુનો અહેસાસ ન થવો વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારના અસામાન્ય લક્ષણ સામે આવ્યા છે. જે ચિંતાનું કારણ છે."

પશ્ચિમ બંગાળમાં શનિવારે 441 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 11 લોકોનાં મૃત્યુ થયા છે. આમા મૃતકોની સંખ્યા વધીને 540 થઈ ગઈ છે.

કુલ સંક્રમિતોની સંખ્યા 13531 થઈ ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં 652 દરદી સ્વસ્થ થઈને હૉસ્પિટલથી ઘરે પહોંચ્યા છે.

21 જૂન 2020, રવિવાર

નમસ્કાર. કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત સહિત દેશ-દુનિયાની ખબરો તમે અહીં મેળવી શકશો.

સંક્રમિત અને સાજા થનાર વચ્ચે ચાર કેસનું અંતર

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં શનિવારે કોરોના સંક્રમણના 539 નવા કેસ નોંધાયા હતા અને 535 લોકો સંક્રમણમાંથી સાજા થઈ ગયા હતા.

શનિવારે નોંધાયેલા 539 કેસમાંથી 306 કેસ માત્ર અમદાવાદમાં જ છે.

છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે 20 લોકોનાં મૃત્યુ નોંધાયા છે જેમાંથી, 16 અમદાવાદમાં છે.

સુરતમાં છેલ્લા 24 કલાકમાં 103 નવા કેસ સામે આવ્યા છે.

હાલ ગુજરાતમાં કોરોના સંક્રમણના કુલ 6396 ઍક્ટિવ કેસ છે જેમાંથી 66 દરદી વૅન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોના સંક્રમણથી સાજા થઈને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનાર લોકોની સંખ્યા 18,702 થઈ ગઈ છે.

રાજ્યમાં કોરોના મહામારીને કારણે મરણાંક 1,639 પર પહોંચી ગયો છે.

ભારતની સ્થિતિ

ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી કુલ 3,19,414 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં કોરોના સંક્રમણના 168269 કેસ છે જ્યારે કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 395048 છે

ત્યારે દેશમાં 213,831 લોકો કોરોના સંક્રમણમાંથી સાજા થઈ ગયા છે.

દેશમાં કોરોના સંક્રમણનો મરણાંક 12948 થઈ ગયો છે.

ભારતમાં 24 કલાકમાં 14,516 પૉઝિટિવ કેસ

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકર્ડ સંક્રમિત કેસ મળ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, એક દિવસમાં 14,516 કેસ સામે આવ્યા છે અને 375 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ સાથે જ ભારતમાં કુલ સંક્રમણના કેસ વધીને 3,95,048 થઈ ગયા છે.

આ સમયે ભારતમાં ઍક્ટિવ કેસની સંખ્યા 1,68,269 છે, જ્યારે 2,13,831 લોકો કોરોનાથી સાજા થયા છે.

કોવિડ-19ને કારણે ભારતમાં અત્યાર સુધીમાં 12,948 લોકોનાં મૃત્યુ થયાં છે.

20 જૂન 2020, શનિવાર

નમસ્કાર. કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત સહિત દેશ-દુનિયાની ખબરો તમે અહીં મેળવી શકશો.

કોવિડના કેસ 26 હજારને પાર

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 26 હજારને (26 હજાર 198) પાર કરી છે, જ્યારે મૃત્યુ આંક 1,619 ઉપર પહોંચ્યો છે.

શુક્રવારે 540 નવા દરદી નોંધાયા હતા, જ્યારે વધુ 27 મૃત્યુ થયા છે. રાજ્યમાં 6 હજાર 412 ઍક્ટિવ કેસ છે, જેમાંથી 67 વૅન્ટિલેટર ઉપર છે.

ગુજરાતમાં 18 હજાર 167 (વધુ 340 સાજા થયા) પેશન્ટ આ બીમારીને મ્હાત આપી ચૂક્યા છે.

4195 ઍક્ટિવ કેસ સાથે અમદાવાદ રાજ્યમાં ટોચ ઉપર છે. 700 ઍક્ટિવ કેસ સાથે હીરાનગરી સુરત બીજાક્રમે, જ્યારે વડોદરા (588 કેસ) ત્રીજા ક્રમે છે. પાટનગર ગાંધીનગર 190 દરદી સારવાર હેઠળ છે.

અમદાવાદનો કોરોનાથી પ્રભાવિત વિસ્તાર

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદ શહેરની ઝોનવાર સ્થિતિ જોઈએ તો શહેરના પશ્ચિમ ઝોનમાં હાલ સૌથી વધારે ઍક્ટિવ કેસો છે ત્યાર બાદના ક્રમે ઉત્તર ઝોન આવે છે.

જેમાંથી સૌથી વધુ 811 (22.5 ટકા) ઍક્ટિવ કેસ પશ્ચિમ ઝોનમાં છે. પશ્ચિમ ઝોનમાં પાલડી, વાસણા, આંબાવાડી, નવરંગપુરા, નારણપુરા, વાડજ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા સહિતના વિસ્તારો આવે છે.

જ્યારે શહેરના બીજા નંબરના સૌથી અસરગ્રસ્ત ઉત્તર ઝોનમાં હાલ ઍક્ટિવ કેસો 713 (19.8 ટકા) છે. ઉત્તર ઝોનમાં શહેરના નરોડા રોડ, અસારવા, કુબેરનગર, સરદારનગર, નોબલનગર, મેઘાણીનગર, સેઇજપુર, ઇન્ડિયા કોલોની સહિતના વિસ્તારો આવે છે.

ઍક્ટિવ કેસોની હાલની સંખ્યાની રીતે પૂર્વ ઝોન ત્રીજા ક્રમનો સૌથી અસરગ્રસ્ત ઝોન છે જ્યાં હાલ 653 (18.1 ટકા) ઍક્ટિવ કેસો છે. પૂર્વ ઝોનમાં રખિયાલ, બાપુનગર, અમરાઈવાડી , વસ્ત્રાલ, રામોલ, નિકોલ, ઓઢવ, ગોમતીપુર સહિતના વિસ્તારો આવે છે.

શહેરનો સેન્ટ્રલ ઝોન કે જે એક સમયે શહેરમાં કોરોના વાઇરસના કેસોનું ઍપિસેન્ટર બન્યો હતો તે હવે હાલ શહેરના સૌથી ઓછા ઍક્ટિવ કેસો ધરાવતા ઝોનમાં છે.

સેન્ટ્રલ ઝોનમાં હાલ 398 (11.0 ટકા) ઍક્ટિવ કેસો છે. સેન્ટ્રલ ઝોનમાં જૂનું અમદાવાદ એટલે કે કોટ વિસ્તાર ગણાતા વિસ્તારો જેવા કે કાલુપુર, દરિયાપુર, શાહપુર, ખાડિયા, રાયખંડ, જમાલપુર, દુધેશ્વર, માધુપુરા સહિતના વિસ્તારો આવે છે.

અમદાવાદ શહેરમાં હાલ સૌથી ઔછા ઍક્ટિવ કેસો દક્ષિણ પશ્ચિમ (304 કેસો, 8.4 ટકા) અને ઉત્તર પશ્ચિમ ઝોન(315 કેસો, 8.7 ટકા)ના વિસ્તારોમાં છે.

અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કુલ કેસોની સંખ્યા 17,285 છે. જ્યારે કે શહેરમાં કોરોના મહામારીમાં અત્યાર સુધીનો મૃત્યુ આંક 1245 છે એમ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પૉરેશનનું કોવિડ-19 ડૅશ બૉર્ડ બતાવે છે.

'વર્ષાંત સુધીમાં કોરોનાની વૅક્સિન ઉપલબ્ધ બનશે'

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આશા વ્યક્ત કરી છે કે આ વર્ષના અંત સુધી કોરોના વાઇરસની રસીનાં હજારો ડોઝ ઉપલબ્ધ થઈ જશે જેનાથી ખૂબ જ અશક્ત અને અસરગ્રસ્ત લોકોને બચાવી શકાશે.

કોરોના વાઇરસની કોઈપણ વૅક્સિન હજુ સુધી ઉપલબ્ધ નથી, પરંતુ WHOનાં વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે દુનિયાભરમાં નિષ્ણાતો 200થી વધુ સંભાવના ઉપર કામ કરી રહ્યા છે. લગભગ દસ વૅક્સિનની મનુષ્ય પર ટ્રાયલ ચાલી રહી છે.

"વૅક્સિન બનાવવી જટિલ કામ છે. એમાં અનેક પ્રકારની આશંકા પણ છે અને સારી વાતો પણ છે. આપણી પાસે અનેક વૅક્સિન છે. જો આપણે એકવાર નિષ્ફળ જઈએ, તો બીજી વાર પ્રયાસ કરીએ છીએ. ફરી નિષ્ફળ જઈએ છીએ તો પણ આશા છોડવી ના જોઈએ. આપણે હાર ન માની શકીએ."

સ્વામીનાથનના કહેવા પ્રમાણે, જો બધું યોગ્ય રહ્યું તો આ વર્ષના અંત સુધી આપણને એક અથવા બે સફળ વૅક્સિન મળી જશે. વૅક્સિન સૌથી પહેલા અગ્ર ક્રમમાં કામ કરનારા કર્મીઓ જેમ કે ડૉક્ટર અને પછી એ દર્દીઓ જે ગંભીર રૂપથી બીમાર અને કમજોર છે તેમની આપવામાં આવશે.

એક જ દિવસમાં 13,500થી વધુ કેસ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 13,586 કેસ નોંધાયા, જે એક દિવસની અંદર નોંધાયેલા સૌથી વધુ કેસ છે.

પાછલા 24 કલાકમાં 336 દરદીઓનાં મૃત્યું નોંધાયાં છે. આ સાથે દેશમાં મહામારીનો કુલ મૃત્યુઆંક 12,573 થઈ ગયો છે, તો અત્યાર સુધીના કુલ સંક્રમિતોનો આંક હવે ત્રણ લાખ 80 હજાર 532 થઈ ગયો છે.

સમાચાર એજન્સી એએનઆઈએ આપેલા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં હાલ ઍક્ટિવ કેસોની સંખ્યા એક લાખ 63 હજાર 248 છે. જ્યારે કે બે લાખ ચાર હજાર 711 દરદીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે.

સ્વાસ્થ્યકર્મીઓની સમયસર વેતન આપવાના આદેશ

ઇમેજ સ્રોત, ANI

કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19ના દર્દીઓના ઇલાજમાં જોતારાયેલા ડૉક્ટર્સ તથા અન્ય સ્વાસ્થ્યકર્મીઓને સમયસર વેતન આપવાના આદેશ કર્યા છે.

આ સાથ જ ચેતવણ આપી છે કે જો હૉસ્પિટલ અને સંબંધિત અધિકારી આદેશોનું પાલન નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમદાવાદામાં સ્વાસ્થ્યકર્મીઓએ વેતન સહિતની બાબતો અંગે વિરોધ કર્યો હતો.

19 જૂન 2020, શુક્રવાર

નમસ્કાર. કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત સહિત દેશ-દુનિયાની ખબરો તમે અહીં મેળવી શકશો.

ગુજરાતમાં ઍક્ટિવ કેસ છ હજારને પાર

ઇમેજ સ્રોત, EPA

ગુજરાતમાં કોરોનાના છ હજાર 239 ઍક્ટિવ કેસ છે, જેમાંથી 61 પેશન્ટ વૅન્ટિલેટર પર છે, જ્યારે 6,178 પેશન્ટ સામાન્ય અવસ્થામાં છે.

ગત 24 કલાક દરમિયાન 510 નવા કેસ નોંધાયા, જેમાંથી 317 અમદાવાદમાં, 82 સુરતમાં, 43 વડોદરામમાં અને ગાંધીનગરમાં 11 કેસ નોંધાયા હતા.

ગત 24 કલાક દરમિયાન અમદાવાદમાં 22, સુરતમાં છ ઉપરાંત પાટણ, ગાંધીનગર અને છોટાઉદેપુરમાં કોરોનાને કારણે એક-એક મૃત્યુ થયાં હતાં. રાજ્યમાં કુલ મરણાંક 1592 ઉપર પહોંચ્યો છે.

રાજ્યમાં કુલ 17 હજાર 829 પેશન્ટ ડિસ્ચાર્જ થયા છે, ગત 24 કલાક દરમિયાન 348 દરદીને રજા આપવામાં આવી હતી.

ગુજરાતનો કોરોનામુક્ત જિલ્લો

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્ય સરકારના બુધવારે જાહેર થયેલા છેલ્લા આંકડા અનુસાર રાજ્યના આદિવાસી વિસ્તાર ગણાતા ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણનો હાલ એક પણ ઍક્ટિવ કેસ નથી.

ગુરુવારે પણ આ સ્થિતિ જળવાઈ રહેવા પામી હતી.

આંકડા પ્રમાણે ડાંગમાં અત્યાર સુધી ચાર સંક્રમિતોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. જેમાંથી બે સંક્રમિતો પાછલા મંગળવારે જ સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા છે.

ડાંગમાં અત્યાર સુધી કોવિડ-19નાં 1098 પરીક્ષણ થયાં છે જેમાં પાછલા 24 કલાકમાં 22 પરીક્ષણ કરવામાં આવ્યા છે. ડાંગમાં હાલ 109 લોકો ક્વોરૅન્ટિનમાં છે

ઉલ્લેખનીય છે કે રાજ્યના સમગ્રપણે આદિવાસી જાહેર થયેલા જિલ્લા એટલે કે જ્યાં તમામ વિધાનસભા બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત રખાઈ છે એવા ચાર જિલ્લા ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં કોરોના વાઇરસના સંક્રમણથી એક પણ મૃત્યુ નોંધાયું નથી.

રાજયના મહદઅંશે આદિવાસી વિસ્તાર કહી શકાય એવા મહીસાગર અને દાહોદ જિલ્લામાંથી દાહોદમાં પણ કોરોના વાઇરસથી કોઈનો જીવ ગયો નથી જ્યારે મહીસાગરમાં ૨ વ્યક્તિઓએ આ મહામારીમાં જીવ ગુમાવ્યો છે.

દિલ્હીમાં કોરોના ટેસ્ટ હવે 2400 રૂપિયામાં

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હી સરકારે કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીના ટેસ્ટની ફી 2400 રૂપિયા નક્કી કરી દીધી છે.

અત્યાર સુધી આ ટેસ્ટ 4,500 રૂપિયામાં થતો હતો.

દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ આ જાણકારી આપી.

દિલ્હીમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ કેસ 47 હજારથી વધારે છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુ પછી સંક્રમણના કેસોની સંખ્યાને મામલે દિલ્હી દેશમાં ત્રીજા નંબરનું સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે.

તો સમાચાર સંસ્થા પીટીઆઈએ આપેલી માહિતી પ્રમાણે કેન્દ્રના ગૃહરાજ્યમંત્રી જી.કિશન રેડ્ડી કહ્યું છે કે કેન્દ્ર સરકાર દિલ્હીની હૉસ્પિટલોમાં વધારાનાં 500 વૅન્ટિલેટર અને 650 ઍમ્બ્યુલન્સ પુરી પાડશે.

વધુમાં તેમણે કહ્યું કે દિલ્હીમાં 169 નવી સુવિધાઓ ખાતે રૅપિડ ઍન્ટિજેન મૅથડોલૉજી વડે છ લાખ કોવિડ-19ના ટેસ્ટ કરવાનું સરકારનું આયોજન છે.

આ વર્ષે નહીં યોજાય રથયાત્રા

ઇમેજ સ્રોત, AFP

સુપ્રીમ કોર્ટે આ વર્ષે પુરીમાં રથયાત્રા યોજવા અંગે મનાઈ કરી છે.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોરોના વાઇરસની મહામારીના સમયમાં આટલી સંખ્યામાં લોકોને એકઠા ન થવા દેવાય. નાગરિકોનાં સ્વાસ્થ્ય અને સુરક્ષાના મામલાને ધ્યાને લેતાં આ વર્ષે રથયાત્રાને મંજૂરી આપી ન શકાય.

રેકર્ડ-બ્રેક કેસ, 24 કલાકમાં 12 હજાર પૉઝિટિવ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના 12,881 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં નોંધાયેલા કેસનો સૌથી મોટો રેકર્ડ છે.

આ સાથે જ 334 લોકોનાં મૃત્યુની પણ પુષ્ટિ થઈ છે.

ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા હવે 3,66,946 થઈ ગઈ છે.

આ પૈકી 1,60,384 ઍક્ટિવ કેસ છે અને 1,94,325 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

સંક્રમણને કારણે અત્યાર સુધીમાં કુલ 12,237 લોકોનાં મૃત્યુ થયાં છે.

'કોરોના સામે ભારત લડશે અને જીતશે' - નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, ANI

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું છે કે ભારત કોરોના વાઇરસના સંક્રમણની મહામારી સામે લડશે અને જીતશે.

તેમણે એવું પણ કહ્યું કે આ મહામારીને અવસરમાં ફેરવવાનો વખત છે અને દેશને આત્મનિર્ભર બનાવવાની તક છે.

આ સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોલસાની 41 ખાણના કૉમર્શિયલ માઇનિંગ માટે હરાજીની જાહેરાત કરી.

તેમણે કહ્યું હતું કે ભારત આયાત પરની નિર્ભરતા ઘટાડવી જરૂરી છે અને એ દિશામાં આ પગલું લેવામાં આવ્યું છે.

તેમણે એવું પણ કહ્યું હતું કે આ પગલાથી લાખો રોજગારીની તકોનું સર્જન થવાનો અંદાજ છે.

ડૅક્સામૅથાસન દવાથી ફાયદો થઈ રહ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એદોનહોમ ગેબ્રેયાસેસનું કહેવું છે કે દુનિયામાં કોવિડ-19ના 80 લાખથી વધારે કેસ નોંધાયા છે.

જે પૈકી 85 હજાર કેસ શરૂઆતના દિવસોમાં જ આવી ગયા હતા, છેલ્લા બે મહિનામાં 60 લાખ જેટલા કેસ નોંધાયા છે.

તેમણે જણાવ્યું કે અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ એશિયામાં 4.35 લાખ કરતાં વધારે મૃત્યુ થયાં છે અને આ આંકડો ઝડપથી વધી રહ્યો છે.

ગેબ્રેયાસેસે કોવિડ-19 સામેની જંગમાં મહત્ત્વપૂર્ણ મનાતી ડૅક્સામૅથાસન અંગે કહ્યું છે કે આ એક સામાન્ય સ્ટેરૉયડ છે, જેનાથી ગંભીર રીતે બીમાર લોકોને પણ ફાયદો થયો છે.

તેમણે કહ્યું છે કે શરૂઆતની તપાસના આધારે WHOને મળેલી માહિતીમા જાણવા મળ્યું છે કે ઑક્સિજનની જે દર્દીઓને જરૂર છે એમનાં મોતનું જોખમ હાલ કરતાં પાંચમા ભાગનું રહી જાય છે.

ડૅક્સામૅથાસન અંગે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો.

18 જૂન 2020, ગુરુવાર

નમસ્કાર. કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત સહિત દેશ-દુનિયાની ખબરો તમે અહીં મેળવી શકશો.

અમદાવાદમાં ઍક્ટિવ કેસ ચાર હજાર

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદમાં ઍક્ટિવ કેસની સંખ્યા ચાર હજારને પાર કરી 4,096 (330 નવા કેસ) ઉપર પહોંચી છે.

આ સિવાય વધુ 22 મૃત્યુ સાથે જિલ્લાનો કુલ મરણાંક 1253ને પાર કરી ગયો છે. બુધવારે અમદાવાદ જિલ્લાના 223 દરદી સહિત, રાજ્યના કુલ 348 પેશન્ટને સારવાર બાદ રજા આપવામાં આવી.

ઍક્ટિવ કેસની સંખ્યાની દૃષ્ટિએ સુરત (643) બીજા, વડોદરા (535) ત્રીજા અને ગાંધીનગર (191) ચોથા ક્રમે છે.

બુધવારે સાંજની સ્થિતિ પ્રમાણે, નવા 520 પેશન્ટ સાથે કુલ ઍક્ટિવ કેસની સંખ્યા 6,149 (જેમાંથી 60 વૅન્ટિલેટર) ઉપર પહોંચી ગઈ છે.

ઍક્ટિવ કેસની સંખ્યાની બાબતમાં ગુજરાત ભારતમાં ચોથાક્રમે છે. મહારાષ્ટ્ર (50 હજાર 57 કેસ), દિલ્હી (26 હજાર 351) અને તામિલનાડુ (20 હજાર 709) દેશમાં અનુક્રમે પહેલા, બીજા અને ત્રીજા ક્રમે છે.

ગુજરાતના નાના શહેરોની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતનાં કેટલાંક નાનાં શહેરો-જિલ્લામાં પણ કોરોના વાઇરસથી મૃત્યુંના આંકડા ચિંતાજનક રીતે વધ્યા છે.

અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી આ મહામારીને કારણે 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. તો અત્યાર સુધી મહેસાણામાં 10, પાટણમાં 9, બનાસકાંઠામાં 8 અને સાબરકાંઠામાં 7 લોકોના કોરોના વાઇરસ મહામારીમાં જીવ ગયા છે.

પંચમહાલમાં અત્યાર સુધી કોરોના વાઇરસના 15 સંક્રમિતોનાં મોત થયાં છે તો આણંદમાં કોરોના વાઇરસના 12 સંક્રમિતો દમ તોડી ચૂક્યા છે. ખેડા જિલ્લામાં 5 અને મહિસાગર જિલ્લામાં 2 લોકોનાં આ મહામારીમાં મોત થયાં છે. વડોદરામાં અત્યાર સુધી 45 લોકોએ જીવ ગુમાવ્યા છે.

પાટનગર ગાંધીનગરમાં કોરોના વાઇરસનાં 21 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે.

ભાવનગરમાં 13 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. જામનગર અને સુરેન્દ્રનગરમાં 3-3, પોરબંદર-બોટાદમાં 2-2, જ્યારે મોરબીમાં એક દરદીનું અત્યાર સુધી મોત થયું છે. રાજકોટમાં આ મહામારીથી અત્યાર સુધીનો મૃત્યુઆંક 5 છે.

સુરત પછી સૌથી વધુ મૃત્યુ ભરુચમાં નોંધાયા છે. અહીં 5 દરદીઓનાં મૃત્યુ થયાં છે. વલસાડમાં 3 અને નવસારીમાં 1 દરદીનું મૃત્યું નોંધાયું છે. સુરતમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 106 લોકોએ જીવ ગુમાવ્યા છે.

દિલ્હીના આરોગ્યપ્રધાન કોરોનાગ્રસ્ત

દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈનનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

મંગળવારે તેમનું કોરોનાનું પરીક્ષણ કરાયું હતું અને તેઓ નૅગેટિવ આવ્યા હતા. જોકે, તેમનામાં લક્ષણો જોવા મળતાં બુધવારે ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર બુધવારે તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિ આવ્યો છે.

કોરોના અપડેટ : ચીનમાં વધી રહેલા સક્રમણ વચ્ચે ઉડાણો રદ

ઇમેજ સ્રોત, Getty Images

ચીનના અધિકારીઓએ બેજિંગથી ઉડાન ભરનારી અને લૅન્ડ થનારી એક હજારથી વધુ ઉડાનો રદ કરી દીધી છે.

ચીનમાં કોરોના વાઇરસની બીજી લહેરના ખતરાને ધ્યાને લેતાં આ પગલું ઉઠાવાયું છે.

બુધવારે પણ બેજિંગમાં કોરોના વાઇરસના 31 નવા મામલા સામે આવ્યા. જે પછી પાછલા અઠવાડિયાથી અત્યાર સુધી બેજિંગમાં સંક્રમણના કેસોની સંખ્યા વધીને 137 થઈ ગઈ છે.

બેજિંગમાં શાળાઓ ફરીથી ખુલવાની હતી. હવે એ શાળાઓને ફરીથી બંધ કરવાના આદેશ અપાયા છે. આ ઉપરાંત લોકોને આગ્રહ કરવામાં આવી રહ્યો છે કે તેઓ રાજધાની છોડીને ન જાય.

બેજિંગમાં પાછલા 50 દિવસથી કોવિડ-19નો સ્થાનિય સંક્રમણનો કોઈ પણ કેસ આવ્યો નહોતો. પરંતુ પાછલા અઠવાડિયાથી આમા ફરીથી વધારો થવા લાગ્યો છે.

24 કલાકમાં કોરોના વાઇરસ સંક્રમણના નવા 10 હજાર 974 કેસ નોંઘાયા

ઇમેજ સ્રોત, Hindustan Times

ભારતમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસ સંક્રમણના નવા 10 હજાર 974 કેસ નોંઘાયા છે, તો 2003 લોકોનાં મૃત્યુ થયા છે. આ એક દિવસમાં અત્યાર સુધી નોંધાયેલો સૌથી વધુ મૃત્યુઆંક છે.

આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોનો અત્યાર સુધીનો આંક સાડા ત્રણ લાખને પાર થઈ 3 લાખ 54 હજાર 065 થઈ ગયો છે અને અત્યાર સુધી આ મહામારીનો કુલ મૃત્યુઆંક 11903 થયો છે.

સમાચાર એજન્સી એએનઆઇએ આપેલા સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં હાલ ઍક્ટિવ કેસોની સંખ્યા 1 લાખ 55 હજાર 227 છે.

દવાની સફળ ટ્રાયલ બાદ હવે WHO તેની ગાઇડલાઇન્સમાં સુધારો કરશે

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ કહ્યું છે કે કોરોના વાઇરસને કારણે ગંભીર રીતે બીમાર દરદીઓના જીવ બચાવવામાં એક સસ્તી અને વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ દવા મદદ કરી શકે છે એમ એક ટ્રાયલમાં જણાયા બાદ તે હવે તેની સારવારની ગાઇડલાઇન્સને અપડેટ કરશે.

યુકેના નિષ્ણાતોએ કહે છે કે ઘાતક વાયરસ સામેની લડાઈમાં લો-ડોઝ સ્ટીરૉઇડ ટ્રીટમૅન્ટ ડૅક્સામેથાસૉન એક મહત્વની સફળતા છે

ડૉક્ટરો અને સ્વાસ્થ્યસેવા સાથે જોડાયેલા અન્ય કર્મીઓને છેલ્લામાં છેલ્લી માહિતી મળી રહે તે હેતુથી WHO તેની સારવારની ગાઇડલાઇન્સ અપડેટ કરતું રહે છે.

WHOના વડા ટેડ્રોસ ઍડેનૉમ ગેબ્રેયેસસે મંગળવારે કહ્યું કે ઓક્સિજન અથવા વૅન્ટિલેટરના સહારાની જરૂરિયાતવાળા કોવિડ-19 ના દર્દીઓમાં મૃત્યુના દરમાં જેના ઉપયોગથી ઘટાડો થયો હોય એવી આ પ્રથમ સારવાર છે.

મંગળવારની ટ્રાયલના પરિણામો જોકે હજુ પ્રાથમિક તબક્કામાં છે પરંતુ એણે બતાવ્યું કે ડૅક્સામેથાસૉન વૅન્ટિલેટર પર રહેલા દર્દીઓના મૃત્યુનું જોખમ ત્રીજા ભાગ સુધી ઘટાડી શકે છે અને જે દર્દી ઓક્સિજન પર હોય તેમના મૃત્યુનું જોખમ પાંચમા ભાગ સુધી ઘટાડી શકે છે.

સંશોધકોએ કહ્યું કે જો મહામારીની શરૂઆતમાં જ યુકેમાં દર્દીઓની સારવાર માટે આ દવાનો ઉપયોગ થયો હોત તો 5000 જેટલા દર્દીઓના જીવ બચાવી શકાયા હોત.

બીબીસીએ આ ટ્રાયલનો ભાગ બન્યા બાદ covid-19ની બીમારીમાંથી સ્વસ્થ થઈ જનાર એક દર્દી સાથે વાત કરી. તેમણે કહ્યું કે તેઓ ખૂબ જ આભારી છે અને માને છે કે એના વગર તેમનું મૃત્યુ થઈ શક્યું હોત.

દેશ અને દુનિયાની સ્થિતિ

રાજધાની દિલ્હીમાં પાછલા 24 કલાકમાં 1859 નવા કેસ નોંધાયા છે. સમાચાર સંસ્થા પીટીઆઈએ દિલ્હી વહીવટી તંત્રના આપેલા આંકડા પ્રમાણે આ સાથે દિલ્હીમાં કોરોના વાઇરસના કુલ સંક્રમિતોની સંખ્યા 44 હજારને પાર કરી ગઈ છે અને દિલ્હીમાં કુલ મૃત્યુઆંક 1837 થયો છે.

પીટીઆઇએ મુજબ મુંબઈ મહાનગરપાલિકા તરફથી આપેલા આંકડા જાહેર કહે છે કે મુંબઈમાં કોરોના વાઇરસના સંક્રમિતોની કુલ સંખ્યા 60 હજારને પાર થઈ 60 હજાર 142 પર પહોંચી છે.

પાછલા 24 કલાકમાં મુંબઈમાં સંક્રમણના નવા 941 દરદીઓ નોંધાયા. તો પાછલા 24 કલાકમાં 55 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા જે સાથે મુંબઈમાં મહામારીનો કુલ મૃ્ત્યુઆંક 3156 થયો છે.

મુંબઈમાં આવેલી સૌથી મોટી વસાહત ધારાવીમાં કોરોના વાઇરસ સંક્રમણના નવા 21 કેસ નોંધાતા ધારાવીમાં આ મહામારીના સંક્રમિતોનો કુલ આંક 2089 પર પહોંચ્યો છે. પીટીઆઈએ આપેલા મુંબઈ મહાનગરપાલિકાના આંકડા પ્રમાણે ધારાવીમાં હાલ કોરોના વાઇરસને કારણે નવું મૃત્યું નોંધાયું નથી આથી ધારાવીમાં મહામારીનો કુલ મૃત્યુઆંક 77 પર સ્થિર છે.

દેશમાં મહારાષ્ટ્ર પછી કોરોના વાઇરસથી બીજા નંબરના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય તમિલનાડુમાં પાછલા 24 કલાકમાં નવા 1515 કેસ નોંધાતા સંક્રમિતોની કુલ સંખ્યા 48 હજારને પાર થઈ ગઈ છે. પીટીઆઇએ આપેલા રાજ્ય સરકારના આંકડા પ્રમાણે તમિલનાડુમાં પાછલા 24 કલાકમાં 49 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો, જે રાજ્યમાં આ મહામારીથી એક દિવસમાં થયેલા સૌથી મોટો મૃત્યુઆંક છે. તમિલનાડુમાં અત્યાર સુધી 528 લોકો આ મહામારીમાં જીવ ગુમાવી ચૂક્યા છે.

કોરોના વાઇરસ મહામારીનો કુલ સંક્રમિતોનો વૈશ્વિક આંક 81 લાખ 73 હજાર 940 થઈ ગઈ છે એમ જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીનું ડૅશબૉર્ડ પર આજે સવારે 10 વાગ્યે અપડેટ થયેલા આંકડા બતાવી રહ્યા છે.

અમેરિકામાં સંક્રમિતોની કુલ સંખ્યા 21 લાખ 37 હજાર 731 પર પહોંચી છે. વિશ્વમાં આ મહામારીથી સૌથી વધુ અસર પામેલા દેશ અમેરિકામાં મહામારીનો કુલ મૃત્યુ આંક 1 લાખ 16 હજાર 963 પર પહોંચ્યો છે.

વિશ્વમાં બીજા નંબરના સૌથી વધુ અસરગ્રસ્ત દેશ બ્રાઝિલમાં સંક્રમિતોની કુલ સંખ્યા 9 લાખ 23 હજાર 189 પર પહોંચી છે અને અહીં કુલ મૃત્યુઆંક 45 હજારથી પણ વધી ગયો છે.

સંક્રમિતોની કુલ સંખ્યા બાબતે રશિયા 5 લાખ 44 હજારથી વધુ દરદીઓ સાથે હાલ ત્રીજા સ્થાને છે જે પછી વિશ્વના ચોથા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ તરીકે ભારતનો ક્રમ આવે છે.

ગુજરાતની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં સતત કોરોના વાઇરસના સંક્રમણના કેસ વધી રહ્યા છે.

રાજ્યમાં 16 જૂનના રોજ કોરોનાના નવા 524 કેસ આવ્યા છે. જ્યારે 418 લોકો રિકવર થઈને ઘરે પરત ગયા છે.

ઉપરાંત રાજ્યમાં કુલ 28 લોકોનાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયાં છે.

524 કેસોમાં 332 કેસ માત્ર અમદાવાદમાંથી આવ્યા છે, જ્યારે સુરતમાંથી 71, વડોદરામાંથી 41, ગાંધીનગરમાંથી 22, રાજકોટમાંથી 10, ભરૂચમાંથી 6 તથા પંચમહાલમાંથી 5 કેસ તથા બાકીના બીજા વિસ્તારોમાંથી આવ્યા છે.

ગુજરાતમાં કુલ 6004 ઍક્ટિવ કેસમાંથી 64 લોકોને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 5940 લોકોની સ્થિતિ સામાન્ય છે.

વડા પ્રધાની મુખ્ય મંત્રીઓ સાથે બેઠક

ઇમેજ સ્રોત, ANI

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિને લઈને રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક યોજી રહ્યા છે.

વીડિયો કૉન્ફરન્સિંગ થકી યોજાઈ રહેલી આ બેઠકમાં 21 રાજ્યોના મુખ્ય મંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશના અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.

બેઠકમાં વડા પ્રધાને કહ્યું કે જ્યારે પણ કોરોના વાઇરસ વિરુદ્ધ ભારતના જંગનો અભ્યાસ થશે તો આ સમય એવા માટે પણ યાદ કરાશે કે કઈ રીતે આપણે સાથે મળીને કામ કર્યું. કૉપરેટિવ ફેડરિઝમનું સર્વોત્તમ ઉદાહરણ રજૂ કર્યું.

તેમણે એવું પણ કહ્યું કે સમયસર લેવાયેલા નિર્ણયોને પગલે કોરોના વાઇરસને દેશમાં ફેલાતો અટકાવી શકાયો.

ભારતમાં 24 કલાકમાં 10 હજારથી વધારે કેસ, કુલ મરણાંક પણ 10 હજાર નજીક

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વમાં કોરોના વાઇરસ મહામારીના સંક્રમિતોની કુલ સંખ્યા 80 લાખ 15 હજાર 502 પર પહોંચી ગઈ છે અને મહામારીનો વૈશ્વિક મૃત્યુઆંક 4 લાખ 36 હજાર 318 થઈ ગયો છે.

અમેરિકામાં સંક્રમિતોની કુલ સંખ્યા 21 લાખ 13 હજાર 488 થઈ છે અને મૃત્યુઆંક 1 લાખ 16 હજાર 122 થઈ ગયો છે એમ જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીનું ડૅશબૉર્ડ જણાવે છે.

અમેરિકા કોરોના વાઇરસની મહામારીને કારણે વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. બીજા નંબરે બ્રાઝિલ છે જ્યાં સંક્રમિતોની કુલ સંખ્યા 8 લાખ 88 હજાર 271 થઈ ગઈ છે. બ્રાઝિલમાં કુલ મૃત્યુ આંક 43 હજાર 959 થઈ ગયો છે. વિશ્વમાં કોરોના વાઇરસ મહામારીથી ત્રીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ રશિયા છે જ્યાં કુલ સંક્રમિતો 5 લાખ 36 હજારથી વધી ગયા છે. ભારત વિશ્વમાં ચોથો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે.

ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 3 લાખ 32 હજાર 424 થઈ ગઈ છે અને આ મહામારીનો કુલ મૃત્યુ આંક 9520 થઈ ગયો છે.

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસ સંક્રમણના 514 નવા કેસ નોંધાયા છે, તો પાછલા 24 કલાકમાં 28 સંક્રમિતોએ આ મહામારીમાં જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં 23, સુરતમાં 4, અને અરવલ્લીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું. આ સાથે રાજ્યમાં આ મહામારીનો કુલ મૃત્યુઆંક 1506 થયો છે. ગુજરાતમાં અત્યાર સુધી સંક્રમિતોની કુલ સંખ્યા 24 હજાર 104 થઈ છે.

દિલ્હીમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના નવા 1647 કેસ નોંધા. આ સાથે દિલ્હીમાં આ મહામારીના કુલ સંક્રમિતોની સંખ્યા 42 હજારને પાર થઈ ગઈ છે અને મૃત્યુઆંક 1400 થયો છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના સંક્રમણથી 178 લોકોનાં મૃત્યું થયાં જે એક દિવસમાં રાજ્યમાં નોંધાયેલો સૌથી મોટો મૃત્યુઆંક છે. મહારાષ્ટ્રમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 2,786 કેસ નોંધાયા. રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા આ સાથે 1 લાખ10 હજાર 744 થઈ ગઈ છે અને કુલ મૃત્યુઆંક 4128 પર પહોંચ્યો છે.

એકલા મુંબઇમાં જ પાછલા 24 કલાકમાં 1066 નવા કેસ નોંધાયા જ્યારે કે 58 લોકોનાં મૃત્યુ થયાં છે. મુંબઇમાં સંક્રમિતોની કુલ સંખ્યા 59102 થઈ ગઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક 2248 પરપહોંચ્યો છે. મુંબઇમાં હાલ 26828 ઍક્ટિવ કેસો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરશે.

અમેરિકાએ કોરોના માટે હાઇડ્રૉક્સિક્લોરોક્વિન દવા પ્રતિબંધિત કરી

અમેરિકાએ કોરોના વાઇરસની સારવાર માટે હાઇડ્રૉક્સિક્લોરોક્વિન દવાના ઇમર્જન્સી પરિસ્થિતિમાં ઉપયોગ પર રોક લગાવી દીધી છે. અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (FDA)એ કહ્યું છે કે આ મેલેરિયાવિરોધી દવાની ક્લિનિકલ ટ્રાયલના નવા પરિણામોથી જણાયું છે કે આ દવા ખતરનાક વાઇરસ સામે બચાવમાં અસરકારક નથી અને જેઓ બીમાર નથી તેમને પણ સંક્રમણથી બચાવવામાં નિષ્ફળ રહી છે.

માર્ચમાં FDAએ ગંભીર કેસોમાં આ દવાના ઉપયોગની અનુમતિ આપી હતી.

જોકે, તેમ છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ દવાના ઉપયોગને યોગ્ય ઠેરવ્યો છે.

FDAએ આ દવાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે પત્રકારોને કહ્યું કે, મેં આ દવા લીધી અને મને સારું લાગ્યું. તેમણે કહ્યું, મને કોઈ સમસ્યા નથી. મેં આ દવા બે અઠવાડિયા લીધી અને હું તમારી સામે છું. 74 વર્ષના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમને અનેક લોકોએ કહ્યું છે કે આ દવાએ તેમનું જીવન બચાવ્યું છે.

ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ લિટરદીઠ બે રૂપિયા મોંઘું

ઇમેજ સ્રોત, Getty Images

સોમવાર મધ્યરાત્રિથી ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલના ભાવોમાં લિટરદીઠ બે રૂપિયાનો વધારો થશે. આ જાહેરાત રાજ્યના નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે કરી હતી.

નીતિન પટેલના કહેવા પ્રમાણે, કોરોનાને કારણે સ્ટેમ્પ ડ્યટી (રૂ. ચાર હજારથી રૂ. 4,300 કરોડ), મોટરવાહન કરમાં (રૂ. 1800થી રૂ. બે હજાર કરોડ), વીજકરમાં (રૂ. 1,300 કરોડ) ઘટાડો થવાનો અંદાજ છે.

જેની સામે જો પેટ્રોલ-ડિઝલનો રાબેતા મુજબ વપરાશ થાય તો રૂ. 1500-1800 કરોડની આવક રાજ્ય સરકારની તિજોરીને થાય તેમ છે.

આ સિવાય માર્ચ-2021 સુધી મંત્રીઓ તથા ધારાસભ્યોનાં વેતનમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે, ઉપરાંત રાજ્ય સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું મોકૂફ કરી દેવાયું છે.

આ પહેલાં પશ્ચિમ બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોએ પણ પેટ્રોલ-ડિઝલ પરના વેટમાં વધારો કર્યો છે.

પટેલે ગુજરાત સરકારનાં પગલાંને તર્કસંગત ઠેરવવા માટે પત્રકારપરિષદમાં પાડોશી રાજ્યમાં પ્રવર્તમાન પેટ્રોલના ભાવ તથા રાજ્યમાં પ્રવર્તમાન દરને રજૂ કર્યા હતા.

જોકે, કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આ મામલે રાજ્ય સરકાર પર 'પ્રજાને લૂંટવાનો આરોપ' લગાવ્યો હતો.

તેમણે ભારતમાં ઈંધણની કિંમતોની સરખામણી પાકિસ્તાનમાં ઈંધણની કિંમતો સાથે કરી હતી.

ગુજરાતમાં દરદીઓનો આંક 24 હજાર કરતાં વધુ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓના 514 નવા કેસો નોંધાયા છે. જ્યારે વધુ 28 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

આ સાથે જ કોરોના વાઇરસને લીધે રાજ્યમાં કુલ ચેપગ્રસ્ત દરદીઓનો આંક 24105 થઈ ગયો છે. જ્યારે કુલ મૃતાંક 1506 થઈ ગયો છે.

દિલ્હીમાં ફરી લૉકડાઉન?

ઇમેજ સ્રોત, Pti

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીમાં લૉકડાઉનને વધારવા અંગે કોઈ યોજના નથી.

તેમણે કહ્યું, "કેટલાય લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે દિલ્હીમાં લૉકડાઉનને વધારવા માટે યોજના બનાવાઈ રહી છે. પણ આવી કોઈ યોજના નથી."

દિલ્હીમાં લૉકડાઉનમાં છૂટ મળતાં જ કોરોના વાઇરસના ચેપગ્રસ્તમ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

જેને લીધે દિલ્હીમાં ફરીથી લૉકડાઉન લાગુ કરવાની અટકળોએ જોર પકડ્યું હતું. જોકે,

આવી કોઈ યોજના ન હોવાનું દિલ્હીના મુખ્ય મંત્રીએ સ્પષ્ટ કરી દીધું છે.

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનની સરહદ પર વાહનવ્યવહાર હવે શરૂ કરી દેવામાં આવ્યો છે.

ડીડી ન્યૂઝ ગુજરાત દ્વારા કરવામાં આવેલા ટ્વીટ પ્રમાણે પાસ વગર પણ હવે સરહદ પાર કરવાની પરવાનગી આપવામાં આવી રહી છે.

જોકે સરહદ પારથી આવતાં-જતાં વાહનોની રાજસ્થાન પોલીસ અને તંત્ર દ્વારા નોંધ રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે પાછલા અઠવાડિયે રાજસ્થાનની સરહદ સીલ કરી દેવાઈ હતી અને પાસ વગરના વાહનોના પ્રવેશવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

કૉમ્યુનિટી ટ્રાન્સમિશન ભારતમાં શરૂ થઈ ગયું?

સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 11 હજાર કરતાં વધારે સંક્રમણના કેસ નોંધાયા છે.

ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાયા છે અને ગુજરાત વધારે કેસો ધરાવતાં રાજ્યોમાં ચોથા ક્રમ પર છે.

આવામાં પ્રશ્ન થાય છે કે શું ભારતમાં પણ કૉમ્યુનિટી ટ્રાન્સમિશનનો તબક્કો આવી પહોંચ્યો છે?

આખરે કેવી રીતે થાય છે વાઇરસનું કૉમ્યુનિટી ટ્રાન્સમિશન?

જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીનો ખાસ વીડિયો.

24 કલાકમાં 11 હજાર નવા કેસ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં કોરોના વાઇરસનું સંક્રમણ કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં સંક્રમણના 11,502 કેસ નોંધાયા છે.

આ સાથે 7,419 લોકો સારવાર બાદ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જ્યારે 325 લોકોએ જીવ ગુમાવ્યો છે.

છેલ્લા 24 કલાકમાં નવા કેસ ઉમેરાતાં હવે કુલ કેસોની સંખ્યા દેશમાં 3,32,424 થઈ ગઈ છે.

જેમાં પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર અને ચોથા ક્રમે ગુજરાત રાજ્ય છે.

અત્યાર સુધીમાં ભારતમાં કુલ 9,520 લોકોએ જીવ ગુમાવ્યો છે.

સંક્રમણની ચરમસીમા નવેમ્બરમાં આવી શકે છે

ઇમેજ સ્રોત, Getty Images

એક રિસર્ચ પ્રમાણે કોરોના વાઇરસનો પીક પૉઇન્ટ પાછો ઠેલાયો છે અને તે હવે નવેમ્બરમાં આવી શકે છે.

દેશમાં આઠ અઠવાડિયાંના લૉકડાઉન બાદ મહામારીનો પીક પૉઇન્ટ 34થી 76 દિવસ પાછો ઠેલાયો છે અને લૉકડાઉનને કારણે કેસોની સંખ્યામાં 69થી 97% ઘટાડો થયો છે.

પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ રિસર્ચ ઍન્ડ ઍજ્યુકેશન ચંડીગઢ, લંડન સ્કૂલ ઑફ હાઇજિન ઍન્ડ ટ્રોપિકલ મેડિસિન લંડન અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ નવી દિલ્હી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસનો શરૂઆતનો અહેવાલ આમ જણાવે છે.

હિંદુસ્તાન ટાઇમ્સ સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે આ અભ્યાસની ફેરચકાસણી હજુ બાકી છે.

અભ્યાસ દાવો કરે છે કે જાહેર આરોગ્યની દેખરેખનાં પગલાં 60%ની અસરકારકતા સાથે વધારવાથી મહામારીના ઉચ્ચ સ્તરે કેસોની સંખ્યામાં 70 ટકા અને કુલ મળીને 26.6 ટકા ઘટાડો થઈ શકે છે.

આ પગલાથી આઈસીયુ અને વૅન્ટિલેટરની જરૂરિયાતમાં પણ 83 ટકા સુધીનો ઘટાડો કરી શકાશે એવો અંદાજ છે.

અભ્યાસ પ્રમાણે દેશમાં કોવિડ-19ની રોકથામ માટેનો ખર્ચ કોઈ પણ દરમિયાનગીરીની ગેરહાજરીમાં જીડીપીના સાડાચાર ટકા અને જાહેર આરોગ્યનાં પગલામાં વધારો કરવાથી જીડીપીના 6.8 ટકા થશે.

આ અભ્યાસ સસૅપ્ટિબલ એક્સપૉઝ્ડ ઇન્ફે્કશ્યસ રીકવર્ડ (SERI) મોડલ પર આધારિત હતો.

અભ્યાસમાં ચિંતા વ્યક્ત કરાઈ છે કે જાહેર આરોગ્ય માટેનાં પગલાં 60% અસરકારકતા સાથે વધારવામાં આવે તો પણ નવેમ્બર સુધીમાં આઇસોલેશન, આઈસીયુ બેડ્સ અને વૅન્ટિલેટરની માગ ઉપલબ્ધ પૂરવઠા કરતાં વધી જવાથી ભારતની જાહેર સ્વાસ્થ્ય વ્યવસ્થાનું માળખું અપૂરતું સાબિત થઈ શકે છે.

આ અભ્યાસને ICMR દ્વારા ભંડોળ આપવામાં આવ્યું હતું.

દિલ્હીમાં એક જ દિવસમાં 2000થી વધારે કેસ

ઇમેજ સ્રોત, REUTERS/Amanda Perobell

વિશ્વમાં આ મહામારીથી સંક્રમિતોનો કુલ આંક 79 લાખને પાર થઈ ગયો છે. તો અત્યાર સુધીમાં આ મહામારીથી 4 લાખ 33 હજાર 65 લોકોનાં મૃત્યુ થયાં છે. આપ 15 જૂન 2020ની અપડેટ વાંચી રહ્યાં છો.

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસ સંક્રમણના નવા 511 કેસ નોંધાયા છે જેમાં અમદાવાદમાં સૌથી વધુ 334 કેસ, સુરતમાં76 અને વડોદરામાં 42 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે પાછલા 24 કલાકમાં રાજ્યમાં કુલ 29 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા જેમાં અમદાવાદમાં 22, સુરતમાં 4, અરવલ્લી, મહેસાણા અને પંચમહાલમાં 1-1 મૃત્યુ નોંધાયા.

આ સાથે રાજ્યમાં આ મહામારીનો કુલ મરણાંક 1478 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ કુલ ઍક્ટિવ કેસ 5779 છે જેમાંથી 66 દરદી વૅન્ટિલેટર પર છે જ્યારે 5713 દરદીઓની સ્થિતિ સ્થિર જણાવાઈ રહી છે.

મહારાષ્ટ્રમાં 3390 નવા કેસ સાથે કોરોના વાઇરસ સંક્રમિત દરદીઓનો કુલ આંક 1 લાખ 7 હજાર 958 થયો છે. સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર મહારાષ્ટ્રમાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને મહામારીનો કુલ મૃત્યઆંક 3950 થઈ ગયો છે.

દિલ્હીમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના વધુ 2224 કેસ નોંધાયા છે જે દિલ્હીમાં અત્યાર સુધીમાં એક દિવસની અંદર નોંધાયેલો સૌથી મોટો આંક છે. પીટીઆઈ અનુસાર દિલ્હીમાં આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 41 હજાર થઈ ગઈ છે.

દિલ્હીમાં આ મહામારીથી અત્યાર સુધી કુલ 1327 લોકોનાં મૃત્યુ થયાં છે.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયના છેલ્લા આંકડા પ્રમાણે દેશમાં સંક્રમિતોનો કુલ સંખ્યા 3 લાખ 32 હજાર 424 થઈ ગઈ છે અને આ મહામારીમાં કુલ મૃત્યુઆંક અત્યાર સુધી 9520 છે. દેશમાં હાલ 1 લાખ 53 હજાર 106 ઍક્ટિવ કેસ છે.

જ્યારે 1લાખ 69 હજાર 798 લોકો સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યા છે.

વિશ્વમાં આ મહામારીથી સંક્રમિતોનો કુલ આંક 79 લાખને પાર થઈ ગયો છે. તો અત્યાર સુધીમાં આ મહામારીથી 4 લાખ 33 હજાર 65 લોકોનાં મૃત્યુ થયાં છે.

જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના ડૅશબૉર્ડ પ્રમાણે આ મહામારીથી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં સંક્રમિતોનો કુલ આંક 20 લાખ 94 હજાર 58 છે. અમેરિકામાં આ મહામારીથી અત્યાર સુધી 1 લાખ 15 હજાર 732 લોકોનાં મૃત્યુ થયાં છે.

સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં આ ડૅશ બૉર્ડ પ્રમાણે બ્રાઝિલ બીજા સ્થાને છે જ્યાં કુલ સંક્રમિતોનો આંક 8 લાખ 67 હજારને પાર થઈ ગયો છે તો બ્રાઝિલમાં અત્યાર સુધીના મૃત્યુનો આંક 43 હજાર 332 છે.

15 મે 2020, સોમવાર

નમસ્કાર. કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત સહિત દેશ-દુનિયાની ખબરો તમે અહીં મેળવી શકશો.

કોરોના વાઇરસ અંગેની આ પહેલાંની અપડેટ્સ માટે અહીં ક્લિક કરો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો