સૅનેટરી પૅડ બૅન્ક, જે કોરોના વચ્ચે મહિલાઓની મુશ્કેલી દૂર કરે છે

  • સીટુ તિવારી
  • બીબીસી ગુજરાતી માટે
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, SEETU TEWARI

જેપી એટલે લોકનાયક જયપ્રકાશ નારાયણ. જેપીના ‘અનુયાયીઓ’એ તેમનાં મૂલ્યો અને આદર્શ બંનેની બલિ ચઢાવી દીધી.

પરંતુ બિહારના અતરિયાળ વિસ્તારોમાં જેપીએ બનાવેલો આશ્રમ આજે પણ સ્થાનિક લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યો છે.

1952માં જયપ્રકાશ નારાયણે નવાદાના કૌઆકોલ વિસ્તારમાં શેખોદેવરા આશ્રમની સ્થાપના કરી હતી.

આજે આ આશ્રમના પ્રયત્નોને કારણે બિહારના નવાદા જિલ્લાના રજૌલી અને અકબરપુરા પ્રખંડ(તાલુકા)માં 127 કિશોરી સમૂહ બન્યા છે.

જેમણે 27 સૅનિટરી પૅડ બૅન્ક બનાવી છે. જેમાં પાંચ હજારથી વધારે કિશોરીઓ જોડાયેલી છે.

રજૌલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી પ્રેમ સાગર મિશ્રાએ કહ્યું, “ટોલોં ગામની કિશોરીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી આ બૅન્ક પોતાની રીતે જ અદ્દભુત છે. સમાજમાં સૅનિટરી પૅડને લઈને ટૅબૂ છે."

"જેને આ કિશોરીઓનાં પગલાં તોડી રહ્યાં છે. બાકીના તાલુકાના અનેક એવા વિસ્તાર, ગામ છે જ્યાં સુધી પહોંચવુ મુશ્કેલ છે, પરંતુ ત્યાં પણ આ છોકરીઓ સૅનિટરી પૅડ પહોંચાડી રહી છે.”

રજૌલીના પરિવર્તનની કહાણી

નવાદાનો રજૌલી તાલુકો પઠારી, જંગલી અને નક્સલ પ્રભાવી વિસ્તાર છે.

આ પરિવર્તનની શરૂઆત 2016માં શરૂ થઈ હતી જ્યારે સર્વોદય આશ્રમની સંસ્થા ગ્રામ નિર્માણ મંડળે પૉપ્યુલેશન ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાની સાથે કિશોરીઓની વચ્ચે કામ કરવાનું શરૂ કર્યું.

રજૌલીના હરદિયા ગામના સ્વીટી કહે છે, “દીદી લોકો આવ્યા તો અમને લાગ્યું કે પરિવારના લોકોએ તેમની સાથે મુલાકાત ન કરવા દીધી. પરંતુ તે લોકો સતત આવતા રહ્યા, જે પછી ગામવાળાઓએ નક્કી કર્યું કે પહેલાં છોકરીઓની માતાઓ સાથે મીટિંગ થશે. માતાએ લોકોને પરવાનગી આપી દીધી.”

આ પછી 13 થી 19 વર્ષની કિશોરીના સમૂહ બનાવવામાં આવ્યા. આ સમૂહોને બાળ વિવાહ, પિરિયડ્સ, કિશોરીઓના આરોગ્ય અને પરિવાર નિયોજન પર પોતાને કેન્દ્રિત કરીને કામ કરવાનું શરૂ કર્યું.

અગિયારમાં ધોરણનાં વિદ્યાર્થીની સ્વીટી કહે છે કે કિશોરી સમૂહમાં જોડાયા પછી તેમણે કપડાં છોડીને સૅનિટરી પૅડનો ઉપયોગ કરવાની શરૂઆત કરી.

પોતાના જીવનના બીજા પરિવર્તનોની પણ વાત કરતા તેમણે કહ્યું, “શાળામાં પણ હવે એકલાં જતાં રહીએ છીએ. આ પહેલાં સ્કૂલ જવા માટે ઘર અથવા પછી પડોશના કોઈ એક પુરુષ અમારી સાથે આવતા હતા. જો તમે ઘરમાં આનો વિરોધ કરો છો તો તમારી સ્કૂલ છોડાવી દેવામાં આવતી હતી.”

મૌસમ બન્યા રોલ મૉડલ

ઇમેજ સ્રોત, SEETU TEWARI

આખા રજૌલી તાલુકામાં કિશોરીઓની વચ્ચે પરિવર્તનના રોલ મૉડલ 19 વર્ષનાં મૌસમ કુમારી છે.

કે.એલ.એફ. કૉલેજ, નવાદાના ગ્રૅજ્યુએશન ફર્સ્ટ યરના વિદ્યાર્થિની મૌસમ સપ્ટેમ્બર 2017માં સૅનિટરી પૅડ બૅન્કનું એક મૉડલ વિક્સિત કર્યું.

તેમણે પોતાના સમૂહ ‘એકતા કિશોરી સમૂહ’ સાથે જોડાયેલી છોકરીઓ રોજ એક રૂપિયો જમા કરાવવા કહ્યું.

આ પ્રકારે મહિનામાં 30 રૂપિયા જમા થાય અને સમૂહની બે છોકરીઓ ગામથી ત્રણ કિલોમીટર દૂર રજૌલી બજાર જઈને સૅનિટરી પૅડની ખરીદી કરી લાવે છે.

ટ્રક ડ્રાઇવર છોટે લાલ સિંહની દીકરી મૌસમ કહે છે, “પહેલીવખત પૅડ ખરીદ્યા પછી અમે દુકાનદારથી હોલસેલ રેટ પર પૅડ માગ્યા. જેના માટે તેઓ રાજી થઈ ગયા."

"આ પછી અમે કિશોરી સમૂહની છોકરીઓને હોલસેલ રેટ પર આપવાનું શરૂ કર્યું. સાથે જ ગામની ભાભીઓ માટે આ પૅડ લેવાનું શરૂ કર્યું. પરંતુ અમે તેમને આ પૅડ થોડા વધારે ભાવથી આપ્યાં. એવામાં જે કિશોરી રૂપિયા જમા ન કરાવી શકે છે, તેમની પણ મદદ કરી શકીએ છીએ.”

ગ્રામ નિર્માણ મંડળના બ્લૉક પ્રૉજેક્ટ કોઑર્ડિનેટર ભરત ભૂષણ શર્મા કહે છે, “જ્યારે હરદિયા પંચાયતના હરદિયા ગામમાં આ મૉડલ સફળ રહ્યું તો અમે લોકોએ મૌસમ પાસેથી એક અન્ય કિશોરી સમૂહોને ટ્રેનિંગ અપાવી જેના કારણે આજે 27 સૅનિટરી પૅડ બૅન્ક છે, જે માત્ર કિશોરી સમૂહોને જ નહીં પરંતુ ગામની મહિલાઓને પિરિયડ્સ દરમિયાન પણ મદદ કરી રહ્યા છે.”

સામાન્ય છે બૅન્કનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર

ઇમેજ સ્રોત, SEETU TEWARI

બૅન્કના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામ પર આ કિશોરી સમૂહોની પાસે માત્ર એક રજિસ્ટર રૂપિયો જમા કરવા કરાવવા માટે એક બૉક્સ અને સૅનિટરી પૅડ મૂકવા માટે એક કાર્ટૂન છે.

સમૂહમાં અધ્યક્ષ અથવા સચિવની પાસે આ તમામ સામાન રહે છે. કિશોરી સમૂહની એક મહિનામાં એક વખત બેઠક થાય છે જેમાં કિશોરીઓને ખાતામાં જમા રકમ અને જરૂરિયાતના આધારે પૅડ અપાય છે.

જો ગામની કોઈ અન્ય મહિલાને પૅડની જરૂરિયાત છે તો તે અધ્યક્ષ અથવા સચિવના ઘરે જઈને પૅડની નક્કી કિંમત ચૂકવીને પૅડ લઈ શકે છે. સમૂહને દાન તરીકે અનેક સ્વયં સહાયતા સમૂહ અથવા સમયાંતરે આવનારા વિઝિટર્સ મદદ કરે છે.

સમૂહ રોકી રહ્યો છે બાળલગ્ન, બીમારીઓથી અપાવે છે મુક્તિ

આ કિશોરી સમૂહની છોકરીઓએ હાલ સુધીમાં 53 બાળલગ્ન રોકયાં છે.

આ સિવાય પિરિયડ્સમાં ગંદકીના કારણે થનારી બીમારીઓથી કિશોરીઓને મુક્તિ મળી રહી છે.

રાજકીય મધ્ય વિદ્યાલય સુરૈલાનાં વિદ્યાર્થિની સાનિયા કહે છે, “પહેલાં હુ કપડાંનો ઉપયોગ કરતી હતી જેના કારણે લ્યૂકોરિયા થઈ ગયો હતો. પરંતુ જ્યારથી પૅડનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો તો બીમારી ઠીક થઈ ગઈ.”

એવી સ્થિતિ ઊભી થઈ કે બાળકીઓને આ કિશોરી સમૂહોની જાગૃતિએ બચાવી. અનિતાના (બદલાયેલું નામ) પેટમાં દુખાવો થતો રહેતો હતો. તેમના પેટમાં સોજો હતો અને સતત ઉલ્ટીઓની પણ ફરિયાદ કરી હતી. પરિણામ એ આવ્યું કે અનીતાને સમાજની સાથે-સાથે પોતાના માતાપિતાના ટોણાં સહન કરવા પડતા હતા.

મૌસમ કહે છે, “તેમનાં માતાપિતા પણ માની ગયાં હતા કે તે પ્રેગનેન્ટ છે. તે ખૂબ રડતી હતી. અમે લોકો તેને ડૉક્ટર પાસે લઈ ગયાં. તે સ્વસ્થ થઈ ગઈ.”

છોકરીઓએ ખોલાવ્યું યુવા ક્લિનિક, છોકરાઓ પણ લઈ રહ્યા છે લાભ

ઇમેજ સ્રોત, SEETU TEWARI

આ તાલુકામાં ગ્રામ નિર્માણ મંડળના પ્રયત્નોથી વહીવટી જવાબદારીને વધારવા માટે પ્રત્યેક છ મહિને જનસુનાવણી થાય છે. આમાં તાલુકાસ્તરના અધિકારીઓ લોકોની સામે આવે છે અને લોકો પોતાની માગ મૂકે છે.

કિશોરીઓની સાથે કામ કરતા શીલા કુમારીએ કહ્યું, “આ છોકરીઓ જે સમૂહમાં આવતી તે પહેલાં પિરિયડ્સ, પરિવાર નિયોજન વિશે વાત કરવા ભાગી જતી હતી, તે જ છોકરીઓએ સૌની સામે યુવા ક્લિનિક ખોલવાની વાત અધિકારીઓની સામે મૂકી.”

“આ લોકો આરોગ્ય મંત્રી મંગલ પાંડેની પાસે પોતાની માગને લઈને ગયા, જેના પછી રજૌલી હૉસ્પિટલમાં યુવા ક્લિનિક ખુલ્યું. આમાં પ્રત્યેક મંગળવારે એક એએનએમ અને ડૉક્ટર બેસે છે.”

આ યુવા ક્લિનિકનો ફાયદો માત્ર કિશોરીઓ જ નહીં, પરંતુ યુવાન છોકરાઓ પણ ઉઠાવી રહ્યા છે. 19 વર્ષના આદિત્યને જ્યારે અકાળ સ્ખલન(પ્રીમૅચ્યોર ઍજૅક્યુલેશન) થવાનું શરૂ થયુ, તો તે ખૂબ જ ‘અસહજ’ થઈ ગયા.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, “સમજ નથી પડતી કે શું કરીએ. પછી યુવા ક્લિનિક ગયા, કાઉન્સેલિંગ થયું અને ઠીક થઈ ગયા. આ પછી તો અમે પણ અમારા મિત્રોને કહ્યું, જેના કારણે ઘણા બધા લોકો પોતાની પરેશાની લઈને ત્યાં ગયા છે.”

લૉકડાઉનમાં વૉટ્સઍપ ગ્રૂપથી બની વાત

ઇમેજ સ્રોત, SEETU TEWARI

ઇમેજ કૅપ્શન,

કિશોરી સમૂહની તસવીર

આ વિસ્તારમાં મોટાભાગના લોકો ખેતી પર આધાર રાખે છે. રજૌલી જંગલમાં થનારા ઉત્પાદન અને ત્યાંથી એસ્બેસ્ટોસ (અભ્રક) ચૂંટીને પોતાની આજીવિકા મેળવે છે. ઝારખંડ-બિહાર સરહદે રહેલા રજૌલીમાં અનેક જગ્યાઓ પર જવા માટે તમારે પહેલા ઝારખંડના કોડરમાં સ્ટેશન પર જવું પડે છે. .

એવામાં લૉકડાઉનમાં સ્થાનિક લોકોનું જીવન ખાસકરીને મહિલાઓનું જીવન કેટલું મુશ્કેલ હશે તેનો અંદાજો તમે લગાવી શકો છો.

લૉકડાઉન દરમિયાન કિશોરી સમૂહોએ વૉટ્સઍપ ગ્રૂપ બનાવીને પોતાની પ્રવૃતિને ચાલુ રાખી.

સૅનિટરી પૅડની ખરીદીથી લઈને કિશોરીઓની વચ્ચે આનુ વિતરણ અને ગામની અન્ય જરૂરિયાતવાળી મહિલાઓને આપવાનું કામ વૉટ્સઍપ ગ્રૂપ પર સમન્વય દ્વારા થાય છે.

રજૌલીના ડુમરકોલના લક્ષ્મી દેવી કહે છે, “દુકાન જઈ શકતાં ન હતાં તો આ છોકરીઓ અહીં જ પૅડ લઈ આવી. અમે તેમની પાસેથી ખરીદી લીધાં તો જીવ બચ્યો. હવે કપડાંનો ઉપયોગ કરવો સારો નથી લાગતો.”

સૅનિટરી પૅડ આ કિશોરીઓના જીવનના વિસ્તારને પણ વધાર્યો છે. મૌસમ યૂથ લીડર તરીકે નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગ લઈ ચૂક્યાં છે તો અન્ય છોકરીઓ જેમની દુનિયા ‘સ્કૂલથી ઘર અને ઘરથી સ્કૂલ’ સુધી જ હતી, તે હવે પટણા સહિત બીજાં શહેરોની મુલાકાત લઈ ચૂકી છે.

ગત કેટલાંક વર્ષોમાં સૅનિટરી પૅડ રાજકારણીઓની ડિક્શનરી અને સરકારી નીતિઓમાં સામેલ થઈ ગયાં છે.

છત્તાં પણ ભારતના મોટા વિસ્તારની મહિલાઓ પિરિયડ્સ અને આની સાથે જોડાયેલી મુશ્કેલીઓનો પણ સામનો કરી રહી છે.

મૌસમ, કિશોરી સમૂહ અને જેપીનો આ આશ્રમ આ મુશ્કેલીઓને કામ કરવામાં નાનુ પણ મોટું અસરકાર પગલું ઉઠાવી રહ્યા છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો