ગુજરાત : કૉંગ્રેસ બેરોજગારીના મુદ્દા પર સવાર થઈ પેટાચૂંટણી જીતી શકશે?

  • સુરેશ ગવાણિયા
  • બીબીસી ગુજરાતી
કૉંગ્રેસની પત્રકારપરિષદ

ઇમેજ સ્રોત, @AmitChavdaINC TWITTER

ગુજરાત કૉંગ્રેસે અમદાવાદમાં 'રોજગાર દો અભિયાન'નો પ્રારંભ કર્યો છે. તેમજ ભાજપશાસિત ગુજરાત રાજ્યમાં બેરોજગાર લોકોને સરકાર પાસેથી રોજગારની માગણી કરવા માટે એક નંબર પર મિસ્ડ કૉલ કરવા સૂચવવામાં આવ્યું છે.

ગુજરાતમાં આવનારા સમયમાં વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાય તેવી શક્યતા છે અને એ પહેલાં કૉંગ્રેસે આ અભિયાન છેડ્યું છે.

ગુજરાતમાં કે દેશમાં જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે બેરોજગારીનો મુદ્દો ચૂંટણીટાણે ચર્ચાનું કેન્દ્ર બને છે. જોકે પાછળથી તેના પરત્વે દુર્લક્ષ્ય સેવાતું હોવાનું પણ જણાય છે.

ગુજરાતમાં અંદાજે છેલ્લાં 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને કૉંગ્રેસ સમયાંતરે બેરોજગારીનો મુદ્દો ઉઠાવતી રહે છે.

તો કોરોના વાઇરસ મહામારીના સમયમાં બેરોજગાર યુવાઓએ સોશિયલ મીડિયા પર ભરતી કરવા માટે એક અભિયાન પણ ચલાવ્યું હતું.

જોકે રાજકીય વિશ્લેષકો માને છે કે આવા મુદ્દાઓની ચૂંટણીમાં કોઈ ખાસ અસર થતી નથી.

કૉંગ્રેસનું 'રોજગાર દો' અભિયાન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

યૂથ કૉંગ્રેસના નેશનલ ઇન્ચાર્જ ક્રિષ્ના અલ્લાવરુની હાજરીમાં અમદાવાદમાં 'રોજગાર દો અભિયાન'નો આરંભ કરાયો હતો.

મીડિયા અહેવાલો અનુસાર, અભિયાનની શરૂઆત સમયે ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે "ચૂંટણીપ્રચારમાં ભાજપે દર વર્ષે બે કરોડ નોકરી આપવાનું વચન આપ્યું હતું, પણ ગુજરાતમાં અને કેન્દ્રમાં શાસક પક્ષની ખામીયુક્ત નીતિઓને કારણે નોકરી મેળવવાની જગ્યાએ કરોડો યુવાનો નોકરી ગુમાવી ચૂક્યા છે."

યૂથ કૉંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી રોજગાર દો કૅમ્પેન હેઠળ બેરોજગારોનું રજિસ્ટર તૈયાર કરાશે. જેથી સરકાર દ્વારા આ મામલે લેવાઈ રહેલા પગલાં અંગે જવાબ માગી શકાય.

ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને કહ્યું કે "20 લાખ કરોડના જુમલાવાળું પૅકેજ નહીં, રોજગાર આપો."

હાલમાં ચાલી રહેલા આર્થિક સંકટને પરિણામે શહેરી બેરોજગારીનો દરે ઑગસ્ટ માસમાં દસ ટકા નોંધાયો છે. ત્યારે અલ્લાવરુએ આ પરિસ્થિતિ માટે કેન્દ્ર સરકારના નિર્ણયોને જવાબદાર ગણાવ્યા હતા.

ચૂંટણીમાં બેરોજગારીના મુદ્દાની અસર કેટલી?

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં યોજાયેલી 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલાં પણ કૉંગ્રેસે પોતાના જાહેર કરેલા ચૂંટણીઢંઢેરામાં રોજગારની વાત કરી હતી.

કૉંગ્રેસે જાહેર કરેલા ચૂંટણીઢંઢેરામાં 'દરેક બેરોજગાર યુવકને નોકરી ન મળે ત્યાં સુધી બેરોજગારી ભથ્થાં તરીકે મહિને 4,000 રૂપિયા આપવાની વાત' કરી હતી.

2017ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં પ્રચારાર્થે આવેલા રાહુલ ગાંધીએ યુવા રોજગાર, કિસાન અધિકાર થીમ હેઠળ કૉંગ્રેસના અભિયાનને શરૂ કરાવ્યું હતું.

પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ ગુજરાતની બેરોજગારીનો મુદ્દો પણ લોકો સમક્ષ મૂક્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું હતું, "કોઈ પણ પ્રદેશમાં ચાલ્યા જાવ, ગુજરાતમાં, ઉત્તરપ્રદેશમાં, રાજસ્થાનમાં- યુવાઓને આજે હિંદુસ્તાનમાં રોજગારી નથી મળતી."

જાણીતા રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે, "મને ક્યારેય યાદ નથી કે ગુજરાતમાં મુદ્દા આધારિત ચૂંટણીઓ લડાઈ હોય. એટલે આ મુદ્દાઓ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોઈ અસર કરવાના નથી."

તેઓ કહે છે, "કૉંગ્રેસે અગાઉ પણ બેરોજગારી સહિતના ઘણા મુદ્દે આંદોલન કર્યાં છે, પણ કૉંગ્રેસની સંગઠનશક્તિ એટલી નબળી છે કે એ આંદોલન સપાટી પર ક્યાંક દેખાતાં નથી. એની મીડિયા પણ નોંધ લેતું નથી. એટલે કૉંગ્રેસનાં આંદોલનોની કોઈ અસરકારકતા હોતી નથી. આંદોલનનું સ્વરૂપ પણ નાનું હોય છે."

તેઓ કહે છે કે જે મુદ્દાઓ પર ચૂંટણી લડાવી જોઈએ એ લડાતી નથી અને છેલ્લેછેલ્લે કોમી, ધર્મ, રાષ્ટ્રવાદના મુદ્દાઓ આવી જાય છે.

તો સરદાર પટેલ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ વિભાગના અધ્યાપક બળદેવ આગજા પણ કહે છે કે યુવાઓને રોજગારીની તકો મળવી જોઈએ એ માત્ર ભાષણના મુદ્દાઓ છે. આવા મુદ્દાઓ ચૂંટણીલક્ષી હોય છે.

આવા મુદ્દાઓ બળદેવ આગજા 'લોકરંજક' ગણાવે છે અને કહે છે કે ચૂંટણી પછી કોઈ લોકોને તેનો કોઈ લાભ મળતો નથી.

કૉંગ્રેસના આ અભિયાનની આવનારી ચૂંટણીમાં કે સત્તાધારી પક્ષને કંઈ અસર થશે કે કેમ, એ અંગે તેઓ કહે છે, "જો કૉંગ્રેસ વિરોધપક્ષ તરીકે આવાં અભિયાન ચલાવે તો સત્તાધારી પક્ષ થોડુંક વિચારે કે અમારે યુવાનો માટે કંઈક કરવું જોઈએ. પણ યુવાનો માટે જાહેરાતો થાય છે, પરીક્ષા લેવાય છે, પણ ઑર્ડરો અપાતા નથી."

એક બેરોજગાર યુવકની વ્યથા

ગુજરાતમાં લૉકડાઉનને કારણે અગાઉની અનેક પરીક્ષાઓ અને ભરતીઓ બંધ પડી છે.

મહામારીના સમયમાં ભેગા થઈને આંદોલન ન કરી શકાતું હોવાથી શિક્ષિત બેરોજગારો સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે અને ભરતીની માગ કરી રહ્યા છે.

વડોદરાના નરેન્દ્ર નામના એક યુવક પ્રાથમિકથી માંડીને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં શિક્ષક બની શકે એટલી લાયકાત ધરાવે છે.

પીટીસી, બીએ, બીએડ, એમએ, એમએડ સુધીનો અભ્યાસ કરેલા નરેન્દ્રે ટેટ-1, ટાટ-1, ટાટ-2 પરીક્ષા પાસ કરેલી છે અને મેરિટ પણ સારું હોવા છતાં તેઓ આજે નોકરીથી વંચિત છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "આટલી શૈક્ષણિક લાયકાત હોવા છતાં મને નોકરી મળી નથી. સરકારી નોકરી માટેનું અમારું ડૉક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું હતું, વચ્ચે સરકાર બદલી કૅમ્પ લાવી, પછી વિવાદિત પરિપત્ર આવ્યો અને પછી આ લૉકડાઉન થયું. પણ ત્યારથી અમે બેરોજગાર છીએ."

તેઓ કહે છે કે "જો બેરોજગારીના મુદ્દાને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો અમે ચોક્કસ પરિવર્તનની અપેક્ષા રાખીશું."

બેરોજગારી મુદ્દે ભાજપ-કૉંગ્રેસ શું કહે છે?

ઇમેજ સ્રોત, RAHUL KOTYAL/BBC

ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશી બેરોજગારીના મુદ્દાને કૉંગ્રેસની પ્રતિબદ્ધતા સમાન ગણાવે છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું, "અમારા માટે આ કોઈ ચૂંટણીનો મુદ્દો નથી. તેમાં પ્લસ-માઇનસ થતું હોય, સૌથી મોટો મુદ્દો અમારા માટે યુવાનોને ન્યાય મળે એ છે."

સરકારી નોકરીઓમાં ગેરરીતિનો આક્ષેપ કરતાં મનીષ દોશી કહે છે કે એચ-ટાટાના 50 હજાર કરતાં વધુ યુવક-યુવતીઓ પાસ થઈને રાહ જોઈ રહ્યાં છે. ઘણાની માર્કશિટની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે, ઘણાને ઉંમરનો પણ પ્રશ્ન છે, પણ સરકાર ભરતી કરતી નથી."

ગુજરાતમાં સરકારી નોકરીની ભરતીમાં વિસંગતતા પણ ઘણી હોવાનું જણાવતા તેઓ કહે છે, "ગુજરાતમાં મોંઘું શિક્ષણ મેળવ્યા પછી તમામ યુવાઓને રોજગારી મેળવવામાં તકલીફ પડે છે."

તો ગુજરાત ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે કહે છે કે કૉંગ્રેસ પાસે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોઈ મુદ્દા નથી. તેમને આ મુદ્દો લઈને નીકળવું પડે એ તેમની મજબૂરી છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે ભારતીય જનતા પાર્ટીને તેનાથી કોઈ ફેર નહીં પડે.

વર્તમાનમાં આવેલા જીડીપીના આંકડાને ચિંતાજનક ગણાવતાં તેઓ કહે છે કે "આખા વિશ્વમાં હાલમાં કોરાનાને કારણે જીડીપીના દર ઘટી રહ્યા છે. સરકારે નાના અને મોટા ઉદ્યોગો માટે પેકેજો જાહેર કર્યાં છે. એના કારણે ઉદ્યોગગૃહો થોડાં ઘણાં ધમધમતાં થયાં છે. થોડી રોજગારીમાં ફરક પડ્યો છે."

તેઓ કહે છે કે સરકારે બેરોજગારી મામલે પગલાં લીધાં છે. સરકાર પોતે પણ બેરોજગારી ઘટાડવા માટે મદદરૂપ થઈ છે.

મનીષ દોશી કહે છે કે સરકાર મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે અને નાના ઉદ્યોગો, જે ગુજરાતની ઓળખ સમાન છે, તેને તાળાં લાગી ગયાં છે.

ઉલ્લેખનીય છે કે મોટા ભાગની ચૂંટણીમાં બેરોજગારીનો મુદ્દો ચૂંટણીટાણે ચર્ચાતો જ આવ્યો છે. વિપક્ષ અને સત્તા પક્ષ પણ યુવાઓને રોજગારી મળે તેની વાતો કરતા આવ્યા છે.

તેમ છતાં ગુજરાતમાં રોજગારી મુદ્દે લૉકડાઉન અગાઉ આંદોલનો થયાં હોવાના સમાચારો પણ આવતા હોય છે.

અને સોશિયલ મીડિયામાં પણ બેરોજગાર યુવાઓ સરકાર પાસે નોકરીઓની માગણી કરતા રહે છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો