વિશ્વ આદિવાસી દિવસ વિશેષ : આદિવાસીઓને પોતાની ભાષામાં જ ભણાવતી ગુજરાતની અનોખી શાળા

  • રોક્સી ગાગડેકર છારા
  • બીબીસી ગુજરાતી
વસંતશાળા

ઇમેજ સ્રોત, Adivasi Academy

22 વર્ષનાં અમીષા નાઇકા, છોટા ઉદેપુરના મોટી સાઢલી ગામનાં વતની છે. તેમણે ગયા વર્ષે જ નર્સિંગનો કોર્સ પૂર્ણ કર્યો હતો. બાળપણમાં તેઓ માત્ર આદિવાસી રાઠવી ભાષા જ બોલી શકતાં હતાં. અને એટલે જ તેમણે ભણવાનું અડધેથી છોડી દેવું પડ્યું હતું.

કાન્તિ ડુંગરીભીલ હાલમાં કૉલેજના અંતિમ વર્ષમાં ઇતિહાસનો અભ્યાસ કરી રહ્યા છે. ભીલી ભાષા સિવાય બીજી કોઈ ભાષા બોલતા ન આવડતી હોવાથી તેઓ 11 વર્ષના થયા ત્યાં સુધી કોઈ શાળાએ ગયા નહોતા.

અતુલ રાઠવાનાં માતાપિતા બીજા વિસ્તારમાં મજૂરી કરવા ગયા હોવાથી તેમણે ચોથા ધોરણમાં ભણવાનું છોડી દીધું હતું, પરંતુ હવે તેઓ બી.ઈ. ઇલેક્ટ્રિકલના પાંચમાં સેમેસ્ટરમાં છે.

ઉપરના કિસ્સા વાંચતાં વિચાર આવે કે આ વિદ્યાર્થીઓને તેમનાં બાળપણમાં પોતાની આદિવાસી ભાષા સિવાય બીજી કોઈ ભાષા આવડતી નહોતી તો તેમણે કૉલેજ કે ડિપ્લોમાં સુધીનો અભ્યાસ કર્યો કઈ રીતે?

આ સવાલના જવાબ માટે અમદાવાદથી આશરે 200 કિલોમીટર દૂર અંતરિયાળ આદિવાસી વિસ્તારનાં તેજગઢ ગામે જવું પડે.

અનોખું શિક્ષણ

ઇમેજ સ્રોત, Adivasi Academy

અહીંની આદિવાસી અકાદમીમાં લગભગ છેલ્લાં 15 વર્ષથી ચાલતી 'વસંતશાળા'નાં બાળકોને મળવું પડે. જે ગુજરાતી, અંગ્રેજી, હિંદી કે કોઈ બીજા માધ્યમમાં નહીં, પરંતુ પોતાના ઘરે બોલતા હોય તેવી ઘરની ભાષામાં ભણી રહ્યાં છે.

હાલમાં જ કેન્દ્ર સરકારની કૅબિનેટે રાષ્ટ્રીય ઍજ્યુકેશન પૉલિસીને મંજૂર કરી હતી.

તેમાં બીજા અનેક ફેરફાર સાથે એક મહત્ત્વનો ફેરફાર એ હતો કે હવેથી બાળકોને ભણતર તેના ઘરની ભાષામાં અથવા હોમ-લૅન્ગ્વૅજમાં આપી શકાશે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્ને મળીને પ્રયાસો કરશે.

જોકે તેજગઢની આ વસંતશાળા છેલ્લા દોઢ દાયકથી આ જ કામ કરી રહી છે.

આદિવાસી બાળકોને તેમની જ ભાષામાં ભણાવીને, ધીરેધીરે તેમને બીજી ભાષાનું શિક્ષણ આપીને, મુખ્યધારાની શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે તૈયાર કરવા એ આ શાળાનો ઉદ્દેશ છે.

નિષ્ણાતો માને છે કે આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓ દ્વારા અડધેથી શાળા છોડી દેવાના બનાવો વધારે જોવા મળે છે.

આદિવાસી વિસ્તારોમાં માતાપિતા કામ માટે સ્થળાંતરિત થતાં હોવાથી પણ બાળકોમાં ભણતર છોડી દેવાની સંખ્યા વધુ છે.

જોકે ઘરની ભાષા સિવાય બીજી ભાષામાં કરાવાતા અભ્યાસમાં રસ ન પડતો હોવાને લીધે પણ આદિવાસી બાળકોમાં ભણતર અધૂરું છોડી દેતા હોય છે.

વસંતશાળામાં દર વર્ષે માત્ર 30 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે. તેમને રહેવા, જમવા, ભણવાની તમામ સવલતો કોઈ પણ ખર્ચ વસૂલ્યા વગર પૂરી પાડવામાં આવે છે.

બાળક જે ભાષા જાણતું હોય, એને એ જ ભાષામાં ભણાવવામાં આવે છે.

અહીં કોઈ વર્ગ નથી, પરંતુ બાળકની સમજણ પ્રમાણેના વિવિધ ગ્રૂપ છે - જાગૃતિ, પ્રકૃતિ, સંસ્કૃતિ, સ્વકૃતિ અને પ્રગતિ. ઉંમર પ્રમાણે નહીં પણ સમજણ પ્રમાણે આ ગ્રૂપોમાં બાળકોનું વિભાજન થાય છે.

સામાન્ય રીતે આ શાળામાં રાઠવી, ડુંગરીભીલી, નાયકી, ચૌધરી, તડવી, અને બારેલી આદિવાસી ભાષા બોલતા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય છે. એટલે કે આ એક બહુભાષી શાળા છે અને અહીં વિદ્યાર્થીને ભણવા માટે પોતે ઘરે બોલે તે જ ભાષા બોલવાની હોય છે.

કેવી રીતે શરૂઆત થઈ આ બહુભાષી શાળાની?

ઇમેજ સ્રોત, Adivasi Academy

તેજગઢ ખાતેની 'આદિવાસી અકાદમી'નાં સંસ્થાપક ડૉ. ગણેશ દેવીએ વર્ષ 2005માં 'વસંતશાળા'ની સ્થાપના કરી હતી. ગુજરાતી, અંગ્રેજી કે હિંદી જેવી ભાષા ન આવડવાને કારણે અહીંનાં બાળકો ભણતરની વંચિત ન રહી જાય તે માટે તેમણે આ નવતર પ્રયોગ શરૂ કર્યો હતો.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "ઘણા આદિવાસી વિસ્તારોમાં બહુભાષી શાળાઓની જરૂર છે. અમે નક્કી કર્યુ કે અમે કોઈ પણ માધ્યમ વગરની શાળા શરૂ કરીશું, જેથી કે બાળક પર નાની ઉંમરે નવી ભાષા શીખવાનું ભારણ ન પડે અને તે નવી-નવી વસ્તુઓ સહેલાઈથી શીખી શકે."

કેવી રીતે ભણાવાય છે આ કોઈ પણ માધ્યમ વગરની શાળામાં?

ઇમેજ સ્રોત, Adivasi Academy

બીજી શાળાઓથી વિપરીત, તેજગઢ આદિવાસી અકાદમીની આ વસંતશાળામાં ભાષાના પ્રથમ પાઠ શિક્ષકોને ભણવાના હોય છે.

ગણેશ દેવી આ અંગે વાત કરતાં જણાવે છે, "સૌથી પહેલા શિક્ષકોને આદિવાસી ભાષા શીખવા માટે આગ્રહ કરવામાં આવ્યો. તેમને બાળકો સાથે શક્ય હોય ત્યાં સુધી તેમની જ ભાષામાં વાત કરવા માટે કહેવામાં આવ્યું અને એકબીજાની ભાષા માટે સન્માન કરવાની વાત વારેઘડીએ કહેવામાં આવી."

"એટલે કે બાળકને જ્યારે લાગે છે કે તેની ખુદની ભાષાનો આદર થઈ રહ્યો છે તો તે સહેલાઈથી બીજી ભાષાનો આદર કરવાની શરૂઆત કરી દે છે."

જોકે શિક્ષકોને આદિવાસી ભાષા શીખવાડવા માટે વડોદરાની ભાષા રિસર્ચ ઍન્ડ પબ્લિકેશન સંસ્થા દ્રારા આદિવાસી ભાષાની એક પિક્ટૉરિયલ ગ્લૉસરી બનાવવામાં આવી છે.

આ ગ્લૉસરીમાં આદિવાસી ભાષાના શબ્દની સામે ગુજરાતી અને અંગ્રેજી અનુવાદો રજૂ કરવામાં આવ્યાં છે. આ ગ્લૉસરીની મદદથી શિક્ષકને આદિવાસી ભાષાઓનું શબ્દભંડોળ વધારવાનું હોય છે.

વસંતશાળામાં ભણાવતાં શિક્ષિકા રેખા ચૌધરી, પોતાની આદિવાસી ચૌધરી ભાષા ઉપરાંત રાઠવી, ડુંગરીભીલી, અને નાટકી એમ કુલ ચાર ભાષામાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી શકે છે.

વસંતશાળામાં આવ્યાં બાદ તેમણે આ ભાષાઓ શીખી છે. તેઓ અહીં છેલ્લાં 13 વર્ષની શિક્ષિકા તરીકે સેવા આપે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "અમે સૌથી પહેલા બાળકના તેની જ ભાષાનાં ગીતો, ઉખાણાં, વાર્તાઓ શીખવાડીએ છીએ. પછી તેની રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતા શબ્દો ગ્લૉસરીમાંથી શોધીએ છીએ, અને પછી ધીરેધીરે બાળક સાથે તેની જ ભાષામાં વાત કરવાની શરૂઆત કરીએ છીએ."

"આવું કરવાથી બાળક નિખાલસ થઈને વાત કરે છે અને અને તેને શીખવાડીએ તેના કરતાં એ પોતે જ ખૂબ ઝડપથી શીખવા માંડે છે."

આ શાળામાં ભણ્યા બાદ બાળકો મુખ્યધારામાં કઈ રીતે પ્રવેશે?

ઇમેજ સ્રોત, Adivasi Academy

હાલમાં બહાર પડેલી રાષ્ટ્રીય શિક્ષણનીતિ પ્રમાણે બાળમંદિરથી માંડીને બીજા ધોરણ સુધીનો અભ્યાસ હૉમ લૅન્ગવૅજમાં કરાવવાનો રહેશે, ત્યારબાદ જો શક્ય હોય તો છઠ્ઠા ધોરણ સુધી પણ આ જ ભાષામાં ભણતર ચાલુ રાખવાની વાત કરવામાં આવી છે.

છેલ્લા દોઢ દાયકાથી આવું જ કામ કરી રહેલી વસંતશાળાના મુખ્ય કૉ-ઑર્ડિનેટર વસંત રાઠવા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "એક વખત બાળક પોતાની ભાષામાં વિજ્ઞાન, સમાજવિદ્યા, ગણિત જેવા વિષયોથી માહિતગાર થઈ જાય પછી તેને નવી ભાષા શીખવાડવામાં આવે છે."

"મોટા ભાગે અહીં ભણેલાં બાળકો આસપાસની સરકારી શાળાઓમાં ધોરણ 5,6,7, કે 8મા પ્રેવેશ મેળવીને મુખ્યધારાના શિક્ષણમાં પ્રવેશ મેળવી લે છે."

વસંતશાળામાંથી દર વર્ષે 15 વિદ્યાર્થીઓ અને 15 વિદ્યાર્થિનીઓ આવી રીતે આસપાસની શાળાઓમાં પ્રવેશ મેળવીને આગળનો અભ્યાસ પૂરો કરે છે.

આ સ્ટોરીની શરૂઆતમાં જે બે વિદ્યાર્થીઓની વાત કરવામાં આવી છે, તે બન્ને માને છે કે જો તેઓ વસંતશાળામાં ન આવ્યાં હોત તો તેઓ પોતાનું ભણતર પૂરું ન કરી શક્યાં હોત.

આ વિશે વાત કરતા અમીષા નાઇકા બીબીસી ગુજરાતીને જણાવે છે કે તેમના પિતા માનસિક રીતે બીમાર છે અને માતા મજૂરી કરે છે. જેને પગલે તેમને અભ્યાસ છોડી દેવો પડ્યો હતો.

તેઓ કહે છે, "પણ જ્યારે મારી મમ્મીને ખબર પડી કે વસંતશાળામાં વગર પૈસે ભણવાનું મળે છે તો તેમણે મને અહીં દાખલ કરી દીધી હતી અને આજે હું નર્સિગનો કોર્સ પૂરો કરી શકી છું."

આવી જ રીતે કાન્તી ડુંગરીભીલ જણાવે છે કે તેઓ ક્યારેય શાળાએ ગયા જ નહોતા. "હું 11 વર્ષનો થયો ત્યારે વસંતશાળામાં આવ્યો હતો."

"મને મારી ડુંગરીભીલ ભાષા સિવાય બીજી કોઈ ભાષા આવડતી નહોતી, પરંતુ હવે હું ઇતિહાસ વિષય સાથે ગ્રૅજ્યુએટ થવાનો છું"

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો