ચીનને 'રમકડાંની રમત'માં ભારત કેવી રીતે હરાવી શકશે?

  • સરોજ સિંહ
  • બીબીસી સંવાદદાતા
રમકડાં

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

રમકડાંના વેપારમાં ભારત ટોચના દેશોમાં નથી

એક તરફ ભારત અને ચીન વચ્ચે સીમા પર તણાવ ચાલુ છે. પૂર્વ લદ્દાખ સીમા પાસે પેન્ગોંગ ત્સો સરોવર પાસે બંને દેશના સૈનિકો વચ્ચે 29-30 ઑગસ્ટે ફરી વાર ઘર્ષણના સમાચાર છે.

ભારત સરકારે આના પર નિવેદન જાહેર કરીને કહ્યું કે ચીની સૈનિકોએ ઉશ્કેરણીજનક પગલાં ભરતાં સરહદ પર યથાસ્થિતિ બદલવાની કોશિશ કરી, પરંતુ ભારતીય સૈનિકોએ તેમને રોકી દીધા. જોકે ચીનના વિદેશમંત્રીએ કહ્યું કે ચીનની સેના વાસ્તવિક નિયંત્રણ રેખાનું સખત રીતે પાલન કરે છે.

બીજી તરફ ભારત સરકાર દર મહિને આર્થિક અને વેપારી ક્ષેત્રમાં નવા-નવા નિર્ણયો લઈને ચીન પર નિર્ભરતા ઓછી કરવાની વાત કરી રહી છે.

ભારત સરકારે બુધવારે જ 118 ચીનની ઍૅપ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો અને વેપારી નિયમોમાં ફેરફાર કર્યા. જેથી સરકારી સોદામાં વિદેશી કંપનીઓ ઓછામાં ઓછો ભાગ લઈ શકે. તેમ છતાં ચીન સાથે વેપાર પર આ બધા નિર્ણયની બહુ વધુ અસર જોવા મળતી નથી.

ચીની ઍપ્સ અને સરકારી પરવાનામાંથી ચીની કંપનીઓ બહાર કરવાની તમામ તૈયારીઓ બાદ પણ ભારતની નજરો ચોંટી છે ચીનનાં રમકડાંનાં બજારો પર.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઑગસ્ટે પોતાના 'મનની વાત' કાર્યક્રમમાં કહ્યું, "વિશ્વમાં રમકડાં ઉદ્યોગ લગભગ સાત લાખ કરોડ રૂપિયાથી વધુ છે, જેમાં ભારતની ભાગીદારી બહુ ઓછી છે."

"પરંતુ જે દેશમાં આટલી મોટી વિરાસત હોય, પરંપરા હોય, વિવિધતા હોય, યુવાવસતિ હોય, એ દેશની આટલી ઓછી ભાગીદારી શું સારી વાત છે? જી નહીં. આ સાંભળવું સારું નથી લાગતું. આપણે મળીને તેને આગળ વધારવું જોઈએ."

રમકડાંનું વિશ્વબજાર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

વિશ્વમાં આશરે 86 ટકા રમકડાં ચીનમાંથી આવે છે

જોકે તેઓએ ચીનનું નામ નહોતું લીધું, પરંતુ એ બધા જાણે છે કે ભારત જ નહીં વિશ્વભરમાં ચીનનાં રમકડાંની કેટલી માગ છે.

જે દેશ રમકડાં બનાવવામાં વિશ્વના ટૉપ પાંચ દેશમાં નથી આવતો, એ અચાનક દુનિયાના ટૉપના ચીની રમકડાંનો મુકાબલો કેવી રીતે કરી શકશે?

સ્પષ્ટ છે કે જે ટાર્ગેટ ભારતના વડા પ્રધાન સેટ કરવા માગે છે, એ આ પરિસ્થિતિમાં સરળ નથી લાગતો. તો એક નજર નાખીએ આંકડાઓ પર...

વિશ્વ રમકડાં ઉદ્યોગની વાત કરીએ તો ચીન દુનિયામાં સૌથી વધુ રમકડાં એક્સપૉર્ટ કરે છે. અંદાજે 86 ટકા રમકડાં વિશ્વમાં ચીનથી આવે છે. બીજા નંબરે યુરોપીય યુનિયન છે.

2019માં વિશ્વ રમકડાં બજાર 105 બિલિયન અમેરિકન ડૉલર હતું, જે 2025 સુધી 131 બિલિયન ડૉલર સુધી પહોંચવાની શક્યતા છે.

ભારતની વાત કરીએ તો, વિશ્વના રમકડાં બજારમાં ભારતની ભાગીદારી 0.5 ટકાથી પણ ઓછી છે.

ભારતમાં રમકડાંનું બજાર અંદાજે 16 હજાર કરોડનું છે, જેમાં 25 ટકા જ સ્વદેશી છે. બાકીના 57 ટકામાંથી અંદાજે 70 ટકા માલ ચીનથી આવે છે. 5 ટકા જ અન્ય દેશથી આવે છે.

દુનિયામાં રમકડાં બનાવવામાં જે કંપનીઓ સૌથી આગળ છે, તેમાં લેગો, મેટલ અને બાન્દાઈ નામકો એન્ટરટેઇન્મેન્ટ જેવાં નામો સામેલ છે. તેમાંથી ઘણાના પ્લાન્ટ ચીનમાં છે.

એવામાં ભારતનો સૌથી મોટો પડકાર એ હશે કે પહેલાં ભારતીયો માટે જ રમકડાં તૈયાર કરાય, જે ચીની રમકડાં કરતાં ભારતીયોની પહેલી પસંદ હોય.

ભારતીય રમકડાં બજાર

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

ભારતનો રમકડાંઉદ્યોગ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે

દિલ્હીના સદર બજારમાં ચીની રમકડાંનું મોટું બજાર છે. ત્યાંની દુકાનો પર તમે ગ્રાહકોને એવું કહેતા સાંભળશો, 'ભાઈ, સસ્તું અને સારું દેખાડો.'

હકીકતમાં સસ્તાં ચીની રમકડાંની ભારતીયોને ટેવ પડી ગઈ છે, જેમાં વેરાયટી પણ ઘણી મળે છે અને જે ટ્રેન્ડ સાથે ચાલે છે.

માર્કેટમાં જે પણ નવા કાર્ટૂન શો આવ્યા હોય, એનાં કેરેક્ટર તમને કેટલાક મહિનામાં જ બજારમાં મળવા લાગે છે. નવી ગેમ્સમાં તો ચીનનાં રમકડાંનો કોઈ જોટો ન જડે. ભાવ પણ સસ્તો હોય છે.

વેપારીઓનું માનીએ તો ભારતમાં એવાં રમકડાંના માર્કેટમાં ઇનોવેશનની મોટી ઊણપ છે.

ભારતમાં રમકડાં બનાવવામાં દક્ષિણ ભારતનાં શહેર સૌથી આગળ છે. કર્ણાટકના રામનગરમાં ચન્નાપટના, આંધ્રપ્રદેશના કૃષ્ણામાં કોંડાપલ્લી, તામિલનાડુમાં તંજોર, આસામમાં ધુબરી અને ઉત્તરપ્રદેશનું વારાણસી એવાં શહેર છે, જ્યાં રમકડાં બનાવવાનું કામ ચાલે છે. જેનો ઉલ્લેખ વડા પ્રધાને પોતાની મનની વાતમાં પણ કર્યો હતો.

લાકડાનાં રમકડાંના વેપારીની ખરાબ હાલત

ઇમેજ સ્રોત, TWITTER/PMO INDIA

ઇમેજ કૅપ્શન,

નોટબંધી અને જીએસટીના મારથી રમકડાંઉદ્યોગની સ્થિતિ ખરાબ થઈ

પરંતુ તેઓ કેવી હાલતમાં છે, એ જાણવા માટે વરિષ્ઠ પત્રકાર ઇમરાન કુરેશીએ વાત કરી ચન્નાપટનાના રમકડાંના વેપારીઓ સાથે.

સમીઉલ્લાહ ચાર-પાંચ કારીગરો સાથે ચન્નાપટનામાં રમકડાં બનાવવાનું કામ કરે છે. ચન્નાપટના એક ટૉય ક્લસ્ટર છે, જે બેંગલુરુ-મૈસુર હાઈવે પર આવેલું છે. અહીં લાકડાનાં રમકડાં બનાવવાનું કામ ચાલે છે. પ્લાસ્ટિક અને અન્ય ચીજોથી પર્યાવરણને નુકસાન પહોંચે છે, તેને ધ્યાનમાં રાખીને લાકડાનાં રમકડાનું ચલણ ફરી એક વાર શરૂ થયું છે.

બીબીસી સાથે વાત કરતાં સમીઉલ્લાહ કહે છે, "કોરોનાના સમયમાં તેમની હાલત બહુ ખરાબ થઈ ગઈ. છેલ્લા પાંચ મહિનામાં મોટા ભાગના કારીગરો વેલ્ડિંગ કે કડિયાકામ કરવા મજબૂર થઈ ગયા. પહેલા એક દિવસમાં હજાર રૂપિયાથી ઓછું કમાતા હતા. લગભગ 500-600 રૂપિયાની આસપાસ. પણ હવે કોરોના બાદ પાંચ મહિના કેવી રીતે વીત્યા, ન પૂછો વાત."

ચન્નપટનાનો ક્રાફ્ટ પાર્ક કર્ણાટક સરકારની તરફથી બનાવવામાં આવ્યો હતો. આખા ભારતમાં આ એકમાત્ર એવો પાર્ક હતો, જ્યાં ન માત્ર કર્ણાટક, પરંતુ તામિલનાડુ અને કેરળના રમકડાંના કારીગરો આવીને મશીનોથી ફિનિશિંગનું કામ કરતા હતા.

બાદમાં આ રમકડાંને ભારતનાં અન્ય બજારો અને વિશ્વબજારમાં વેચવાનું કામ શરૂ થતું હતું. આ ક્રાફ્ટ પાર્ક નોટબંધી અગાઉ શરૂ થઈ ગયો હતો.

ક્રાફ્ટ પાર્કનાં સીઈઓ શ્રીકલા કાદિકલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "નોટબંધી પહેલાં અહીં પડોશનાં રાજ્યોથી ઘણા બધા રમકડાં બનાવનારા આવતા હતા. પરંતુ નોટબંધી બાદ અમને પહેલો ઝટકો લાગ્યો."

"જાણે કે અમારો એક હાથ તૂટી ગયો. બીજો ઝટકો જીએસટીને કારણે લાગ્યો, જ્યારે આ રમકડાં પર સરકારે 12 ટકા જીએસટી લગાવી દીધો. ત્યારપછી તો જાણે કે આ ઉદ્યોગના બંને હાથ કપાઈ ગયા. બાકી કસર કોરોનાએ પૂરી કરી દીધી. હવે આ ઉદ્યોગનું માથું જ નથી બચ્યું."

તેઓ આગળ કહે છે, "પહેલાં 5.5 ટકા વેટ લાગતો હતો અને હવે 12 ટકા જીએસટી. એવામાં ચીનનાં રમકડાંનો કેવી રીતે મુકાબલો કરી શકીએ. આંગણવાડી પણ અમારો સામાન ખરીદતી નથી. તેઓ પણ ચીનનાં રમકડાં ખરીદે છે. સરકારે કમસે કમ સ્થાનિક આંગણવાડીઓ માટે ચન્નપટનાનાં રમકડાં ખરીદવાનું ફરમાન જાહેર કરવું જોઈએ."

ચીન સામે ભારતનો પડકાર

ઇમેજ સ્રોત, TWITTER/PMO INDIA

ઇમેજ કૅપ્શન,

માળખાકીય સુવિધા ઊભી કરવામાં આવે તો ઉદ્યોગને બેઠો કરી શકાય

બહાદુરગઢની ટૉય ફૅક્ટરી 'પ્લેગ્રો'ના માલિક મનુ ગુપ્તા પણ કંઈક આવી કહાણી સુણાવે છે. જીએસટીની પરેશાન તેમને સમીઉલ્લાહથી વધુ છે. તેમને ત્યાં મોટાં ભાગનાં રમકડાં બૅટરી કે પછી એલઈડી લાઇટ્સવાળાં બને છે. તેના પર સરકારે 18 ટકા જીએસટી લગાવી રાખ્યો છે.

તેમની માગ છે કે સરકાર જીએસટી ઓછો કરે અને બધાં રમકડાં પર એક જીએસટી કરી દે.

મનુ ગુપ્તા ટૉય ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના સંયોજક પણ છે. તેમના અનુસાર, વડા પ્રધાનના પ્રયાસો સારા છે.

ટૉય ઉદ્યોગનું તેનાથી મનોબળ વધ્યું છે. પણ કેટલીક પાયાની સુવિધા જો મળે તો આ ઉદ્યોગમાં લોકો આવવા માગશે.

ભારતમાં રમકડાં ઉદ્યોગ પાછળ હોવાના તેઓ ત્રણ કારણ જણાવે છે.

પહેલું કારણ ડિઝાઇન અને માર્કેટમાં તાલમેલની કમી. ભારતમાં ઘણી સારી ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ છે, જ્યાં રમકડાંની ડિઝાઇન અંગે ભણાવવામાં આવે છે, જેમ કે એનઆઈડી અમદાવાદ.

જોકે ત્યાં ઉદ્યોગમાં શું જોઈએ તેના પર ભાર મૂકવામાં આવતો નથી. તેના કારણે વિદ્યાર્થીઓ ઑનલાઇન ગેમ બનાવવા અંગે વધુ વિચારે છે અને એક્યુકેશનલ ટૉય, પ્લાસ્ટિક ટૉય, બેટરી ઑપરેટેડ ટૉય પર તેમનું ધ્યાન હોતું નથી, જે આ માર્કેટનો મોટો ભાગ છે.

બીજી સમસ્યા સ્થળની છે. મનુ ગુપ્તા કહે છે કે ચીની સરકારે પોતાના દેશમાં 14 એવાં પ્લગ ઇન ટૉય સિટી સેન્ટર બનાવ્યાં છે, જ્યાં કંપનીઓ જઈને તરત પોતાનું કામ શરૂ કરી શકે છે. ચીનમાં લેબર કૉસ્ટ પણ ભારત કરતાં ઓછી છે.

ત્રીજું કારણ છે કે હવે ભારતમાં 1 સપ્ટેમ્બરથી રમકડાંમાં બીએસઆઈ માર્ક અનિવાર્ય કરી દેવાશે. બીએસઆઈ માર્ક ક્વૉલિટી કંટ્રોલ માટે લગાવવામાં આવે છે.

જોકે હજુ પણ બધા વેપારીઓ આના માટે સહમત નથી. તેઓને ત્રણ મહિનાનો વધુ સમય જોઈએ છે. રમકડાં વેપાર સાથે ઘણા નાના અને મધ્યમ વેપારી પણ જોડાયેલા છે, જેના માટે કોરોનાના સમયમાં ક્વૉલિટી કંટ્રોલના માપદંડને અપનાવામાં સમય લાગશે.

ભારત સરકારે પણ શરૂઆતમાં રમકડાં બનાવતી કંપનીઓ માટે આવી તમામ સુવિધાઓ આપવી પડશે, ત્યારે જ ભારતમાં ચીનનાં રમકડાં બજારમાં ટક્કર ઝીલી શકાશે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો