ગુજરાતમાં કોરોના વાઇરસના દર્દીઓને ફરી કેમ ચેપ લાગી રહ્યો છે?

  • ભાર્ગવ પરીખ
  • બીબીસી ગુજરાતી માટે
કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદનાં લક્ષ્મીબહેન કાપડિયાને એપ્રિલ મહિનામાં કોરોના થયો અને સાજાં થઈને ઘરે ગયાં, પછી રૂટિનમાં જોડાઈ ગયાં, એમને એવું હતું કે હવે કોરોના ફરી નહીં થાય. પણ ચાર મહિના પછી કોરોનાએ ઊથલો માર્યો અને એ અત્યારે હૉસ્પિટલમાં ફરી કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.

આવું જ અમદાવાદના બીજા ત્રણ રેસિડેન્ટ ડૉક્ટર સાથે થયું છે. કોરોનામાંથી સાજા થયા પછી ફરી કામે વળગ્યા અને પછી ફરી તેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

અમદાવાદમાં આવી રીતે કોરોનાના દર્દીઓ સાજા થઈને ફરી એનો ભોગ બનતા હવે કોરોનાની ટ્રીટમેન્ટ આપતી ગુજરાતની કોર ટીમ સતર્ક થઈ ગઈ છે. અને આ કેમ બન્યું એના પર હવે સંશોધન કરી રહી છે.

આ સંશોધનનાં ચોંકાવનારાં તારણો આવી રહ્યાં છે કે કોરોનાથી એક વાર સાજા થઈ જાવ એટલે તમારામાં ઍન્ટિબૉડી બને અને ફરી તમે એનો ભોગ ના બનો એવું નથી, કોરોના ફરી તમારા પર હુમલો કરી શકે છે.

ઇસનપુરની શૅલોક હૉસ્પિટલમાં કોરોના વિભાગ હેડ ડૉક્ટર પ્રજ્ઞેશ વોરા અત્યારે લક્ષ્મીબહેન કાપડિયાનો ઇલાજ કરી રહ્યા છે.

કોરોનામાંથી સાજાં થયેલાં લક્ષ્મીબહેન અત્યારે દરેક ડૉક્ટર માટે મોટો કેસ સ્ટડી છે.

એમને વાત કરવાની મનાઈ છે, પણ એમની સારવાર કરી રહેલા અને ગુજરાતની કોવિડ રિસર્ચ ટીમના મેમ્બર ડૉક્ટર પ્રજ્ઞેશ વોરાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "લક્ષ્મીબહેન કાપડિયાને 18 એપ્રિલ, 2020ના દિવસે કોરોના થયો હતો. એમને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. એમની સફળ ટ્રીટમેન્ટ કરવામાં આવી."

"29 એપ્રિલે એમનો કોરોના ટેસ્ટ નૅગેટિવ આવ્યો અને એમને ડિસ્ચાર્જ કરી દીધાં. ત્યારબાદ એમને કોઈ તકલીફ નહોતી. એ સામાન્ય જીવન જીવી રહ્યાં હતાં. પણ સાડા ત્રણ મહિના પછી એમને 18 ઑગસ્ટે સામાન્ય તાવ આવ્યો અને હૉસ્પિટલમાં આવ્યાં. એમણે ફરી કોરોના ટેસ્ટ કરાવ્યો તો એ પૉઝિટિવ આવ્યો."

ફરી વાર કોરોના થવો તબીબો માટે નવાઈ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર પ્રજ્ઞેશ વોરા કહે છે કે કોરોનાના કેસમાં આ રીતે પૉઝિટિવ આવે એ નવાઈની વાત હતી એટલે અમે એક્સ્ટ્રા પ્રીકોર્શન લઈ એમની સારવાર શરૂ કરી છે.

તેઓ કહે છે, "એમના લોહીના નમૂના, નાક અને ગળામાંથી લીધેલાં સૅમ્પલને પૂના મોકલ્યાં છે. અને એનો અભ્યાસ શરૂ કર્યો છે કે વાઇરસના જિનોમ શું છે? વાઇરસનો સ્કેન બદલાયો છે કે નહીં એની તપાસ પણ વાયરૉલૉજી ડિપાર્ટમેન્ટમાં કરવા આવી રહી છે. આ બહેનમાં ઍન્ટિબૉડી બરાબર ડેવલપ નહીં થવાને કારણે પણ ફરી કોરોનાનો ઊથલો માર્યો હોય એવું બને."

"ઉપરાંત જે ત્રણ ડૉક્ટરને પણ કોરોનાનું રીકરન્સ (ઊથલો) માર્યો છે એમને પણ અંડર ઑબ્ઝર્વેશનમાં રાખી વાઇરસના સ્કેન અને જિનોમ બદલાય છે કે નહીં એની તપાસ કરી રહ્યા છીએ."

કોરોના ટીમના બીજા અગ્રણી ડૉક્ટર વી.એન. શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અમારું કોરોના પરનું રિસર્ચ ચાલુ જ છે, કારણ કે પરદેશમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાંથી 0.9 ટકા એટલે કે 1 ટકાથી ઓછું રીકરન્સ જોવા મળ્યું છે. પછી એ અમેરિકા હોય કે ઇટાલી, અહીં પણ રીકરન્સ જોવા મળતાં અમે કોરોનામાંથી સાજા થયેલા લોકો પર રિસર્ચ કરવાનું શરૂ કર્યું.

ડૉક્ટર વી.એન. શાહ કહે છે, "દરમિયાન આ ચાર કેસ આવ્યા છે. અમારો ડેટા બેઝ અને અમે કરેલા રિસર્ચ પરથી જોવા મળ્યું કે કોરોનામાંથી સાજા થયેલા લોકોના 24 દિવસ વીતી ગયા પછી 83 ટકા લોકોમાં ઍન્ટિબૉડી બની રહી હતી, પણ 17 ટકા લોકોમાં ફેફસાંમાં કાર્બન મૉનોક્સાઈડ જોવા મળ્યો હતો. એટલું જ નહીં અમારા સ્ટડીમાં 22 ટકા લોકોને ફેફસાંની તકલીફ દેખાઈ છે."

તેઓ વધુમાં કહે છે કે "અમે આ બીમારીને ગંભીર ગણીને રિસર્ચ શરૂ કર્યું, જેના ભાગરૂપે કોરોનામાં અવસાન પામેલા બે લોકોના પૉસ્ટમોર્ટમ કર્યાં, જેમાં પ્રાથમિક તબક્કામાં અમને ખબર પડી કે એ ફેફસાં, કિડની અને હૃદય પર વધુ અસર કરે છે."

"બે પૉસ્ટમોર્ટમના આધારે કોઈ તારણ પર ન પહોંચી શકાય, પણ કોરોનાના દર્દીને બચાવવા માટે આ ત્રણ અંગો પર અમારે ખાસ ધ્યાન આપવું પડશે. વાયરૉલૉજી ડિપાર્ટમેન્ટ પૂનામાં વધુ સંશોધન માટે સૅમ્પલ મોકલી આપ્યાં છે, પણ આ રોગ નવો છે એટલે આ સંશોધન ભવિષ્ય માટે કામ લાગશે."

ચાર કેસ પર સંશોધન ચાલુ

કોરોના ટીમના ફેફસાંના રોગોના નિષ્ણાત ડૉક્ટર તુષાર પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે કોરોના વખતે પરમોનરી એમ્બોલિઝમ થાય એ ઘાતક હોય છે, પણ અત્યારે અમારી પાસે જે કેસ આવ્યા છે એના પર સંશોધન કરી રહ્યા છીએ.

ડૉક્ટર તુષાર પટેલ કહે છે કોરોનામાંથી સાજા થયેલા લોકો પર ફરીથી કોરોના ઊથલો મારે છે, ઍન્ટિબૉડી બરાબર ના બન્યા હોય એવા કેસમાં આવું થાય છે.

તેઓ વધુમાં જણાવે છે, "અમારા પ્રાથમિક સંશોધનમાં બહાર આવ્યું હતું કે ઍન્ટિબૉડી બધામાં ડેવલપ થાય છે એવું નથી, પણ કોરોના વખતે ઍન્ટિબૉડી ઓછા બન્યા હોય પછી એમને કોરોના ફરી ઊથલો મારે છે, પણ એ ઝડપથી ખબર પડી જાય છે."

"અત્યારે જે ચાર કેસ આવ્યા એમાં અમે સંશોધન કરી રહ્યા છીએ, પણ એમાં અમને કોરોનાના ઊથલો મારેલા કેસ એટલા ગંભીર જણાયા નથી, એ ફરી સારા થઈ શકે એમ છે. પણ આ ચાર કેસ એવા છે કે કોરોનાએ ઊથલો માર્યો છે ત્યારે એમના ઍન્ટિબૉડી કેટલા સમયમાં ઘટ્યા એ સંધોધન કરી રહ્યા છીએ અને વાઇરસના જિનોમમાં ફર્ક આવ્યો છે કે કેમ એની પર કામ કરી રહ્યા છીએ."

તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ વડા ડૉક્ટર દિલીપ માવળંકરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે કોરોનાનો ફરી ઊથલો મારવા પાછળનું મુખ્ય કારણ પ્રાથમિક સંશોધનમાં ઇમ્યુનિટી ઓછી થાય તો થતું હોય છે.

તેઓ કહે છે, "ઘણી વખત એવું બનતું હોય છે કે શરીરમાં માઇલ્ડ ઇન્ફેક્શન હોય અને એ બે કે ત્રણ મહિને ફરી ઊથલો મારે એવું બને તો પણ કોરોનાનો બીજો હુમલો થઈ શકે, જેને અમે પસીસ્ટન ઇન્ફેક્શન કહીએ છીએ જે બે ત્રણ મહિના સુધી ના દેખાય અને પછી એનો ઊથલો મારે."

"અમારા પ્રાથમિક સંશોધનમાં એવું દેખાઈ રહ્યું છે, પણ બીજો સ્ટેન પણ હોઈ શકે, જેમ કે ડેન્ગ્યુમાં ચાર પ્રકારના વાઇરસ હોય છે. એકમાંથી ના થાય તો બીજાના કારણે થઈ શકે. આ ઉપરાંત ઍન્ટિબૉડી ડેવલપ થયા પછી કોઈ કારણસર ઘટી ગઈ હોય તો પણ આવું બની શકે. હજુ આના પર સંશોધન કરી રહ્યા છીએ એટલે આ બધા પાસાં ચકાસી રહ્યા છીએ, કારણ કે આ નવો વાઇરસ છે."

'ફરી કોરોના ન થાય એમ માનવાની જરૂર નથી'

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

કોરોના પર સંશોધન કરી રહેલી ટીમના કૅન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર શશીકાંત પંડ્યા બીબીસી સાથેની વાતચીત કહે છે કે "જે ઍસિમ્ટોમેટિક હોય અને સાજા થઈ ગયા હોય એમને એવું હોય કે એમના શરીરમાં ઍન્ટિબૉડી ડેવલપ થયા છે અને ના થયા હોય તો પણ આવું બની શકે છે, પણ અમે એમનાં સૅમ્પલ પૂના મોકલ્યાં છે. વાઇરૉલૉજી વિભાગના રિપોર્ટ આવ્યા પછી અમે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકીશું."

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓક્યુપેશનલ હેલ્થ વિભાગના વડા ડૉક્ટર કમલેશ સરકારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ઘણા કેસમાં ઍન્ટિબૉડી નીચે જાય ત્યારે કોરોના ફરી ઊથલો મારી શકે છે.

ડૉક્ટર કમલેશ સરકાર કહે છે કે અમે ડેટા બેઝ તૈયાર કરી રહ્યા છે, જેમાં ઘણા લોકો બ્રેઇન સ્ટ્રૉક આવવો, ફેફસાંમાં તકલીફને કારણે ઑક્સિજન ઓછો જવાથી મગજ પર પણ અસર થતી જોવા મળી છે.

"ઘણાની યાદશક્તિ ઓછી થાય છે, સ્વાદ જતો રહે છે, સૂંઘવાની તાકાત જતી રહી છે, આ બધી વસ્તુઓ કેમ થાય છે એ સમજવા માટે કોરોનાના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ શરૂ કર્યું છે, જેના કારણે એની અસર કયા ભાગ પર કેવી રીતે થઈ રહી છે એ ખબર પડશે."

"અલબત્ત, આ ખૂબ જ જોખમી કામ છે, કારણ કે એ સમયે ડૉક્ટર વાઇરસથી વધુ નજીક હોય છે, પણ આ અભ્યાસ પણ એટલો જ જરૂરી છે."

"તમે વિચારો કે જે ચાર લોકોમાં કોરોનાએ ઊથલો માર્યો છે, એમાં એક સામાન્ય વ્યક્તિ છે અને ત્રણ ડૉક્ટર છે. જે ડોક્ટર કોરોનાથી સાજા થયા છે એ કોરોનાના દર્દીઓ વચ્ચે વધુ રહે છે. લાંબો સમય ડ્યુટી કરવાથી ઘણી વખતે એમને સંક્રમણ લાગી જાય છે એટલે કોરોના ફરી ઊથલો મારે છે."

ડૉક્ટર કમલેશ સરકાર અનુસાર, અત્યારે જે બે બૉડીના પોસ્ટમૉર્ટમ થયાં છે, એમાં મુખ્યત્વે એ જોવા મળ્યું છે કે કોરોના ફેફસાં પર વધુ અસર કરે છે.

તેઓ કહે છે કે ફેફસાંમાં અસર થવાથી મગજ, હૃદયને ઑક્સિજન પૂરતો મળતો નથી, જેના કારણે ન્યુરો પ્રોબ્લેમ થાય છે અને હૃદય અને કિડની પર પણ અસર કરે છે.

ડૉક્ટર કમલેશ સરકાર વધુમાં જણાવે છે કે "કોરોનામાં લોહી ગંઠાઈ જાય છે જેથી મગજ પર પણ અસર થાય છે. ઘણાને કોરોનામાં વધુ અસર હોય તો પેટમાં દુખાવો થાય છે અને કેટલીક વાર શૌચક્રિયામાં પણ વાઇરસ નીકળે છે. એના પર માખી બેસે તો પણ ફેલાય છે, પણ એનું પ્રમાણ ઘણું ઓછું મળ્યું છે."

"આ વાઇરસ નવો છે એટલે સંશોધન ચાલુ છે પણ ઍન્ટિબૉડી થવાને કારણે બીજી વાર કોરોના ના થાય એ વાતમાં દમ નથી. ઍન્ટિબૉડી કેટલો સમય શરીર પર અસર કરે છે એ અગત્યનું છે. આ ચાર કેસ બતાવે છે કે ઍન્ટિબૉડી લાંબો સમય કામ કરતી નથી એટલે ફરી કોરોના ઊથલો મારે છે."

"આ ચાર કેસ સ્ટડીને ધ્યાનમાં રાખી કોરોનામાં કયાં અંગો પર વધુ ધ્યાન આપવું એ નક્કી કરી શકાશે. પણ એક વાત તો નક્કી છે કે કોરોનામાંથી સાજા થાવ એટલે ફરી કોરોના નહીં થાય એવું માનવાની જરૂર નથી."

વીડિયો કૅપ્શન,

કોરોના વાઇરસ N-95 : આખરે કયો માસ્ક આપે છે સુરક્ષા?

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો