સુશાંતસિંહ અંગે મુકેશ ભટ્ટે એવું શું કહ્યું કે વિવાદ થયો?

સુશાંતસિંહ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

34 વર્ષીય બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુને લઈને ફિલ્મનિર્માતા મુકેશ ભટ્ટની એક ટિપ્પણીને લઈને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ નારાજગી વ્યક્ત કરી છે.

રવિવારે મુકેશ ભટ્ટે એક ન્યૂઝચેનલ 'ટાઇમ્સ નાઉ' સાથે વાત કરતાં કહ્યું હતું કે તેઓને સુશાંતને લઈને પહેલેથી અંદેશો હતો.

મુકેશ ભટ્ટે કહ્યું કે 2012માં આશિકી-2 અને પછી સડક-2ને લઈને સુશાંત તેમની ઑફિસે કામ માટે આવ્યા હતા, પરંતુ વાત બની શકી નહોતી.

ભટ્ટે કહ્યું, "જ્યારે હું સડક-2 બનાવવા જઈ રહ્યો હતો ત્યારે આલિયા અને મહેશ ભટ્ટ સાહેબે કહ્યું કે સુશાંત કામ કરવા માગે છે. સુશાંત ફરી એક વાર ઑફિસ આવ્યો અને એ દરમિયાન સુશાંત સાથે ફિલ્મ અને જીવનના ઘણા મુદ્દે વાત થઈ. એ વાતચીત દરમિયાન સુશાંત મને અસ્થિર છોકરો લાગ્યો હતો."

ઇમેજ સ્રોત, PRODIP GUHA

મુકેશ ભટ્ટ સાથેની વાતચીતના આ અંશનો વીડિયો રી-ટ્વીટ કરીને કેન્દ્રીયમંત્રી બાબુલ સુપ્રિયોએ લખ્યું, "મુકેશ ભટ્ટજી, તમારી આ વાત સાંભળીને હું વ્યથિત છું. તમે મિત્ર છો, પરંતુ એટલી સરળતાથી તમે આવું કઈ રીતે કહી શકો કે તમને ખબર હતી અને તમને હેરાની ન થઈ. ભલે તમે વ્યાવસાયિક કારણોથી સુશાંતને સડક-3 અને આશિકી-2માં મોકો ન આપ્યો, પરંતુ આ બહુ દુખદ છે કે તમે તેના પિતાની ઉંમરના છો અને મદદ ન કરી."

હેરસ્ટાઇલિસ્ટ સપના ભવનાનીએ ટ્વિટર પર સુશાંત, ધોની અને પોતાની તસવીર પોસ્ટ કરતા લખ્યું કે સુશાંત કેટલીક સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા.

સપનાએ લખ્યું છે, "આ કોઈ છૂપી વાત નથી કે સુશાંત છેલ્લાં કેટલાંક વર્ષથી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો. કોઈએ સુશાંતનો સાથ ન આપ્યો. મદદ માટે કોઈ સામે ન આવ્યું. આજે દરેક ટ્વીટ કરીને દુખ વ્યક્ત કરે છે જેનાથી ખબર પડે છે કે ઇન્ડસ્ટ્રી કેટલી ખોખલી છે. અહીં કોઈ પણ તમારા મિત્ર નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો