અમદાવાદમાં સાજા થયેલા કોરોનાના આ દર્દીઓને ફરી ચેપ લાગવાનું જોખમ?

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને 15થી 29 ઑગસ્ટ દરમિયાન કરાયેલા સર્વેના અહેવાલને બુધવારે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં 10 હજાર લોકોના સૅમ્પલનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આ અહેવાલ અનુસાર અમદાવાદમાં 10,310 સીરમ સેમ્પલમાંથી કોરોના વાઇરસની પ્રતિરોધકતા 2,396 લોકોમાં જોવા મળી હતી એટલે સેરો પૉઝિટિવિટી 23.24 ટકા થાય છે.

આ ઉપરાંત કોરોના વાઇરસમાંથી સાજા થયેલા 40 ટકા દરદીઓમાં ઍન્ટિબૉડી લુપ્ત થયા છે, જેને ચિંતાની વાત માનવામાં આવી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને જણાવ્યું કે આ અગાઉ જૂન મહિનાના બીજા પખવાડિયામાં આશરે 30 હજાર લોકોનો સર્વે કર્યો હતો, જેમાં સેરો પૉઝિટિવ રેટ 17.61 ટકા મળ્યો હતો અને હાલ 23.24 ટકા જોવા મળ્યો છે. આમ 5.63 ટકા જેટલો વધારો જણાયો છે.

કૉર્પોરેશને જાહેર કરેલી પ્રેસ-રિલીઝમાં કહ્યું કે અગાઉના અભ્યાસ પછી દોઢ મહિનામાં સેરો-પૉઝિટિવિટીમાં માત્ર 5.63 ટકાનો વધારો અને તે પણ "અનલૉક"ના ગાળામાં થયેલ છે, જે ખૂબ જ ઓછો છે.

આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને કહ્યું કે લોકસમૂહ પ્રતિરોધકતા (હર્ડ ઇમ્યુનિટી) જેવું કાંઈ જણાયું નથી. લોકો હજુ પણ નવા સંક્રમણનો ખતરો ધરાવે છે અને આપણે આટલી ઓછી પ્રતિરોધકતા પર આધાર રાખી ન શકીએ. આથી કોરોનાની રસી ઉપલબ્ધ ન થયા ત્યાં સુધી સંક્રમણથી બચવા અસરકારક પગલાં લેવાં જોઈએ.

પૉઝિટવ કેસના સંપર્કમાં આવેલા લોકોનો સેરો-પૉઝિટિવિટી સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 31.92 ટકા લોકો સેરો-પૉઝિટિવ આવ્યા હતા. જ્યારે 69 ટકા લોકોમાં આનો અભાવ જોવા મળ્યો હતો.

40 ટકા લોકોમાં ઍન્ટિ-બૉડી લુપ્ત

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેડિકલ ઑફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું, "કૉર્પોરેશન દ્વારા ઍન્ટિ-બૉડીને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અગાઉ સંક્રમિત થયેલા 40 ટકા લોકોમાંથી ઍન્ટિ-બૉડી લુપ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે."

તેમણે વધુમાં કહ્યું, "40 ટકા લોકોમાં ઍન્ટિ-બૉડી ન હોવાનું દર્શાવે છે કે તેમને ભવિષ્યમાં સંક્રમણની ફરી અસર થઈ શકે છે.

તેમણે એમ પણ કહ્યું કે આ બાબતે વધારે સર્વે કરવાની જરૂરિયાત જણાય છે.

ઝોન પ્રમાણેનો સેરો-પૉઝિટિવિટી દર

  • ઉત્તર ઝોન - 33.14 ટકા
  • મધ્ય ઝોન - 31.64 ટકા
  • પૂર્વ ઝોન - 23.96 ટકા
  • દક્ષિણ ઝોન - 23.91 ટકા
  • પશ્વિમ ઝોન - 20.74 ટકા
  • દક્ષિણ-પશ્ચિમ ઝોન - 18.93 ટકા
  • ઉત્તર પશ્ચિમ ઝોન - 11.74 ટકા

હર્ડ ઇમ્યુનિટી શું છે?

વીડિયો કૅપ્શન,

કોરોના વાઇરસ શું મચ્છર કરડવાથી પણ લાગી શકે છે?

જો કોઈ બીમારી વસતીના મોટા ભાગમાં ફેલાઈ જાય અને મનુષ્યની રોગપ્રતિકારક ક્ષમતા એ બીમારીને રોકવામાં મદદ કરે તો લોકો બીમારીથી લડીને સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે.

તેઓ એ બીમારીથી ઇમ્યુન થઈ જાય છે. એટલે કે તેમનામાં પ્રતિરક્ષાત્મક ગુણો વિકસિત થઈ જાય છે. તેમનામાં વાઇરસનો મુકાબલો કરવાથી લઈને સક્ષમ ઍન્ટિ બૉડીઝ તૈયાર થઈ જાય છે.

જેમજેમ વધારે લોકો ઇમ્યુન થતા જાય છે, તેમતેમ સંક્રમણ ફેલાવાનો ખતરો પણ ઓછો થતો જાય છે. તેનાથી એ લોકોને પણ પરોક્ષ રીતે સુરક્ષા મળી જાય છે જેઓ ન તો સંક્રમિત થયા છે, ન તો તે બીમારી માટે ઇમ્યુન થયા છે.

અમેરિકી હાર્ટ ઍસોસિયેશનના ચીફ મેડિકલ ઑફિસર ડૉક્ટર એડુઆર્ડો સાંચેઝે પોતાના બ્લૉગમાં આને સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

વીડિયો કૅપ્શન,

કોરોના વાઇરસ હવાથી કેવી રીતે ફેલાય છે?

તેઓ લખે છે કે માણસોના કોઈ ઝુંડ (અંગ્રેજીમાં હર્ડ)ના વધારે પડતા લોકો જો વાઇરસથી ઇમ્યુન થઈ જાય તો ઝુંડ વચ્ચે હાજર અન્ય લોકો સુધી વાઇરસનું પહોંચવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે અને એક સીમા બાદ તેનો ફેલાવો રોકાઈ જાય છે. પરંતુ આ પ્રક્રિયામાં સમય લાગે છે. સાથે જ હર્ડ ઇમ્યુનિટીના આઇડિયા પર વાત ત્યારે થાય છે જ્યારે કોઈ ટીકાકરણ પ્રોગ્રામની મદદથી અતિસંવેદનશીલ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે છે.

એક અનુમાન પ્રમાણે, કોઈ સમુદાયમાં કોવિડ-19 માટે ત્યારે જ હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઈ શકે છે જ્યારે આશરે 60 ટકા લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ચૂક્યા હોય અને તેઓ તેનાથી લડીને ઇમ્યુન થઈ ગયા હોય.

પરંતુ જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી પ્રમાણે હર્ડ ઇમ્યુનિટીના સ્તર સુધી પહોંચવા માટે લગભગ 80 ટકા વસતીના ઇમ્યુન થવાની જરૂરત છે. દર પાંચમાંથી ચાર લોકો જો સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ પણ સંક્રમિત નથી થતા ત્યારે સંક્રમણ પર નિયંત્રણ રાખી શકાય છે.

જોકે તે એના પર પણ નિર્ભર કરે છે કે બીમારી કેટલી સંક્રામક છે. સાધારણ રીતે 70થી 90 ટકા વસતીનું ઇમ્યુન થવું જરૂરી હોય છે હર્ડ ઇમ્યુનિટીના સ્તર સુધી પહોંચવા માટે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો