ગુજરાતના ખેડૂતો માટેની ઝીરો પ્રીમિયમની કિસાન સહાય યોજના શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનાની પત્રકારપરિષદમાં જાહેરાત કરી છે.
દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી આફત વખતે ખેડૂતોને વળતર મળી રહે એ માટે આ જાહેરાત કરાઈ છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીના જણાવ્યા પ્રમાણે આ યોજનાની કોઈ નોંધણી ફી કે પ્રીમિયમ ચૂકવવાની નથી.
મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે પાકવીમાની પ્રક્રિયાને સરળ કરી દેવાની દિશામાં આ પગલું લીધું છે.
ખેડૂતોને શું લાભ મળશે?
- અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને કમોસમી વરસાદ જેવી ત્રણ પ્રકારની નુકસાનીને આ યોજનામાં આવરી લેવામાં આવી છે. આ ત્રણેય સંજોગોમાં ખેડૂતો યોજનાનો લાભ લઈ શકે છે.
- આ યોજના અંતર્ગત રાહતની રકમ ખેડૂતોનાં બૅન્કખાતાંમાં બારોબાર પહોંચી જશે.
- મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના માત્રને માત્ર ખરીફ પાક એટલે કે ચોમાસુ પાકને જ લાગુ પડશે.
- આ યોજના અંતર્ગત મહત્તમ ચાર હૅક્ટર સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવશે.
- 33 ટકાથી ઓછું નુકસાન થયું હશે, તો આ યોજના અંતર્ગત સહાય નહીં મેળવી શકાય.
- 33થી 60 ટકા જેટલું નુકસાન થયું હશે તો પ્રતિ હૅક્ટર 20 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે.
- જો 60 ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો પ્રતિ હૅક્ટર 25 હજાર રૂપિયા સહાય આપવામાં આવશે.
અનાવૃષ્ટિ માટે અગાઉનાં ધોરણો પ્રમાણે 125 મીમી એટલે કે પાંચ ઇંચથી ઓછો વરસાદ હોય તો એને દુષ્કાળ જાહેર કરાતો હતો.
આ યોજના અંતર્ગત 10 ઇંચથી ઓછો વરસાદ હોય તો એને અનાવૃષ્ટિ જાહેર કરીને ખેડૂતોને રાહત આપવામાં આવશે.
છેલ્લાં બે અઠવાડિયાંથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે એ જોતાં લાગે છે કે બહુ જૂજ તાલુકા એવા રહેશે જ્યાં 10 ઇંચથી ઓછો વરસાદ હોય.
'પાકવીમા યોજના' અને 'કિસાન સહાય યોજના'માં શું ફેર છે?
ઇમેજ સ્રોત, Twitter/@vijayrupanibjp
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ યોજનાની જાહેરાત અંગે વાત કરતાં જણાવ્યું હતું કે "પાકવીમા યોજનામાં જે ખેડૂતો પ્રીમિયમ ભરે છે, એમને જ લાગુ પડે છે અને એમને જ લાભ મળે. આ વર્ષથી કેન્દ્ર સરકારે સ્વૈચ્છિક પ્રીમિયમની શરૂઆત કરી છે."
જ્યારે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનામાં પ્રીમિયમ ભરવાનો કોઈ બાધ નથી, મુખ્ય મંત્રીના કહેવા પ્રમાણે રાજ્યના તમામ ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકવા માટે સક્ષમ છે.
વિજય રૂપાણીએ કહ્યું "મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે."
આ ઉપરાંત મુખ્ય મંત્રીએ જણાવ્યું કે "આ યોજના ઝીરો પ્રીમિયમ આધારિત છે. આમાં ખેડૂતે અડધો ટકો પણ પ્રીમિયમ ભરવાનું થતું નથી."
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, "વનઅધિકાર અંતર્ગત જેમને સનદ મળી છે, એવા આદિવાસી ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે."
"આ અગાઉ પાકવીમા યોજનામાં આદિવાસી ખેડીતોને લાભ મળતો ન હતો. આ યોજનામાં એમને પણ લાભ આપણે આપવા જઈ રહ્યા છે."
10 ઇંચથી ઓછો વરસાદ હશે તો એને દુષ્કાળ જાહેર કરવામાં આવશે. અત્યાર સુધી વરસાદ સારો છે તો બહુ જૂજ એવા તાલુકા હશે જ્યાં 10 ઇંચ તો ઓછો વરસાદ હોય.
33 ટકાથી ઓછું નુકસાન થયું હશે તો સહાય નહીં મળે.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો