કોરોના વાઇરસ શિયાળામાં વિનાશ વેરશે?

  • સંદીપ સોની
  • બીબીસી સંવાદદાતા
શિયાળો

ઇમેજ સ્રોત, NARINDER NANU/AFP via Getty Images

શિયાળો શરૂ થઈ રહ્યો છે અને આ જ સમય હોય છે, જ્યારે કૉલ્ડ-ફ્લૂ એટલે કે શરદી-ખાંસી સામાન્ય વાત થઈ જાય છે.

પરંતુ આ વખતનો શિયાળો દુનિયાનાં અનેક વૈજ્ઞાનિકોની ચિંતા વધારી રહ્યો છે.

ડર એ વાતનો છે કે ઠંડી હવાઓ સાથે બદલાતી ઋતુને કારણે કોરોના વાઇરસ વધુ તાકાત સાથે ઝડપથી ફેલાઈ શકે છે

અનેક વૈજ્ઞાનિકોને આશંકા છે કે શિયાળાની ઋતુમાં વિશ્વએ કોરોના વાઇરસની 'બીજી લહેર'નો સામનો કરવો પડી શકે છે જે પહેલાંથી ઘણો વધારે ઘાતક હશે.

આ અનુમાન ભલે જટિલ અને ઘણું અનિશ્ચિત લાગે પરંતુ એને ઉત્તરીય ગોળાર્ધના દેશો માટે ચિંતાનો વિષય માનવામાં આવી રહ્યો છે.

સવાલ એ છે કે શિયાળાની ઋતુમાં શું કોરોના વાઇરસ વધુ કેર વર્તાવશે? શું પહેલાંથી પણ વધારે લોકો કોરોના વાઇરસનો શિકાર બનશે?

વાઇરસ જંગલમાં લાગેલી આગ જેવો બની શકે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

આશંકા તો એ જ છે કે કોવિડ-19 કોરોના વાઇરસે જો એના પરિવારના અન્ય વાઇરસની જેમ જ વ્યવહાર કર્યો તો શિયાળામાં તેનું સંક્રમણ વધી જશે.

આ દાવો છે કોલંબિયા યુનિવર્સિટીના ઍન્વાયરમેન્ટલ હેલ્થ સાયન્સિસ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર મિકેલા માર્ટિનેઝનો. જેઓ બદલાતી ઋતુ સાથે કોઈ વાઇરસના સ્વરૂપમાં આવનારા ફેરફારોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે.

મિકેલા માર્ટિનેઝનું માનવું છે કે સંક્રામક રોગોના ગ્રાફમાં આખા વર્ષ દરમિયાન ઉતાર-ચઢાવ આવ્યા કરે છે.

તેઓ કહે છે, "મનુષ્યમાં થતા દરેક સંક્રામક રોગની એક ખાસ ઋતુ હોય છે. જેવી રીતે શિયાળામાં ફ્લૂ અને કૉમન કોલ્ડ થાય છે એ જ રીતે ગરમીઓમાં પોલિયો અને વસંત ઋતુમાં મીઝલ્સ અને ચિકનપોક્સ ફેલાય છે. સંક્રામક રોગ ઋતુ પ્રમાણે વધે છે એટલા માટે એમ માનવામાં આવી રહ્યું છે કે કોરોના વાઇરસ પણ શિયાળામાં વધશે."

વૈજ્ઞાનિકો આના બે મુખ્ય કારણ માને છે. કોરોના વાઇરસના વિષયમાં અત્યાર સુધી જે પ્રમાણ મળ્યા છે તે બતાવે છે કે ભેજ જ્યારે ઘણો વધારે હોય છે ત્યારે કોરોના વાઇરસ માટે ફેલાવું મુશ્કેલ હોય છે.

મિકેલા માર્ટિનેઝ અનુસાર, "ફ્લૂમાં એવું થાય છે કે વાઇરસ તાપમાન અને હવામાં હાજર ભેજના હિસાબથી ફેલાય છે. આ નિશ્ચિત રીતે એક સમસ્યા છે. વાઇરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી જશે કે નહીં, ભેજ એમાં મહત્વની ભૂમિકા ભજવે છે."

એનો અર્થ એ થયો કે શિયાળામાં તાપમાન ઘટવાથી જ્યારે ભેજમાં ઘટાડો થશે ત્યારે આ વાઇરસ હવામાં વધુમાં વધુ સમય સુધી હાજર રહી શકે છે.

મિકેલા માર્ટિનેઝ કહે છે, "આપણે એ જાણીએ છીએ કે વાઇરસ બંધ જગ્યાઓમાં પણ ઝડપથી ફેલાય છે. શિયાળામાં લોકો બંધ જગ્યાઓમાં વધારે રહેશે. આ બે તથ્યોને જ્યારે આપણે મનુષ્યોના વ્યવહાર સાથે મેળવીને જોઈએ છીએ તો એમ લાગે છે કે શિયાળામાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાશે."

વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળામાં એવા અનેક અભ્યાસ કર્યા છે જે બદલાતી ઋતુ સાથે વાઇરસની તીવ્રતામાં આવતા પરિવર્તનને દર્શાવે છે.

પરંતુ પ્રયોગશાળામાં મળેલા પરિણામોની પોતાની મર્યાદા હોય છે અને જરૂરી નથી કે પ્રયોગશાળાની બહાર પણ એ જ પરિણામો મળે. પરંતુ સંક્રમણના દાયરામાં જ્યારે લાખો લોકો આવી જાય છે તો એ જંગલમાં ફેલાયેલી આગની જેમ બની શકે છે

મિકેલા માર્ટિનેઝ કહે છે, "તમે એ રીતે વિચારો કે સંક્રામક રોગ જંગલમાં લાગેલી આગની જેવો હોય છે. થોડાં ઘણાં વરસાદથી કેટલાક સમય માટે આગ ઓછી થઈ શકે છે પરંતુ ઓલવાતી નથી. કોરોનાના દરદીઓ જંગલમાં લાગેલી આગની જેમ આખી દુનિયામાં ફેલાયેલા છે. આ વર્ષે તો આ આગ ઓલવાવાની નથી."

કદાચ આ જ કારણ છે કે બ્રિટનમાં સરકારના એક અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે કોરોના વાઇરસની 'બીજી લહેર'માં પહેલાંથી વધુ લોકોનાં મૃત્યુ થઈ શકે છે.

દવા માટે તરસતા દરદીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

'ન્યૂયોર્ક ટાઇમ્સ'માં હેલ્થ ઍન્ડ સાયન્સ જર્નલિસ્ટ કૅથરીન વૂ શિયાળામાં કોરોના વાઇરસના કેસ વધવાની આશંકા પર ચિંતા વ્યક્ત કરી સારવારની વર્તમાન પદ્ધતિઓ અને એમાં ઉપયોગમાં આવનારી દવાઓ તરફ ધ્યાન આપવાની વાત કરે છે.

એમનું માનવું છે, "સંશોધકો કોરોના વિરુદ્ધ અનેક પદ્ધતિઓ અજમાવી રહ્યા છે. પહેલી એ કે શરૂઆતના દિવસોમાં જ દરદીને કોઈ એવી દવા આપવામાં આવે જેનાથી કોરોના વાઇરસ શરીરની અંદર પોતાની હાજરી વધારી ન શકે અને સંક્રમણને વધવાથી રોકી શકાય.”

“બીજી એ કે દરદીની રોગપ્રતિકારક શક્તિ ઘટવા ન પામે અને એની માટે રેમડેસિવિર અને ડૅક્સામેથાસોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે."

પરીક્ષણોમાં આ બંને દવાઓના ઉત્સાહજનક પરિણામ મળ્યા છે. ડૅક્સામેથાસોનની ઉપલબ્ધતાને લઈને હાલ કોઈ સમસ્યા નથી. પરંતુ રેમડેસિવિરનો ત્રણ મહિનાનો આખો જથ્થો અમેરિકાએ ખરીદી લીધો છે

તેઓ કહે છે, "હંમેશાથી આ જ થતું આવ્યું છે. મહામારીના સમયમાં જો કોઈ દવા કારગર સાબિત થાય છે તો બધાએ દવાની પાછળ ભાગે છે અને પછી એ દવા મળવી બંધ થઈ જાય છે. મને અનેક ડૉક્ટરોએ કહ્યું છે કે દરદીઓ રેમડેસિવિર માટે તરસી રહ્યા છે."

કોરોના વાઇરસની સારવાર માટે જે ત્રીજી પદ્ધતિ અજમાવાઈ રહી છે એ છે બ્લડ પ્લાઝમા થૅરેપી.

બ્લડ પ્લાઝમા થૅરેપી વિશે કૅથરીનનું માનવું છે, "સંક્રામક રોગોની સારવાર માટે આ પદ્ધતિ સો વર્ષથી વધુ સમયથી અપનાવાયેલી છે. તે કામ તો કરે છે પરંતુ મુશ્કેલી એ છે કે એક વ્યક્તિનો પ્લાઝમા અન્ય વ્યક્તિ પર અસર કરશે એની કોઈ ખાતરી નથી હોતી. બ્લડ પ્લાઝમા થૅરેપી જુગાર જેવી છે."

કોરોના વાઇરસથી ખરાબ રીતે અસરગ્રસ્ત દેશોમાં એવા લાખો લોકો છે જેઓ સંક્રમિત થયા પછી યોગ્ય સમયે મળેલી સારવારને કારણે સ્વસ્થ થઈ ગયાં.

પરંતુ શું શિયાળાની ઋતુમાં કોરોના વાઇરસ આ લોકોને ફરીથી નિશાન બનાવશે?

આ સવાલ પર કૅથરીન વૂનું માનવું છે, "અત્યાર સુધી એવા ચિંતાજનક કેસ સામે નથી આવ્યા જેમાં કોરોના વાઇરસ સંક્રમણમાંથી સ્વસ્થ થયેલા વ્યક્તિને ફરીથી કોરોના થઈ ગયો હોય. ફરીથી સંક્રમણ થવું ઘણી મોટી સમસ્યા બની શકે છે. હાલ એ વાતની કોઈ ગૅરંટી નથી કે એકવાર કોરોના સંક્રમણ થયા પછી બીજીવાર સંક્રમણ નહીં થાય."

રોગપ્રતિકારક શક્તિની ઢાલ કોરોના વાઇરસથી આખરે ક્યાં સુધી બચાવશે એ સવાલ ખૂબ મહત્વનો છે.

તેનાથી ન માત્ર કોરોનાને અંકુશમાં લેવામાં મદદ મળશે પણ સાથે જ અસરકારક વૅક્સિન બનાવવાનું રહસ્ય પણ આ જ સવાલમાં છુપાયેલું છે.

હાલ વૅક્સિનને લઈને અનિશ્ચિતતા બનેલી છે. એને કારણે શિયાળામાં કોરોનાના કેસ વધવાની આશંકા ચિંતા વધારનારી છે.

સાચી રણનીતિ

ઇમેજ સ્રોત, Getty Images

"એ વાત પણ સ્પષ્ટ છે કે જ્યારે હવે પછીની ફ્લૂ સિઝન આવશે ત્યારે આપણે કોરોના સંક્રમણની 'બીજી લહેર’નો સામનો કરવો પડશે.

સવાલ એ છે કે 'બીજી લહેર'ને આપણે કેવી રીતે પહોંચી વળીશું? બીમારીને ફેલાવાથી કેવી રીતે રોકીશું અને સંક્રમિત થયેલા દરદીઓની સારવાર કેવી રીતે કરીશું? આ સવાલ છે જૂડિથ વાલનો જેઓ બાર્સિલોના યુનિવર્સિટીમાં 'હેલ્થ ઍન્ડ લેબર ઇકોનૉમિક્સ'ના પ્રોફેસર છે.

પ્રોફેસર જૂડિથનું માનવું છે કે વર્ષ 2020ના પહેલાં 8 મહિનાઓમાં જે અનુભવ થયા છે એનો સબક શીખવો જરૂરી છે.

શિયાળામાં કોરોનાનું જોખમ વધવાની આશંકાઓ પર તેઓ કહે છે, "વ્યવસ્થામાં તાલમેલ વધારવો પડશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને મોટી હૉસ્પિટલો વચ્ચે તાલમેલની જરૂરિયાત છે.”

“સ્થાનિક સ્તરે વધુમાં વધુ ટેસ્ટ કરવા પડશે અને ફક્ત ગંભીર દરદીઓને જ મોટી હૉસ્પિટલમાં ભરતી કરવા પડશે. 'સેકન્ડ વેવ'ની નોબત આવવા પર સિસ્ટમ ત્યારે જ અસરકારક રીતે કામ કરી શકશે."

એટલું જ નહીં શિયાળામાં કોરોના ઇન્ફેક્શનના વધતા કેસ ઉપર કાબૂ પામવા માટે કૉન્ટેક્ટ ટ્રૅસિંગ વધુ સારી રીતે કરવું પડશે.

પ્રોફેસર જૂડિથનું માનવું છે કે પહેલાં આઠ મહિનામાં કૉન્ટેક્ટ ટ્રૅસિંગ બરાબર ન થયું જેનું પરિણામ આખા વિશ્વએ ભોગવવું પડ્યું છે.

તેમ છતાં તેમનું માનવું છે, "હવે સામાન્ય લોકો, હેલ્થ કૅર સિસ્ટમ અને રાજકીય નેતૃત્વ પહેલાની સરખામણીએ વધુ તૈયાર છે. એટલા માટે હું આ વિશે આશાવાદી છું કે આપણે ‘બીજી લહેર'ને પહોંચી વળીશું. અગાઉની સરખામણીએ ઓછા લોકોનાં જીવ જશે અને પહેલાંની સરખામણીએ ઓછા પ્રતિબંધો લાદવા પડશે."

પ્રોફેસર જૂડિથનો આ વિશ્વાસ હિંમત તો વધારે છે. પરંતુ જુદા-જુદા દેશોમાં અલગ-અલગ પરિસ્થિતિઓને કારણે તે દરેક જગ્યાએ લાગુ નથી પડતો.

'ઍકેડેમી ઑફ મેડિકલ સાયન્સીઝ'ના એક અહેવાલમાં અંદેશો વ્યક્ત કરાયો છે કે શિયાળાની ઋતુમાં સ્થિતિ કાબૂ બહાર જાય તો ફક્ત બ્રિટનમાં જ 2 લાખ 51 હજાર લોકોનાં મૃત્યુ થઈ શકે છે.

વૈજ્ઞાનિકોને હજુ એ પણ નથી ખબર કે વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસ જ્યારે શિયાળામાં પરેશાન કરતા અન્ય વાઇરસના સંપર્કમાં આવશે ત્યારે એમાં કયા પ્રકારની હોડ લાગશે.

લીડરશીપ

ઇમેજ સ્રોત, Prakash SINGH / AFP) (Photo by PRAKASH SINGH/AFP v

'જીયો-પૉલિટિક્સ ઑફ ઇમોશન'ના લેખક ડૉમિનિક મોઇઝીનું માનવું છે કે દુનિયાનાં મોટાભાગનાં દેશોનું રાજનૈતિક નેતૃત્વ એવું નથી જે કોરોના વાઇરસના 'સેકન્ડ વેવ'ને પહોંચી વળવા માટે પોતાના દેશમાં સંપૂર્ણ રીતે તૈયાર હોય.

એમનું માનવું છે, "તમે ભલે ડરી ન રહ્યા હો પરંતુ હું ચોક્કસ ભયભીત છું. આપણે ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે જેની પાછળ ખૂબ જ વિચિત્ર પ્રકારનાં લોકો છે."

ડૉમિનિક મોઇઝીનો પહેલો તર્ક એ છે કે પૂર્વ અને પશ્ચિમનાં લોકો વચ્ચે મોટો તફાવત છે અને એકની ચિંતા બીજા માટે બેદરકારીનું કારણ છે.

તેઓ કહે છે, "આપણે બધા ભલે કોઈ એક વસ્તુથી ડરતા હોઈએ પરંતુ એ ભય પ્રતિ આપણું વલણ અલગ-અલગ હોય છે. જેમકે એશિયાની સિવિક સૅન્સ અલગ છે.”

“લોકો ત્યાં માસ્ક પહેરી રહ્યા છે. તેઓ જાણે છે કે જે વ્યક્તિગત જીવન માટે સામૂહિક જીવનનું શું મહત્વ છે. પરંતુ પશ્ચિમી જગતમાં અમે જોઈ રહ્યા છીએ કે સામૂહિક ઉત્તરદાયિત્વને વ્યક્તિગત સ્વતંત્રતા માટે જોખમ ગણાવાય છે."

ડૉમિનિક મોઇઝી અહીં એક રસપ્રદ વાત કહે છે. એમને લાગે છે કે 'હું' અને 'આપણે' જેવા શબ્દો કોરોના જેવી મહામારીના સમયમાં ઘણો મોટો તફાવત લાવી શકે છે.

ડૉમિનિક મોઇઝી કહે છે, "મને લાગે છે કે આ એક મોટો ખતરો છે. આપણને એક નવા સંતુલનની જરૂર છે જ્યાં પૂર્વમાં વધુ વ્યક્તિગત સ્વતંત્રતા અને પશ્ચિમમાં વધુ સામૂહિક જવાબદારી હોય."

અલગ-અલગ દેશોમાં ભલે અલગ-અલગ મિજાજની સરકારો છે પરંતુ શિયાળામાં કોરોના સંક્રમણના કેસ વધવા બધી સરકારો માટે ખતરાનું આગમન હોઈ શકે છે.

ડૉમિનિક મોઇઝી પ્રમાણે "કોરોના સંકટના સ્વાસ્થ્ય સંબંધી પાસું લોકપ્રિય નેતાઓ અને એમની સરકારો માટે પરેશાનીનું કારણ બની શકે છે.”

“બ્રાઝિલમાં બોલસેનારો અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ એનું ઉદાહરણ કહી શકાય છે. એ જ પ્રકારે કોરોના સંકટના આર્થિક પાસા ઉદારવાદી લોકતાંત્રિક દેશો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે."

સામાન્ય લોકોનાં સ્વાસ્થ્ય અને દેશની અર્થવ્યવસ્થામાંથી કોના પર વધારે ધ્યાન આપવું એ વિષયમાં દુનિયાના નેતાઓનો મત અને વલણ અલગ અલગ રહ્યાં છે.

આ પાસા વિશે ડૉમિનિક કહે છે, "કોરોના સંક્રમણના પહેલા દૌરે દુનિયાભરની લોકપ્રિય સરકારોની અસલિયત સામે લાવી દીધી. કોરોના સંક્રમણના બીજા દૌરમાં ખૂબ ખરાબ આર્થિક સ્થિતિને કારણે લોકોનો ગુસ્સો એ હદ સુધી જઈ શકે છે જે અગાઉ ક્યારેય નજર ન આવ્યો હોય."

કોરોના સંકટે અલગ અલગ દેશો વચ્ચે મતભેદોની તિરાડ વધારે ઊંડી કરી દીધી છે. એને કારણે એ દેશોનાં નેતા કોરોના વાઇરસ સામે મળીને લડાઈ નથી લડી શકતા.

ડૉમિનિક મોઇઝીનું માનવું છે, "અમેરિકા અને ચીન વચ્ચે નવું શીત યુદ્ધ કોરોના સંકટને કારણે ઘણું વધી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકા માટે એક બહારી દુશ્મન મળી ગયો. એ જ રીતે ચીનને પણ ખુશી થઈ કે કોરોનાને કારણે અમેરિકાની ઊંઘ ઊડી ગઈ."

આ તણાવની અસર કોરોના વાઇરસ મામલે ચાલી રહેલી મેડિકલ રિસર્ચ પર પણ પડી. શું આ તણાવથી એ પણ નક્કી થશે કે વૅક્સિન પહેલાં કોણ બનાવશે અને કોને વૅક્સિન મોડેથી મળશે?

આ વિશે ડૉમિનિક મોઇઝીનું માનવું છે, "એમાં કોઈ શંકા નથી કે જે દેશ સૌથી પહેલાં કોરોનાની વૅક્સિન બનાવી લેશે તે એક પ્રકારે પોતાની શક્તિનું જ પ્રદર્શન કરશે.”

“પરંતુ એ વાતની પણ સંભાવના છે કે વૅક્સિન બનાવવામાં અલગ-અલગ દેશ એક સાથે સફળ થઈ જાય ત્યારે વૅક્સિનને બ્લેકમેઇલ કરવા માટે કોઈ શસ્ત્રની જેમ ઉપયોગમાં નહીં લાવી શકાય."

શિયાળાની ઋતુમાં શું કોરોના વાઇરસ વધુ કેર વર્તાવશે? શું પહેલાંથી વધુ લોકો કોરોના વાઇરસનો શિકાર બનશે? આ સવાલના જવાબોએ પોતાની અંદર અનેક પાસાઓ સમેટી રાખ્યા છે.

મોટાભાગનાં નિષ્ણાતો એ વાત પર સહમત છે કે ઠંડીના દિવસોમાં કોરોના વાઇરસ વધુ પરેશાન કરશે. કોરોના વાઇરસના પહેલા દૌરમાં દુનિયા તૈયાર ન હતી. કોઈને કોઈ અનુભવ ન હતો અને લોકોએ પણ ખૂબ જ બેદરકારી રાખી.

પરંતુ હવે વિશ્વ કોરોના વાઇરસ વિશે પહેલાંથી વધુ જાણે છે અને એની પાસે કોરોના વાઇરસ સામે લડવાનો અનુભવ પણ છે. આથી તમામ મુશ્કેલીઓ છતાં શિયાળામાં પણ કોરોના વાઇરસ સામે પહોંચી વળી શકાય છે. જરૂર છે તો ફક્ત ભૂલોમાંથી સબક શીખવાની.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો