ગુજરાતીઓએ સસ્તી થાળી અને પેટીએમના નામે કેવી રીતે ગુમાવ્યા લાખો રૂપિયા?

  • રૉક્સી ગાગડેકર છારા
  • બીબીસી સંવાદદાતા
સાયબર ક્રાઇમ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં સાયબર ફ્રૉડના ગુનાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે અને તેમાં ગુજરાતીઓ લાખો રૂપિયા ગુમાવી ચૂક્યાં છે.

2020ના પ્રથમ 8 મહિનામાં જ સાયબર ફ્રૉડમાં એકલા અમદાવાદમાં લોકોએ અલગઅલગ છેતરપિંડીમાં આશરે 58 લાખ રૂપિયા ગુમાવ્યા છે.

તેની સામે 2019ના સમગ્ર વર્ષ દરમિયાનનો આ આંકડો માત્ર 1.29 લાખનો હતો. એટલે કે સાદી રીતે સમજીએ તો કોરોના વાઇરસની મહામારી વચ્ચે ગુજરાતમાં સાઇબર ફ્રૉડની સંખ્યા વધી છે.

ગુનેગારો દ્વારા અપનાવવામાં આવતી વિવિધ ટેકનિકમાં લોકો પોતાના નાણાં ગુમાવી રહ્યા છે.

લૉકડાઉનને કારણે વધ્યા ગુના?

ઇમેજ સ્રોત, Getty Images

નિષ્ણાતોનું માનવું છે કે, આ ગુનાઓ વધવાના કારણોમાં લૉકડાઉને ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

આ વિશે બીબીસી ગુજરાતીએ જ્યારે સાઇબર ક્રાઇમ સેલના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ જે. એમ. યાદવ સાથે વાત કરી હતી તો તેમણે કહ્યું હતું કે લૉકડાઉન દરમિયાન ઇકૉનૉમિક ઑફેન્સમાં ઘણા લોકો સાથે ફૂડ એપ્સને માધ્યમ બનાવીને છેતરપિંડી થઈ છે. તે ઉપરાંત બીજી નવી નવી મૉડસ ઑપરેન્ડી વાપરીને પણ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે.

એક એવી વાત પણ છે રાજ્ય અને કેન્દ્ર સરકારે સાયબર ક્રાઇમને લગતી ફરિયાદો નોંધવાની પ્રક્રિયા સરળ કરી દીધી હોવાને કારણે પણ ગુના નોંધાવાની સંખ્યામાં વધારો થયો છે.

જેમ કે 2019માં સમગ્ર વર્ષ દરમિયાન 37 ઇકૉનૉમિક ઑફેન્સિસ નોંધાયા હતા, પરંતુ 2020ના પ્રથમ 8 મહિનામાં જ અમદાવાદ શહેરમાં 37 ઇકૉનૉમિક ઑફેન્સિસ નોંધાઈ ચૂક્યા છે.

આવી જ રીતે ઑનલાઇન સાયબર હૅકિંગ, ઑનલાઈન સોશિયલ મીડિયાને લગતા ગુનાઓ વગેરે જેવા લગભગ 68 ગુનાઓ 2019માં નોંધાયા હતા.

જેની સંખ્યા આ વર્ષે ઑગસ્ટ 2020 સુધી 88 પર પહોંચી ચૂકી છે. એટલે કે સાયબર ક્રાઈમમાં દરેક પ્રકારના ગુનામાં આ વર્ષે અમદાવાદ શહેરમાં વધારો થયો છે.

વીડિયો કૅપ્શન,

દક્ષિણ કોરિયામાં ડિજિટલ સેક્સ ક્રાઇમનો શિકાર બનતી યુવતીઓ

કેવી રીતે લોકોનાં નાણાં પડી જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્યમાં અનેક લોકોએ ઑનલાઇન પોતાનાં નાણાં ગુમાવ્યાં છે. હૅકરોએ નાણા પડાવવા માટે નવી નવી તરકીબો અપનાવવાની શરૂ કરી છે.

મોટા ભાગના ગુનાઓ કોઈ લાલચો આપીને કે જાહેરાતોમાં ફસાવીને આચરવામાં આવે છે.

ઑનલાઇન સ્કિમ કે જાહેરાતની લિંક આપવામાં આવે છે અથવા લોકોને ફોન કૉલ દ્વારા કાર્ડ અને ખાતાની માહિતી માગવામાં આવે છે.

ઘણી વખત ખોટી વેબસાઇટ પર નાણાની ચુકવણી કરાવીને પણ પૈસા પડાવી લેવામાં આવે છે.

જોકે, ગુજરાતમાં આરોપીઓ હવે ગુજરાતી થાળી, પેટીએમ અને ટ્રેડિંગના નામે પૈસા પડાવી રહ્યા છે.

ફૂડ ઍપ્સ દ્વારા નાણાં પડાવાય છે

સામાન્ય રીતે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર સર્ફ કરતાં એવી અનેક જાહેરાતો જોવા મળે છે, જેમાં અમદાવાદની કોઈ મોટી રેસ્ટોરાંની થાળી વગેરે ખૂબ જ સસ્તા ભાવે મળે છે.

સસ્તા ભાવ અને ડિસ્કાઉન્ટવાળી જાહેરાતો મોટા ભાગે લોકોને આકર્ષતી હોય છે.

જે. એમ. યાદવના કહેવા પ્રમાણે, "લોકો જ્યારે આ પ્રકારની જાહેરાત જુએ ત્યારે તેઓ લલચાઈ જાય છે અને તે લિંક ઉપર ક્લિક કરે છે."

"તે ઑર્ડર લેતી વખતે લોકો તેમાં બતાવેલાં અમુક નાણાં પણ ચૂકવી દે છે. ખરેખર તો એવું થતું હોય છે કે તે એક ફ્રૉડ લિંક હોય છે."

"તેના પૈસા રેસ્ટોરાં સુધી નથી જતા અને લોકો છેતરાઈ જાય છે."

પેટીએમના નામે નાણાંની ઉચાપત

ઇમેજ સ્રોત, TWITTER/PAYTM

સાયબર ક્રાઇમ પાસે એવી પણ ફરિયાદો આવી છે કે જેમાં PAYTM KYC ને અપડેટ કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી થઈ હોય.

જેમ કે સાયબર ક્રાઇમને મળેલી એક ફરીયાદ પ્રમાણે એક વ્યક્તિને મૅસેજ મળ્યો હતો કે - Dear Customer your PYATM wallet has been blocked and hold your amount please complete your PYATM KYC contact customer care 8509375504. - (એટલે કે તમારું પેટીએમ વૉલેટ બ્લૉક કરી દેવામાં આવ્યું છે, પહેલાં તમારું કેવાયસી પૂરું કરો, આ નંબર પર સંપર્ક કરો.)

આ પ્રકારનો મૅસેજ આવતા જ્યારે તે વ્યક્તિએ આ નંબર પર ફોન કર્યો તો તેમનાથી તેમની પાસેથી કાર્ડની વિગત માંગી.

એ વ્યક્તિએ પોતાના કાર્ડની વિગત આપી દીધી અને એ સમયે તેના ખાતામાંથી 98,000 રૂપિયા ઊપડી ગયા.

જોકે, આ ફરિયાદ નોંધાયા બાદ, સાયબર ક્રાઇમની ટીમે આરોપીએને પકડી પાડ્યા અને જાણવા મળ્યું હતું કે દેશભરમાં અનેક લોકોને આ આરોપીઓએ આવી જ રીતે છેતરીને તેમના બૅંક ખાતામાંથી નાણાં ઉપાડી લીધાં હતાં.

પોલીસે આ મામલે અમદાવાદમાં રહેતા સોહિલખાન પઠાણની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી મોબાઈલ ફોન વગેરે જપ્ત કર્યાં હતા.

સાયબર ક્રાઇમના એક પોલીસ અધિકારી પ્રમાણે આ ગુના માટે આરોપીએ ટીમ વ્યૂવર સૉફ્ટવેર ડાઉનલોડ કરાવીને સ્ક્રીન શેર કરીને ફરિયાદીની વિગતો મેળવી હતી.

ટ્રેડિંગના બહાને પૈસાની ઉચાપત

ઇમેજ સ્રોત, Getty Images

New concept one time deposit monthly earn 3 lac to Rs 4 lac with the help of software call now for live demo 9638967301 એટલે કે માત્ર એક વખત ડિપોઝીટ કરીને મહિને 3થી 4 લાખ એક સૉફ્ટવેરની મદદથી કમાણી કરો, લાઇવ ડેમો માટે આપેલાં ફોન નંબર પર સંપર્ક કરો.

આ પ્રકારનો મૅસેજ જોતા અમદાવાદમાં રહેતી એક મહિલાએ તેમનો સંપર્ક કર્યો હતો.

આરોપીઓએ તેમને વિશ્વાસમાં લઈ લીધાં METATRADER5 નામના એક સૉફ્ટવેરની મદદથી એક પાસવર્ડ જનરેટ કરીને આ મહિલાને રૂપિયા 2.35 લાખ બૅંકમાં જમા કરાવવાનું કહેવામાં આવ્યું.

તેમણે તે પૈસા જમા કરાવતા તેમની સાથે છેતરપિંડી થઈ હતી. જોકે આ ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

લોકો આ રીતે પણ નાણાં ગુમાવે છે

ઇમેજ સ્રોત, Getty Images

-અમદાવાદના એક રહેવાસી કલ્પેશ પટેલ પર તેમનો ધંધો વધારવા માટે અમેરિકાથી કેમિકલ વેચવા માટે એક ફોન આવ્યો હતો.

તેમને એવું કહેવામાં આવ્યું હતું, કે તેમને ઓછા ભાવે કેમિકલ મળશે, જે તેઓ દવાની ફૅક્ટરીઓને પહોંચાડી શકે છે.

આ માટે તેમણે પહેલાં રૂપિયા 5.5 લાખ અને ત્યારબાદ 14.62 લાખ એમ બે વખત રૂપિયા જમા કરાવ્યા હતા.

જોકે પહેલી વખત તેમને કેમિકલની ડિલિવરી મળી હતી, પરંતુ બીજી વખત ડિલિવરી મળી ન હતી.

-35 વર્ષનાં એક મહિલાએ પોતાનું આધારકાર્ડ અપટેડ કરવા માટે એક લિંક પર ક્લિક કરી તો તેમને 10 રૂપિયા જમા કરવા માટે કહેવામાં આવ્યું હતું, જોકે ત્યારબાદ તેમનાં ખાતામાંથી 5,000 રૂપિયાની ઉચાપત થઈ ગઈ હતી.

-અમદાવાદમાં રહેતી એક મહિલાને એક ફોન આવ્યો હતો કે તેમના સિમકાર્ડને અપડેટ કરવાની જરૂરિયાત છે.

તેમણે એક મૅસેજના રિપ્લાયમાં Y લખવામાં કહેવામાં આવ્યું હતું. તેમણે જ્યારે આવું કર્યું તો તેમના ખાતામાંથી 2 લાખથી વધુની રકમ ઊપડી ગઈ હતી અને તેમના નામે 5.80 લાખની લૉન પણ લઈ લેવામાં આવી હતી.

ઑનલાઇન ફ્રૉડની ફરિયાદ કઈ રીતે કરવી?

ઇમેજ સ્રોત, Gujarat cyber cell

આ માટે પોલીસ હેલ્પલાઇન નંબર 100 પર ફોન કરી કરીને ફરિયાદ કરી શકાય છે.

એ બાદ ઑનલાઇન સિસ્ટમ મારફત પોલીસ ફરિયાદની વિગત 'સાયબર આશ્વસ્ત' નામની રાજ્ય સરકારની સાઇબર સેલમાં અપડેટ કરે છે.

આ સાઇબર સેલમાંથી ફરિયાદને ફોન આવે છે અને ફરિયાદની વિગત જાણવાનો પ્રયાસ કરાય છે.

એ બાદ જો પૈસાની લેતીદેતીનો મામલો હોય તો તત્કાલ પોલીસ ફરિયાદનું બૅન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવી દે છે.

સાયબર ક્રાઇમ સેલના ડીસીપી અમિત વસાવા આ અંગે જણાવે છે, "વર્ષ 2020માં (ચાલુ વર્ષે) ગુજરાતભરમાંથી આર્થિક ગુનાખોરીના 16600 જેટલા ફોનકૉલ આવ્યા હતા. જેમાંથી પોલીસે 2750 જેટલા કેસમાં તત્કાલ કામગીરી કરીને આશરે છ કરોડ રૂપિયા જેટલી માતબર રમત પરત મેળવી છે."

સાઇબર ક્રાઇમ સેલના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ, અમીત વસાવા બીબીસી ગુજરાતીના માધ્યમથી લોકોને અપીલ કરતા કહે છે:

"જો કોઈને લાગે કે તેમની સાથે કોઈ ઑનલાઈન ફ્રૉડની ઘટના ઘટી છે. થયો છે તો તુરંત જ પોલીસની મદદ લે."

"સાયબર ક્રાઈમના ગુનામાં પોલીસને જેટલી જલદી માહિતી આપવામાં આવશે પોલીસ એટલી જ સારી રીતે તપાસ કરીને તમારા પૈસાને પાછા તમારા સુધી પહોંચાડી શકશે."

તેમણે એ પણ કહ્યું કે કોઈ પણ અજાણી લિંક પર ક્યારેય ક્લિક ન કરવું.

"યુવાનોને વિનંતી છે કે તેઓ કોઈ પણ પ્રકારના સાયબર બુલિંગના ગુનામાં ન સંડોવાય કારણ કે જો કોઈ આવું કરશે તો પોલીસ તેમના સુધી પહોંચી જ જશે."

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો