પંડિત જસરાજ : સાણંદ-સપ્તક કે સોમનાથ, રગ રગમાં ગુજરાત

  • તેજસ વૈદ્ય
  • બીબીસી સંવાદદાતા
જાન્યુઆરીમાં અમદાવાદમાં સપ્તકમાં પંડિત જસરાજનું સન્માન કરવામાં આવ્યું હતું એ પ્રસંગની તસવીર

ઇમેજ સ્રોત, Saptak

ઇમેજ કૅપ્શન,

જાન્યુઆરીમાં અમદાવાદમાં સપ્તકમાં પંડિત જસરાજનું સન્માન કરવામાં આવ્યું હતું એ પ્રસંગની તસવીર

ભારતીય શાસ્ત્રીય સંગીતનો વિશ્વનો સૌથી વિશાળ જલસો અમદાવાદમાં યોજાય છે. 13 રાતો સુધી ચાલતા સપ્તક સંગીત સમારોહ નામના આ જલસામાં આ વર્ષે જાન્યુઆરીમાં જ પંડિત જસરાજનું સન્માન કરવામાં આવ્યું હતું.

એ વખતે મંચ પર પંડિત જસરાજને સન્માનવા માટે ઈમદાદખાની ઘરાણાંના સિતારનવાઝ ઉસ્તાદ શુજાત ખાન, બનારસ ઘરાણાંના ગાયકો પંડિત રાજન-સાજન મિશ્ર, ધ્રુપદ ગાયક પંડિત ઉમાકાંત ગુંડેચા, બનારસ ઘરાણાંનાં તબલાવાદક પંડિત કુમાર બોઝ, સિતારવાદક તેમજ સપ્તકના ટ્રસ્ટી મંજુબહેન મહેતા જેવા કદરદાનો ઉપસ્થિત હતા.

એ કાર્યક્રમમાં નેવું વર્ષનાં પંડિત જસરાજે બે કલાક ગાયન કર્યું હતું.

જાન્યુઆરીએ તેમનું સન્માન થયું અને 17 ઑગષ્ટે સાંજે સમાચાર આવે છે કે પંડિત જસરાજ હવે દુનિયા છોડીને મોટા ગામતરે જતા રહ્યા છે.

પંડિત જસરાજ 'શ્રી રાધે શરણમ મમ…' ગાય કે પછી 'મેરો અલ્લાહ મહેરબાન…' ગાય, તેમની ગાયકીનું અધ્યાત્મ અંગ એટલું પ્રબળ હતું કે આગવી સૃષ્ટિ રચી દેતું હતું. શ્રોતા કાનથી એ સૃષ્ટિ અનુભવી શકતાં હતાં.

ગુજરાત સાથે પંડિત જસરાજનો જૂનો ઘરોબો હતો. બાપુસાહેબ તરીકે જાણીતા સાણંદના મહારાજા જયવંતસિંહ વાઘેલા સાથે પં. જસરાજને વર્ષો જૂનો સંગીતનો નાતો હતો. ઉપરાંત, અમદાવાદનાં સપ્તક સંગીત સમારોહ સાથે પણ ચાલીસ વર્ષ જૂનો નાતો હતો. અમદાવાદમાં સપ્તક સંગીત સમારોહ છેલ્લા 40 વર્ષથી ચાલે છે.

સપ્તકનાં ટ્રસ્ટી મંજુબહેન મહેતા પંડિતજી સાથેના સંભારણા વાગોળતાં બીબીસીને કહે છે કે "સપ્તક શરૂ થયું ત્યારથી જ પંડિત જસરાજજીને એ ઘર જેવું હતું. સપ્તક સમારોહમાં પં. જસરાજજી મોટે ભાગે દર વર્ષે પ્રસ્તુતિ આપતા હતા. સપ્તક સમારોહ પ્રત્યે તેમને એટલો લગાવ હતો કે તેઓ પ્રસ્તુતિ તો આપતાં જ પરંતુ ત્યાં અન્ય કલાકારોને સાંભળવા માટે પણ હમેશા ઉત્સુક રહેતા."

"મને કહેતા કે મંજુ ઈસબાર મેં ચાર દિન અહમદાબાદ મેં રહેને વાલા હું ઔર સપ્તક મેં કલાકારોં કો સુનને વાલા હું. આટલા ઊંચા ગજાના કલાકાર સપ્તકમાં માત્ર ગાયક તરીકે જ નહીં પણ એક શ્રોતા તરીકે પણ આવતા એ સપ્તકનું અહોભાગ્ય છે."

"બે વર્ષ પહેલાં નાદુરસ્ત તબિયતને લીધે તેઓ સપ્તકમાં આવી શક્યાં નહોતાં ત્યારે તેમણે વિશેષરૂપે વીડિયો સંદેશ મોકલ્યો હતો અને કહ્યું હતું કે સપ્તકમાં આવવાની દર વર્ષે ઇંતેજારી રહે છે. આ વખતે નથી આવી શકાયું તો એનો ખૂબ અફસોસ છે."

વાતો કરવાના શોખીન પંડિત જસરાજ

ઇમેજ સ્રોત, Saptak

ઇમેજ કૅપ્શન,

જાન્યુઆરીમાં અમદાવાદમાં સપ્તકમાં પંડિત જશરાજનું સન્માન કરવામાં આવ્યું હતું એ પ્રસંગની તસવીર

સપ્તકના મંચ પર એક વખત કાર્યક્રમની શરૂઆત શ્રોતાઓને એવું કહીને કરી હતી કે બોલો, તમે કહો હું શું ગાઉં? જસરાજજીને ગુજરાતી બોલતાં સાંભળીને શ્રોતાઓએ તાળીઓથી તેમને વધાવી લીધા હતા. અમદાવાદમાં સપ્તક સમારોહનાં સ્થાપક પંડિત નંદન મહેતા સાથે પંડિત જસરાજને પચાસ વર્ષ જૂનો નાતો હતો.

નંદન મહેતાનાં પત્ની મંજુબહેન જણાવે છે કે "પંડિત જસરાજનું માર્ગદર્શન અને પ્રેમ તો સપ્તકને વર્ષોથી મળતાં જ આવ્યા છે, પણ નંદનજીના નિધન બાદ તેઓ વડીલની જેમ અમને અને સપ્તકના કાર્યક્રમને માર્ગદર્શન અને આશીર્વાદ આપતા રહ્યા છે. પંડિતજી વાતો કરવાના પણ ખૂબ શોખીન હતા. તેમની સાથે મહિને-દોઢ મહિને વાતો થતી રહેતી હતી."

"ક્યારેક હું ફોન કરવાનું ભૂલી ગઈ હોઉં તો સામેથી ફોન કરતાં. હું તેમને કહેતી કે મૈને ઈસ લીયે ફોન નહીં કિયા કી આપ બહોત વ્યસ્ત હોતે હૈ તો ક્યું તકલીફ દેં, તો તેમનો જવાબ રહેતો કો નહીં…નહીં…મુજે ફોન કર લિયા કરો."

"સપ્તક સમારોહ સિવાય પણ તેઓ અમારા ઘરે નિયમિત આવતાં-જતાં રહેતા હતા. ઘરે આવે ત્યારે કૉફી માગે. અલકમલકની વાતો કરે. પછી મૂડ જામે એટલે કંઈક સંભળાવે. તેમનો પારિવારિક પ્રેમ એટલો હતો કે અમદાવાદમાં કાર્યક્રમ હોય ત્યારે કહેતા કે હમારે સાથે તુમ્હારી લડકી હેતલ તબલા બજાયેગી."

અમદાવાદનાં મહિલા તબલાંવાદક અને મંજુબહેનનાં પુત્રી હેતલ મહેતા બીબીસીને જણાવે છે કે "હું ઘણાં વર્ષોથી તેમની સાથે તબલા સંગત કરતી હતી. 1999થી ગુજરાતમાં ઘણાં કાર્યક્રમોમાં તેઓ મને તબલા સંગત કરવા સાથે લઈ ગયા. તેમણે 1999માં અમેરિકામાં સંગીતના એક સાથે ઘણાં કાર્યક્રમ આપ્યા હતા. જેમાં તેઓ તબલા સંગત માટે મને સાથે લઈ ગયા હતા."

"આટલા ઊંચા ગજાના કલાકાર સાથે સંગત કરવાની તક મળે એ કોઈ પણ કલાકાર માટે સદ્ભાગ્ય હોય અને ઘણું શીખવા મળે. મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. કોઈ પણ તબલાવાદક સોલો એટલે કે એકલપંડે પરફૉર્મન્સ આપતા હોય અને ગાયક સાથે તેઓ તબલાં વગાડતાં હોય તો તેમણે બંનેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે એની સમજ તેમણે મને આપી હતી."

"વિલંબિતનો ઠેકો કઈ રીતનો હોય, મધ્યલયનો ઠેકો કઈ રીતનો હોય એના વિશે તેઓ માર્ગદર્શન આપતા હતા. ઉપશાસ્ત્રીય સંગીતમાં તબલાંનો ઠેકો કઈ રીતનો હોય તેની પણ તેમણે સમજ આપી હતી. એક વખત તેઓ ઍન્ટાર્કટિકા જવાનું હોવાતી તેઓ સપ્તક સમારોહમાં આવી શક્યાં નહોતાં. સપ્તક પ્રત્યેના લગાવને લીધે તેમના માટે ફેબ્રુઆરીમાં અમે વિશેષ કાર્યક્રમ અમદાવાદમાં યોજ્યો હતો. અમારા માર્ગદર્શક, ગુરૂ, શુભેચ્છક ગુમાવ્યા હોય એવી લાગણી અમને થઈ રહી છે."

સાણંદના બાપુસાહેબનું મોટું યોગદાન

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન,

1988માં પંડત જસરાજ અમદાવાદમાં

સાણંદના બાપુસાહેબ સાથે પં. જસરાજ તેમજ તેમના ભાઈ પં. મણિરામજી અને પરિવારનો નાતો અનેરો હતો. મંજુબહેન જણાવે છે કે "સાણંદ દરબારગઢમાં દર અષ્ટમી-નવમીએ સંગીતનો કાર્યક્રમ થતો હતો. જે આખી આખી રાત ચાલતો હતો. જેમાં હિંદુસ્તાનનાં દિગ્ગજ કલાકારો રજૂઆત કરતા હતા. જેમાં જસરાજજી નિયમિત ત્યાં આવતા હતા.

"પં. જસરાજજી ગુજરાત આવતા ત્યારે સાણંદ જવાનો તેમનો નિયમ હતો. સંગીતમાં પંડિતજીએ જે મુકામ હાંસલ કર્યો છે એનો યશ તેઓ સાણંદના બાપુસાહેબને મોકળા મને આપતા હતા. સાણંદના રાજવી પરિવાર પ્રત્યે તેમને ખૂબ ભાવ હતો. સાણંદ સાથેનો તેમનો વર્ષો જૂનો નાતો હોવાને લીધે તેઓ ગુજરાતી પણ બોલતાં થઈ ગયા હતા."

થોડાં વર્ષ અગાઉ સપ્તકના મંચ પર પં. જસરાજજીની ગાયકીને સાંભળીને એ વખતે બનારસ ઘરાણાંના તબલાનવાઝ પંડિત કિશન મહારાજ એટલા ખુશ થઈ ગયા હતા કે જેવો જસરાજજીનો કાર્યક્રમ પૂરો થયો કે તરત તેઓ મંચ પર આવી ગયા હતા. મંચ પરથી જ તેમણે જસરાજજીની ગાયકીની ખૂબ પ્રસંશા કરી હતી. એ વખતે જસરાજજી મંચ પર એટલા ભાવુક થઈ ગયા હતા કે કિશન મહારાજનાં શબ્દો સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.

અમદાવાદનાં જ શાસ્ત્રીય ગાયક સ્વ. પંડિત કૃષ્ણકાંત પરીખ તેમજ નિરજ પરીખ, વિકાસ પરીખ વગેરેએ પંડિત જસરાજજી પાસે જ સંગીતની તાલીમ મેળવી છે.

સોમનાથ મંદિરમાં પંડિત જસરાજે સંગીત રજૂ કર્યું

ઇમેજ સ્રોત, Bhaskar vaidya

ઇમેજ કૅપ્શન,

પંડિત જસરાજ 2001માં સોમનાથમાં

પંડિત જસરાજે ગુજરાતમાં મંદિરોમાં પણ શાસ્ત્રીય રાગો છેડ્યાં. તેમણે સોમનાથ મંદિરમાં પણ ગાયકી પ્રસ્તુત કરી હતી. પંદરેક વર્ષ અગાઉ તેઓ સોમનાથ દર્શન કરવા ગયા હતા ત્યારે મંદિરનાં નૃત્યમંડપમાં ગાયન કર્યું હતું.

પંડિત જસરાજ સોમનાથમાં છે એ વાત ગામમાં વાયુવેગે પ્રસરી હતી અને તરત ગામ લોકો મંદિરના નૃત્યમંડપમાં જશરાજજીને સાંભળવા એકઠા થઈ ગયા હતા.

એક તરફ દર્શનાર્થીઓ દર્શન કરતાં હતા અને બીજી તરફ પંડિત જસરાજજી શાસ્ત્રીય રાગદારીઓ રજૂ કરતા હતા. સોમનાથના સ્થાનિક લોકોએ પં. જસરાજને જણાવ્યું કે ગામમાં ઊભી બજારે ભગવાન કૃષ્ણનું ઠાકોર મંદિર છે ત્યાં પણ પધારો.

જસરાજજી સાંજે ઠાકોર મંદિર ગયા હતા અને ત્યાં પણ કૃષ્ણભક્તિની રચના રજૂ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો