કૉંગ્રેસને 'ગાંધી પરિવારના નેતૃત્વ'માંથી આઝાદ કરાવવી શક્ય છે?
- સરોજ સિંહ
- બીબીસી સંવાદદાતા

ઇમેજ સ્રોત, Getty Images
ગુલામ નબી આઝાદ અને સોનિયા ગાંધી
વાત 2014ની લોકસભા ચૂંટણી પછીની છે. કૉંગ્રેસની હાર થઈ હતી અને હારના વિશ્લેષણ માટે ટીવી પર ડિબેટ શો ચાલી રહ્યો હતો. સ્વાભાવિકપણે કૉંગ્રેસ હારના કારણે હતાશ હતી, પરંતુ ટીવી સ્ક્રીન પર તે તેને વ્યક્ત કેવી રીતે કરે. ટીવી ડિબેટ દરમિયાન કૉંગ્રેસના એક નેતાએ કહ્યું, “દેશમાં કૉંગ્રેસ પાર્ટી એક 'ડિફૉલ્ટ ઑપ્શન'ની જેમ છે."
ભલે તે એ સમયે કૉંગ્રેસના નેતાએ આ વાત પોતાની પાર્ટી માટે કહી હતી.
પરંતુ જે નેતૃત્વના સંકટમાંથી આ સમયે કૉંગ્રેસ પાર્ટી પસાર થઈ રહી છે, તેને ધ્યાને રાખીએ તો એ કહેવું ખોટું નથી કે ગાંધી પરિવાર પણ પાર્ટીમાં ‘ડિફૉલ્ટ ઑપ્શન’ બની ગયો છે.
જ્યારે-ક્યારે પણ ક્યાંયથી પણ કોઈ મળતું નથી, તો પાર્ટીની કમાન જાતેને જાતે જ તેમના હાથમાં આવી જાય છે. પરંતુ આ વખતે પાર્ટીની અંદર આ ડિફૉલ્ટ સેટિંગને બદલવાનો એક પ્રયત્ન થયો છે.
પ્રયત્ન કેટલો કામયાબ થશે, એના માટે છ મહિના સુધી રાહ જોવી પડશે, પરંતુ એટલુ જરૂર છે કે જો આ પ્રયત્નો સફળ થાય તો પાર્ટીનું સ્વરૂપ બદલાઈ જશે અને નિષ્ફળ થયું તો પછી પાર્ટીમાં ફરીથી આવી હિંમત ક્યારે આવશે, કેટલો સમય લાગશે એ કહેવું મુશ્કેલ બની જશે.
રવિવાર અને સોમવારે, એમ બે દિવસ સુધી કૉંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકની ચર્ચા અખબારથી લઈને મીડિયા, ચેનલ અને વિપક્ષી પાર્ટીઓની વચ્ચે છવાયેલી રહી હતી.
મંગળવારે સીડબ્લ્યૂસીની બેઠકની ચર્ચાની જગ્યાએ એક બીજી બેઠકની ચર્ચા થઈ રહી છે. જે બેઠક કૉંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક પછી કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદના ઘરે થઈ હતી.
કહેવાય છે કે કૉંગ્રેસમાં નેતૃત્વ પર સવાલ ઉઠાવતી જે ચિઠ્ઠી લખવામાં આવી હતી, તેમાં સહી કરનારા લોકોની આ બેઠક હતી.
એક બેઠક પછી બીજી બેઠક થાય, તો પહેલી બેઠકનો ઉલ્લેખ તો થાય જ, ચર્ચા પણ થાય અન આ બેઠકમાં પણ થઈ હશે.
એવામાં સવાલ ઊભો થાય કે ચિઠ્ઠી પણ લખી નાખી, પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠક પણ બોલાવી લીધી, કૉંગ્રેસના વચગાળાનાં અધ્યક્ષની પસંદગી કરવામાં આવી, હવે આગળ શું?
શું છ મહિનામાં દૂધના ઊભરાની જેમ બધી બાબતો શાંત થઈ જશે કે પછી ધીમા તાપે તેને વધારે ઉકાળવાની શક્યતા હજી છે?
'ચિઠ્ઠીમાં લખાયેલી વાત પર અમલ થાય'
ઇમેજ સ્રોત, The INDIA TODAY GROUP
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી
કૉંગ્રેસ નેતા કપિલ સિબ્બલના આજના ટ્વીટ સાથે જોડીને આના જવાબને થોડો વધારે સમજી શકાય છે.
કપિલ સિબ્બલે ટ્વીટમાં લખ્યું છે – આ એક પોસ્ટની નહીં પણ દેશની વાત છે, જેનું મારા માટે વધારે મહત્ત્વ છે.
કપિલ સિબ્બલનું નામ એ 23 નેતાઓના લિસ્ટમાં લેવાય છે, જેમણે સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે અને કથિત રીતે પાર્ટીમાં ‘અસંતુષ્ટ’ છે.
સોમવારે કૉંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક દરમિયાન ભાજપ સાથે સાંઠ-ગાંઠના આરોપ પર તેમણે એક ટ્વીટ કર્યું, જેને તેમણે રાહુલ ગાંધીના એક ફોન કૉલ પછી ડિલીટ(કપિલ સિબ્બલ અનુસાર) કરી દીધું.
મંગળવારે કરેલા ટ્વીટમાં કપિલ સિબ્બલે જે વાત લખી છે, તેના બે અર્થ થઈ શકે છે. તે એ ડિલીટ કરેલા ટ્વીટ માટે પણ હોઈ શકે છે, અથવા પાર્ટીના અધ્યક્ષપદ અથવા બીજા પદ માટે પણ હોઈ શકે છે.
તો શું કૉંગ્રેસના ‘અસંતુષ્ટ’ નેતા, કૉંગ્રેસ અધ્યક્ષપદ માટે ચૂંટણી લડવાની તૈયારીમાં છે?
‘યે કહાં આ ગએ હમ, યૂં હી સાથ સાથ ચલતે’ – પાર્ટીને નજીકથી જાણતા અને કવર કરનારા વરિષ્ઠ પત્રકાર વિનોદ શર્મા પાર્ટીના અસંતુષ્ટ નેતાઓની સ્થિતિ બૉલીવુડના આ ગીતના અંદાજમાં વ્યક્ત કરે છે.
તેઓ કહે છે કે સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખનારા તમામ નેતા પાર્ટીની સાથે છે, પરંતુ કેટલાક ફેરફાર ઇચ્છે છે.
વિનોદ શર્માના કહેવા પ્રમાણે કેટલાક નેતાઓને એ વાતથી આપત્તિ છે કે આમ તો રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ નથી, પરંતુ વાસ્તવિક રીતે અધ્યક્ષ જ બનેલા છે. તેમની 100માંથી 70 વાત આજે પણ માની લેવામાં આવે છે. દરેક મુદ્દા પર વીડિયો બનાવી રહ્યા છે.
તેઓ કહે છે કે આજે પાર્ટીમાં રાહુલની ભૂમિકા શું હોય, તે વાત અધ્ધર અટકી છે, તેઓ ન તો અધ્યક્ષ બની રહ્યા છે અને ના તો બીજાને બનવા દઈ રહ્યા છે. આ વાત વધારે દિવસ સુધી ચાલી શકે એમ નથી. એટલા માટે પાર્ટી અધ્યક્ષપદ માટે ચૂંટણી થવી જોઈએ.
શર્માનું માનવું છે કે જો રાહુલ ગાંધી આજે પણ પાર્ટીના અધ્યક્ષપદ માટે પોતાનું મન બનાવી લે તો કોઈ મુશ્કેલી વિના બીજી વખત અધ્યક્ષ બની શકે છે. સોમવારે જે કાંઈ પણ થયું તેનાથી સોનિયા ગાંધીને થોડો સમય મળી ગયો છે, જેથી પાર્ટીમા ફેલાયેલું રાયતું સાફ કરી શકાય.
પાર્ટી માટે આગળની સફર શું હોઈ શકે?
આ અંગે વિનોદ શર્મા કહે છે કે રસ્તો એ જ છે, જે ચિઠ્ઠીમાં સૂચનો આપવામાં આવ્યા છે. પાર્ટી માટે એક ફૂલ ટાઇમ અધ્યક્ષ, કૉંગ્રેસ કાર્યકારી સમિતિ અને સંસદીય બૉર્ડનું ફરીથી ગઠન આ એ જ કામો છે, જે પાર્ટીની પ્રાથમિકતામાં હોવાં જોઈએ. આમાં કાબેલિયત અને અનુભવ બંનેનું યોગ્ય મિશ્રણ હોવું જરૂરી છે.
કૉંગ્રેસ પાર્ટીના બંધારણ પ્રમાણે દરેક નવા અધ્યક્ષની ચૂંટણી માટે સીડબ્લ્યૂસીની બેઠક મળવી જોઈએ. પરંતુ છેલ્લા એક વર્ષથી સોનિયા ગાંધી જ પાર્ટીના વચગાળાનાં અધ્યક્ષ છે, આ જ કારણે તે થયું નથી.
કૉંગ્રેસ કાર્યકારી સમિતિમાં કેટલાક લોકો ચૂંટણીથી આવે છે, કેટલાકને નૉમિનેટ કરાય છે અને કેટલાકને સ્પેશિયલ આમંત્રણ અપાય છે.
2017માં રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા. તે સમયે તેમની ચૂંટણી નિર્વિરોધ થઈ હતી. 2019માં લોકસભાની ચૂંટણી પછી પાર્ટીની હારની જવાબદારી સ્વીકારીને તેમણે રાજીનામુ આપી દીધું.
આ પછી કૉંગ્રેસમાં અધ્યક્ષપદ માટે ચૂંટણી નથી થઈ. 1998થી 2017 સુધી સોનિયા ગાંધી પાર્ટીના અધ્યક્ષ રહ્યાં હતાં.
અધ્યક્ષ માટે ચૂંટણી અને ગાંધી વિનાના અધ્યક્ષ
ઇમેજ સ્રોત, PTI
પ્રતીકાત્મક તસવીર
એવામાં અટકળો લગાવાઈ રહી છે કે શું અસંતુષ્ટ નેતાઓમાંથી કોઈ નેતા પાર્ટીના અધ્યક્ષપદની ચૂંટણી લડી શકે છે.
શું ગુલામ નબી આઝાદ આવનારા સમયમાં પાર્ટીમાં ગાંધી પરિવાર સિવાયના અધ્યક્ષનો ચહેરો હોઈ શકે?
વિનોદ શર્મા આ શક્યતાને નકારે છે. તેમના કહેવા પ્રમાણે ગુલામ નબીએ આ મંશાથી કોઈ કામ નહીં કર્યું હોય.
જોકે કૉંગ્રેસ પર પુસ્તક લખનાર વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈ આ સંભાવનાનો ઇનકાર કરતા નથી.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ફરીથી અધ્યક્ષ બનવા માટે તૈયાર થઈ જાય તો વાત બીજી હશે. પરંતુ જો ગાંધી પરિવાર જ કૉંગ્રેસમાં પોતાના કોઈ જૂના વફાદારને અધ્યક્ષપદ માટે ચૂંટણીમાં ઉતારે, તો ઘણા અંશે સંભવ છે કે પાર્ટીના અસંતુષ્ટ નેતાઓમાંથી કોઈ આ ઉમેદવારને ટક્કર આપવા માટે સામે આવે.
તેઓ કહે છે કે એવામાં તે ચહેરો ગુલામ નબી આઝાદ હોઈ શકે છે, આને નકારી શકાય તેમ નથી.
તેઓ યૂથ કૉંગ્રેસમાં રહ્યા છે, જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી પણ રહ્યા છે, અનેક વખત કેન્દ્રમાં મંત્રી રહ્યા છે, હાલ રાજ્યસભામાં પાર્ટીનો ચહેરો છે. અનુભવ અને કાબેલિયત બંને રીતે તેમનું કદ પાર્ટીના અધ્યક્ષ તરીકે નબળું નથી. એવું રશીદ માને છે.
વિનોદ શર્મા કહે છે કે પાર્ટીને હાલમાં એક ચૂંટણીવાળી સર્જરીની જરૂર છે, પરંતુ એ માટે પરિસ્થિતિઓ અનુકુળ હોય એ પણ જરૂરી છે.
તેઓ કહે છે, "જેમ કોઈ વ્યક્તિની સર્જરી પહેલાં તપાસ કરાય છે કે તેને બ્લડપ્રેશર, કિડની કે લિવરની કોઈ સમસ્યા તો નથીને. જો એવી કોઈ તકલીફ સર્જરી સમયે હોય તો ડૉક્ટર દવા આપીને થોડા દિવસ બીમારીને ઠીક કરવાનો પ્રયત્ન કરે છે."
"એમ જ પાર્ટીમાં અધ્યક્ષપદ માટે ચૂંટણી કરાવવા હાલ વાતાવરણ અનુકૂળ નથી. 6 મહિનાના સમયમાં તે દવા પાર્ટીને આપી શકાય અને પછી ચૂંટણી કરાવી શકાય છે. જો તરત જ ચૂંટણી કરવામાં આવશે તો લડાઈ વધવાનો ભય છે."
વિનોદ શર્મા કહે છે, “અધ્યક્ષપદની ચૂંટણી પહેલાં ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીનું સત્ર બોલાવવું એ એક વિકલ્પ હોઈ શકે છે, જ્યાં તમામને ખૂલીને બોલવાની પરવાનગી હોવી જોઈએ.”
સોમવારની મીટિંગનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે કે એક કામ ત્યાં ઘણું સારું થયું. કપિલ સિબ્બલે જેવું ટ્વીટ કર્યું, રાહુલે ફોન કરીને એવું કહ્યું કે તેમણે આવું કહ્યું નથી અને સિબ્બલે ટ્વીટ ડિલીટ કરી દીધું. આ રાહુલ ગાંધીની સારી વાત હતી. જે તેમણે આગળ પણ ચાલુ રાખવું જોઈએ. તેમણે બીજા નેતાઓની વાત સાંભળવી જોઈએ.
વિનોદ શર્મા કહે છે કે આજની તારીખમાં રાહુલ ગાંધીને બીજા કોઈ નેતાથી કોઈ ભય નથી કે તેઓ બીજા અધ્યક્ષ બનાવી દે. જોકે આનાથી તેમની સાખ પણ વધશે. રાહુલની ઇમેજ સુધરશે, પરિવારની ઇમેજ પણ સુધરશે અને પાર્ટીની ઇમેજ પણ વધારે સારી થશે.
પાર્ટીની અંદરનો એક અલગ ધડો
ઇમેજ સ્રોત, Getty Images
રશીદ એક ત્રીજા વિકલ્પની વાત પણ કરી રહ્યા છે.
રશીદ પ્રમાણે સોમવારની બેઠકમાં સુલેહ-સ્પષ્ટતા નથી થઈ. ફરીથી બેઠક કરવાનો અર્થ એ છે કે અસંતુષ્ટ નેતાઓ પાસે હાલ પણ અનેક તીર છે. કાલે જે થયું તે પહેલો રાઉન્ડ હતો. લડાઈ લાંબી ચાલી શકે છે.
આ સમયે રશીદ વીપી સિંહને યાદ કરે છે.
તેઓ કહે છે કે જ્યારે વીપી સિંહને સંરક્ષણમંત્રીના પદ પરથી હઠાવવામાં આવ્યા, ત્યારે તેમણે સીધી પાર્ટી છોડી નહોતી, અંદર જ અંદર પાર્ટીને ક્ષતિ પહોંચાડી હતી, પછી જનમોરચો બનાવ્યો અને એ પછી જનતા દળ બનાવવામાં મોટી ભૂમિકા નિભાવી.
રશીદને લાગે છે કે ઠીક એ જ પ્રકારે એક સમીકરણ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે.
તેઓ કહે છે કે કૉંગ્રેસમાંથી નીકળેલા પક્ષ, જેમકે શરદ પવાર હોય, મમતા બેનરજી હોય અથવા પછી જગન રેડ્ડી હોય – તેમાંથી અસંતુષ્ટ કૉંગ્રેસ નેતાઓની ટીમ એક સાથે આવવાની પહેલ કરી શકે છે.
આ પ્રકારે એક રમત પણ પડદાંની પાછળ ચાલી રહી છે. સીડબ્લ્યૂસી પછીની બેઠક આ તરફ ઇશારો કરે છે.
જોકે હાલ આ સંભાવના દૂરની લાગે છે, પરંતુ આ નેતાઓની ભારતના રાજકારણમાં અલગ ઓળખ છે, પોતાનું વજન છે, એમાં બે મત નથી. પોત-પોતાનાં ક્ષેત્રોમાં ચૂંટણી જીતીને નેતાઓએ પોતાની જાતને સાબિત કર્યા છે.
ગુલામ નબી આઝાદ અંગે રશીદ કહે છે કે તેમનું પાર્ટીના તમામ નેતાઓ સાથે ટ્યૂનિંગ સારું છે. વિપક્ષને પણ રાજ્યસભામાં એક રાખવામાં તેમણે પહેલ કરી છે, આપણે આ જોયું છે. પછી કપિલ સિબ્બલ પણ તેમની સાથે છે, જેમણે પાર્ટીથી અલગ જઈને બીજા રાજકીય દળો માટે કોર્ટમાં કેસ લડ્યા છે. મનીષ તિવારી પણ તેમની સાથે છે.
ચિઠ્ઠી પર ભલે 23 નેતાઓની સહી હોય, પરંતુ અનેક બીજા નેતાઓ પણ આ નેતાઓના સમર્થનમાં છે. એવામાં રાજકારણમાં કોઈ પણ સંભાવનાને રદ્દ કરી શકાય તેમ નથી.
રશીદ કહે છે કે હાલ સુધીમાં જે નેતાઓએ ચિઠ્ઠી લખી છે તેમને બોલાવીને પાર્ટી નેતૃત્વે અલગથી વાત નથી કરી, જેની તેમને આશા રહી હશે.
રશીદ કહે છે કે ચિઠ્ઠી લખવાવાળામાં ત્રણ પ્રકારના નેતા છે – એક, જેમને પાર્ટીમાં જે કંઈ મનમાન્યું ચાલી રહ્યું છે તેનું દુ:ખ છે. બીજા તે નેતા છે, જેમને રાહુલની સાથે કામ કરવામાં ખચકાટ છે અને ત્રીજા કૉંગ્રેસના એવા નેતા છે, જેઓ ખરેખર પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે, જેમને લાગે છે કે પાર્ટીમાં તેમનું સારું થઈ રહ્યું નથી.
જો પાર્ટી નેતૃત્વ તેમની સામે કોઈ કાર્યવાહી કરવાનો નિર્ણય કરે, તો બની શકે કે અસંતુષ્ટ નેતા કોર્ટનો સહારો લે.
સોમવારે ગુલામ નબી આઝાદના ઘરે થયેલી બેઠકમાં તેની પર પણ ચર્ચા થઈ હશે. રશીદ એ પણ સાથે જોડે છે કે એવું ઘણું ઓછું છે કે પાર્ટીના આંતરિક બંધારણને કોર્ટમાં પડકારવામાં આવ્યું હોય.
તો શું કૉંગ્રેસ, હવે જૂની કૉંગ્રેસ નહીં રહી શકે? શું આની સંભાવના ન બરાબર છે? ત્યાં પહેલાં જેવું કંઈ નહીં રહે – આ સવાલના જવાબમાં રશીદ ભાજપનું ઉદાહરણ આપે છે.
જેમ ભાજપના અટલ-અડવાણી યુગમાં તમામ નેતાઓની વફાદારી તે જ બે નેતાઓની તરફ હતી, નરેન્દ્ર મોદીના આવતાં જ તમામની વફાદારી મોદીતરફી થઈ ગઈ. જ્યાં સુધી કૉંગ્રેસની કમાન સોનિયા અથવા રાહુલ ગાંધી છે ત્યાં સુધી નેતા તેમની સાથે છે, જેવો બીજો વિકલ્પ તૈયાર થશે, વફાદારી બદલાતા વાર નહીં લાગે.
એવામાં ઘણી જરૂરી છે કે કૉંગ્રેસ પોતાને દેશના 'ડિફૉલ્ટ ઑપ્શન' તરીકે જોવાનું બંધ કરે. પોતાને 'પૉઝિટિવ ઑપ્શન' તરીકે તૈયાર કરે. બંને જાણકારોએ આજ કૉંગ્રેસને સલાહ આપી છે.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો