ભાજપ નેતા પબુભા માણેક રાજ્યસભાની ચૂંટણીમાં નહીં આપી શકે મત, સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઇન્કાર કર્યો

પબુબા માણેક

ઇમેજ સ્રોત, Darshan Thakkar

દ્વારકા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્યને ગેરલાયક ઠેરવતા ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઇન્કાર કરતા તેઓ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી શકે. લાઇવલૉ એ આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે.

એક વર્ષ અગાઉ એપ્રિલ 2019માં ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2017માં દ્વારકા બેઠક પર થયેલી વિધાનસભાની ચૂંટણીને રદ કરી દીધી હતી.

2017માં થયેલી ચૂંટણીમાં ભાજપના નેતા પબુભા માણેક ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

એ સમયે પબુભા સામે કૉંગ્રેસના ધારાસભ્ય મેરામણ આહિર હતા, જેમની પબુભા સામે હાર થઈ હતી.

શું છે કેસ?

આહિરે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી કે પબુભા માણેકનું ઉમેદવારીપત્રક અધૂરું અને ક્ષતિયુક્ત હતું. જેથી આ ચૂંટણીને રદ કરવામાં આવે અને તેમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે.

આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે દ્વારકા બેઠક પરની ચૂંટણીને રદ કરી દીધી હતી પરંતુ આહિરને ચૂંટાયેલા જાહેર કર્યા ન હતા.

એ વખતે ગુજરાત હાઈકોર્ટમાં પબુભા માણેકની લીગલ ટીમે રજૂઆત કરી હતી કે તેમને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપવામાં આવે અને ત્યાં સુધી ચુકાદાનો અમલ મોકૂફ રાખવામા આવે.

જોકે, હાઈકોર્ટે ચુકાદો મોકૂફ રાખવાની વાતને નકારી કાઢી તેમને 'ગેરલાયક' ઠેરવ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે પબુભા માણેક સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે પરંતુ સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી કોઈ ચુકાદો ના આપે ત્યાં સુધી માણેક ગેરલાયક ઠરેલા ગણાશે.

આમ, સુપ્રીમ કોર્ટે પબુભા માણેકને ગેરલાયક ઠેરવતા ચુકાદા સામે સ્ટે આપવાનો ઇન્કાર કરતા તેઓ મતદાન કરી શકશે નહીં.

કોણ છે પબુભા માણેક?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

દ્વારકા

પબુભા માણેક દેવભૂમિ દ્વારકા (અગાઉ જામનગર) જિલ્લાની દ્વારકા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય છે.

તેઓ ભાજપમાં જોડાયા તે પહેલાં અપક્ષ અને કૉંગ્રેસ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા.

માણેક સ્થાનિક હિંદુ વાઘેર સમુદાય ઉપર પ્રભુત્વ ધરાવે છે. ઓખામંડળ વિસ્તારમાં સમર્થકોની વચ્ચે તેઓ 'ભા'ના નામથી જાણીતા છે.

તેઓ 5,700 જેટલા મતોથી વિજયી થયા હતા. પરંપરાગત રીતે તેમને ઓખામંડળ વિસ્તારમાંથી સમર્થન મળતું હતું પરંતુ ગત ચૂંટણી વખતે દ્વારકા શહેરના મતદાને તેમની જીત સુનિશ્ચિત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો