IIT-NEET : પરીક્ષાની તારીખ શું આગળ ખસેડવામાં આવશે?

  • સરોજ સિંહ
  • બીબીસી સંવાદદાતા
પ્રતીકાત્મક તસવીર

આઈઆઈટી અને નીટની પરીક્ષા સપ્ટેમ્બરમાં થવાની છે. પરંતુ હવે તેની તારીખો આગળ ખસેડવાને લઈને દેશના અલગઅલગ રાજ્યોના 11 વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

તેમની માગ છે કે બંને પરીક્ષાઓની તારીખ આગળ ખસેડવામાં આવે. પોતાની માગ પાછળ તેમણે દલીલ આપી છે કે કોરોનાના સમયમાં આ પરીક્ષાઓ માટે દિશાનિર્દેશનું પાલન કડકાઈથી નહીં થાય.

આ વર્ષે કોરોનાને કારણે આઈઆઈટી અને નીટ બંને પરીક્ષાઓની તારીખ પહેલાં પણ એક વખત બદલવામાં આવી હતી.

હવે આઈઆઈટીની પરીક્ષા એકથી છ સપ્ટેમ્બર વચ્ચે પ્રસ્તાવિત છે. નીટની પરીક્ષાની તારીખ 13 સપ્ટેમ્બરના થવાની છે.

દેશમાં આઈઆઈટી માટે 11 લાખ વિદ્યાર્થીઓએ ફૉર્મ ભર્યા છે. જ્યારે નીટની પરીક્ષા માટે 16 લાખ વિદ્યાર્થીઓએ આવેદન કર્યું છે.

કોણ છે અરજી કરનાર?

ઇમેજ સ્રોત, Sayantan Vishwas

ઇમેજ કૅપ્શન,

સાયંતન વિશ્વાસ

પશ્ચિમ બંગાળના રહેવાસી સાયંતન વિશ્વાસ મુખ્ય અરજદાર છે. તેઓ આ વર્ષે આઈઆઈટી અને નીટ બંનેની પરીક્ષા આપી રહ્યા છે અને એ જ કારણસર તેમને મુખ્ય અરજદાર બનાવવામાં આવ્યા છે.

કોલકાતાના ન્યૂ અલીપુરના રહેવાસી સાયંતને બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે તેમની પરિસ્થિતિ દેશના બીજા વિસ્તારોમાં રહેવા વાળા લોકો કરતા અલગ છે. તેમનો વિસ્તાર કોરોનાના કન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે. ત્યાંથી નીકળવું મુશ્કેલ અને જોખમ ભરેલું છે.

સાયંતન માત્ર પોતાના માટે જ ચિંતિત છે એવું નથી, તેઓ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ ચિંતા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનારા વિદ્યાર્થીઓને સમાજમાં અલગ નજરે જોવામાં આવે છે.

તેમના માતા-પિતા પોતાના ઑફિસમાં આ ફરક અનુભવતા હોય છે. બીજી સમસ્યા એ છે કે સાયંતનના પિતા શુગર અને બીપીના દરદી છે. તેમને લાગે છે કે આ પરિસ્થિતિમાં ઘરથી 100 કિલોમિટર દૂર પરીક્ષાકેન્દ્રમાં આવવું-જવું તેમને અને તેમના પરિવારને જોખમમાં મૂકી શકે છે.

રાજ્યસ્તરની પરીક્ષામાં મુશ્કેલીઓ

ઇમેજ સ્રોત, Manoj S

ઇમેજ કૅપ્શન,

મનોજ એસ

કર્ણાટકના બેંગલુરુના રહેવાસી મનોજ એસ પણ એ અરજદારોમાં સામેલ છે, જેમણે પરીક્ષાની તારીખ આગળ ખસેડવાની માગ કરી છે.

મનોજ આ વર્ષે આઈઆઈટીની પરીક્ષા આપવાના હતા. એન્જિનીયરિંગનો અભ્યાસ તેમના જીવનનું સ્વપન છે.

બીબીસી સાથે ફોન પર વાત કરતા તેમણે આ અરજી દાખલ કરવા પાછળના કારણ જણાવ્યા. મનોજ પ્રમાણે કોરોના દરમિયાન થનાર પરીક્ષા માટે રાજ્ય સરકારો તરફથી સ્ટૅન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર નક્કી કરવામાં આવ્યા હતા.

નિયમોની ઉલટ દર સેન્ટર પર થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા નહોતી, સોશિયલ ડિસ્ટન્સિંગની વ્યવસ્થા નહોતી અને સેન્ટર પર પહોંચવા માટે યાતાયાતની વ્યવસ્થા પણ નહોતી.

ત્યાર પછી કેટલાક વિદ્યાર્થીઓને કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. મનોજનું કહેવું છે કે એ પરીક્ષા પછી તેમની અંદર એક ડર બેસી ગયો હતો.

કર્ણાટક કૉમન ઍન્ટ્રેન્સ ટેસ્ટની પરીક્ષા રાજ્ય સ્તરની પરીક્ષા હતી, જેમાં કોઈ પણ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાની સરખામણીમાં ઓછા વિદ્યાર્થીઓ સામેલ હતા. આ પરીક્ષા 30 અને 31 મેના થઈ હતી.

એવામાં રાષ્ટ્રીય સ્તરની કોઈ પણ પરીક્ષા માટે સેન્ટરમાં કેટલી ભીડ થશે, એનો અંદાજ લગાવી શકાય છે.

અરજીના માધ્યમથી મનોજનું કહેવું છે કે જ્યાર સુધી કોરોનાનો ગ્રાફ ફ્લૅટ નથી થઈ જતો અને પરિસ્થિતિ પહેલાં જેવી નથી થતી, ત્યાર સુધી આઈઆઈટી સેન્ટર જેઈઈની પરીક્ષાની તારીખ આગળ ખસેડી દેવામાં આવે.

બિહારમાં કોરોના અને પૂરનો કેર

ઇમેજ સ્રોત, Manas

ઇમેજ કૅપ્શન,

માનસ

બિહારના છપરાના રહેવાસી માનસે પણ આ અરજી પર હસ્તાક્ષર કર્યા છે. તેઓ આ વખતે મેડિકલમાં ઍડમિશન માટે નીટની પરીક્ષા આપવાના છે.

માનસે 2016માં 12માં ધોરણની પરીક્ષા પાસ કરી હતી અને ત્યારથી નીટની તૈયારી શરૂ કરી હતી. છપરાથી બીબીસી સાથે ફોન પર વાત કરતા તેમણે કહ્યું કે ત્રણ મુખ્ય કારણોથી તેઓ પરીક્ષાની તારીખને ખસેડવા માગે છે.

પહલું કારણ છે કોરોના, તેઓ કહે છે બિહાર સરકારની કોરોના સામેની લડતમાં તૈયારી કોઈનાથી છૂપાયેલી નથી. એવામાં પોતાને ઍક્સપોઝ કરવાનું જોખમ કોણ ઉપાડશે?

બીજું કારણ કે તેઓ બિહારમાં આવેલા પૂરને માને છે. તેમનું ઘર પૂરાના પાણીથી ઘેરાયેલું છે. ઘરની બહાર નીકળીને બહાર પરીક્ષાકેન્દ્ર સુધી જવા માટે કોઈ સંસાધન નથી અને પાણી ભરાઈ જવાને કારણે બહાર જવાની પરિસ્થિતિ પણ નથી.

તેમનો દાવો છે કે આખા બિહારમાં નીટની પરીક્ષા માટે બે જ સેન્ટર છે- એક ગયા અને બીજું પટના. બંને સેન્ટરો પર જવા માટે તેમને પૂર અને કોરોનાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને એક દિવસ પહેલાં ઘરેથી નીકળવું પડશે.

તેમના પ્રમાણે ત્રીજું કારણ એ છે કે એક સાથે લાખો વિદ્યાર્થીઓ એક જગ્યા પર નીકળશે તો બધાને મુશ્કેલી થશે.

માનસની દલીલ છે કે એકલા બિહારમાં જ લગભગ 60 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

તેમની સાથે વાલીઓમાંથી કમસે કમ એક પણ પરીક્ષાકેન્દ્ર પર આવશે તો લગભગ સવા લાખ લોકો એક જ દિવસે સડક પર બહાર નીકળશે.

કોરોનાના સમયમાં માનસ આ પરિસ્થિતિને બેહદ ખતરનાક ગણે છે.

નૅશનલ ટેસ્ટિંગ એજન્સી શું કહે છે

ઇમેજ સ્રોત, PA Media

આ ત્રણે વિદ્યાર્થીઓની આશંકાઓને અમે દેશના નૅશનલ ટેસ્ટિંગ એજન્સીના મહાનિદેશક વિનીત જોશીની સામે રજૂ કરી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં અરજી વિશે તેમને હજી કોઈ માહિતી નથી.

તેમણે બીબીસીને કહ્યું કે કોરોના મહામારીના સમયમાં પરીક્ષા કરાવવા માટે સરકારના બધા નિયમોનું પાલન કરવામાં આવશે. નૅશનલ ટેસ્ટિંગ એજન્સી એ સંસ્થા છે, જે દેશમાં આઈઆઈટી અને નીટની પરીક્ષાઓનું સંચાલન કરે છે.

સરકારના દિશાનિર્દેશ શું છે?

સરકારી ગાઇડલાઇન્સ પ્રમાણે આ વખતે આઈઆઈટી માટે 600 સેન્ટર બનાવવામાં આવ્યા છે, પહેલાં 450 પરીક્ષાકેન્દ્રો બનાવવામાં આવતા હતા.

એવી જ રીતે નીટની પરીક્ષા માટે પહેલાંના 2500 પરીક્ષાકેન્દ્રોની જગ્યાએ આ વર્ષે લગભગ ચાર હજાર સેન્ટર બનાવવામાં આવ્યા છે.

એ સિવાય આ વર્ષે મહામારીને કારણે પરીક્ષાકેન્દ્રોમાં એક જ સમયે બધા વિદ્યાર્થીઓ ન પહોંચે, એવું પણ કહેવામાં આવ્યું છે. ઍડમિટ કાર્ડમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દર અઠવાડિયે વિદ્યાર્થીઓને ઍડમિટ કાર્ડ સાથે બધા નિયમોની જાણકારી આપવામાં આવશે.

વિનીત જોશી આગળ કહે છે કે વિદ્યાર્થીઓને પરીક્ષાકેન્દ્ર પર થર્મલ સ્ક્રીનિંગની વ્યવસ્થા મળશે અને સૅનિટાઇઝરની પણ વ્યવસ્થા થશે.

કન્ટેનમેન્ટ ઝોનમાં પરીક્ષાનું ઍડમિટ કાર્ડ ગેટ પાસનું કામ કરશે. સ્થાનિક પ્રશાસનને આ વિશે પહેલાં જ સૂચન કરી દેવામાં આવશે.

બિહારના પૂર વિશે તેમનું કહેવું છે કે અત્યાર સુધી પરીક્ષામાં લગભગ એક મહિનાનો સમય છે. આશા કરીએ છીએ કે ત્યાર સુધી પરિસ્થિતિમાં સુધાર થશે. જ્યાં સુધી બિહારમાં બે પરીક્ષાકેન્દ્રોની વાત છે, વિનીત જોશી કહે છે કે બિહારના બે શહેરોમાં સેન્ટર છે પરંતુ આ બંને શહેરોમાં પરીક્ષાકેન્દ્રોની સંખ્યા ઘણી વધારે છે.

તેમનું કહેવું છે કે સરકારે પોતાની રીતે પૂરી તૈયારી કરી છે. એટલું નહીં એનટીએ તરફથી જુલાઈ મહિનામાં વિદ્યાર્થીઓને સેન્ટર બદલવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

15 દિવસ માટે વિંડો ખોલવામાં આવી હતી, જ્યારે વિદ્યાર્થીઓ ફૉર્મમાં ફેરફારો કરી શકે છે.

કેવી રીતે ભેગા થયા અરજદાર 11 વિદ્યાર્થીઓ?

ઇમેજ સ્રોત, Getty Images

પરીક્ષાની તારીખ આગળ ખસેડવી છે કે નહીં, આની પર નિર્ણય સુપ્રીમ કોર્ટે કરવાનો છે.

પરંતુ અલગઅલગ રાજ્યોમાં રહેતા વિદ્યાર્થીઓ એકસાથે કેવી રીતે આવ્યા?

આ પ્રશ્ન બધાના મનમાં જરૂર હશે. આની પર મનોજે એક રસપ્રદ વાત શૅર કરી. દેશના અલગઅલગ શહેરોના રહેવાસી વિદ્યાર્થીઓ ટ્વિટર પર અને ટેલિગ્રામ પર આ વિશે વાત શરૂ કરી.

એક હૅશટૅગ SaveJEE_NEETstudentsPM સાથે વાત શરૂ થઈ. એક અઠવાડિયામાં દેશના અલગઅલગ શહેરોથી લગભગ છ લાખથી વધારે વિદ્યાર્થીઓએ ટ્વીટ કર્યા.

આ વિશે વિદ્યાર્થીઓનો દાવો છે કે તેમને નૅશનલ ટેસ્ટિંગ એજન્સી અને શિક્ષા મંત્રીને પત્ર પણ લખ્યો પરંતુ વિદ્યાર્થીઓને કોઈ જવાબ મળ્યો નથી.

ત્યાર પછી વિદ્યાર્થીઓને એક વકીલના સપોર્ટની જરૂરત હતી. જેના માટે ઇન્ડિયા વાઇડ પૅરેન્ટ્સ એસોસિએશનનાં અનુભા શ્રીવાસ્તવ સહાય સામે આવ્યાં. હાલ આ અરજી સુપ્રીમ કોર્ટમાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો