રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 : સ્વાયત્તતા વિના ગુણવત્તા કેવી રીતે સિદ્ધ થશે?

  • મનસુખ સલ્લા
  • સાહિત્યકાર અને શિક્ષણશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

દેશમાં 1986 પછી 2020માં નવી શિક્ષણનીતિ મંજૂર કરવામાં આવી છે. એ માટે અનેક સ્તરેથી અભિપ્રાયો અને સૂચનો લેવામાં આવ્યાં હતાં. રાષ્ટ્ર માટે તો આ આખરી મુસદ્દો જ મહત્ત્વનો છે.

પૉલિસીના ઘડતરમાં નીવડેલા અભ્યાસીઓ, અનુભવીઓ સામેલ છે. તેઓ શિક્ષણ સાથે પ્રત્યક્ષ-પરોક્ષપણે જોડાયેલા છે.

કોઈ પણ રાષ્ટ્રની શિક્ષણનીતિ એ સૂચિત કરતી હોય છે કે રાષ્ટ્રનું ભવિષ્ય કેવું હશે? વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના સંબંધો અને વિકાસની પ્રક્રિયા કેવી હશે?

નવી શિક્ષણનીતિમાં ઉમદા અભિલાષાઓ તો પ્રગટ કરવામાં આવી છે પરંતુ હવે હવે રાષ્ટ્ર નિર્ણાયકો પાસે અપેક્ષા રાખશે કે સંકલ્પપૂર્વક તેનો અમલ થાય. ઉમદા શબ્દો અને ભાવો કાર્યમાં પરિણમે ત્યારે જ સાર્થક થાય છે. નવી શિક્ષણનીતિની કેટલીક ખાસ બાબતો અને પડકારો આમ દેખાય છે.

(1) આ શિક્ષણનીતિમાં ધોરણને બદલે બાળકની ઉંમરને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને તે મુજબ 5+3+3+4ના તબક્કા પાડ્યા છે તે આવકાર્ય છે. કારણ કે દરેક તબક્કાની ગ્રહણશીલતા, સમજ, વ્યાપકતા અને અસરો ભિન્ન-ભિન્ન હોય છે. એ મુજબ કાર્યાન્વયન થાય તેવી અપેક્ષા રાખીએ. અહીં એક પાયાનો પ્રશ્ન ઊભો થાય છે કે આંગણવાડી (બાળમંદિર)થી લઈને બારમા ધોરણ સુધીનું શિક્ષણ મફત અને ફરજિયાત હશે. તો શું દરેક બાળક 12 ધોરણ સુધી ભણશે જ તેવી અપેક્ષા છે?

બાર ધોરણ સુધીમાં જો વ્યાવસાયિક તાલીમનો ઉચિત, કાર્યક્ષમ અને પૂરતો પ્રબંધ થાય તો જ એ હેતું સાર્થક થાય.

દેશ વારંવાર ગૌરવ લેતો હોય છે કે સૌથી વધારે યુવાધન ભારતમાં છે. (લગભગ 30 કરોડ) તો એને પ્રાથમિક શિક્ષણથી જ પરિશ્રમની ટેવ પડવી જોઈએ અને પરિશ્રમનું ગૌરવ જાણવું જોઈએ. તો જ બેઠાડું સરકારી નોકરીને બદલે વ્યાવસાયિક તાલીમ તરફ વળે. આ અંગેનું આયોજન શિક્ષણનીતિમાં દર્શાવાયું નથી.

(2) આ દેશમાં વિજ્ઞાન અને વાણિજ્ય વિદ્યાશાખાનું જ મહત્ત્વ હતું. તેને બદલે સમાજવિજ્ઞાન, કળાઓ, ભાષાઓ, ગણિત એમ બધા વિષય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તે ખૂબ આવકાર્ય છે. આ એકાંગિતા દૂર થઈ તેથી વિદ્યાર્થીઓનો વધુ સમતોલ વિકાસ થશે.

(3) 3થી 5 વર્ષની ઉંમરના પૂર્વપ્રાથમિકનાં, આંગણવાડીનાં બાળકોના શિક્ષણની અનિવાર્યતા સ્વીકારીને સરકારે ગિજુભાઈ બધેકા અને મનુભાઈ પંચોળીના પ્રદાનનો સ્વીકાર કર્યો છે. એમાં મફત અને ફરજિયાત શિક્ષણ હશે એ સ્વીકાર્યું તે આવકાર્ય છે, પરંતુ બાળમંદિરનો તબક્કો પંચેન્દ્રિયાના વિકાસનો તબક્કો છે.

એટલે પ્રવૃત્તિ દ્વારા જ શિક્ષણ આપવું જોઈએ. તેનાં પાઠ્યપુસ્તકો કે ગાઇડ ન જ હોઈ શકે. (આજે છે) આ અંગે શિક્ષકો, વર્ગખંડો, સાધનો અને ભોજન અંગેની પૂરતી વ્યવસ્થા જરૂરી છે.

(4) અભ્યાસ વિષયોમાં પસંદગીમાં વધુ ઉદાર વલણ હશે, એટલે કે રસાયણશાસ્ત્ર સાથે ગૌણ વિષય સંગીત હોઈ શકે છે. આ યુરોપ-અમેરિકાનું મૉડલ છે. આમાં તંત્રજડતા ન પ્રવેશે એની કાળજી રાખવી જોઈએ.

(5) ક્રૅડિટ બેઝ મૂલ્યાંકન અને માર્ક્સને બદલે ગ્રેડ પદ્ધતિએ આવકાર્ય બાબતો છે. અભ્યાસ ગમે ત્યાંથી છોડી શકાય અને શરૂ કરી શકાય એ મોકળાશ ખૂબ આવકાર્ય છે. માધ્યમિકમાં સેમેસ્ટર પદ્ધતિ હશે. આ સઘળામાં કેવળ બાહ્યરચના નહીં પણ તે યોજનાનો આત્મા જળવાય તે ખૂબ જરૂરી છે, તો સફળ થશે.

(6) વિદ્યાર્થી-શિક્ષક પ્રમાણ 30:1નું હશે એ તમામ વિકસિત દેશોએ સ્વીકારેલું –કરેલું છે. આપણે ત્યાં એ માટે શિક્ષકો, મકાનો, સાધનો, સુવિધાઓ અને જરૂરી બજેટ ફાળવણીમાં સંકલ્પ અને પારદર્શિતા હોવા જરૂરી બનશે. પછાત, દૂરના, પહાડી વિસ્તારોમાં આ પ્રમાણ 25:1નું હશે તે ખૂબ જરૂરી છે.

(7) દેશની 8000 યુનિવર્સિટીઓ અને 40000 કૉલેજોને 45000 ઉત્તમ સંસ્થાઓમાં એકત્રિત કરવાની અભિલાષા છે. પરંતુ તેનું સ્વરૂપ, આયોજન અને સંચાલન જાહેર થાય તો ગુણવત્તાસાધક કેમ બનશે તે સ્પષ્ટ થાય.

(8) વર્ષ 2030 સુધીમાં 100% સાક્ષરતા સિદ્ધ કરવાનો પ્લાન છે. ભૂતકાળમાં પ્રૌઢશિક્ષણનું કામ થયું છે. પરંતુ તેમાં કાગળ ઉપર વધુ થયું છે. આ અંગેનો પ્લાન જાહેર કરવો જરૂરી છે. આમાં વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપરૂપે કેમ જોડી શકાય તેનો વિચાર કરવો જોઈએ.

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

જ્ઞાનવાન સમાજનું નિર્માણ એ નવી શિક્ષણનીતિનો મૂળભૂત હેતુ છે.

(9) શિક્ષણનીતિમાં શિક્ષકને અગ્રિમ મહત્ત્વ અપાયું છે. તો શિક્ષકતાલીમમાં વહીવટ અને પદ્ધતિઓ ઉપરાંત નિષ્ઠાવૃદ્ધિ અને જવાબદારી સ્વીકાર ઉપર વધુ ભાર મૂકવાની જરૂર પડશે. જેમ કે, રાષ્ટ્રીય શિક્ષક પોર્ટલ બનશે, પણ શિક્ષક તેનો ઉપયોગ કરી નવું જરૂરી શીખવાની ઉત્સુકકતા ધરાવતો થાય એ પહેલી જરૂર છે.

(10) રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પછાત પ્રદેશો, પછાત જાતિઓ, વર્ણો, કન્યાઓને શિક્ષણમાં સમાન તક અપાશે તેમ કહેવાયું છે. સમાન સ્તરે લાવવા માટે સ્કૉલરશિપ અપાશે તેમ કહ્યું તે પૂરતું નથી. ઉપરાંત ઉપચારાત્મક અભ્યાસક્રમો (રેમેડિયલ કોર્સિસ) જરૂરી બનશે. આ આખો વિભાગ અનેક રસ્તે પાછળ રહેલો હોય છે. તેને માટે અનેકવિધ સુવિધાઓ અને તકો જરૂરી બનશે.

(11) જાહેર પુસ્તકાલયો અને શાળાનાં પુસ્તકાલયોનો વિકાસ કરવામાં આવશે, તેમ કહેવાયું છે, પરંતુ વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ કેળવાય એ માટે શાળાએ શું શું કરવું જરૂરી છે તે સ્પષ્ટ નથી કર્યું, તે કરવું જોઈએ.

(12) ઉચ્ચ શિક્ષણમાં 20 હજાર કરોડ રૂપિયા સંશોધન માટે ફાળવાશે તેમ કહેવાયું છે. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન સ્થપાશે. પરંતુ હેતુસાધક, સમાજોપયોગી એવું સંશોધન થાય અને ફંડ ફાળવાય જ તે સુનિશ્ચિત કરવું જોઈએ. આ ફંડ અન્યત્રે ન વપરાવું જોઈએ.

(13) શિક્ષકોની ઘટ અને તેની તાલીમની મર્યાદાનું નિવારણ તત્કાલ થવું જોઈએ. એ અંગે પૂરતી સ્પષ્ટતા નથી. એનું લક્ષ્યાંકવાળું વાર્ષિક આયોજન હોવું જરૂરી છે. શિક્ષકોને શિક્ષણેત્તર કાર્યો ન સોંપાવા જોઈએ તે સ્પષ્ટ કરવાની જરૂરી છે. વળી 2030 સુધી બી.એડ. નો બે વર્ષનો અભ્યાસક્રમ ચાલુ રહેશે એમ કહેવાયું છે તો બદલાયું છે શું તે સ્પષ્ટ નથી થતું.

(14) વિષયોમાં મલ્ટીડિસિપ્લિનરી ઍપ્રોચ ખૂબ આવકાર્ય છે, પરંતુ આપણા દેશમાં બૉર્ડ અને યુનિવર્સિટીઓ અતિ જડપણે વ્યવહાર કરે છે. એટલે અમલ અંગે તીવ્રતા જરૂરી છે.

(15) રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં ‘પારદર્શિતા’ અને ‘સ્વાયત્તતા’ શબ્દ સૌથી વધુ વાર વપરાયા છે. પરંતુ એ હેતુસાધક ત્યારે બને જ્યારે રાજ્યનો હસ્તક્ષેપ ન હોય. આજની યુનિવર્સિટી અને તંત્રો કેવળ સરકારના હુકમો માનનારાં છે. તેને ખરા અર્થમાં સ્વાયત્ત અને પારદર્શક બનાવવાં જોઈએ. સ્વાયત્તતા વિના ગુણવત્તા સિદ્ધ નહીં થાય.

તેવું જ શિક્ષક સ્વાયત્તપણે કાર્ય કરી શકે તેવી મોકળાશ આપવી જોઈએ. સ્વાયત્તતા હોય તો જ પ્રયોગશીલતા આવે અને પ્રયોગશીલતામાંથી જ્ઞાનની ખોજ થાય.

(16) યુ. જી. સી. અને બીજા બૉર્ડને બદલે ‘રાષ્ટ્રીય શિક્ષણ આયોગ’ની સ્થાપના કરવામાં આવશે. નામ ગમે તે હોય, પરંતુ તેના આગેવાન વડા પ્રધાન ન હોવા જોઈએ. રાષ્ટ્રમાં અનુભવી, દૃષ્ટિવાળા, નીવડેલા અનેક પ્રતિભાશાળી માણસો છે જ. તેમાંથી ચૅરમૅન કે અધ્યક્ષ પસંદ કરવા જોઈએ. રાજકીય ક્ષેત્ર જ્યારે કળા કે શિક્ષણમાં પ્રવેશ કરે છે ત્યારે સૌપ્રથમ સ્વાયત્તતાનો ભોગ લેવાય છે. એટલે પ્રયોગશીલતા નાશ પામે છે. એટલે જડતા પ્રવેશે છે. આ બદલાવું જોઈએ. આમાં પ્રશ્ન વ્યક્તિનો નથી, આખી રચનાની સર્જનાત્મકતા જાળવવાનો છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

(17) આ શિક્ષણનીતિની મોટી મર્યાદા એ જણાય છે કે વિશ્વકક્ષાના કેળવણી વિચારો આપનારા મહાન ભારતીયો – ગાંધીજી, રવીન્દ્રનાથ ઠાકુર, શ્રી અરવિંદ અને જે. કૃષ્ણમૂર્તિના વિચારોમાંથી ગ્રહણ કરવા યોગ્ય તેમને શું લાગ્યું તેનો ક્યાંય ઉલ્લેખ નથી. (પ્રાચીન ભારતની પ્રતિભાઓનો ઉલ્લેખ છે ખરો.) તો આને ભારતીય શિક્ષણનીતિ કેવી રીતે કહી શકાશે?

(18) પાંચ ધોરણ સુધી માતૃભાષામાં, ઘરની ભાષામાં, પ્રદેશની ભાષામાં શિક્ષણ થશે. એ બધી રીતે આવકાર્ય નિર્ણય છે. તો અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું શું થશે? આ શુભેચ્છા છે? શક્યતા છે? કે અનિવાર્યતા દર્શાવતો નિર્ણય છે? આ અંગે પૂરતી સ્પષ્ટતા મળતી નથી. કારણ કે વાક્યના પ્રારંભે wherever possible લખેલું છે. હકીકતે આ દૃઢતાથી કરવા જેવો આ નિર્ણય છે.

(19) જ્ઞાનવાન સમાજનું નિર્માણ એ નવી શિક્ષણનીતિનો મૂળભૂત હેતુ છે. એ માટે વિદ્યાર્થી પ્રશ્નકર્તા થાય, એ માટે એ તાર્કિક રીતે વિચારતો થાય અને ઉકેલો શોધતો થાય એ મૂળ ઉદ્દેશ છે. વડા પ્રધાને પણ પોતાના વક્તવ્યમાં એના પર ભાર મૂક્યો છે. એ સિદ્ધ કરવું હોય તો રોક-ટોકની શિક્ષણ પદ્ધતિ ગોખણપટ્ટી અને માત્રને માત્ર પરીક્ષાકેન્દ્રિત રચના બદલવી જરૂરી છે. તો અધ્યાપનની નવી રીતો અમલી બનાવવી પડે. એ માટે શિક્ષણને પ્રવૃત્તિલક્ષી બનાવવું પડે. (કરતાં કરતાં શીખવું.), શિક્ષણને સમાજના જીવાતા પ્રશ્નો સાથે જોડવું પડે અને વિદ્યાર્થી ઉકેલો શોધતો થાય એવા પ્રોજેક્ટ અનિવાર્ય બનાવવા જોઈએ.

(20) શિક્ષણ એ રાષ્ટ્ર માટે ખર્ચાળ પ્રવૃત્તિ છે. પરંતુ આ એવો ખર્ચ છે જેના દ્વારા ભવિષ્યમાં રાષ્ટ્રને જવાબદાર, સક્ષણ અને સર્જનાત્મકતાવાળા નાગરિકો અને કાર્યકર્તાઓ મળે છે. અત્યારે દેશ જી. ડી. પી. ના 2.5થી 3 ટકા શિક્ષણ પાછળ ખર્ચે છે. એને બદલે 6 ટકા ખર્ચશે એમ કહેવાયું છે. એ સંકલ્પને લોકસભા દ્વારા નિશ્ચિત ઠરાવવો જોઈએ. કોઈ પણ સરકાર એનાથી ઓછું શિક્ષણ માટેનું બજેટ ન ફાળવે તે પાકું કરવું જોઈએ.

(અહીં વ્યક્ત થયેલા વિચારો લેખકના છે. બીબીસીના નહીં. લેખક કેળવણીકાર, ચરિત્રનિબંધલેખક, વાર્તાકાર, વિવેચક છે અને ગુજરાતની પ્રખ્યાત શિક્ષણસંસ્થા લોકભારતી-સણોસરાના આચાર્ય પણ રહી ચૂક્યા છે.)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો