આમિર ખાનની તુર્કીના રાષ્ટ્રપતિનાં પત્ની સાથે મુલાકાત લોકોને કેમ પસંદ ન પડી?

આમિર ખાન અને એમીન

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન,

આમિર ખાન અને એમીન

ફિલ્મ અભિનેતા આમિર ખાન તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆનનાં પત્નિ એમિન અર્દોઆન સાથે મુલાકાત બાદ ખૂબ ચર્ચામાં છે.

આમિર ખાન સાથે મુલાકાતની તસવીરો એમિને 15 ઑગસ્ટના રોજ ટ્વિટર પર શૅર કરી હતી. એમિને લખ્યું, "ઇસ્તંબુલમાં દુનિયાના જાણીતા અભિનેતા, ડાયરેક્ટર, ફિલ્મમેકર આમિર ખાન સાથે મુલાકાત થઈ. મને એ જાણીને ખુશી થઈ કે આમિર ખાને પોતાની નવી ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા'નું શુટિંગ તુર્કીના જુદાં-જુદાં વિસ્તારોમાં કરવાનું નક્કી કર્યું છે."

એમિન અર્દોઆન સાથે આમિર ખાનની આ મુલાકાત ભારતમાં કેટલાક લોકોને પસંદ આવી રહી નથી.

ભાજપ નેતા અને દિલ્હી હિંસા અગાઉ ભાષણના કારણે ચર્ચામાં આવનારા કપિલ મિશ્રા સહિત વરિષ્ઠ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી આ મુદ્દા પર વાત કરી રહ્યા છે.

આમિર ખાનનો તુર્કી પ્રવાસ, કોણ શું લખ્યું?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને કહ્યું, "તેમને ભારતમાં ડર લાગે છે."

સુબ્રમણ્યમ સ્વામીએ કટાક્ષમાં લખ્યું છે, "એટલે હું સાચો સાબિત થયો કે આમિર ખાન ત્રણેય ખાનમાંથી એક છે."

પત્રકાર અશોક શ્રીવાસ્તવે ટ્વીટ કર્યું, "ભારતના મિત્ર દેશ ઇઝરાયલના વડા પ્રધાનને મળવામાં આમિર ખાનને વાંધો હતો. પરંતુ ભારતના શત્રુ દેશ તુર્કીના રાષ્ટ્રપતિનાં પત્નીની મેજબાની સ્વીકાર કરવામાં તેમને કોઈ વાંધો ન પડ્યો."

અભિનવ ખરેએ લખ્યું, "તેમની ફિલ્મ રિલીઝના સમયે આ તસવીર યાદ રાખજો. આપણા પૈસા આપણી વિરુદ્ધ ન વપરાય તેનું ધ્યાન રાખજો."

કેટલાંક લોકો એવા પણ છે જેઓ આમિર ખાનના સમર્થનમાં પ્રતિક્રિયા આપી રહ્યા છે. જોકે, આવા લોકોની સંખ્યા ઓછી છે.

અશરફ હુસૈન લખે છે, "આમિર ખાનને ભક્તો ટ્રોલ કરી રહ્યાં છે. એટલે હવે સેલેબ્રિટીઝ આ લોકોનાં હિસાબે ચાલે? તેમને ઇઝરાયલ પસંદ છે, પણ તુર્કી નહીં... એટલે આમિર ખાન પણ પસંદ નથી."

જયમીન શ્રીમાલીએ લખ્યું, "લાગે છે કે આમિર ખાને સડક-2ના સૌથી વધારે નાપસંદ થનારા ટ્રેલરને પડકાર આપવાનો નિર્ણય લીધો છે."

તુર્કી સાથે નારાજગીનું કારણ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હઠાવી એ વાતનો તુર્કીએ વિરોધ કર્યો હતો.

એ વખતે તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું હતું, "અમારા કાશ્મીરી ભાઈઓ અને બહેનો દાયકાઓથી પીડિત છે. અમે ફરી એક વખત કાશ્મીર મામલે પાકિસ્તાનની સાથે છીએ."

"અમે આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં ઉઠાવ્યો હતો. કાશ્મીરનો મુદ્દે યુદ્ધથી સમાધાન ન મળી શકે."

"તેનું નિરાકરણ ન્યાય અને નિષ્પક્ષતાથી લાવી શકાય છે. આ પ્રકારનું સમાધાન જ આપણા બધા માટે યોગ્ય છે. તુર્કી ન્યાય, શાંતિ અને સંવાદને સમર્થન આપતું રહેશે."

તે સમયે ભારતે તુર્કીએ કાશ્મીર મુદ્દે લીધેલા વલણ પર વાંધો વ્યક્ત કર્યો હતો.

હાલ જ હાગિયા સોફિયા મ્યુઝિયમને ફરી મસ્જિદ બનાવવાના નિર્ણય પર તુર્કીએ દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

એમિન અર્દોઆન જેમની સાથે આમિર ખાને મુલાકાત કરી, તેઓ હંમેશાં હિજાબ પહેરે છે. તુર્કીમાં હિજાબ પ્રતિબંધિત હતો. હિજાબ સાથે છોકરીઓ યુનિવર્સિટી જઈ શકતી ન હતી. અર્દોઆનનાં પત્ની હિજાબના કારણે કોઈ સાર્વજનિક કાર્યક્રમોમાં ભાગ લેતાં નથી.

કેટલાક લોકો આમિર ખાનને આ વિચારો સાથે જોડીને પણ ટ્રોલ કરી રહ્યાં છે.

આમિર ખાનની ફિલ્મ અને જૂનાં નિવેદનો

ઇમેજ સ્રોત, YRF/BBC

આમિર ખાન ભારતમાં અસહિષ્ણુતા મામલે આપેલા પોતાના જૂનાં નિવેદનોના કારણે ઘણી વખત ટ્રોલ થયા છે.

પીકે ફિલ્મમાં હિંદુ ધર્મની મજાક ઉડાવવાનો પણ આમિર ખાન પર આરોપ લાગ્યો હતો.

આમિર ખાન હાલ 'લાલ સિંહ ચડ્ઢા' ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ ટૉમ હૈંક્સની ફિલ્મ 'ફૉરેસ્ટ ગંપ'ની રિમેક છે જે વર્ષ 1994માં આવી હતી.

તુર્કીમાં શું શુટિંગ થવાની શક્યતા છે?

ઇમેજ સ્રોત, AMAZON PRIME

ફિલ્મમાં એક સીન અને મહત્ત્વનો સંવાદ 'રન ફૉરેસ્ટ રન' છે. આ સીનમાં અભિનેત્રી ફૉરેસ્ટ ગંપના પાત્રને ભાગવાનું કહે છે.

આ ઇંગ્લિશ ફિલ્મની કહાણીમાં મુખ્ય કેરેક્ટર ફૉરેસ્ટ ગંપ લાંબા સમય સુધી ભાગે છે. તે પગપાળા ચાલતા ચાલતા ઘણી જગ્યાઓ પર ફરે છે. પછી એક દિવસ તેને લાગે છે કે હવે તેણે રોકાઈ જવું જોઈએ.

એ શક્ય છે કે આવા જ સીનને દર્શાવવા માટે આમિર ખાન પણ તુર્કી ગયા હોય. ફૉરેસ્ટ ગંપમાં ટૉમ હૈંક્સનું કૅરેક્ટર પણ ઘણા શહેરો, દેશોનો પ્રવાસ કરે છે.

ફિલ્મ પહેલા 2020માં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના બાદ આ ફિલ્મની રિલીઝની તારીખ આગળ વધી જશે તે નક્કી છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો