ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ કોરોના પૉઝિટિવ

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
સી. આર. પાટીલ

ઇમેજ સ્રોત, FACEBOOK/C R PAATIL

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

આ પહેલાં કોરોનાના લક્ષણ દેખાતાં તેમને સારવારાર્થે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જોકે, ઍન્ટિજન રિપોર્ટ નૅગેટિવ આવ્યો હોવાનું જણાવી પાટીલે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનો દાવો કર્યો હતો. પણ સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર બુધવારે સાંજે તેમનો આરટી-પીસીઆરનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે પાટીલ કોરોનાગ્રસ્ત થયા હોવાની પુષ્ટિ કરતાં તેમના સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી છે.

તેમણે કહ્યું, "પાટીલ જલદી સાજા થઈ જાય અને કાર્યકરોને જોમ-જુસ્સો, ઉત્સાહ અને પ્રેરણા આપવા માટે જલદીથી અમારી વચ્ચે આવે."

ચૌહાણે એમ પણ કહ્યું કે કાર્યકરોની ઇચ્છાને માન આપીને પાટીલ તેમને મળી રહ્યા હતા તે દરમિયાન ક્યાંક ચેપ લાગી ગયો.

જુલાઈ મહિનામાં પાટીલને ગુજરાત ભાજપના અધ્યક્ષ નીમવામાં આવ્યા, ત્યારથી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં અનેક વખત તેમના કાર્યક્રમ દરમિયાન કોવિડ-19ની બીમારીને અટકાવવા સંબંધિત માર્ગદર્શિકાનો ભંગ થતો જોવા મળ્યો હતો.

આ દરમિયાન પાટીલ કે તેમના કાર્યક્રમોના આયોજકો સામે પોલીસ કે વહીવટીતંત્ર દ્વારા કોઈ કેસ દાખલ કરવામાં આવ્યા ન હતા.

કૉંગ્રેસે પાટીલના કાર્યક્રમોને 'સુપર સ્પ્રેડર' ગણાવી તેઓ વહેલી તકે સાજા થઈ જાય તેવી કામના કરી હતી.

મંગળવારે મળ્યા એંધાણ

ઇમેજ સ્રોત, Bhargav parikh

પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ મંગળવારે સવારે સી. આર. પાટીલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં 'શ્રીકમલમ્' ખાતે પાર્ટીના કાર્યાલયે ભાજપના યુવા મોરચાના કાર્યક્રમ નિર્ધારિત હતો.

ગુજરાત ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. ઋત્વિજ પટેલ, ગુજરાતમાં સંગઠનના મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા તથા પ્રદેશના મહામંત્રી કે. સી. પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા. આ કાર્યક્રમમાં અન્ય તમામ નેતા હાજર રહ્યા હતા, પરંતુ સી. આર. પાટીલ હાજર રહ્યા ન હતા, જેના કારણે અટકળો શરૂ થઈ ગઈ હતી.

સી.આર. પાટીલને કોવિડ-19ના ચેપની આશંકાએ અમદાવાદમાં પાર્ટીના મુખ્યાલય નજીક આવેલી અપૉલો હૉસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમનો કોરોના ઍન્ટિજન રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો, પરંતુ RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ મંગળવારે સાંજે કે બુધવારે આવે તેવી શક્યતા છે.

દરમિયાન પ્રાથમિક રિપોર્ટ્સના આધારે તેમની સારવાર ચાલુ કરી દેવામાં આવી છે. પાટીલની તબિયત અંગે પૃચ્છા કરતા ભાજપના પદાધિકારીઓ તથા નજીકના લોકોએ 'કોરોના પૉઝિટિવ નહીં, પરંતુ લક્ષણ હોવા'ની વાત કહી હતી.

મંગળવારે સાંજે તેમણે ટ્વીટમાં લખ્યું

"મારી તબિયત સારી છે, ઍન્ટિજન રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે. RT-PCR રિપોર્ટ પૅન્ડિંગ છે. અત્યારે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું."

ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા, અમદાવાદની બેઠક ઉપરથી સંસદસભ્ય હસમુખ પટેલના કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા.

સોશિયલ ડિસ્ટન્સિંગથી 'છેટું'

પાટીલ નવસારીની બેઠક ઉપરથી ભાજપના સંસદસભ્ય છે અને સુરત તેમનું મહત્ત્વપૂર્ણ કાર્યક્ષેત્ર છે. જુલાઈમાં તેમને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા, તે પછી સુરત ખાતે તેમના અભિવાદનનો કાર્યક્રમ યોજાયો હતો.

નિમણૂક બાદ આ તેમનો પ્રથમ સાર્વજનિક કાર્યક્રમ હતો, પરંતુ તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થયું ન હતું, જેના કારણે ગણતરીની મિનિટોમાં કાર્યક્રમને સમાપ્ત કરવાની ફરજ પડી હતી.

ત્યારબાદ લગભગ દોઢ મહિના સુધી સી. આર. પાટીલે ગુજરાતનો પ્રવાસ ખેડ્યો.

આ દરમિયાન અનેક વખત તેમના જાહેર તથા પ્રમાણમાં નાના ખાનગી કાર્યક્રમમાં કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકાનો ભંગ થતો જણાયો, જે તેમની ટ્વિટર ટાઇમલાઇન ઉપર પણ જોઈ શકાય છે.

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા પ્રમાણે, જાહેર સ્થળોએ બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું એક મીટરનું અંતર જાળવવા, જાહેરસ્થળોએ માસ્ક પહેરવા, છીંક કે ઉધરસ ખાતી વખતે નાક તથા મોં આડે રૂમાલ રાખવા જેવી સૂચના આપવામાં આવી છે.

આ સિવાય 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને કારણ વગર ઘરની બહાર નહીં નીકળવાની તાકિદ તંત્ર દ્વારા કરવામાં આવે છે. પાટીલે 16મી માર્ચે 65 વર્ષ પૂર્ણ કર્યા હતા.

આ સિવાય ચોથા તબક્કાના અનલૉકની માર્ગદર્શિકા વિશે જાહેરાત કરતી વેળાએ તા. 21મી સપ્ટેમ્બરથી 100 લોકોની ટોચમર્યાદા સાથે રાજકીય, સાંસ્કૃતિક, સામાજિક તથા ધાર્મિક આયોજનોની મંજૂરી આપી હતી, પરંતુ સુરત ખાતેના પ્રથમ જાહેરકાર્યક્રમથી લઈને ગત સપ્તાહના ઉત્તર ગુજરાતના પાટીલના કાર્યક્રમોમાં કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકાનો ભંગ થતો જોવા મળ્યો હતો.

આ અંગે પોલીસ તથા સ્થાનિક વહીવટીતંત્રને કાર્યવાહી કરવાની સત્તા હોવા છતાં તેમની કામગીરીમાં દરેક સ્થળે કચાશ જોવા મળી હતી.

'સુપરસ્પ્રેડર નમસ્તે ભાઉ'

ઇમેજ સ્રોત, Hardik Patel/twitter

પાટીલના કોરોના સંબંધિત રિપોર્ટ્સ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે દેશમાં કોરોના નહોતો ત્યારે અમદાવાદ ખાતે આયોજિત 'નમસ્તે ટ્રમ્પ' દ્વારા તથા હવે કોરોનાએ માજા મૂકી છે, ત્યારે 'નમસ્તે ભાઉ' કાર્યક્રમ સુપર સ્પ્રેડર સાબિત થયા છે.

પરમારે કહ્યું, "સુરત, સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં ભાજપના નેતાઓને કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે, તે જાણીને દુખ થયું. તેઓ જલદીથી સાજા થાય અને લોકસેવામાં લાગી જાય તેવી પ્રાર્થના."

"નેતાને સંક્રમણ થઈ રહ્યું હોવાથી તેની જાણ થાય છે, પરંતુ તેના દ્વારા સામાન્ય જનતાને લાગતા ચેપનું શું? પાર્ટી માટે લોકો કે સામાન્ય જનતા કરતાં સંગઠન તથા ચૂંટણી વધુ મહત્ત્વપૂર્ણ છે. એટલે મહેરબાની કરીને હવે સમજે તો સારું."

તેમણે ભાજપના કાર્યક્રમોને 'સંક્રમણથી સંગઠન' ફેલાવો કહ્યા હતા.

જોકે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ટ્વિટર ટાઇમલાઇન ઉપરની તસવીરોને જોવામાં આવે તો તેમાં પણ પ્રથમ દૃષ્ટિએ કોવિડ-19 સંબંધિત માર્ગદર્શિકાનો ભંગ થતો જણાય છે.

ગુજરાત પોલીસ કે સ્થાનિક વહીવટીતંત્રે તેમના કાર્યક્રમોમાં પણ પટેલ કે આયોજકો વિરુદ્ધ નોંધપાત્ર કાર્યવાહી કરી હોવાનું બહાર નથી આવ્યું.

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના ડેટા મુજબ, મંગળવારની સાંજની સ્થિતિ પ્રમાણે રાજ્યમાં 16 હજાર 482 ઍક્ટિવ કેસ છે. 85 હજાર 907 લોકો બીમારીથી સાજા થઈ ગયા છે, જ્યારે 3120 લોકોનાં મૃત્યુ થયાં છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો