ગુજરાતનાં બજારોમાં વેચાતાં નકલી સૅનિટાઇઝર કેટલાં જોખમી?

  • અર્જુન પરમાર
  • બીબીસી ગુજરાતી
સૅનિટાઇઝર

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/Getty

કોરોના વાઇરસના સંક્રમણની મહામારી બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સૅનિટાઇઝરની માગમાં મબલક વધારો નોંધાયો છે.

હવે લગભગ દરેક વ્યક્તિ કોરોના વાઇરસથી બચવા માટે પોતાની પાસે સારી ગુણવત્તાનું સૅનિટાઇઝર હોય એવો આગ્રહ રાખે છે.

કેટલાક મીડિયા અહેવાલો પ્રમાણે વેચાણમાં અચાનક થયેલા વધારા અને સતત વધતી જતી માગને પગલે સૅનિટાઇઝરના ઉત્પાદનમાં ગેરરીતિના કિસ્સા સામે આવવા લાગ્યા છે.

આવી જ એક ગેરરીતિ ત્યારે સામે આવી જ્યારે ગુજરાતના ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશ (FDCA) દ્વારા પરવાનગી વગર આલ્કોહૉલયુક્ત સૅનિટાઇઝર બનાવતા એક યુનિટ પર દરોડો પાડી 34.38 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

આવી જ રીતે અવારનવાર સ્થાનિક મીડિયામાં નકલી સૅનિટાઇઝર ઉત્પાદિત કરનાર અને વેચનાર લોકો પર તંત્ર દ્વારા કાર્યવાહી કરાયાના અહેવાલો પ્રકાશિત થયા કરે છે. જે પૈકી ઘણા કિસ્સામાં તો સૅનિટાઇઝરના નામે માત્ર રંગીન પાણી બૉટલમાં ભરીને વેચાતું હોવાનું સામે આવ્યું છે.

જ્યારે અમુક કિસ્સામાંગેરરીતિ આચરીને બનાવાયેલાં હલકી ગુણવત્તાવાળા સૅનિટાઇઝરના વેચાણ દ્વારા સ્વાસ્થ્ય સાથે ચેડાં કરાતાં હોવાનું પણ સામે આવ્યું છે.

બીબીસી ગુજરાતીએ ગુજરાતમાં વેચાતાં સૅનિટાઇઝરોની ગુણવત્તા બાબતે તપાસ કરવા માટે અધિકારીઓ અને નિષ્ણાતો સાથે વાત કરી હતી.

જેમાં ગુજરાતનાં બજારોમાં વેચાઈ રહેલાં નકલી સૅનિટાઇઝરોનાં જોખમો અંગે કેટલીક વિગતો સામે આવી હતી.

નકલી સૅનિટાઇઝર પકડમાં

ઇમેજ સ્રોત, NurPhoto/Getty

કોરોનાની મહામારીને કારણે બજારમાં હૅન્ડ સૅનિટાઇઝરની માગમાં અભૂતપૂર્વ ઉછાળો નોંધાતાં વ્યાપક પ્રમાણમાં તેનું ઉત્પાદન શરૂ કરવા માટે લાઇસન્સ અપાયાં હોવાનું અધિકારીઓ જણાવે છે.

અધિકારીઓ માને છે કે, "હૅન્ડ સૅનિટાઇઝરની અચાનક વધેલી આ માગને પગલે બનાવટી હૅન્ડ સૅનિટાઇઝર બનાવી કમાણી કરવા માટે કેટલાક ઉત્પાદકોએ સરકાર દ્વારા સ્થાપિત નિયમો કરતાં હલકી ગુણવત્તાનાં સૅનિટાઇઝર બનાવવાનું શરૂ કર્યું હતું."

હલકી ગુણવત્તાના સૅનિટાઇઝર બનાવવાની ઘટના ફૂડ ઍન્ડ ડ્રગ કંટ્રોલ ઍડમિનિસ્ટ્રેશનના ધ્યાને આવતાં સુઓ મોટો કાર્યવાહી થકી અમુક મહિના પહેલાં જ 368 યુનિટોના નમૂના લેવાયા હતા, જે પૈકી 67 નમૂના સબસ્ટાન્ડર્ડ એટલે કે નક્કી કરાયેલી ગુણવત્તા કરતાં ઓછી ગુણવત્તાના હોવાનું સામે આવ્યું હતું.

એટલે કે કુલ નમૂના પૈકી લગભગ 18 ટકા જેટલા નમૂના હલકી ગુણવત્તાના હતા.

રાજ્યમાં FDCA દ્વારા હલકી ગુણવત્તાના સૅનિટાઇઝર બનાવતા ઉત્પાદકો પર કરાયેલ કાર્યવાહી અંગે વાત કરતાં FDCAના કમિશનર હેમંત કોશીયાએ જણાવ્યું હતું, "પાછલા કેટલાક મહિનામાં જુદા-જુદા પાંચ હૅન્ડ-સૅનિટાઇઝરનું ઉત્પાદન કરતાં યુનિટોમાં દરોડા પાડવામાં આવ્યા હતા."

"આ કાર્યવાહીમાં અમુક યુનિટોમાં બનાવટી નામથી હલકી ગુણવત્તાવાળાં સૅનિટાઇઝર બનાવાઈ રહ્યાં હતાં."

"તેમજ અમુક યુનિટોમાં પરવાનગી વગર ઉત્પાદન કરાતું હતું, આ તમામની સામે નિયમાનુસાર કાયદાકીય કાર્યવાહી કરાઈ રહી છે."

સૅનિટાઇઝર કેટલાં જોખમી?

ઇમેજ સ્રોત, SOPA Images/Getty

હેમંત કોશીયા જણાવે છે કે ગુજરાતમાં બજારમાં મળી રહેલા નકલી હૅન્ડ-સૅનિટાઇઝર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

તેઓ કહે છે કે, "નિશ્ચિત કરેલી ગુણવત્તા કરતાં ઓછી ગુણવત્તા ધરાવતા સૅનિટાઇઝરના ઉપયોગને કારણે સૌપ્રથમ તો આપણાં અંગો જંતુમુક્ત થતાં નથી."

"પરંતુ આ વાતથી અજાણ રહીને ઘણા લોકો પોતાના હાથ સંપૂર્ણપણે જંતુમુક્ત થઈ ગયા છે, તેવું માનવા લાગે છે અને આ માન્યતા ઘણી વાર ગંભીર માંદગીમાં પણ પરિણમી શકે છે."

હલકી ગુણવત્તાના સૅનિટાઇઝર સાથે સંકળાયેલાં જોખમો અંગે વાત કરતાં તેઓ કહે છે, "ઘણી વાર સૅનિટાઇઝરની બનાવટમાં સસ્તો રિકવર થયેલો ઇથેનોલ વાપરવામાં આવે છે, જેમાં ઘણી બધી રાસાયણિક અશુદ્ધિઓ હોઈ શકે છે."

"આવી અશુદ્ધિઓવાળા કાચામાલથી બનેલાં સૅનિટાઇઝરને કારણે લાંબેગાળે કેટલીક સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે."

નીચી ગુણવત્તાવાળાં સૅનિટાઇઝર વિશે તેઓ જણાવે છે, "ઘણી વાર આવાં સૅનિટાઇઝર વપરાશકર્તાની ચામડીને માફક ન આવતાં અમુક કિસ્સામાં ઍલર્જીની સમસ્યા પણ થઈ શકે છે."

ચામડી સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા વ્યક્ત કરતાં ડૉ. રાકેશ શર્મા જણાવે છે, "ઘણી વખત જો કોઈ વ્યક્તિની ત્વચા રૂક્ષ હોય તો હલકી ગુણવત્તાવાળું સૅનિટાઇઝર વાપરવાથી ચામડી સંબંધિત ફરિયાદો થઈ શકે છે."

તેઓ જણાવે છે , "આ સિવાય જો કોરોના વાઇરસથી સંક્રમિત વ્યક્તિ આવી હલકી ગુણવત્તાનું સૅનિટાઇઝર વાપરે તો અજાણે તેઓ પણ આ વાઇરસના વાહક બની શકે છે."

જ્યારે સુરતના સૅનિટાઇઝર ઉત્પાદક અને શક્તિ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડના માલિક શ્રેયાંસ ગોયલ આ વિશે જણાવે છે, "જો વધુ અશુદ્ધિઓવાળા કાચામાલથી બનેલું સૅનિટાઇઝર વાપરવામાં આવે તો ચામડીની સાથે પેટસંબંધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે, જેમ કે ફૂડ પૉઇઝનિંગ."

કેવી રીતે થાય છે છેતરપિંડી?

ઇમેજ સ્રોત, Hindustan Times/Getty

નકલી હૅન્ડ-સૅનિટાઇઝર બનાવનાર લોકોની કાર્યપ્રણાલી વિશે વાત કરતાં શ્રેયાંસ ગોયલ જણાવે છે, "ઘણા ઉત્પાદકો સૅનિટાઇઝર બનાવવા માટે જરૂરી ઇથેનોલ અને આઇસોપ્રોપીલ આલ્કોહોલમાં શુદ્ધતાનું પ્રમાણ જાળવતા નથી. કારણ કે, શુદ્ધ ઇથેનોલ અને આઇસોપ્રોપીલ આલ્કોહોલની કિંમત વધારે હોય છે."

"જેથી સસ્તાં સૅનિટાઇઝર બનાવવા માટે ઘણા ઉત્પાદકો અશુદ્ધિયુક્ત ઇથેનોલ અને આઇસોપ્રોપીલ આલ્કોહોલ વાપરે છે."

"આ અશુદ્ધિઓને કારણે હાથ જંતુમુક્ત થતા નથી, ઉપરથી તેની પર અશુદ્ધિઓ લાગી જવાને કારણે અન્ય બીમારીઓનો ભય ઊભો થઈ જાય છે."

તેઓ જણાવે છે, "ઘણી વાર નીચી ગુણવત્તાનું સૅનિટાઇઝર બનાવતા ઉત્પાદકો તેમાં જરૂરી તત્ત્વો જરૂરી પ્રમાણમાં ઉમેરવાને સ્થાને સાબુનું પાણી કે સાદું પાણી ઉમેરી દે છે, જે કારણે તેની અસરકારતાં બિલકુલ ઘટી જાય છે."

વધુ એક ગેરરીતિ અંગે વાત કરતાં હેમંત કોશીયા જણાવે છે, "ઘણા ઉત્પાદકો ગ્રાહકોને અને દુકાનદારોને છેતરવા માટે કોઈક બ્રાન્ડની નકલ કરવાનો રસ્તો અપનાવે છે અથવા તો કેટલીક વખત પોતાની બનાવટી બ્રાન્ડ પર તમામ વિગતો લખી સૅનિટાઇઝરનું ઉત્પાદન કરે છે."

"આવી રીતે ગ્રાહકો પૅકિંગ પરથી એવું માની લે છે કે જે-તે ઉત્પાદકે તમામ નિયમો અનુસર્યા છે, પરંતુ અસલિયતમાં એવું હોતું નથી."

બનાવટી નામે હલકી ગુણવત્તાનું સૅનિટાઇઝર બનાવીને વેચવાનો આ વેપાર ગુજરાતમાં કેટલા વ્યાપકપણે ફેલાયેલો છે, તેનો અંદાજ કેટલાક આંકડા પરથી મેળવીએ.

આધિકારીક આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં 646 કંપનીઓને 3812 હૅન્ડ-સૅનિટાઇઝર પ્રોડક્ટ બનાવવાની પરવાનગી અપાઈ છે.

સૅનિટાઇઝરના ઉત્પાદકો દ્વારા મળતી વિગતો અનુસાર હાલ ગુજરાતમાં સૅનિટાઇઝર બનાવતા હજારો યુનિટો ચાલી રહ્યા છે અને તેની હજારો અસલી-નકલી પ્રોડક્ટ માર્કેટમાં વેચાઈ રહી છે.

સૅનિટાઇઝર અસલી છે કે નકલી કેવી રીતે ઓળખશો?

બજારમાં મોટી સંખ્યામાં નકલી અને અસલી બંને પ્રકારનાં સૅનિટાઇઝર ઉપલબ્ધ છે.

હવે આટલા બધા વિકલ્પોમાંથી વ્યક્તિએ પોતાની માટે કયું સૅનિટાઇઝર યોગ્ય છે તેની ચોકસાઈ કઈ રીતે કરવી?

આ પ્રશ્નના જવાબમાં શ્રેયાંસ ગોયલ જણાવે છે , "અસલી અને ગુણવત્તાયુક્ત સૅનિટાઇઝરની પરખ માટે ગ્રાહકે હાથની હથેળી પર સૅનિટાઇઝર લઈ, બંને હાથની હથેળી એકબીજા સાથે ઘસવાથી હથેળી પરથી સૅનિટાઇઝર જલદી ઊડી જવું જોઈએ."

"જો આવું થાય તો જ તેમાં આલ્કોહૉલનું પ્રમાણ નિયમ પ્રમાણે યોગ્ય છે તેવું કહી શકાય. જો બંને હથેળીઓ પર એકબીજા સાથે ઘસ્યા બાદ પણ તમારી હથેળી પર ભીનાશ રહે તો તે સૅનિટાઇઝર ગુણવત્તાસભર નથી તેમ માનવું."

"તેમજ ગુણવત્તાયુક્ત સૅનિટાઇઝરમાં દારૂની હળવી ગંધ આવે છે. જો તમારા સૅનિટાઇઝરમાં એ ગંધ ન આવતી હોય તો તેમાં પૂરતા પ્રમાણમાં આલ્કોહોલ ન હોય તેવું બની શકે."

ઇમેજ સ્રોત, SOPA Images/Getty

જોકે, શ્રેયાંસ સૅનિટાઇઝરની ગુણવત્તા પારખવાની આ રીતોને પ્રાથમિક તપાસ માટેનાં પગલાં ગણાવે છે.

સૅનિટાઇઝરની ગુણવત્તા ચકાસવા માટેનો માર્ગ સૂચવતાં ડૉ. રાકેશ શર્મા જણાવે છે, "એક ચમચીમાં થોડું સૅનિટાઇઝર લઈ, તેને સળગાવાથી પણ સૅનિટાઇઝરની ગુણવત્તાનો ખ્યાલ આવે છે."

"જો આ રીતથી ચમચીમાં રહેલું સૅનિટાઇઝર પૂરેપૂરું સળગી જાય તો સૅનિટાઇઝર ગુણવત્તાયુક્ત હોય છે અને જો તે સંપૂર્ણપણે ન સળગે તો તે નક્કી કરેલી ગુણવત્તાવાળું ન હોય તેવું બની શકે."

નોંધનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે WHOની માર્ગદર્શિકા અનુસાર એક ફૉર્મ્યુલા પ્રમાણે સૅનિટાઇઝરમાં 80 ટકા ઇથેનોલ, 1.45 ટકા ગ્લિસરોલ અને 0.125 ટકા હાઇડ્રોજન પૅરોક્સાઇડ હોવાનું ઠરાવવામાં આવ્યું છે.

જ્યારે અન્ય એક ફોર્મ્યુલા પ્રમાણે સૅનિટાઇઝરમાં 75 ટકા આઇસોપ્રોપીલ આલ્કોહોલ, 1.45 ટકા ગ્લિસરોલ, અને 0.125 ટકા હાઇડ્રોજન પૅરોક્સાઇડ હોવાનું જરુરી ઠરાવાયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો