જોધપુર : પાકિસ્તાનથી આવેલા એક હિંદુ પરિવારના 11 સભ્યોનાં મૃત્યુ
- નાયારણ બારેઠ
- રાજસ્થાનથી બીબીસી માટે

ઇમેજ સ્રોત, NARAYAN BARETH/BBC
રાજસ્થાનના જોધપુર જિલ્લાના દેચુ પોલીસચોકી વિસ્તારના એક ખેતરમાં પાકિસ્તાનથી આવેલા એક વિસ્થાપિત પરિવારના 11 લોકોના મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ છે. પરિવારનો માત્ર એક સભ્ય જીવિત છે.
પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. સ્થળ પરથી કીટનાશકના ઉપયોગના સંકેત મળ્યા છે.
જોધપુર ગ્રામીણ પોલીસ અધીક્ષક રાહુલ બારહટે બીબીસીને જણાવ્યું કે ફૉરેન્સિક નિષ્ણાતો સ્થળ પર પહોંચી ગયા છે. પોલીસને શરૂઆતની જાણકારીમાં ઘટના પાછળ કૌટુંબિક કલેહ હોવાનું કહેવામાં આવ્યું છે.
રવિવારે આ બધાના મૃતદેહો ખેતરમાં પડ્યા હતા ત્યારે પોલીસને જાણ થઈ હતી.
આ બધા લોકો આદિવાસી ભીલ સમુદાયના છે, જે અંદાજે આઠ વર્ષ પહેલાં પાકિસ્તાનના સિંધ પ્રાંતથી ભારત આવ્યા હતા અને પરત નહોતા ફર્યા.
પરિવારમાંથી એક વ્યક્તિ બચી
ઇમેજ સ્રોત, NARAYAN BARETH/BBC
કહેવાઈ રહ્યું છે આ પરિવાર ખેતર ભાડે લઈને મહેનત-મજૂરી કરતો હતો. પરિવારમાં 37 વર્ષીય કેવલ રામ માત્ર જીવિત બચ્યા છે. પોલીસ કેવલ રામની પૂછપરછ કરી રહી છે.
ઘટનામાં કેવલ રામનાં માતાપિતા સહિત એક ભાઈ, ત્રણ બહેનનાં પણ મૃત્યુ થયાં છે. કેવલ રામની એક પુત્રી અને બે પુત્ર પણ મૃતકોમાં સામેલ છે. મૃતકોમાં સામેલ 75 વર્ષીય બુધા રામ પરિવારના મોભી હતા.
આ લોકો જોધપુર જિલ્લામાં લોડતા અચલાવતા ગામમાં ખેતરમાં જ ઘર બનાવીને રહેતા હતા.
શરૂઆતની જાણકારી પ્રમાણે કેવલ રામ એટલા માટે બચી ગયા કે તેઓ ઘરથી દૂર જઈને સૂતા હતા.
રવિવારે સવારે ઘટનાની જાણકારી મળતાં લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
આદિવાસી દિવસે ઘટી ઘટના
ઇમેજ સ્રોત, NARAYAN BARETH/BBC
પોલીસ અધીક્ષક બારહટે બીબીસીને કહ્યું કે તેઓ ઘટનાનાં કારણોની તપાસ કરી રહ્યા છે અને તેમાં ફૉરેન્સિક નિષ્ણાતની પણ મદદ લેવાઈ રહી છે.
પાકિસ્તાનથી શરણ માટે આવેલા હિંદુઓ પર કામ કરતાં 'સીમાન્ત લોકસંગઠન'ના અધ્યક્ષ હિંદુસિંહ સોઢાએ બીબીસીને કહ્યું કે આ લોકો ભારતની નાગરિકતા માટે અરજ કરતા હતા.
સોઢા કહે છે, "આ બહુ દુખદ ઘટના છે. પાકિસ્તાનથી આવેલા હજારો હિંદુ અલ્પસંખ્યકોમાં શોક છવાઈ ગયો છે. આ સમયે કમસે કમ વીસ હજાર લોકો ભારતની નાગરિકતા માટેની લાઇનમાં છે. તેમાં દસ હજાર લોકોએ નાગરિકતા માટેની નક્કી શરતોની પાત્રતા પણ મેળવી લીધી છે."
મૃતક આદિવાસી ભીલ સમુદાયના છે. આ ઘટના એવા સમયે થઈ જ્યારે દુનિયામાં આદિવાસી દિવસ ઉજવાઈ રહ્યો છે.
પાકિસ્તાને ભીલ સમુદાયને અનુસૂચિત જાતિમાં વર્ગીકૃત કરેલો છે.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો