Dream11 IPL 2020નું ટાઇટલ સ્પૉન્સર બન્યું, વિવો પર થયો હતો વિવાદ - TOP NEWS

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ચીન અને ભારત વચ્ચે લદ્દાખમાં તણાવ બાદ ચીનની કંપની વિવોની ટાઇટલ સ્પૉન્સરશિપને લઈને વિવાદ થઈ રહ્યો હતો.

જાણીતી ફૅન્ટસી સ્પૉર્ટ્સ પ્લૅટફોર્મ કંપની ડ્રીમ 11એ 2020ની ઇન્ડિયન પ્રિમિયર લીગના ટાઇટલ સ્પૉન્સર રાઇટ્સ મેળવ્યા છે. હવે 2020ની આઈપીએલ વિવોને બદલે ડ્રીમ 11 આઈપીએલ ગણાશે.

સમાચાર સંસ્થા એએનઆઈએ આઈપીએલના ચૅરમૅન બ્રિજેશ પટેલને ટાંકીને આ સમાચાર આપ્યા છે.

ડ્રીમ 11એ આ રાઇટ્સ 222 કરોડ રૂપિયામાં ખરીદ્યાં છે.

ઉલ્લેખનીય છે કે આઈપીએલ આ વર્ષે 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યુએઈમાં રમાવાની છે. ભારત સરકાર અને યુએઈ સરકાર તરફથી આની સત્તાવાર મંજૂરી મળી ગઈ છે.

ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણમાં ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં અને એ પછી ભારતમાં ચીની ઉત્પાદનો સામે વિરોધપ્રદર્શનો કરવામાં આવ્યાં. અનેક લોકોએ આઇપીએલની ટાઇટલ સ્પૉન્સર કંપની વિવો પર સવાલ ઊભો કર્યો હતો.

આ વિવાદ પછી આઈપીએલનો અધિકાર ધરાવતી વિવો કંપનીએ ટાઇટલ સ્પૉન્સરશિપ એક વર્ષ માટે સ્થગિત કરી દીધી હતી. હવે વિવોને સ્થાને ડ્રીમ 11 આઈપીએલ રમાશે.

ડ્રીમ 11 ઉપરાંત ઈએસપીએન, બાયજૂ અને અનઍકેડમીએ પણ ટાઇટલ સ્પૉન્સરશિપ માટે બિડ કર્યું હતું. જોકે, સ્પૉન્સરશિપની રેસમાં ડ્રીમ 11એ જીતી ગયું છે.

જોકે ભારતીય મીડિયામાં ડ્રીમ11 નો સંબંધ ચીન સાથે હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ડ્રીમ11માં ચીનની ઇન્ટરનેટ કંપની ટેનસેન્ટે રોકાણ કર્યું હતું અને તે ગતવર્ષે ભારતની એક અબજ ડૉલરનું ગેમિંગ સ્ટાર્ટઅપ બન્યું હતું.

line

ગુજરાતમાં હજી વરસાદની આગાહી, ક્યાં સુધી અને ક્યાં પડશે વરસાદ?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજસ્થાન અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ ગુજરાતના ઘણા જિલ્લોમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે.

અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણી જગ્યાએ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો.

ભારતીય હવામાનવિભાગના આકલન મુજબ રાજ્યમાં લૉ પ્રેશર અને સાઇક્લૉનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાને લીધે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી 48 કલામાં અતિભારે વરસાદ વરસી શકે છે.

હવામાનવિભાગ મુજબ ગુજરાતના અમુક જિલ્લાઓમાં 18-19 ઑગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ યાદીમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે.

જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદની આગાહી છે.

line

પીએમ કૅર ફંડ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ફેંસલો

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, NARENDRA MODI/YOU TUBE

કોરોના મહામારીને સામે લડવા માટે ભારત વડા પ્રધાન ફંડ એનડીઆરએફને ટ્રાન્સફર કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ કરવામાં આવી હતી. દેશની સર્વોચ્ચ અદાલત આજે આ મામલે સુનાવણી કરશે.

'ધ હિંદુ'ના અહેવાલ અનુસાર વકીલ દુષ્યંત દવે અને વકીલ પ્રશાંત ભુષણ દ્વારા કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી જસ્ટિસ અશોક ભુષણની અધ્યક્ષતામાં ત્રણ જજની ખંડપીઠ દ્વારા હાથ ધરવામાં આવશે.

સરકારે અગાઉ તર્ક આપ્યો હતો કે પીએમ કૅર ફંડ એ 'જાહેર ચેરિટેબલ ટ્રસ્ટ' છે, જેમાં કોઈ પણ વ્યક્તિ પૈસા આપી શકે છે.

line

અયોધ્યા નિર્ણય મુદ્દે સ્વરા ભાસ્કર ફરી વિવાદમાં

સ્વરા ભાસ્કર

ઇમેજ સ્રોત, crispy bollywood

બોલીવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર વિરુદ્ધ અયોધ્યા મુદ્દે કોર્ટની અવહેલના કરવા બદલ પિટિશન કરવામાં આવી છે.

અરજીકર્તા મુજબ સ્વરા ભાસ્કરે 1 ફેબ્રુઆરી મુંબઈ ખાતે એક એનજીઓના કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે કહ્યું હતું, "આપણે હવે એ પરિસ્થિતિમાં પહોંચી ગયા છે કે જ્યાં આપણી કોર્ટ સંવિધાન પર વિશ્વાસ કરે છે કે નહીં તે સવાલ છે."

"આપણા દેશની સુપ્રીમ કોર્ટ એક તરફ એવો નિર્ણય આપે છે કે બાબરી મસ્જિદ વિધ્વંસ ગેરકાયદેસર છે અને બીજી તરફ એ જ નિર્ણયમાં એ જ લોકોને પ્રોત્સાહન આપે છે, જેમણે મસ્જિદ વિધ્વંસ કરી."

આ મુદ્દે કર્ણાટકનાં ઉષા શેટ્ટીએ પીઆઈએલ કરી છે, જે કોર્ટ પહેલાં ભારતના એટર્ની જનરલ વેણુગોપાલ સમક્ષ રજૂ કરવામાં આવી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો