શ્રેય હૉસ્પિટલ જેવી આગ ગુજરાતની ઘણી હૉસ્પિટલોમાં લાગી શકે છે, બચાવના ઉપાયો શું?

  • તેજસ વૈદ્ય
  • બીબીસી સંવાદદાતા
અમદાવાદ શ્રેય હૉસ્પિટલ

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/Getty

અમદાવાદમાં છ ઑગસ્ટે નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં આગ લાગી હતી જેમાં કોરોનાના આઠ દરદીઓનાં મૃત્યુ થયાં હતાં.

આ ઘટના બાદ કોરોના હૉસ્પિટલોમાં તપાસની કામગીરી શરૂ થઈ હતી. એમાં પણ ખાસ કરીને ઇલેક્ટ્રિક સંસાધનોમાં કોઈ ખામી છે કે નહીં તેની તપાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ટાઇમ્સ ઑફ ઈન્ડિયા અખબારમાં 12 ઑગસ્ટે પ્રકાશિત એક રિપોર્ટમાં જણાવાયું છે કે રાજ્યના ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર દ્વારા રાજ્યની 364 કોરોના હૉસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખુલાસો થયો કે 76 ટકા કોરોના હૉસ્પિટલો એવી છે જ્યાં શૉક-સર્કિટને લીધે આગ લાગી શકે છે.

ચેકિંગ દરમિયાન સામે આવ્યું છે કે આ હૉસ્પિટલોમાં ખામીયુક્ત વાયરિંગથી લઈને વીજળીના ઓવરલોડ સુધીની સમસ્યા છે, જેને લીધે શૉર્ટ-સર્કિટની સમસ્યા ઊભી થઈ શકે છે.

જે 364 કોવિડ હૉસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરાયું હતું એમાં સરકારી અને ખાનગી એમ બંને પ્રકારની હૉસ્પિટલ સામેલ હતી.

આ યાદીમાં 230 હૉસ્પિટલમાં ખામીયુક્ત વાયરિંગ અને અન્ય સમસ્યા હતી જ્યારે 50 હૉસ્પિટલમાં ઇલેક્ટ્રિક ઓવરલોડિંગની સમસ્યા જોવા મળી હતી.

ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરે આ તમામ હૉસ્પિટલને તાકીદ કરી છે કે જલદી આ સમસ્યાઓનો ઉકેલ આવે જેથી ફરી આગની કોઈ ઘટનાઓ હૉસ્પિટલોમાં ન બને.

અખબારના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર રાજ્યના ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર એચ એચ ખોજાએ કહ્યું, "અમારી સ્થાનિક ટીમે આ હૉસ્પિટલોને નોટિસ આપી દીધી છે. અમે ફરીથી આ હૉસ્પિટલોમાં જઈને તપાસ કરીશું કે તેમણે પગલાં લીધાં છે કે નહીં. કોવિડ હૉસ્પિટલ પછી અમે અન્ય હૉસ્પિટલોમાં પણ આ પ્રકારનું ચેકિંગ હાથ ધરવાના છીએ."

આગનું કારણ શું?

આ સંદર્ભે બીબીસીએ અમદાવાદના ઍડિશનલ ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટ સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું, "અમદાવાદ સહિત ગુજરાતમાં જેટલી પણ આગની ઘટનાઓ બને છે તેમાંની 80 ટકા આગ ઇલેક્ટ્રિક શૉર્ટ-સર્કિટથી જ લાગે છે."

રાજેશ ભટ્ટ આગળ ઉમેરે છે, "આપણે બોલચાલની ભાષામાં બોલતા હોઈએ છીએ કે ઇલેક્ટ્રિક શૉર્ટ-સર્કિટથી આગ લાગી, ત્યારે એ સમજવું સૌથી જરૂરી છે કે ઇલેક્ટ્રિક શૉર્ટ-સર્કિટથી કેવી રીતે આગ લાગે? ઇલેક્ટ્રિક શૉર્ટ-સર્કિટ એટલે શું?"

"આ માટે કેટલીક પાયાની બાબતો સમજવી જરૂરી છે. જેમકે, લીકેજ ઑફ કરન્ટ, ફૉલ્ટી એટલે કે ખામીયુક્ત કનેક્શન, ઇલેક્ટ્રિક ઓવરલોડિંગ, લૂઝ કનૅક્શન આ બધાં કારણોસર ઇલેક્ટ્રિ શૉર્ટ-સર્કિટ થઈ શકે છે અને એ આગમાં પરિવર્તિત થાય છે."

"આવું ન થાય એ માટે જરૂરી છે કે ગુણવત્તા આધારિત ઇલેક્ટ્રિક ઉપકરણ વાપરવાં જોઈએ. બીજું કે ક્વૉલિટેટિવ સર્વિસ બ્રેકર બેસાડવા જોઈએ. આ સાથે જ અગ્નિ અવરોધક વાયર જ વાપરવો જોઈએ."

વીજભાર ભાર ક્યારે વધારવો જોઈએ?

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/Getty

રાજેશ ભટ્ટનું કહેવું છે કે "ઉપકરણની સાથે વીજભાર એટલે કે ઇલેક્ટ્રિક લોડ વધારવો જોઈએ."

"હૉસ્પિટલ હોય કે ઘર એમાં જેટલાં વીજળી ઉપકરણો હોય એ મુજબ એનો વીજભાર નક્કી થયેલો હોય છે."

હૉસ્પિટલ કે ઘર કે ઉદ્યોગોમાં જ્યારે ઇલેક્ટ્રિક ઉપકરણો વધે ત્યારે એનો વીજભાર પણ વધારવો પડે છે. નહીંતર શૉર્ટ-સર્કિટને લીધે આગ લાગી શકે છે.

રાજેશ ભટ્ટ દાખલો આપીને સમજાવે છે કે 'ઘરમાં પહેલાં બે પંખા હતા પછી એક એસી આવ્યું પછી બે એસી ઉમેરાયાં. તો એ મુજબ વીજભાર પણ વધારવો જરૂરી છે.'

તેઓ કહે છે , "ઘરમાં બે પંખા હતા ત્યારે ત્રણ કિલો વૉટનો વીજભાર હોય અને પછી વધુ પંખા અને એસી ઉમેરાય ત્યારે પણ એટલો જ વીજભાર હોય તો સિસ્ટમ લોડ ખેંચે છે. પરિણામે શૉર્ટ-સર્કિટ થાય છે."

ઘર હોય કે હૉસ્પિટલ કે પછી ઉદ્યોગ, દરેક એકમનાં વીજઉપકરણની જરૂરિયાત મુજબ તેમની વહનક્ષમતા માટે વીજભાર ફાળવવામાં આવે છે. ઉપકરણો વધે તેમ વીજભાર પણ કિલોવૉટ અનુસાર વધારવો પડે છે."

વીજભાર કેવી રીતે વધારી શકાય?

આ અંગે વાત કરતાં રાજેશ ભટ્ટ કહે છે, "વીજ પુરવઠો પૂરો પાડતી કંપનીને જાણ કરીને એ વીજભાર ઇલેક્ટ્રિક મીટરમાં વધારી શકાય છે. "

"તમે ટૉરેન્ટ પાવર પાસેથી વીજળી લેતા હોય કે પીજીવીસીએલ(પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) કે યુજીવીસીએલ(ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ) કોઈ પણ પાસેથી વીજળી મેળવતા હો ત્યારે એમને જાણ કરીને વધારાનો વીજભાર મેળવી શકાય છે."

જેમ ખર્ચનું વાર્ષિક ઑડિટ થાય છે એમ વર્ષે એકવાર ઇલેક્ટ્રિક ઑડિટ પણ કરવું જોઈએ.

જેમ આપણે દર વર્ષે ઘરખર્ચ કે નાણાંનું સરવૈયું એટલે કે ઑડિટ કરીએ છીએ એમ ઇલેક્ટ્રિક ઑડિટ કરાવવું જોઈએ.

રાજેશ ભટ્ટ વધુમાં કહે છે, "ઇલેક્ટ્રિક ઑડિટ માટે સર્ટિફાઇડ ઑડિટર હોય છે જે આ કામ કરે છે. જેમાં ઇલેક્ટ્રિક કન્સલ્ટન્ટ કે કૉન્ટ્રેક્ટર હૉસ્પિટલ, ઘર કે ઉદ્યોગ એવાં કોઈ પણ એકમનાં સમગ્ર વીજળી ઉપકરણો વાયરિંગ વગેરેનું નિરીક્ષણ કરીને માર્ગદર્શન આપે છે અને ઉપકરણો વધ્યાં હોય તો વીજભાર વધારી આપે છે."

"વાયરની સાઇઝ વધારવી વગેરે જરૂરી કામ તેઓ કરી આપે છે. વીજભાર વધાર્યા પછી જો વાયર જૂનો જ રાખો તો એની વહનક્ષમતા ન હોય તો પણ આગ લાગી શકે છે. "

"વીજ વાયરોના જોઇન્ટ્સ ચકાસી લેવા જોઈએ. કારણ કે વર્ષભર વપરાયા પછી એ ઢીલા થઈ ગયા હોય છે. તેથી એ તમામ બાબતોનું વર્ષે એક વખત ઑડિટ કરાવવું જરૂરી છે."

સ્પાર્ક અટકાવવા શું કરવું?

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/Getty

અગ્નિશમન દળ વિભાગ જ્યારે હૉસ્પિટલ કે અન્ય એકમોને ફાયર સેફ્ટી એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટીફિકેટ) આપે છે ત્યારે ત્યાં ઇલેક્ટ્રિક લોડ ચકાસે છે?

આ સવાલના જવાબમાં રાજેશ ભટ્ટ કહે છે, "ના. એ અમારા હસ્તક ન આવે. અમે તેમને જણાવીએ કે તમારા એકમમાં ઇલેક્ટ્રિક વાયર અસ્તવ્યસ્ત છે એ સરખા કરો. એ લટકવા ન દો. જો ટેપ જોઇન્ટ કનૅક્શન હોય તો એવું ના કરવાની સલાહ આપીએ છીએ અને કનૅક્ટર જોઈન્ટ રાખવા ધ્યાન દોરીએ છીએ."

"જે ટેપ એટલે કે પટ્ટી મારીને વાયરને સાંધો આપવામાં આવે છે, એ સાંધો ન હોવો જોઈએ. બે ઉપકરણ જોડવાં જ હોય તો કનૅક્ટરથી જોડવા જોઈએ. કનૅક્ટર છેડાને લૂઝ કરીને ત્યાં સ્પાર્ક એટલે કે તણખાં ન થાય એ માટે હોય છે."

"જો તમારી લાઇટ કે વાયર કે કોઈ પણ ઉપકરણ પાસે કાર્બનનાં કાળાં ધબ્બા થઈ ગયા હોય તો સમજી જવાનું કે રિપૅર કરાવવાનો સમય થઈ ગયો છે. સ્પાર્કને લીધે એ ધબ્બા થતા હોય છે."

દરેક જગ્યાએ એક જ કારણ

શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગ સંદર્ભે ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે છ ઑગસ્ટે કહ્યું હતું, "પ્રાથમિક માહિતી અનુસાર શ્રેય હૉસ્પિટલમાં જે આગ લાગી તે શૉક-સર્કિટને કારણે લાગી હતી."

મોટી ઇમારતોમાં શૉક-સર્કિટને કારણે આગ લાગી હોય એવા ઘણા બનાવ અમદાવાદમાં બન્યા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો બીજી જાન્યુઆરીનો એક અહેવાલ છે જેમાં જણાવાયું હતું કે અલ્હાબાદમાં વર્ષ 2019માં જેટલા પણ આગના બનાવ બન્યા હતા જેમાંથી 67 ટકા બનાવ શૉક-સર્કિટને કારણે થયા હતા.

હિન્દુસ્તાન ટાઇમ્સમાં એક નવેમ્બર 2017ના પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ મુંબઈમાં છેલ્લાં ત્રણ વર્ષમાં લાગેલી 80 ટકા આગ શૉર્ટ-સર્કિટને કારણે લાગી છે.

અમદાવાદમાં શ્રેય હૉસ્પિટલમાં શૉર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ આવા બનાવ અમદાવાદમાં સામે આવ્યા છે એ જોઈએ તો 24 જૂને અમદાવાદ જિલ્લાનાં સાણંદમાં આવેલી જીઆઈડીસી (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવેલપમેન્ટ કૉર્પોરેશન) વિસ્તારમાં કારખાનામાં આગ લાગી હતી. 25 ફાયર ટેન્ડર્સ ત્યાં મોકલવામાં આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો