ચીને ઍપ પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણય પર વાંધો ઉઠાવ્યો

ચીન એપ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ચીને ભારતની 118 ચીની ઍપ્સ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે.

ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ' અનુસાર ચીનના વાણિજ્યમંત્રાલયના પ્રવક્તા ગાઓ ફેંગે ગુરુવારે એક પ્રેસ બ્રિફિંગમાં આ નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી છે.

પ્રવક્તાએ આરોપ લગાવ્યો છે કે ભારત 'રાષ્ટ્રીય સુરક્ષા'ના વિષયનો દુર્વ્યવહાર કરી રહ્યું છે અને ભારતનું આ પગલું વિશ્વ વ્યાપાર સંગઠન (ડબ્લ્યુટીઓ)ના નિયમોનું ઉલ્લંખન કરે છે.

તેમણે કહ્યું કે ચીનની સરકાર હંમેશાં ચીની કંપનીઓને આંતરરાષ્ટ્રીય નિયમો અને સ્થાનિક કાયદાનું પાલન કરવા માટે કહે છે.

પ્રવક્તા ગાઆ ફેંગે કહ્યું, "ભારતની કાર્યવાહીથી ન માત્ર ચીની રોકાણકારો અને સેવા પૂરી પાડનારાનાં કાયદાકીય અધિકારો અને હિતોનું ઉલ્લંઘન થાય છે પણ આનાથી ભારતીય ગ્રાહકોનાં હિતોને પણ નુકસાન પહોંચે છે અને ભારતને એક મુક્ત અર્થતંત્રમાં રોકાણ કરવાના માહોલને પણ અસર પડી શકે છે."

ગુજરાત : પિતાએ પબજી રમવાની ના પાડતા કિશોરે કરી આત્મહત્યા

ઇમેજ સ્રોત, EPIC GAMES/PUBG

ગુજરાતમાં એક પિતાએ પબજી રમવા પર પોતાના પુત્ર પર ગુસ્સો કરતાં 17 વર્ષના એક યુવકે કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે આણંદ જિલ્લાના સુરેલી ગામમાં રહેતા અને 11માં ધોરણમાં ભણતા છોકરાએ પબજી મામલે આત્મહત્યા કરી છે.

ઉમરેઠ પોલીસ સ્ટેશનના એસઆઈ પી. કે. સોઢાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે મંગળવારે બપોરે છોકરાએ પોતાના ખેતરમાં જંતુનાશક દવા પી લીધી હતી.

પી. કે. સોઢાએ કહ્યું, "છોકરાના પિતા શિક્ષક છે, તેઓ દીકરાને કલાકો સુધી મોબાઇલ પર પબજી રમવાને લઈને ખિજાયા હતા અને તેનો ફોન લઈ લીધો હતો."

તેમણે કહ્યું કે છોકરો એ વાતને લઈને પરેશાન હતો અને પોતાના ખેતરમાં જઈને જંતુનાશક દવા પી લીધી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે પરિવારજનોને છોકરાએ જંતુનાશક દવા પીધી છે તેની ત્યારે ખબર પડી જ્યારે તે ઘરે આવીને ઉલટી કરવા લાગ્યો.

જે બાદ તેને તુરંત હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મોત થઈ ગયું.

વડા પ્રધાન મોદીની વ્યક્તિગત વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ હૅક

ઇમેજ સ્રોત, TWITTER@NARENDRAMODI

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અંગત વેબસાઇટનો ટ્વિટર એકાઉન્ટ હૅક થયું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અંગત વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ હૅક થયું હોવાની ગુરુવારે ટ્વિટરે જાતે જ પુષ્ટિ કરી છે.

હૅક કરાયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંબંધિત ટ્વિટર હૅંડલ @narendramodi_in વડે તેમના ફૉલોઅર્સને વડા પ્રધાન રાહત કોષમાં ક્રિપ્ટોકરન્સી મારફતે ફાળો આપવાની અપીલ કરાઈ હતી.મીડિયા રિપોર્ટો પ્રમાણે ગુરુવારે વહેલી સવારે સવા ત્રણ વાગ્યે હૅકિંગની આ ઘટનાને અંજામ અપાયો હતો.

સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે આ પહેલાં જુલાઈમાં ઘણા જાણીતા લોકોના ટ્વિટર એકાઉન્ટ હૅક કરાયાં હતાં.

સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટરે રૉયટર્સને મોકલેલા પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેબસાઇટનું ટ્વિટર હૅન્ડલ હૅક થયું હોવાની જાણકારી છે અને સુરક્ષા માટેનાં પગલાં પણ લેવાયાં છે.

ટ્વિટરે કહ્યું, "અમે સક્રિયપણે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. હાલ અન્ય ટ્વિટર હૅન્ડલ પ્રભાવિત થયાની કોઈ જાણકારી નથી મળી."

નરેન્દ્ર મોદી મોબાઇલ ઍપ અને તેમની અંગત વેબસાઇટના ટ્વિટર હૅન્ડલને 25 લાખ કરતાં વધુ લોકો ફૉલો કરે છે.

ગુજરાતમાં અકસ્માતમાં યુવાનોનાં વધુ મોત

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં વર્ષ 2019માં અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં 3.3 ટકાનો ઘટાડો નોંધાયો છે.

નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો (NCRB)ના રિપોર્ટ અનુસાર રાજ્યમાં વર્ષ 2019માં અકસ્માત મૃત્યુ અને આત્મહત્યાના 23,190 કિસ્સા નોંધાયા હતા. જેની સંખ્યા વર્ષ 2018માં 24,714 હતી.

નિષ્ણાતોને મતે આ ઘટાડાનું કારણ માર્ગ અકસ્માતમાં ઘટાડો છે.

નોંધનીય છે કે તાજેતરના રિપોર્ટ અનુસાર રાજ્યમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોમાં મોટા ભાગના લોકો યુવાન હતા.

રાજ્યમાં નોંધાયેલાં કુલ અકસ્માતમાં થયેલાં મૃત્યુ પૈકી 57.6 ટકા મૃત્યુ 18થી 45 વર્ષની વયજૂથવાળી વ્યક્તિઓનાં હતાં.

ગુજરાતના ખેડૂતોને થયેલા પાકનું નુકસાન કેવી રીતે મળશે?

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર બુધવારે ગુજરાત સરકારની કૅબિનેટ મિટિંગ યોજાઈ હતી.

જેમાં રાજ્યમાં પડેલ અનરાધાર વરસાદના કારણે પાકમાં થયેલી નુકસાનીના વળતર અંગે ચર્ચા-વિચારણા થઈ હતી.

કૅબિનેટે ખેડૂતોને નુકસાનનું વળતર રાજ્ય ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફંડમાંથી ચૂકવવવાનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા અપાયેલ માહિતી અનુસાર રાજ્યમાં ખેડૂતોના પાકને થયેલ નુકસાનની આકારણી 15 દિવસમાં પૂરી કરી લેવાયા બાદ વળતરની ચૂકવણી કરાશે.

જે ખેતરોમાં પાણી ઘટ્યાં છે ત્યાં સર્વેની કામગીરી ચાલુ કરી દેવાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.

રાજ્ય સરકારની જાહેરાત અનુસાર જે ખેડૂતોને 33 ટકા કે તેથી વધુ નુકસાન થયું હશે તેમને જ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફંડમાંથી નુકસાનીનું વળતર ચૂકવાશે.

શ્રેય હૉસ્પિટલ અગ્નિકાંડની CBI તપાસની માગ

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે 6 ઑગસ્ટના રોજ અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલ આઠ દર્દીઓના પરિવારો દ્વારા ઘટનાની CBI તપાસ કરાવવાની માગ કરાઈ છે.

આ સિવાય મૃતકોના પરિવારજનોએ દોષિતો વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ 302 અને 304 ઉમેરવાની પણ માગ કરી છે.

ગુજરાત હાઈકોર્ટના વકીલ સુહેલ તીરમીઝી, જેમનાં પત્ની પણ આ અગ્નિકાંડમાં મૃત્યુ પામ્યાં હતાં.

તેમણે કહ્યું કે, “અમારું માનવું છે કે આ ઘટનાની તપાસ યોગ્ય રીતે નથી કરાઈ રહી, તેથી અમે આ કેસની તપાસ CBIને સોંપવાની માગણી કરી રહ્યા છીએ."

"અમે આ અંગે રાજ્યના મુખ્ય મંત્રી, વડા પ્રધાન અને ગુજરાત રાજ્યના DGPને દરખાસ્ત કરી છે.”

પાકિસ્તાને ટિન્ડર સહિત અન્ય ચાર ડેટિંગ ઍપ્સ પર પ્રતિબંધ લાદ્યો

પાકિસ્તાને ‘અનૈતિક કન્ટેન્ટ’ના પ્રસારનો હવાલો આપીને ટિન્ડર, ગ્રિન્ડર અને અન્ય ડેટિંગ ઍપ્સ પર પ્રતિબંધ લાદ્યો છે.

નોંધનીય છે કે પાકિસ્તાની સરકાર દ્વારા ટિન્ડર, ગ્રિન્ડર, ટૅગ્ડ, સ્કાઉટ અને સેહાઇને ડેટિંગ સર્વિસ હઠાવવા માટે નોટિસ જારી કરાઈ છે.

વિશ્વના બીજા ક્રમના મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ, પાકિસ્તાનમાં લગ્નેત્તર અને સજાતીય સંબંધો ગેરકાયદેસર છે.

જોકે, પાકિસ્તાનના ઇન્ટરનેટ રેગ્યુલેટરનું કહેવું છે કે કંપનીઓએ સમયમર્યાદામાં જવાબ નહોતો આપ્યો.

પાકિસ્તાની ટેલીકૉમ્યુનિકેશન ઑથોરિટીના પ્રવક્તાએ બીબીસી ઉર્દૂને સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “જો સંબંધિત ઍપ્સ આ પ્લૅટફૉર્મ પરથી અનૈતિક અને અશ્લીલ કન્ટેન્ટ હઠાવવા માટે રાજી થઈ જશે તો આ પ્રતિબંધ અંગેના નિર્ણય પર ફેરવિચારણા કરી શકાય છે.”

અલેક્સી નવેલની : રશિયાના વિપક્ષી નેતાને ઝેર અપાયાનો દાવો

ઇમેજ સ્રોત, Reuters

બીબીસી ન્યૂઝ હિંદીના એક અહેવાલ અનુસાર જર્મન સરકાર દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે રશિયાના વિપક્ષી નેતા અલેક્સી નવેલનીને નોવિચોક નર્વ એજન્ટ દ્વારા ઝેર અપાયું હતું.

જર્મન સરકારના નિવેદનમાં કહેવાયું છે કે એક સૈન્ય લૅબોરેટરીમાં થયેલાં ટૉક્સિકોલૉજી પરીક્ષણોમાં નોવિચોક ગ્રૂપના એજન્ટની હાજરીના પાક્કા પુરાવા મળ્યા છે.

પાછલા મહિને એક વિમાનયાત્રા દરમિયાન તબિયત બગડવાને લીધે નવેલનીને ઇલાજ માટે બર્લિન લઈ જવાયા હતા. ત્યારથી તેઓ કોમામાં છે.

તેમના પ્રતિનિધિઓનો આરોપ છે કે નવેલનીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ પર ઝેર અપાયું હતું, આ આરોપોને રશિયા દ્વારા નકારી દેવામાં આવ્યા છે.

જર્મન સરકારનું કહેવું છે કે તેઓ આ હુમલાને કડક શબ્દોમાં વખોડે છે. તેમણે રશિયાના આ અંગે તાત્કાલિક સ્પષ્ટીકરણ કરવા જણાવ્યું છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો