બૅડબૉય બિલેનિયર : રામલિંગા રાજુનું 'સત્યમ સ્કૅમ' શું હતું?

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
રામલિંગા રાજુ (વચ્ચે). ચૅક્સ શર્ટ અને ચશ્માં સાથે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

રામલિંગા રાજુ (વચ્ચે). ચૅક્સ શર્ટ અને ચશ્માં સાથે

"વાસ્તવમાં જેટલો નફો હતો, તેના કરતાં થોડો વધારે ચોપડે દેખાડવાથી શરૂ થયું હતું. જે વર્ષોથી ચાલી રહ્યું હતું. આ બધું વાઘની સવારી જેવું હતું. તે ખાઈ ન જાય અને ઊતરી પણ ન શકાય એવું."

નવમી જાન્યુઆરી-2009ના 'સત્યમ કમ્પ્યૂટર્સ'ના ચૅરમૅન બી. રામલિંગા રાજુએ હૈદરાબાદમાં પત્રકારપરિષદ સંબોધી અને તેમાં કંપનીના આંકડામાં હેરફેર કરવાની વાત સ્વીકારી; રાજુએ માફી માગી અને પોતાના પદ ઉપરથી રાજીનામું ધરી દીધું.

દેશની ચોથા ક્રમાંકની સૉફ્ટવૅર કંપનીના નિવેદનથી દેશના આર્થિક, ઇન્ફર્મેશન ટેકનૉલૉજીના ક્ષેત્રે, રાજકીય તથા સ્ટૉક માર્કેટનાં વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો.

ઓવર-ધ-ટૉપ મીડિયા સર્વિસ પ્રોવાઇડર 'નેટફ્લિકસ' ડૉક્યુસિરીઝ 'બૅડબૉય બિલિયોનેર - ઇન્ડિયા' રજૂ કરવા માગે છે, જેમાં 'સત્યમ સ્કૅમ' તથા અન્ય કૌભાંડોનો ઉલ્લેખ છે.

'વર્ષોથી વાઘની સવારી'

રાજુ સૉફ્ટવૅર એંજિનિયર ન હતા, પરંતુ આંકડાની ઇંદ્રજાળ કેવી રીતે રચવી તેનો 'કૉડ' તેમણે બરાબર રીતે તોડી લીધો.

અમેરિકામાં 'લેહમૅન બ્રધર્સ'ને કારણે દેશના આર્થિકક્ષેત્ર ઉપર સંકટ ઊભું હતું, જેનો રેલો ભારત સુધી પહોંચ્યો હતો. સરકાર તથા શૅરબજાર તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યાં હૈદરાબાદ ખાતે 'સત્યમ સ્કૅમ' બહાર આવ્યું.

રામલિંગા રાજુએ નાટ્યાત્મક રીતે પત્રકારપરિષદ સંબોધીને સ્વીકાર્યું નહીં, ત્યાં સુધી કંપનીના ઑડિટર્સ, ડાયરેક્ટર્સ, કર્મચારીઓ તથા સૅક્ટરના અન્ય લોકોને પણ આ કૌભાંડ અંગે કોઈ અણસાર આવ્યા ન હતા.

રાજુના કહેવા પ્રમાણે, તેઓએ રોકડ, વ્યાજ, આવક તથા નફાને વધારીને દર્શાવ્યા હતા. આવું વર્ષ 2001થી સપ્ટેમ્બર-2008 એમ 28 ત્રિ-માસિક ગાળા સુધી ચાલતું રહ્યું,છતાં ઑડિટર્સને ગંધ આવી ન હતી.

સપ્ટેમ્બર-2008ના ત્રિમાસિક ગાળા માટે 'સત્યમ'એ રૂ. 5,361 કરોડનું બૅન્કબૅલેન્સ તથા રોકડ દર્શાવી દર્શાવાયાં, જેમાં 5040 કરોડ ન હોવા છતાં દર્શાવાયા.

રાજુએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે બોર્ડના ડાયરેક્ટરો, પરિવારના નજીકના સભ્યો કે અન્ય કોઈને આ વિશે ખબર ન હતી અને તેઓ એકલા જ 'આત્મા ઉપર બોજ'ને ઊપાડી રહ્યા હતા અને તેને અંજામ આપ્યો હતો.

નેટફ્લિકની ડૉક્યુસિરીઝમાં રામલિંગા રાજુ સિવાય, સરકારી બૅન્કો સાથે છેતરપિંડીના આરોપી વિજય માલ્યા, સહરા જૂથના સુબ્રતો રૉય તથા પંજાબ નેશનલ બૅન્કના મેહુલ ચોકસી અને સિક્યૉરિટી સ્કૅમના હર્ષદ મહેતા જેવા કૌભાંડના આરોપીઓના કિસ્સાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આંકડાની ઇંદ્રજાળ

ઇમેજ સ્રોત, Getty Images

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના એક રિપોર્ટ પ્રમાણે,2002થી રાજુ પોતે જ એકાઉન્ટની ડિટેઇલ તથા બેઠકોની નોટ રાખતા હતા.

બે અલગ-અલગ આઈ.પી. ઍડ્રેસ ઉપર એકાઉન્ટની વિગતોનો સંગ્રહ કરવામાં આવતો હતો.

પબ્લિક પ્રૉસિક્યુટરના આરોપ મુજબ 'સત્યમ કમ્પ્યૂટર'માં ચોપડા ઉપર કંપનીમાં 53 હજાર કર્મચારી કામ કરતા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે વાસ્તવમાં 40 હજાર જેટલા જ કર્મચારી જ કામ કરતા હતા.

જે કર્મચારી ચોપડે હતા, પરંતુ વાસ્તવમાં અસ્તિત્વ ધરાવતા ન હતા, પરંતુ દર વર્ષે તેમના નામે પગાર ચોપડે ઉધારવામાં આવતો હતો.

આ સિવાય કંપનીના બિલિંગ સોફ્ટવૅરના કૉડ સાથે ચેડા કરીને 'સુપર યૂઝર'ની જોગવાઈ કરવામાં આવી હતી. જે કોઈ ઇનવૉઇસને દેખાડવા તથા છૂપાવવાનું કરી શકતો.

'સત્યમ'માંથી નાણાં કાઢવાં તથા તેની હેરફેર કરવા માટે 365 જેટલી કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.

આ માટે લૉન, ઍડવાન્સ તથા ઇન્ટર-કૉર્પોરેટ ઇન્વેસ્ટમૅન્ટ જેવાં માધ્યમોનો ઉપયોગ કરવામાં આવતો હતો.

વર્ષ 2008માં એક તબક્કે 'સત્યમ કમ્પ્યૂટર્સ'નો ભાવ રૂપિયા 544 સુધી પહોંચી ગયો હતો, જે વર્ષ 2009માં એક તબક્કે રૂપિયા છ સુધી પહોંચી ગયો હતો.

રોકાણકારોની સંપત્તિમાં લગભગ 14 હજાર કરોડ જેટલું ધોવાણ થયું હતું, જે કંપનીના અંદાજિત કૌભાંડ કરતાં બમણું હતું.

સત્યમ, મૅટાસ અને 108

ઇમેજ સ્રોત, Getty Images

'ઇન્ડિયા ટુડે'ના રિપોર્ટ મુજબ, 'સત્યમ કમ્પ્યૂટર્સ' ઉપરાંત રાજુનો પરિવાર 'મૅટાસ ઇન્ફ્રા' (લિસ્ટેડ કંપની) તથા 'મૅટાસ પ્રૉપર્ટી'માં પણ વેપારી હિત ધરાવતો હતો.

લગભગ સાડા સાત હજાર કરોડની કિંમતે રાજુએ આ કંપનીઓને સત્યમ કમ્પ્યૂટર્સને વેચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળતા રાજુના સામ્રાજ્યની ઊલટી ગણતરી શરૂ થઈ ગઈ હતી.

ખુદ રાજુની કબૂલાત પ્રમાણે, ચોપડે રહેલી સંપત્તિ તથા વાસ્તવિક સંપત્તિ વચ્ચેની ખાધને ભરવા માટે તેમણે આ પ્રયાસ કર્યો હતો. જોકે કેટલાક નિષ્ણાતોના મતે તેમની સંપત્તિની એટલી કિંમત હતી જ નહીં.

'સત્યમ' (Satyam)નું ઊલટું 'મૅટાસ' (Maytas) થાય. આગળ જતાં મૅટાસ ઇન્ફ્રા IL&FS (ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ ઍન્ડ ફાયનાન્સ સર્વિસીઝ)એ ખરીદી લીધી.

નવેમ્બર-2018માં IL&FS નિર્ધારિત ચૂકવણાં કરવામાં નિષ્ફળ રહ્યું. ફરી એક વખત સ્વતંત્ર નિર્દેશકો, ઑડિટરો, ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ તથા ઑડિટીંગ એજન્સીની લાપરવાહી સામે આવી.

આશ્ચર્યજનક રીતે 2001થી રાજુ કંપનીમાં તેમનો હિસ્સો ઘટાડી રહ્યા હતા, છતાં તેમાં ધાર્યું કરાવી શકતા હતા, જેમાં મૅટાસને ખરીદવાનો પ્રસ્તાવ પણ સમાવિષ્ટ છે.

ઑગસ્ટ 2005માં રાજુએ આંધ્રપ્રદેશમાં (એ સમયે તેલંગણા પણ આંધ્ર પ્રદેશનો ભાગ હતું) 24*7 સંકલિત આપાતકાલીન સુવિધા '108' શરૂ કરી.

જે ઇમરજન્સી મૅનેજમૅન્ટ ઍન્ડ રિસર્સ ઇન્સ્ટિટ્યૂટ (EMRI) અમેરિકાની આરોગ્યસેવા 911ની તર્જ ઉપર કામ કરતી હતી.

ગુજરાત સહિત અનેક રાજ્ય સરકારોએ 'પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ' મૉડલ ઉપર EMRIની સાથે કરાર કર્યાં, જેમાં રાજ્ય સરકારો ઍમ્બુલન્સ તથા અન્ય ખર્ચ કરતી, જ્યારે EMRI દ્વારા ટેકનિકલ સુવિધા પૂરી પાડવામાં આવતી.

રાજુના કબુલાતનામાના પ્રકરણ પછી આંધ્ર પ્રદેશની GVK (ગુનુપત્તી વેંકટ ક્રિષ્ના રેડ્ડી)એ EMRIનું સંચાલન સંભાળી લીધું. હાલમાં આ કંપની પણ દેવા હેઠળ દબાયેલી છે.

એક સમયે રાજુની કંપનીએ હૈદરાબાદ મેટ્રોરેલ પ્રોજેક્ટને પણ હાથ ધર્યો હતો, જે બાદમાં પાછો ખેંચી લેવાયો હતો.

શું થયું બાદમાં?

ઇમેજ સ્રોત, Getty Images

વૈશ્વિક મંદી તથા દેશની ઉપર આર્થિક સંકટના વાદળોની વચ્ચે 'સત્યમ સ્કૅમ'એ તંત્રને હચમચાવી નાખ્યું. વિશ્વવિખ્યાત ભારતની આઈ.ટી. કંપનીઓમાં વહીવટ તથા તેમની શાખ ઉપર સવાલ ઊભા થયા.

વિશ્વની 'બિગ ફોર' ઑડિટિંગ કંપનીમાં સમાવિષ્ટ PWC (પ્રાઇસવૉટરહાઉસ)ની કામગીરી ઉપર સવાલ ઊભા થયા. જોકે તે કોઈ દંડાત્મક કાર્યવાહીથી બચી રહી છે.

CBI (સેન્ટ્રલ બ્યૂરૉ ઑફ ઇન્વેસ્ટિગેશન), SEBI (સિક્યૉરિટી ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા), ઇન્કમ ટૅક્સ, રજિસ્ટ્રાર ઑફ કંપની અફેયર્સ (RoCA) થકી સરકારે દરમિયાનગીરી કરી તથા નવા ડાયરેકટરોની નિમણૂક કરી.

જેમાં એચ.ડી.એફ.સી. (હાઉસિંગ ડેવલપમૅન્ટ ફાયનાન્સ કૉર્પોરેશન) બૅન્કના દીપક પારેખ, આઈટી સંગઠન NASSCOM (નેશનલ ઍસોસિયેશન ઑફ સોફ્ટવૅર ઍન્ડ સર્વિસ કંપનીઝ)ના પૂર્વ વડા કિરણ કર્ણિક તથા સેબીના પૂર્વ સભ્ય સી. અચ્યુતાનંદન સહિતના અનુભવીઓનો સમાવેશ કરવામાં આવ્યો.

સેબીની મંજૂરી સાથે બોર્ડે કર્મચારીઓના હિત, રોકાણકારોની મૂડી તથા સત્યમના વૈશ્વિક ગ્રાહકોમાં ભારતની પ્રતિષ્ઠા જળવાય રહે તે માટે વેચવાનો નિર્ણય કર્યો.

છ મહિના બાદ જૂન મહિનામાં ટેક મહિન્દ્રાએ સત્યમમાં નિર્ણાયક હિસ્સો ખરીદી લીધો. અને 'મહિન્દ્રા સત્યમ' તરીકે તેને ઓળખ મળી. 2012માં 'ટેક મહિન્દ્રા' સાથે તેનું બહુપ્રતિક્ષિત મર્જર થઈ ગયું.

ટેક મહિન્દ્રાના સી.ઈઓ. (ચીફ ઍક્ઝિક્યુટિવ ઓફિસર) સી. પી. ગુરનાનીના કહેવા પ્રમાણે, 2009થી 2019ના ગાળા દરમિયાન કંપનીના કર્મચારીઓની સંખ્યા વધીને એક લાખ 20 હજાર ઉપર પહોંચી ગઈ છે.

એ સમયે કંપનીના 300 ક્લાયન્ટ હતા, જે આજે 930 ઉપર પહોંચી ગયા છે. માત્ર એક ક્લાયન્ટે પોતાના આંતરિક પરિબળોને કારણે સત્યમ સાથે છેડો ફાડ્યો છે.

રોકાણકારોની સંપત્તિમાં છ ગણો વધારો થયો હોવાનો દાવો છે, આ સિવાય કંપનીએ તેમને ડિવિડન્ડ પણ ચૂકવ્યું છે.

સી.બી.આઈ. સમયસર ચાર્જશીટ દાખલ ન કરી શકતાં સુપ્રીમ કોર્ટે રામલિંગા રાજુને જામીન આપી દીધા.

2015માં હૈદરાબાદની સ્થાનિક કોર્ટે તેમને તેમના ભાઈ તથા અન્ય પદાધિકારીઓને દોષિત ઠેરવ્યા તથા તેમને દંડ ફટકાર્યો.

હાલમાં રાજુ તથા અન્ય આરોપીઓ જામીન ઉપર બહાર છે. તેઓ હૈદરાબાદના પોશ બંજારા હિલ્સ વિસ્તારમાં પુત્રો તેજા અને રામ (બંને સત્યમમાં તેમની સાથે જોડાયેલા હતા) તથા પુત્રવધુઓ સાથે રહે છે.

પરિવારની ગણતરી શહેરના સંપન્ન લોકોમાં થાય છે અને રાજુ તેમનું માર્ગદર્શન કરતા રહે છે.

રાજ્ય તથા કેન્દ્ર સરકારનની અનેક તપાસ એજન્સીઓએ અલગ-અલગ આયામથી તપાસ હાથ ધરી છતાં તેઓ બહાર રહી શક્યા છે અને 'પ્રતિષ્ઠાને નુકસાન'નું કારણ આગળ કરીને કોર્ટમાંથી નેટફ્લિક્સની ડૉક્યુ સિરીઝ સામે આદેશ મેળવવામાં સફળ રહ્યા છે.

યોગાનુયોગ રૉય તથા ચોક્સીએ પણ અદાલતમાં સમાન પ્રકારના તર્ક આપીને રિલીઝને અટકાવવાની રજૂઆતો કરી છે

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો